
રવીન્દ્ર પારેખ
વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમ ક્રમશ: બંધ કરવાનો નિર્ણય લીધો છે, એટલે નવાં શૈક્ષણિક વર્ષથી એક્સ્ટર્નલ અભ્યાસક્રમમાં પ્રવેશ ન અપાય એમ બને. જે વિદ્યાર્થીઓ નોકરી કરીને બહારથી ઉચ્ચ શિક્ષણ મેળવતા હતા તે દિશા હવે બંધ થશે. હાલ જે વિદ્યાર્થીઓ એક્સ્ટર્નલ કોર્સિસમાં અભ્યાસ કરે છે, તેઓ તો પરીક્ષા આપી શકશે, પણ હવે પછી એ અભ્યાસક્રમમાં આગળ નહીં વધી શકે. તે એટલે કે નવી શિક્ષણ નીતિ-2020 તેમાં બાધક બને છે. એક્સ્ટર્નલ વાર્ષિક છે ને તે સેમેસ્ટરમાં કન્વર્ટ કરવાની મુશ્કેલી છે. બીજાં કારણો પણ છે. મહત્ત્વનું એક કારણ તે એસાઇન્મેન્ટ ફરજિયાત થતાં ક્લાસમાં અઠવાડિક હાજરી જરૂરી થઈ જશે. અઠવાડિક હાજરી જરૂરી જ બનવાની હોય કે રેગ્યુલર સ્ટુડન્ટની જેમ એસાઇન્મેન્ટ ફરજિયાત જ થવાનાં હોય, તો રેગ્યુલર અને એક્સ્ટર્નલ વચ્ચે યુનિવર્સિટી કયો ફરક કરે છે તેની સ્પષ્ટતા થવી જોઈએ.
નવી એજ્યુકેશન પોલિસી કે કોઈ પણ પોલિસી એવી તો કેવી રીતે હોય કે તે ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું ભણતર રોકે? એક વાત બહુ સ્પષ્ટ છે કે એક્સ્ટર્નલ કોર્સિસ કરે છે તે વર્ગમાં હાજરી આપી શકે એમ હોત તો તેણે બહારથી ભણવાનું સ્વીકાર્યું જ ન હોત. નોકરી વગર તેને ચાલે એમ નથી કે કોઈ ગૃહિણી વર્ગમાં હાજરી આપી શકે એમ નથી, પણ તેણે ભણવું છે. તેને માટે એક્સ્ટર્નલ અભ્યાસક્રમ આશીર્વાદરૂપ છે, તેવા ભણતર ઈચ્છુક વિદ્યાર્થીઓના એક્સ્ટર્નલ કોર્સિસ બંધ કરીને, તેમને ભણતા અટકાવવાનું કામ નર્મદ યુનિવર્સિટીએ ટાળવા જેવું છે.
એક કારણ આ અભ્યાસક્રમ બંધ કરવાનું એ અપાય છે કે એક્સ્ટર્નલ વાર્ષિક છે અને તે સેમેસ્ટરમાં કન્વર્ટ કરવાની મુશ્કેલી છે, તો સવાલ એ થાય કે વાર્ષિકને સેમેસ્ટરમાં કન્વર્ટ કરવાની જરૂર શી છે? પણ હકીકત એ છે કે યુનિવર્સિટી હવેથી સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરવા જઈ રહી છે. જો મીડિયાએ દાટ વાળ્યો ન હોય તો, સેમેસ્ટરના કોઈ સેલ્સમેનની જેમ ફાયદા ગણાવાયા છે. જેમ કે, સેમેસ્ટરથી રિઝલ્ટ સુધરશે, આખું વર્ષ વાંચવું નહીં પડે, અભ્યાસનો બોજો ઘટશે, લગ્ન પછી ભણતી વિદ્યાર્થિનીઓ માટે આ પદ્ધતિ સરળ રહેશે …. વગેરે. આ બધું વધારે ભણવું-વાંચવું ન પડે એટલે થાય છે? તો વધારે સહેલું એ નહીં કે વિદ્યાર્થી પાસેથી ફી લઈને સીધું પ્રમાણપત્ર જ મોકલી અપાય, તો આટલી જીવદયા પણ કરવાની ન રહે? વારુ, સેમેસ્ટર પદ્ધતિ આટલી જ ફળદાયી હતી, તો 11 વર્ષ પહેલાં તે રદ્દ કેમ કરવામાં આવી? ત્યારે રદ્દ કરવા જેવી હતી, તો આજે એવું શું ખાસ છે કે તે ફરી દાખલ કરવી પડે?
ગમ્મત તો એ છે કે તે વખતના આચાર્ય ને આજના કુલપતિશ્રી એક્સ્ટર્નલ અભ્યાસક્રમમાં આ જ સેમેસ્ટર પદ્ધતિના વિરોધમાં હતા ને હવે સાહેબ સેમેસ્ટરની તરફેણમાં છે. સાચું તો એ છે કે 2014-’15માં રદ થયેલી સેમેસ્ટર પદ્ધતિ 11 વર્ષે ફરી લાવવાની કોઈ અનિવાર્યતા પ્રતીત થતી નથી, તો આ અખતરો યુનિવર્સિટીએ પડતો મૂકવો જોઈએ, એવું ખરું?
