
રમેશ ઓઝા
દેશના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડનું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક છે; ‘વ્હાઈ ધ કોન્સ્ટિટ્યૂશન મેટર્સ’. બંધારણ શા માટે ખપનું છે? એ પુસ્તકમાં તેમનાં ભાષણો છે. ભાષણોનું એક સુખ છે. દુનિયાનું બધું જ ડહાપણ તેમાં ઠાલવી શકાય છે. કેટલાક લોકોના મોંનો કોળિયો છીનવી લેનાર સબકા સાથ સબકા વિકાસની વાતો કરે. લોકો જોતા રહી જાય એવી આંજી દેનારી વાતો ભાષણોમાં કહી શકાય. ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડે બંધારણનો મહિમા કરનારાં જેટલાં ભાષણો કર્યાં છે એ બધાં એમાં સમાવવામાં આવ્યાં છે.
આજકાલ પ્રકાશન ઉદ્યોગમાં માર્કેટિંગનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. પ્રકાશકો મીડિયાને પ્રકાશન પહેલાં પ્રકાશિત થનારાં પુસ્તકની એડવાન્સ કોપી મોકલે અને વિનંતી કરે કે આ પુસ્તક પર લેખક સાથે ચર્ચા કરો તો સારું. હવે જો લેખક ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ હોય, પુસ્તક બંધારણનો મહિમા કરનારું હોય અને સામે ન્યાયમૂર્તિ અને પછી મુખ્ય ન્યાયમૂર્તિનો જજ તરીકેની કામગીરીનો ઇતિહાસ હોય તો કોણ ના પાડે! મીડિયા તરફથી ચર્ચા માટે આમંત્રણ આવવા લાગ્યાં. જો કોઈ બીજો સાવ બેશરમ માણસ હોત તો માત્ર ગોદી મીડિયામાં જ ગયો હોત અથવા આવું પુસ્તક જ ન કર્યું હોત, પણ ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ તો પ્રજાના બંધારણીય અધિકારો માટે સરોકાર ધરાવનારા અને બંધારણીય મiલ્યોને વરેલા ન્યાયમૂર્તિ છે એમ દેખાડવા માગે છે એટલે તેમણે પુસ્તક કર્યું અને એમાં સોંસરવા પ્રશ્નો પૂછનારા પત્રકારો પાસે જવું પડ્યું.
અને પછી જે હાલ થયા એ તમારામાંથી કેટલાક વાચકોએ જોયું હશે. પરસેવો છૂટી ગયો. એટલે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કરતા નથી. આ યુગ મોનિટરીંગનો છે. જવાબદાર જગ્યાએ બિરાજમાન લોકો શું બોલે છે અને કરે છે એની રજેરજ વિગતોની ચકાસણી કરવામાં આવે છે અને તેનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી પહેલા વરસે એક સંસ્થાએ તેમની કથની અને કરણીમાં જે અંતર હતું એની તારીખવાર વિગતો આપતો લગભગ ત્રણસો પાનાંનો અહેવાલ તૈયાર કર્યો હતો. બીજા વરસે તેમણે એવો અહેવાલ આપવાનું બંધ કર્યું, કારણ કે એક કરતાં વધુ ખંડ પ્રકાશિત કરવા પડે અને ઉત્તરોત્તર તેમાં વધારો થતો જાય. પણ દસ્તાવેજીકરણ અનેક લોકો જડબેસલાક કરે છે કે જેથી આવનારી પેઢીને ખબર પડે કે એક સમયે દેશમાં શું બન્યું હતું! વર્તમાનથી તો બચી શકાય, ઇતિહાસથી કેમ બચવું? બધું જ અંકે કરવામાં આવી રહ્યું છે.
ઇતિહાસથી બચવાના હવાતિયાં મારવા કેટલાક લોકો મોટીમોટી આદર્શની વાતો કરે છે. તેમને એમ લાગે છે કે આવી આદર્શની વાતો પણ ઇતિહાસમાં મારાં ખાતામાં જમા થશે અને ઉધાર સામે જમા બાજુ મોટી થઈ જશે. બીજું લોકોને આદર્શની વાતો સાંભળવી ગમે છે. મારી નાની બહેન ૧૯૮૦નાં દાયકામાં જાણીતા ચિંતક ગુણવંત શાહનાં મહાન કથનોને અંડરલાઈન કરતી અને આખું પુસ્તક અંદરલાઈનોથી ભરાઈ જતું. એ મુગ્ધતા અત્યારે મટી ગઈ છે અને તે આઘાત અવસ્થામાં છે. મોટી વાતો કરીશું તો મહાન થઈ જશું અથવા જે ભૂલાવવા માગીએ છીએ એ લોકો ભૂલી જશે એવી એક ભોળી સમજ કેટલાક લોકો ધરાવે છે. એક અર્થમાં ચાલાક લોકો પણ ભોળા જ હોય છે. ભોળપણ ચાલાકી કરવાનું બળ આપે છે.
ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ બંધારણનો મહિમા કરનારાં તેમનાં ભાષણોનું પુસ્તક પ્રકાશિત કરે એ પહેલાં ‘ધ કેરાવાન’ નામનાં અંગ્રેજી સામયિકમાં તેઓ જ્યારે નિવૃત્ત થયા એ પછીના ઓક્ટોબર ૨૦૨૪માં યુવા બંધારણવિદ સૌરવ દાસે ૮૦ પાનાંનો લેખ લખ્યો હતો અને ન્યાયમૂર્તિ તરીકેની તેમની શાબ્દિક ચાલાકીઓ ઊઘાડી પાડી હતી. ચાલાક લોકોની બીજી તરકીબ ગોળ ગોળ આડીઅવળી ભાષામાં જલેબી રચીને લોકોને ચકરાવામાં નાખવાની હોય છે. શબ્દજાળમાં લોકો આવી જશે અને સત્ય કોઈ પકડી નહીં શકે એવી તેમની ધારણા હોય છે. સૌરવ દાસના અંગ્રેજી લેખનું મથાળું જ ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડની શબ્દજાળ હતું. (The Equivocations of D. Y. Chandrachud) એ લેખનો અનુવાદ હિન્દીમાં પણ થયો છે અને લોકતાંત્રિક ભારત જેમને વહાલું છે તેમના સુધી એ લેખ અને અથવા એનો સાર પહોંચ્યો છે. સૌરવ દાસે ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડના જજમેન્ટોના છોડિયાં ઉતાર્યાં એ પછી ચન્દ્રચૂડ માટે પ્રમાણિક પત્રકારોનો સામનો કરવો વધારે મુશ્કેલ બની ગયો હતો.
ઘેરાઈ ગયેલા ચન્દ્રચૂડે શ્રીનિવાસ જૈનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે બાબરી મસ્જિદ કોઈ ઈમારતની જગ્યાએ બાંધવામાં આવી હતી એ તમને કેમ નથી સમજાતું? શ્રીનિવાસે ચાર સવાલ પૂછ્યા હતા. એક. શું એ ઈમારત મંદિર હતી? ચન્દ્રચૂડ કહે છે કે હિંદુ આર્કીટેક્ચર ધરાવનારી કોઈ ઈમારત હતી એમ પુરાતત્વ સર્વેક્ષણનો અહેવાલ કહે છે. પણ એ મંદિર હતું? કોઈ જવાબ નહીં. બીજો સવાલ. તમે તમારા ચુકાદામાં તો કહ્યું છે કે મંદિર તોડીને એ જગ્યાએ મસ્જિદ બાંધવામાં આવી એના કોઈ પૂરાવાઓ મળતા નથી અને એ સાબિત થતું નથી. તો પછી હિંદુ ઈમારતના હવાલાનો શું મતલબ? ત્રીજો સવાલ. તમે તો તમારા ચુકાદામાં કહ્યું છે કે બાબરી મસ્જિદ તોડવામાં આવી એ દેશને કલંકિત કરનારી ઘટના હતી અને શરમજનક ગુનો હતો. જો એ શરમજનક ગુનો હતો તો મસ્જિદની જમીન આપીને ગુનાને પુરસ્કૃત કરવાનું શું તાત્પર્ય? ગુનાને સ્વીકૃતિની મહોર અને ઉપરથી શિરપાવ! ચોથો સવાલ. ઇતિહાસના હિસાબકિતાબ કરવાનું અને ભૂતકાળમાં સંભવત: થયેલા ખોટા કામને વર્તમાનમાં દુરુસ્ત કરવાનું કામ પણ અદાલતના કાર્યક્ષેત્રમાં આવે છે? એ મુલાકાત જોશો તો ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડની અકળામણ જોવા મળશે.
મારો એવો અનુભવ છે કે નાગા લોકો એટલી ભોંઠપ નથી અનુભવતા જેટલા નાગા થઈને વસ્ત્રધારી હોવાનો દેખાવ કરનારા ભોંઠપ અનુભવે છે. ભય અથવા લાલચમાં આવીને વિવેક અને અંતરાત્મા સાથે સમાધાનો પણ કરવા છે અને પ્રતિષ્ઠા પણ ગુમાવવી નથી એ બન્ને સાથે ન ચાલી શકે. બીજું એવા લોકોએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે નજર રાખનારા અને ભવિષ્ય માટે દસ્તાવેજીકરણ કરનારા લોકો વધારે બુદ્ધિમાન છે, વધારે પ્રતિબદ્ધ છે અને વધારે હિંમતવાળા છે. તેમને વિરોધાભાસ સમજાય છે અને શાબ્દિક રમત પણ સમજાય છે. દરેક પ્રકારની ચાલાકી તેઓ પકડી પાડે છે.
ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ સાથે એક બેલા ત્રિવેદી નામનાં ગુજરાતી જજ સર્વોચ્ચ અદાલતમાં હતાં. તેમને જેવા છે એવા દેખાવામાં કોઈ સંકોચ નહોતો. કોઈ શીર્ષાસન નહીં, કોઈ શાબ્દિક ચાલાકી નહીં, મૂલ્યોની કોઈ મોટી ફિસિયારી નહીં. ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે એવા કેસ ન્યાયમૂર્તિ બેલા ત્રિવેદીને મોકલે જેમાં સરકારના ઇશારે જામીન નકારવાના હોય અને જેમાં જામીન આપવાના હોય એ પોતાની પાસે રાખે અથવા બીજાને આપે. બેલાબહેન દે ધનાધન જામીન નકારે. સૌરવ દાસે આની પણ સિલસિલાબંધ વિગતો આપી છે.
પ્રમાણિકતા વિના સાચી પ્રતિષ્ઠા ન મળે અને મેળવવાનો પ્રયાસ કરો તો કોઈ ફાંકા પાડીને ઉઘાડા પડી દે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ઑક્ટોબર 2025