Opinion Magazine
Number of visits: 9504384
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વર્ષા અડાલજા : પ્રેરણા અને પરિશ્રમથી મહેકતો શબ્દ

દીપક મહેતા|Opinion - Literature|16 December 2021

આપણાં મોટા ગજાનાં સર્જક વર્ષા અડાલજાની આત્મકથા ‘પગલું માંડું હું અવકાશમાં’નું હપ્તાવાર પ્રકાશન આવતી કાલ, તા. ૧૭ ડિસેમ્બર ૨૦૨૧થી શરૂ થાય છે. આ પ્રકાશન એક કરતાં વધુ કારણોસર આપણા સાહિત્યમાં નોખી ભાત પાડે તેવું છે. પહેલું કારણ તો એ કે આપણી ભાષામાં સ્ત્રીઓએ, અને એમાં ય લેખિકાઓએ લખેલી આત્મકથા ભાગ્યે જ જોવા મળે છે. બીજું કારણ એ કે મુદ્રિત પુસ્તક તરીકે પ્રગટ થતાં પહેલાં તેનું પ્રકાશન ડિજિટલ સ્વરૂપે સોશિયલ મીડિયા પર હપ્તાવાર થવાનું છે. આવું આ પહેલી વાર જ બની રહ્યું છે. અને ત્રીજું કારણ એ કે આ આત્મકથા ‘સચિત્ર’ છે. આપણે ત્યાં જે આત્મકથાઓ પ્રગટ થઈ છે તે ભાગ્યે જ સચિત્ર હોય છે. બહુ બહુ તો લેખકના એક-બે ફોટા મૂક્યા હોય. પણ વર્ષાબહેને કાળજીપૂર્વક જાળવી રાખેલાં ફોટા, ચિત્રો, અન્ય દસ્તાવેજી સામગ્રીમાંથી ઘણું અહીં રજૂ થશે એવી આશા છે. પરિણામે આ પ્રકાશન દસ્તાવેજી દૃષ્ટિએ પણ મહત્ત્વનું બની રહે તેવો પૂરો સંભવ છે.

આ આત્મકથાના પ્રકાશન ટાણે વર્ષાબહેન વિશેનો એક લેખ અહીં મૂકું છું.

***

લગભગ પચાસ વરસ પહેલાંના મુંબઈની એક સાંજ. જૂનનું બીજું અઠવાડિયું પૂરું થવા આવ્યું છે, પણ વરસાદનું નામનિશાન નથી. વાતાવરણમાં અકળામણ, ઉકળાટ. એવી એક સાંજે પતિ ઓફિસેથી ઘરે આવે છે. નવપરિણીત પત્નીના મોં  સામે જોતાં જ પામી જાય છે કે વધુ અકળામણ અને ઉકળાટ તો અહીં છે.

પૂછે છે : કેમ, શું ચાલે છે?

આ ભંગાર ચોપડી વાંચું છું, ટાઈમ પાસ કરવા, બીજું શું?

એના કરતાં તું જ એક સારી ચોપડી લખ ને!

હું? મને લખતાં ક્યાં આવડે છે?

મોટા ગજાના લેખકની દીકરીને લખતાં ન આવડે એવું બને? લખી તો જો.

અને બીજે દિવસે સાંજે પતિ મોંઘી દાટ પાર્કર પેન અને કોરા કાગળની થપ્પી હાથમાં મૂકે છે.

નવલકથા એટલે શું, કેવી રીતે લખાય, એની એ વખતે કશી ગતાગમ નહોતી એમ એ લેખિકાએ જ પછીથી કબૂલ્યું છે. પણ મુંબઈની રામનારાયણ રુઈયા કોલેજમાં ભણતાં ભણતાં અંગ્રેજી સુધારવા પી.જી. વુડહાઉસ, પેરી મેસન, આગાથા ક્રિસ્ટી, વગેરેને ખૂબ વાંચેલાં. એટલે કૈંક રહસ્યમય લખવાનું વિચાર્યું. પહેલાં દસેક પાનાં લખવાનું અઘરું લાગ્યું,  પણ પછી તો ધીમે ધીમે પાત્રો ઉમેરાતાં ગયાં, કથા આગળ વધવા લાગી.  થોડા દિવસ પછી એ નવલકથાની હસ્તપ્રત લઈને લેખિકા એક પ્રકાશક પાસે ગયાં. હસ્તપ્રત આપી કહ્યું : એક નવલકથા લખી છે.

