
ચંદુ મહેરિયા
સંયુક્ત રાષ્ટ્રસંઘની વિશ્વના તમામ દેશોને, દર દસ વરસે, વસ્તીગણતરી કરી તેનો અહેવાલ પ્રગટ કરવાની ભલામણ છે. તે પ્રમાણે વર્તમાન દાયકે ૧૪૩ દેશોએ વસ્તીગણતરીનું કાર્ય પૂર્ણ કરી દીધું છે. જે ૪૪ દેશોએ હજુ આ કામ હાથ ધર્યું નથી તેમાં ભારતનો સમાવેશ થાય છે. યુક્રેન, સીરિયા, મ્યાંમાર, યમન, અફઘાનિસ્તાન અને શ્રીલંકા જેવા યુદ્ધગ્રસ્ત, રાજકીય ઊથલપાથલ, આંતરિક સંઘર્ષ અને આર્થિક સંકટ સહેતા દેશોમાં વસ્તીગણતરી આરંભાઈ નથી. તેમાં ભારતનું પણ નામ છે! આપણે ૨૦૨૧માં વસ્તીગણતરી કરવાની હતી. પરંતુ કોવિડ મહામારીને કારણે હજુ તેની શરૂઆત થઈ શકી નથી. અગાઉ બ્રિટિશ ભારતમાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કે આઝાદ ભારતમાં ચીન-પાકિસ્તાન સાથેના યુદ્ધો વખતે પણ જે પ્રક્રિયા અટકી નહોતી, તેને મહામારીએ અટકાવી છે. હવે ૨૦૨૫માં તે શરૂ થશે અને ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થશે તેવી આશા બંધાઈ છે.
એવું નથી કે આપણે વસ્તીગણતરી માટે પૂર્વ તૈયારીઓ કરી નહોતી. ૨૦૧૯માં રૂ. ૯,૦૦૦ કરોડનો ખર્ચ અને ૩.૫ મિલિયન અધિકારી/કર્મચારીઓનો ઉપયોગ થવાના અંદાજ સાથે કાર્ય શરૂ થવાની ગણતરી હતી. પરંતુ કોરોનાને કારણે સ્થગિત રાખવું પડ્યું છે. વસ્તીગણતરીની પ્રક્રિયા આરંભાય તે પહેલાં ગામ, નગર, તાલુકા, પ્રાંત, જિલ્લાના વહીવટી સીમાડા નક્કી થઈ જવા જોઈએ. જેથી ચોક્કસ માહિતી મળી શકે. આ બધામાં ફેરફારની સમયસીમા નક્કી કરવી તે વસ્તીગણતરીની પ્રક્રિયાની શરૂઆત પહેલાનું મહત્ત્વનું વહીવટી પગલું છે. અત્યાર સુધીમાં આ સમય સીમા અગિયાર વખત લંબાવવામાં આવી છે. હવેની સમય મર્યાદા ડિસેમ્બર-૨૦૨૪ છે. એટલે ૨૦૨૫ના ફેબ્રુઆરીમાં વસ્તીગણતરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા જણાય છે.
ભારતમાં વસ્તીગણતરીનો દીર્ઘ અને સમૃદ્ધ ઇતિહાસ છે. ઈ.સ. પૂર્વે ૮૦૦ થી ૬૦૦ પૂર્વે કોઈક પ્રકારની વસ્તીગણતરી કરવામાં આવતી હોવાનો ઋગ્વેદમાં ઉલ્લેખ જોવા મળે છે. અર્થશાસ્ત્રના રચયિયા ચાણક્ય(કે કૌટિલ્ય)એ ઈ.સ. પૂર્વેની ત્રીજી સદીમાં કર ઉઘરાવવા માટે વસ્તી ગણતરી કેટલી અગત્યની છે તે સમજાવ્યું હતું. મોગલ બાદશાહ અકબરના શાસનના વહીવટી અહેવાલ ‘આઈ-ને- અકબરી’માં રાજ્યની વસ્તીની મહત્ત્વની માહિતી સામેલ હતી.
