કાવ્યકૂકીઝ
વરસાદ એટલે વરને સાદ
એવું મારા સિવાય કોઈ માનતું ન હતું,
કારણ ગમે એટલો સાદ પડે તો પણ
વર સાંભળતો હોતો નથી,
એવું પાછું દરેક વહુ માનતી હોય છે.
ભાવિ વહુ પ્રેમિકા હોય
ને લગ્ન થવાનાં બાકી હોય તો
ભાવિ વર પડ્યો બોલ જ નહીં,
પ્રેમિકા પણ ઉપાડી લેતો હોય છે,
પણ પ્રેમિકા
જેવી વહુ થાય છે
કે વરને થોડી બહેરાશ આવી જાય છે
તે શું નથી સાંભળવાનું
તે બરાબર સાંભળતો હોય છે
વરને કામ ન હોય ત્યારે
તે વધુ કામમાં હોય છે
એટલે વહુ સાદ પાડે તો પણ
વર,સાદ નથી પાડતો,
મરજાદ પાળતો હોય છે.
તે સામે નથી થતો તેમ તેમ
વહુ સામે થતી જાય છે
ને વર સહનશીલ થતો જાય છે,
છતાં અન્યાય તો વહુને જ થાય છે
એનો પુરાવો એ જ કે
‘વર’સાદ છે, તેમ ‘વહુ’સાદ નથી જ !
તે સારું પણ છે
વરસાદની આગાહી થઈ શકે છે
તેવી વહુસાદની થઈ શકતી નથી,
કારણ વહુસાદ બારમાસી હોય છે
ને બારમાસીની આગાહી થતી નથી,
એ તો હોય જ છે
ને હોય તેની આગાહી શું કરવાની?
વરસાદની આગાહી હોય
ગાજવીજની આગાહી હોય, પણ
વરસાદ ન પડે એવું ઘણી વાર બને છે
ઘણીવાર તો આગાહી જ ન હોય
ને વરસાદ તૂટી પડે ત્યારે
વર બીજાની છત્રી લઈ આવે એવું બને
ને લલ્લુ એવો હોય
કે છત્રી તો બીજાની લાવે
પણ ખોલવાની જ ભૂલી જાય
ને પલળતો પલળતો ઘરે આવે તો
વહુને વીજ જેમ ત્રાટકવાની તક મળે છે.
કોઈ વાર વહુ સાથે હોય
ને છત્રીની જેમ
બહાર જ ભૂલી આવે
ત્યારે પણ વહુ
વીજળીની જેમ પાછળથી ધસી આવે છે.
એવું વહુ સાદનું થતું નથી
એ બીજો ‘વર’સાદ ઉપાડીને ન જ આવે
કારણ એકનો જ ત્રાસ એવો હોય કે
બીજાનો વિચાર પણ ન આવે
વહુસાદથી શેકયો પાપડ ન ભાંગતો હોય
તો પણ વરને સાદ તો દેવાતો જ રહે છે.
ને વરસાદ પડે તો શેક્યો પાપડ
પલળી જતો હોય છે.
વરસાદ ન પડે તો પણ ખોરું ઘી
દિવેલમાંથી નથી જતું.
વરસાદ નહીં તો વરસાદની
ઝેરોક્સ તો વરસે જ !
પ્રોબ્લેમ એ છે કે સૂર્યનું ચિત્ર
અંધારામાં અજવાળું આપતું નથી …
000
e.mail : ravindra21111946@gmail.com