એકેડેમિક કાઉન્સિલની 11 સપ્ટેમ્બર, 2025ની સભામાં એવો ઠરાવ થયો કે શૈક્ષણિક વર્ષ 2025-‘26થી અનુસ્નાતક એક્સ્ટર્નલ અભ્યાસક્રમોમાં સેમેસ્ટર પદ્ધતિ મુજબ પ્રવેશ આપવામાં આવશે. સ્નાતક કક્ષાએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમ રદ્દ કરવાનાં કારણોમાં એક કારણ એ અપાયું કે વાર્ષિકને સેમેસ્ટરમાં કન્વર્ટ કરવાની મુશ્કેલી છે, તો સવાલ એ થાય કે સ્નાતક કક્ષાએ સેમેસ્ટરમાં કન્વર્ટ કરવાનું મુશ્કેલ લાગ્યું, તે અનુસ્નાતક કક્ષાએ દાખલ કરવાનું સરળ કઈ રીતે લાગ્યું?
વારંવાર અનેક પદ્ધતિઓમાં ફેરફાર કરવાથી જ શિક્ષણ સુધરે છે એવો ખ્યાલ ગુજરાત શિક્ષણ વિભાગની ઓળખ છે. નર્મદ યુનિવર્સિટીએ એનું અનુકરણ કરવા જેવું નથી. સેમેસ્ટર દાખલ ન થાય તો એક્સ્ટર્નલ અભ્યાસક્રમ પણ નાબૂદ ન કરવો પડે તે કહેવાની જરૂર નથી. અનુસ્નાતક એક્સ્ટર્નલ અભ્યાસક્રમ સેમેસ્ટર પદ્ધતિમાં પણ ચાલુ રાખવા યુનિવર્સિટી તૈયાર છે, તો સ્નાતક કક્ષાએ એ અભ્યાસક્રમ ચાલુ રાખવાનું મુશ્કેલ ન બનવું જોઈએ.
એક તરફ જી-કાસના રકાસને કારણે હજારો જગ્યાઓ ખાલી છે ને બીજી તરફ હજારોને પ્રવેશનાં ઠેકાણાં નથી. એ સંજોગોમાં એક્સ્ટર્નલ અભ્યાસક્રમ એક વિક્લ્પ છે. એ વિકલ્પ બંધ ન થવો જોઈએ. એમ પણ કહેવાય છે કે વિદ્યાર્થીઓ ઘટતા જાય છે. એક્સ્ટર્નલમાં પણ એ જ સ્થિતિ છે. એ સાચું હોય તો પણ, માત્ર એક વિદ્યાર્થી માટે આ જ યુનિવર્સિટી પરીક્ષાની બધી વ્યવસ્થા કરી શકતી હોય કે કેમ્પસમાં ખોટ ખાઈને પણ અભ્યાસક્રમો ચલાવી શકતી હોય, તો એક્સ્ટર્નલમાં સારી સ્થિતિ છે, તો શું કામ એ અભ્યાસક્રમ ચાલુ રાખીને યુનિવર્સિટી વિદ્યાર્થીઓને મદદરૂપ ન થઈ શકે? આંકડાઓ એમ પણ કહે છે કે 10 વર્ષમાં બી.એ.માં 74 ટકા અને બી.કોમમાં 70 ટકા વિદ્યાર્થીઓ ઘટ્યા છે. આ સ્થિતિ અન્ય યુનિવર્સિટીઓની પણ છે જ. આ સ્થિતિ વધુ કથળે એમ છે ને કેમ ન કથળે? હજારો રૂપિયા ખર્ચીને, મહત્ત્વનાં ચાર-છ વર્ષ વેડફીને છેલ્લે નોકરી વગર બેકારમાં જ ખપવાનું હોય તો કોઈ પણ ક્યાં સુધી જિંદગીનાં વર્ષો વેડફવાનું પસંદ કરશે? એ જ કારણ છે કે સ્થિતિ સંપન્ન હોંશિયાર વિદ્યાર્થીઓ અન્ય દેશોમાં એડમિશન મેળવે છે ને આ રીતે વિદેશ વસતાં યુવાધનની ભવિષ્યમાં પડનારી ખોટની આપણને ચિંતા પણ નથી.
કેવું છે આ? હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નથી ને હજારો જગ્યાઓ ખાલી છે. હજારો જગ્યાઓ શિક્ષકોની ખાલી છે ને હજારો ઉમેદવારોને નોકરી નથી. આ બધું બરાબર છે? આની સરકારને ખબર નથી એવું નથી. ઘણીવાર તો એ જ આંકડાઓ બહાર પાડીને અરાજકતાનો અણસાર આપે છે, પણ હકીકત એ છે કે સ્થિતિ બદથી બદતર છે.