પ્રકાશક : નામ શું નવલકથાનું?

નામ? નામ તો વિચાર્યું જ નથી.

એ વખતે પ્રકાશકની દુકાનમાં જાણીતા કવિ વેણીભાઈ પુરોહિત બેઠેલા. લેખિકાએ તેમને ટૂંકમાં પ્લોટનો ખ્યાલ આપ્યો. વેણીભાઈ કહે : નામ રાખો, પાંચ ને એક પાંચ. એ નવલકથાની લેખિકાનું નામ વર્ષા મહેન્દ્ર અડાલજા (લગ્ન પહેલાંનું નામ, વર્ષા ગુણવંતરાય આચાર્ય). જન્મ, ૧૦ એપ્રિલ ૧૯૪૦.

પાંચ ને એક પાંચ ૧૯૬૯માં પ્રગટ થઈ અને વર્ષાબહેને શબ્દની સૃષ્ટિમાં પ્રવેશ કર્યો. પછી તો વર્ષાબહેને કલમ પકડી એટલું જ નહિ, કલમે પણ વર્ષાબહેનને પકડ્યાં. સમય અને સમાજના વિશાળ પટને આવરી લેતી ‘ક્રોસરોડ’ નવલકથા ૨૦૧૬માં પ્રગટ થઈ. વચમાંનાં ૪૮ વર્ષના સમયગાળામાં બીજાં ૫૦ પુસ્તકો પ્રગટ થયાં.

રહસ્ય કથા તો લખાઈ ગઈ. પછી પ્રકાશક કહે કે હવે સામાજિક નવલકથા લખો. અત્યારે એ વધુ ચાલે છે. ફરી વિમાસણ : આ સામાજિક નવલકથા તે વળી કઈ બલા? પણ નાનપણમાં જોયેલી સાઉથની ફિલ્મો મદદે આવી. એ બધી હતી સામાજિક ફિલ્મો. એ બધીને યાદ કરીને પોતાની રીતે પાત્રો અને પ્રસંગો ગોઠવતાં ગયાં. એક મહિનામાં તો કામ પૂરું. ફરી પહોંચ્યાં પ્રકાશક પાસે. મહામહેનતે પુસ્તક છપાયું. પછી ન્યાયાધીશને જ ગુનેગાર ઠેરવતી તિમિરના પડછાયા લખાઈ. પણ પછી ‘આતશ’ નવલકથાથી વર્ષાબહેનની કલમે પડખું બદલ્યું. એ અરસામાં તેઓ વાંચવા માટે જૂનાં અંગ્રેજી મેગેઝીન અવારનવાર ખરીદતાં. એક વાર રાતમાં દીકરી જાગી ગઈ. તેને સુવડાવતાં સુવડાવતાં વર્ષાબહેન ‘લાઈફ’ સામયિકનો એક અંક ઉથલાવવા લાગ્યાં. વિયેટનામ યુદ્ધના હૃદયદ્રાવક ફોટા તેમાં છપાયા હતા. અમેરિકાએ એક સ્કૂલ પર બોમ ફેંક્યો. ચારસો-પાંચસો બાળકોની લાશના ઢગલા. એ ઢગલામાંથી પોતાના બાળકની એકાદ નિશાની શોધવા મથતી બેબાકળી માતાઓ. અને મનમાં એક વિચાર ઝબકયો : મારી દીકરી તો ખોળામાં સૂતી છે. પણ આ બધી માતાઓ, તેમનાં બાળકોનું શું? મનોમન નક્કી કર્યું, વિયેટનામ યુદ્ધ વિષે નવલકથા લખવી. એ વખતે ગૂગલદેવ તો હજી પ્રગટ્યા નહોતા. એટલે મુંબઈની લાઈબ્રેરીઓ ખૂંદી. પુસ્તકો, સામયિકો, છાપાં, જ્યાંથી હાથ આવી ત્યાંથી એ યુદ્ધ વિશેની સામગ્રી મેળવી. એક વરસ પછી લખવાનું શરૂ કર્યું. દીકરીઓ હજી નાની. એટલે રાતે સાડા ત્રણ-ચારે રસોડામાં બેસીને લખવાનું. ‘આતશ’ને સોવિયેત લેન્ડ નેહરુ એવોર્ડ મળ્યો. ગુજરાત સરકારનું શ્રેષ્ઠ નવલકથાનું પારિતોષિક મળ્યું. પણ તેના કરતાં ય વધુ મહત્ત્વની વાત એ કે આ નવલકથાથી વર્ષાબહેન ડોક્યુ-નોવેલ, દસ્તાવેજી નવલકથાના લેખન તરફ વળ્યાં. પ્રેરણા કે સર્જકશક્તિ તો પહેલી. પણ માત્ર પ્રેરણા પર બધો મદાર નહિ. પ્રેરણાની સાથે પરિશ્રમના પરસેવાની મહેક પણ ભળવી જોઈએ, સર્જકના શબ્દમાં. 