માહિતી કે આંકડાપ્રેમી બ્રિટિશરોએ ઈ.સ.૧૮૦૦માં બ્રિટનમાં વસ્તીગણતરી શરૂ કરી હતી. પણ આશ્રિત દેશોમાં એ વખતે વસ્તી ગણતરી કરી નહોતી. અંગ્રેજ શાસન કાળના ભારતમાં પહેલાં અલ્હાબાદ, બનારસ અને ઢાકાની વસ્તીગણતરી થઈ હતી. સમગ્ર ભારતની પૂર્ણ વસ્તીગણતરી લોર્ડ રિપનના વાઈસરોય કાળમાં ૧૮૮૧માં થઈ હતી. ત્યારથી ભારતમાં દર દાયકે વસ્તીગણતરી થતી રહી છે. બ્રિટિશ ભારત અને આઝાદ ભારતમાં સાત-સાત વખત એમ કુલ ચૌદ વસ્તીગણતરી થઈ છે. ૨૦૨૧માં સળંગ પંદરમી અને સ્વતંત્ર ભારતની આઠમી વસ્તીગણતરી હવે થવાની છે.
કોઈ દેશ કે તેના ચોક્કસ ભાગની વ્યક્તિઓની વસ્તી સંબંધી, સામાજિક-આર્થિક માહિતી અને વિગતો એકઠી કરવી, તેનું સંકલન કરવું, મૂલ્યાંકન અને વિષ્લેષણ કરવું અને તે પ્રકાશિત કરવાની સમગ્ર પ્રક્રિયા એટલે વસ્તીગણતરી. વસ્તીગણતરીમાં માહિતીનો ખજાનો હોય છે. દેશના લોકોની માહિતીનો તે સૌથી મોટો ભંડાર છે. ગામ, કસબા, વોર્ડ, વસ્તીથી લઈને સમગ્ર દેશની જાતભાતની માહિતી તેમાંથી મળી રહે છે. તેના આધારે નીતિઓ ઘડાય છે, કલ્યાણ યોજનાઓના લાભ પહોંચાડાય છે અને સંશોધનો થાય છે.
બંધારણ અન્વયે વસ્તીગણતરી સંઘ યાદીનો વિષય છે. એટલે કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળ વસ્તી ગણતરીનું કામ હાથ ધરાય છે. તેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સમર્થન અને સહયોગની આવશ્યકતા છે. વસ્તીગણતરીનું ગંજાવર કામ રાજ્યોની મદદ વિના પાર પાડવું શક્ય નથી. રાજ્યોમાં વસ્તી ગણતરીના નિયામકોના ક્ષેત્રિય કાર્યાલયો હોય છે. જે તે જિલ્લાના કલેકટર જિલ્લા વસ્તીગણતરી અધિકારી હોય છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આશરે અઢાર મહિના વસ્તીગણતરીનું કાર્ય ચાલે છે.
૨૦૨૫ની વસ્તી ગણતરી અનેક રીતે વિશિષ્ટ હશે. દેશમાં પહેલી વાર ડિજિટલ વસ્તીગણતરી થવાની છે. એટલે આ વખતે કોઈ કર્મચારી કશા કાગળિયા કે ચોપડા લઈને નહીં ટેબલેટ કે સ્માર્ટ ફોન લઈને વસ્તી ગણતરી કરવા આવશે. ઘરેઘરે ફરીને તે પોર્ટલમાં માહિતી એકત્ર કરશે. કોઈ પણ દેશવાસી જાતે પોતાની માહિતી એપમાં આપી શકશે.
હાલની વસ્તી ગણતરીની મથામણ માયાજાળ પણ છે અને તેના અંગે ઘણાં મતભેદો પણ છે. વસ્તીગણતરીમાં થયેલા વિલંબ માટે મહામારી એક માત્ર કારણ નથી. ઘણા પડકારોનો સામનો આ વખતની વસ્તી ગણતરી સામે છે.
માહિતી મુજબ સ્ત્રી-પુરુષ ઉપરાંત ટ્રાન્સજેન્ડરની માહિતી પ્રથમ વખત લેવામાં આવશે. સપ્ટેમ્બર ૨૦૨૩માં સંસદે વિધાનગૃહોમાં મહિલા અનામતનું બિલ પસાર કર્યું છે. પરંતુ તેનો અમલ વસ્તીગણતરી પછી જ થઈ શકે તેમ છે. એટલે મહિલાઓ તેમના રાજકીય પ્રતિનિધિત્વ માટે જલદીથી વસ્તી ગણતરી થાય તેમ ઈચ્છે છે. લોકસભા અને રાજ્યોના વિધાનગૃહોની હાલની બેઠકોમાં પણ આ વસ્તીગણતરી પછી સુધારો થવાનો છે. વસ્તીગણતરી પછી જ લોકસભા અને વિધાનસભાની બેઠકોનું સીમાંકન હાથ ધરાશે. એટલે બેઠકોમાં વધારો અને મહિલા અનામત માટે વસ્તીગણતરી વિના વિલંબે થવી જોઈએ.
કાઁગ્રેસ અને બીજા વિપક્ષો લાંબા સમયથી જ્ઞાતિવાર વસ્તીગણતરીની માંગ કરી રહ્યા છે. સત્તાપક્ષ તેનો સીધો વિરોધ કરી શકતો નથી. બિહારે જાતિ જનગણના કરીને તેનો અહેવાલ પણ જાહેર કર્યો હતો. બિહાર, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને ઓડિશાની રાજ્ય વિધાનસભાઓએ જાતિ જનગણનાની તરફેણમાં પ્રસ્તાવો પસાર કર્યા છે. પરંતુ સરકાર માટે નિર્ણય લેવો કઠિન છે.
હાલની વસ્તીગણતરીમાં અનુસૂચિત જાતિ, જનજાતિની ગણના થાય છે. તેના આધારે તેમની અનામતની ટકાવારી નક્કી થાય છે. પરંતુ અન્ય પછાતવર્ગોની ગણતરી થતી નથી. આ માટે ૧૯૪૮ના વસ્તીગણતરી અધિનિયમનમાં સુધારો કરવો પડે તેમ છે. એક તરફ વિપક્ષોનું દબાણ અને બીજી તરફ સરકારની અસમંજસ સ્થિતિમાં વસ્તી ગણતરીનું કામ થવાનું છે.
સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ, જનજાતિની અનામતમાં પેટા વર્ગીકરણ દાખલ કર્યું છે. જો તેનો અમલ કરવો હોય તો તે જ્ઞાતિઓમાં રહેલી પેટા જ્ઞાતિઓની ગણતરી કરવી પડે અને જાતિ જનગણના માટે તમામ ભારતીય નાગરિકોની જ્ઞાતિ જાણવી પડે. યાદ રહે ભારતમાં અગાઉ જાતિ જનગણના થતી હતી. છેલ્લે ૧૯૩૧ની વસ્તીગણતરીમાં જાતિ જનગણના થઈ હતી. તે પછી ૨૦૧૧માં સામાજિક, આર્થિક અને જ્ઞાતિ ગણના થઈ હતી. પરંતુ તેનો અહેવાલ જાહેર થયો નથી. એટલે હાલમાં તો ૧૯૩૧ના આંકડાઓને આધાર માનવામાં આવે છે.
કેન્દ્ર સરકારે સી.એ.એ. અને એન.આર.સી.ને લગતા કાયદા ઘડ્યા છે. એટલે આ વખતની વસ્તીગણતરીમાં NRIC અને NPR લાગુ પાડવાનો પણ સવાલ છે. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અપડેટ કરવું અને ભારતના નાગરિકો ન હોય તેમને જુદા તારવવાનું કામ આ વસ્તી ગણતરીમાં થવાની શક્યતા છે.
જો વસ્તીગણતરીનો અહેવાલ ૨૦૨૭ સુધીમાં પ્રગટ થવાનો હોય તો તે પછીની વસ્તીગણતરી માત્ર ત્રણ જ વરસ પછી ૨૦૩૧માં કદાચ હાથ ધરવાને બદલે વસ્તીગણતરીનું ચક્ર બદલાય અને તે ૨૦૩૫માં હાથ ધરવામાં આવે અને તે પછી તે પ્રમાણે જ વસ્તી ગણતરી થાય તેમ બનવા જોગ છે.
ભારતની વસ્તીગણતરીનો દોઢસો વરસોનો ગૌરવશાળી ઇતિહાસ છે. તેમાં પહેલીવાર વિક્ષેપ ઊભો થયો છે. આ વિલંબે ઘણી પ્રતિકૂળ અસરો જન્માવી છે. એટલે હવે વધુ સમય ન લેતાં ૨૦૨૫માં વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ.
સામાન્ય રીતે વસ્તીગણતરીના આંકડા જાહેર થાય તે પછી તેના પર રાજકારણ ખેલાય છે. આ વેળાની વસ્તીગણતરી તેમાં પણ અપવાદ છે. વસ્તીગણતરીમાં વિલંબના કારણો અને સમાવવાના મુદ્દા અંગે હાલની જનગણના અત્યારથી જ રાજકારણનો ભાગ અને ભોગ બની છે.
e.mail : maheriyachandu@gmail.com