એક દલીલ એવી થાય છે કે એક્સ્ટર્નલ અભ્યાસક્રમો આ યુનિવર્સિટી ન ચલાવી શકે. તે એટલે કે એક્સ્ટર્નલ અભ્યાસક્રમ માટે આંબેડકર યુનિવર્સિટી કે અન્ય ઓપન યુનિવર્સિટીઓ છે. એ સાચું છે, પણ એવી યુનિવર્સિટીઓ હોવા છતાં આ યુનિવર્સિટીએ એકસ્ટર્નલના કોર્સિસ આટલાં વર્ષ ચલાવ્યાં છે ને અનુસ્નાતકના તો ચલાવવાની જ છે. એવું પણ નથી કે સ્નાતક કક્ષાના એક્સ્ટર્નલના વર્ગો ચલાવવા નથી, પણ નવી શિક્ષણ નીતિ મુજબ વાર્ષિકને સેમેસ્ટરમાં ફેરવવાનું મુશ્કેલ લાગે છે, એટલે તે બંધ કરવા ઇચ્છે છે. કદાચ કોઈ કીમિયો હાથ લાગી જાય તો આ અભ્યાસક્રમ ચાલુ રહે એમ બને ને સૌથી મોટી વાત તો એ કે સુરતમાં નર્મદ યુનિવર્સીટી હાજરાહજૂર હોય તો અહીંના વિદ્યાર્થીઓએ આંબેડકર કે અન્ય યુનિવર્સિટી સુધી લાંબા શું કામ થવું જોઈએ? ખરેખર તો એક્સ્ટર્નલ અભ્યાસક્રમ બંધ થશે તો ગરીબો, વંચિતો ને પછાત વિદ્યાર્થીઓ શિક્ષિત થવાની તકોથી દૂર રહેશે.
આ યુનિવર્સિટીમાંથી એકસ્ટર્નલ વિદ્યાર્થી તરીકે સફળ કારકિર્દી બનાવી છે, તેમનું પણ માનવું છે કે આ અભ્યાસક્રમ બંધ ન થવો જોઈએ. ઉંમરનો બાધ ન હોવાથી મોટી ઉંમરની વ્યક્તિ પણ એક્સ્ટર્નલ અભ્યાસક્રમનો લાભ લઈ શકે છે, એ રીતે અર્નિંગ વિથ લર્નિંગનો પણ મહિમા થાય છે, તો વીર નર્મદ યુનિવર્સિટી આ અભ્યાસક્રમને ચલાવે એ અપેક્ષિત છે, એટલું જ નહીં, તીવ્રપણે અપેક્ષિત છે.
વિદ્યાર્થીઓ ઘટતા જાય છે એ સૌ જાણે છે, પણ આમ થવાનું એક કારણ પ્રવેશમાં થતો અસહ્ય વિલંબ છે. ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (જિ-કાસ) દ્વારા 15-16 સપ્ટેમ્બરે છઠ્ઠો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. કમાલ તો એ છે કે અત્યાર સુધી 30 રાઉન્ડ યોજાયા હોવા છતાં, 45-55 ટકાવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યાં નથી. એડમિશન તો થતાં થશે, પણ તે પહેલાં સેમેસ્ટરની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર થઇ ગયું છે. (બને કે પ્રવેશ બીજી ટર્મમાં મળે ને પરીક્ષા પહેલાં લેવાઈ ગઈ હોય) પહેલાં સત્રની પરીક્ષા જાહેર થઈ જાય ને ટર્મ પૂરી થવા આવે ત્યાં સુધી એડમિશનનું ઠેકાણું જ ન પડે એ કેવું?
એક સમય હતો, જયારે 15 જૂને નવું સત્ર શરૂ થતું કે એડમિશન, ફી … વગેરે પતી જતું અને એક બે દિવસમાં તો ભણવાનું પાટે ચડી જતું. હવે લગભગ એક ટર્મ એડમિશનમાં જ વીતે છે. ટર્મ પૂરી થવા આવે ને ફી ભણ્યા-ભણાવ્યા વગર પૂરી લેવાતી હોય એ બરાબર છે? એડમિશન માટે 30-30 રાઉન્ડ કરવા પડે એ કેવું? કારણો ગમે તે હોય, પણ બધું સેન્ટ્રલાઇઝ કરવામાં તો ગરબડ નથી થતીને તે જોવું જોઈએ. થોડું વિકેન્દ્રીકરણ પણ જરૂરી છે. ખાટલે મોટી ખોડ તો એ છે કે આ બધું સરકારને દેખાવું જોઈએ, પણ તેણે તો કશું પણ ન જોવાના સોગંદ ખાધાં છે. અર્જુને તો પક્ષીની આંખ જોઇને જ નિશાન લીધું હતું, જ્યારે આપણો શિક્ષણ વિભાગ તો બંધ આંખે પક્ષીની આંખ વીંધ્યાના વ્હેમમાં રાચે છે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 સપ્ટેમ્બર 2025