વિયેતનામ તો દૂરની ભૂમિ. સહેલાઈથી જવાય નહિ. પણ મધ્ય પ્રદેશના અલીરાજપુર સુધી તો જઈ શકાય ને! હા, હાડમારી તો ઘણી ભોગવવી પડે એ આદિવાસી વિસ્તારમાં જતાં. પણ ગયાં. નાની દીકરી સાથે. બસનાં ઠેકાણાં નહિ. પથ્થર ભરેલા ખટારામાં મહામુશ્કેલીએ બેસવા મળ્યું. આદિવાસીઓને મળીને તેમની સમસ્યાઓ જાતે જોઈ-જાણી. પછી ઘરે આવીને લખી ગાંઠ છૂટ્યાની વેળા. પછી ઘણી ખટપટ કરીને એક વખત પહોંચ્યાં મુંબઈની આર્થર રોડ જેલમાં. ત્યાં જઈને સ્ત્રી કેદીઓને મળ્યાં, તેમની કેફિયતો સાંભળી. અને પછી લખી નવલકથા બંદીવાન. તેના પરથી બનેલું નાટક આ છે કારાગાર પણ સફળતાથી ભજવાયું. એક મિત્ર દંપતી અને તેમનો મેન્ટલી ચેલેન્જડ દીકરો. ત્રણેની સમસ્યા, વ્યથા, વર્ષાબહેન જાણે. પછી એક દિવસ બસમાં મુસાફરી કરતી વખતે એક સ્ત્રીને તેના આવા જ બાળક સાથે મહામુશ્કેલીએ મુસાફરી કરતી જોઈ. પહોંચ્યાં આવાં બાળકો માટેની હોસ્પિટલમાં. ત્યાં થોડા દિવસ બધું જોયું-જાણ્યું. અને પછી લખી નવલકથા ખરી પડેલો ટહુકો. આજે હવે તેની એટલી બધી ચર્ચા જોવા મળતી નથી, પણ એક વખત આપણે ત્યાં રક્તપિત્તના દરદીઓ, તેમની સમસ્યાઓ, તેમની સારવાર, વગેરેની સારી એવી ચર્ચા થતી. રક્તપિત્તના દરદીઓની સારવાર કરતા એક આશ્રમમાં પહોંચી ગયાં, અને ત્યાં થોડા દિવસ રહ્યાં. કથાની ભોંય વાસ્તવિકતાની. તેમાં પોતાની કલ્પનાથી જે છોડ ઉગાડ્યો તે નવલકથા ‘અણસાર’. તેને દિલ્હીની સાહિત્ય અકાદમીનો ૧૯૯૫ના વર્ષનો શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તક માટેનો એવોર્ડ મળ્યો.

એ અરસામાં આપણે ત્યાં લઘુનવલની બોલબાલા. પ્રયોગપરાયણ અને પરંપરા જાળવીને લખનારા, એમ બંને પ્રકારના લેખકો તેના લેખન તરફ વળ્યા હતા. સ્ત્રીઓ માટેના સાપ્તાહિક ‘સુધા’ના એ વખતે ધીરુબહેન પટેલ તંત્રી. તેમણે એક લઘુનવલ લખવા વર્ષાબહેનને કહ્યું. બે બહેનોને લગતી એક વાત દસ દિવસમાં લખાઈ. ધીરુબહેને જ નામ પાડ્યું : મારે પણ એક ઘર હોય. ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રેષ્ઠ નવલકથા માટેનું ઇનામ મળ્યું. એ લેવા માટે આજોલ ખાતે યોજાયેલા પરિષદના જ્ઞાનસત્રમાં વર્ષાબહેન ગયાં. પ્રવેશદ્વાર પાસે સૌથી પહેલાં સામે મળ્યા ઉમાશંકર જોશી. તેમણે લેખક ગુણવંતરાયની લેખિકા પુત્રીને ઉમળકાભર્યો આવકાર આપ્યો. બસ, તે દિવસથી ગુજરાતી સાહિત્યની દુનિયામાં લેખિકા તરીકે વર્ષાબહેનનો પ્રવેશ થયો. આ લઘુનવલને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો. ૧૯૭૨માં દૂરદર્શનના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલી પહેલવહેલી ગુજરાતી સિરિયલ આ નવલકથા પરથી બની હતી. ધર્મને નામે થતું સ્ત્રીનું શોષણ એ આજકાલની વાત નથી. શગ રે સંકોરું નવલકથામાં આવા શોષણની વાત થઈ છે. પણ તેની નાયિકા આવું શોષણ મૂંગે મોઢે સહન કરી લેતી નથી. કથાને અંતે તે પોતાના પતિને ઘર છોડી જવા ફરજ પાડે છે. આ નવલકથા એક અખબારમાં ધારાવાહિક રૂપે પ્રગટ થવા લાગી ત્યારે પહેલાં બે જ પ્રકરણ પછી કેટલાક વાચકોએ તેનો વિરોધ કર્યો અને નવલકથાનું પ્રકાશન અટકાવવા માટે ઝુંબેશ ચલાવી. પણ તેની સામે ઝૂક્યા વગર વર્ષાબહેને લખવાનું અને અખબારે તેને પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું.

પ્રેરણાની સાથોસાથ પરિશ્રમની સુવાસથી મહેકતી અત્યાર સુધીની લેખિકાની નવલકથાઓમાં કલગીરૂપ ‘ક્રોસરોડ’ ૨૦૧૬માં પ્રગટ થઈ. તેમાં ૧૯૨૦થી ૧૯૭૦ સુધીના વિશાળ સમયપટને આવરી લીધો છે. આઝાદી પહેલાનું ગુજરાત અને આઝાદી પછીનું ગુજરાત કથાની પીછવાઈ બને છે. પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિઓ, વિચારધારાઓ, આદર્શો, વગેરે વચ્ચેની ખેંચતાણ રસપ્રદ રીતે આલેખાઈ છે. અ બધાં વાનાં વડે એક મહત્ત્વના કાલખંડને લેખિકા અસરકારક રીતે વાચકની આંખ આગળ ખડો કરી શકયાં છે. કથાનું સંકલન અને આલેખન ગોફ પદ્ધતિનું છે. વિવિધ સામગ્રી ધીમે ધીમે એકમેકમાં ગૂંથાતી જાય છે અને  મનોહર આકાર ઊભો કરે છે.

નવલકથા ઉપરાંત લેખિકા પાસેથી ૧૨ જેટલા વાર્તાસંગ્રહો મળ્યા છે. તેમાં હરિકથા અનંતા, અનુરાધા, તને સાચવે પારવતી, બીલીપત્રનું ચોથું પાન, એંધાણી, વગેરેનો સમાવેશ થાય છે. આ છે કારાગાર, વાસંતી કોયલ, મંદોદરી, શહીદ વગેરે નાટક-એકાંકીનાં પુસ્તકો વર્ષાબહેને આપ્યાં છે તો પૃથ્વીતીર્થ અને ન જાને સંસાર જેવા નિબંધસંગ્રહો પણ આપ્યા છે. શુક્રન ઈજિપ્ત, નભ ઝૂક્યું, શરણાગત, શિવોહમ્, અને ઘૂઘવે છે જળ, એ તેમનાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકો છે. પણ નાટક-એકાંકી હોય, નિબંધ હોય, કે પ્રવાસ વર્ણન હોય, તેમનું કોઈ પણ પુસ્તક વાંચતાં એ વાતનો અણસાર આવ્યા વગર રહેતો નથી કે હાડે કથાકારની કલમની આ નીપજ છે.

મૂળ વતન જામનગર, પણ જન્મ મુંબઈ. અને વર્ષાબહેન પાક્કાં મુંબઈકર. બી.એ. અને એમ.એ.નો અભ્યાસ પણ મુંબઈમાં. દસ વર્ષની ઉંમરે નાટકમાં કામ કરવાનું શરૂ કરેલું. એ વખતે છોકરીઓ તખ્તા પર ભાગ્યે જ જોવા મળતી. પણ માતા નીલાબહેન અને પિતા ગુણવંતરાયભાઈ બંનેનું સતત પ્રોત્સાહન. અલ્લાબેલી (ગુણવંતરાય આચાર્ય), મૃચ્છકટિકમ્ (શૂદ્રક્ના સંસ્કૃત નાટકનો કવિ સુન્દરમે કરેલો અનુવાદ), પૂર્ણિમા (રમણલાલ દેસાઈની નવલકથાનું રૂપાંતર), કવિ દયારામ, કાકાની શશી (કનૈયાલાલ મુનશી), ઝેર તો પીધાં છે જાણી જાણી (દર્શકની નવલકથાનું રૂપાંતર) જેવાં ગુજરાતી રંગભૂમિનાં સીમાચિહ્નરૂપ નાટકોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી. મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર અભિનેત્રી તરીકે નામ ગાજતું થયું. પણ લગ્ન પછી સ્વેચ્છાએ રંગભૂમિ છોડી. એ અંગે એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું “મને જીવનમાં કોઈ અફસોસ નથી. અભિનેત્રી તરીકે પરકાયાપ્રવેશ કરવાનો અનુભવ મને લેખનમાં બહુ કામ લાગ્યો છે.”

વર્ષાબહેન સુધા અને ગુજરાતી ફેમિના જેવાં સ્ત્રી સામયિકોના તંત્રી રહી ચૂક્યાં છે. મુંબઈની અને મુંબઈ બહારની સાહિત્યિક સંસ્થાઓ, પ્રવૃત્તિઓ, કાર્યક્રમો સાથે સતત સંકળાયેલાં રહ્યાં છે. દાયકાઓથી ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે જોડાયેલાં રહેલાં વર્ષાબાહેન ૨૦૧૨માં તેના પ્રમુખ બન્યાં હતાં. પિતા ગુણવંતરાય આચાર્યની હયાતિમાં એક અક્ષર નહોતો પાડ્યો. પણ પછી? રણજિતરામ સુવર્ણચંદ્રક ગુણવંતરાયભાઈને ૧૯૪૫માં મળ્યો હતો. તે જ ચંદ્રક વર્ષાબહેનને મળ્યો ૨૦૦૫માં. તે ઉપરાંત નંદશંકર મહેતા ચંદ્રક, ક.મા. મુનશી એવોર્ડ, દર્શક એવોર્ડ, અને દિલ્હીની સાહિત્ય અકાદમીનો એવોર્ડ અણસાર નવલકથા માટે ૧૯૯૫માં મળ્યો. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદેમીનો જીવન ગૌરવ પુરસ્કાર ૨૦૦૯માં મળ્યો. ક્રોસરોડ નવલકથાને તો અડધો ડઝન જેટલા પુરસ્કાર મળ્યા છે.

આ લખનારનો વર્ષાબહેન સાથેનો પરિચય ૧૯૬૧માં બંને જૂદી જૂદી કોલેજનાં વિદ્યાર્થી હતાં ત્યારનો. વિલ્સન કોલેજની બહારના બસ-સ્ટોપ પર પહેલી વાર મળવાનું થયેલું. હવે મળવાનું ભલે ઓછું થાય, અવારનવાર ફોન પર અડધો-પોણો કલાક ગપ્પાં મારવાનું તો ચાલુ જ. આજ સુધી તેમની સાથેનો મૈત્રીસંબંધ લીલોછમ્મ રહ્યો છે. આવો અનુભવ તેમના બીજા અસંખ્ય મિત્રો અને ચાહકોનો પણ છે. 

સૌ મિત્રો અને ચાહકો વતી વર્ષાબહેનને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

Loading

16 December 2021 admin
← અમે દેશના દુશ્મન નથી
ઝીણાં ઝીણાં સંવેદનોનો આંસુ ભીનો આસ્વાદ : ‘21મું ટિફિન’ →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved