બહસ –
નિર્ણય જવાહરલાલનો એકતરફી નહોતો
રાષ્ટ્રીય ગાન તરીકે ‘વંદે માતરમ્‘નો મહિમા ઇતિહાસદર્જ હતો, છે અને રહેશે. એમાં પાછળથી થયેલા ઉમેરાને ધોરણે નહીં વિચારતાં એના મૂળ સ્વરૂપને વળગી રહેવું તે ઇષ્ટ લેખાશે.

પ્રકાશ ન. શાહ
રાષ્ટ્રગીત જનગણમનની સમકક્ષ મહત્ત્વ ધરાવતું રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ્’ આઝાદીની લડતની તવારીખમાં એક પ્રેરણાસ્રોત તરીકે હંમેશ મહિમામંડિત રહ્યું છે. એની સાર્ધ શતાબ્દી જેમ દેશમાં ઠામોઠામ મનાવાય તેમ સંસદમાં પણ એના પડછંદા પડે, તે કોને ન ગમે.
મુશ્કેલી જો કે એ છે કે વર્તમાન સત્તાપક્ષની ‘વંદે માતરમ્’ પરત્વેની ભાવોર્મિ છેક જ સરળ, સહજ ને સ્વચ્છ નથી. કશોક રાજકીય એજન્ડા, કંઈક ભળતીસળતી સમજનો અને ધ્રુવીકરણનો એને વણછો લાગેલો છે.
લોકસભામાં વડા પ્રધાને તો રાજ્યસભામાં ગૃહ પ્રધાને ચર્ચાનો ઉધાડમોરચો સંભાળી બેટિંગ તો બરોબરની કીધી, પણ એમની માંડણીએ એક તબક્કે લગભગ અધવચ જે મરોડ આપ્યો એમાં સાર્ધ શતાબ્દીના ગૌરવ કરતાં વધુ તો પક્ષીય રાજકારણ સોડાતું હતું.
જેમના નેતૃત્વમાં કાઁગ્રેસે ‘વંદે માતરમ્’ના પહેલા બે અંતરા જાહેર જીવનમાં રાષ્ટ્રીય ગાનના દબદબા ને દરજ્જાભેર ખપમાં લેવાનો નિર્ણય લીધો એ અલબત્ત પક્ષપ્રમુખ જવાહરલાલ હતા, અને કેમ કે એ જવાહરલાલ હતા, સંઘ પરિવારને નિશાન સારુ સદૈવ સુલભ ખલનાયક એમનાં સિવાય બીજું કોઈ હોય પણ ક્યાંથી. બંને ગૃહોમાં ચાલેલી ચર્ચામાંથી જે વિગતો ઊપસી આવી તે ક્રમબદ્ધ બિલકુલ પગથિયે પગથિયે દર્જ કરી સમજમાં કંડારવા જોગ છે.
પહેલું તો એ કે આ નિર્ણય જવાહરલાલનો એકતરફી નહોતો. એમના પછી જે કાઁગ્રેસપ્રમુખ થવાના હતા તે સુભાષબાબુના સૂચનથી જવાહરલાલે રવીન્દ્રનાથ સાથે પરામર્શપૂર્વ મૌલાના આઝાદ અને આચાર્ય નરેન્દ્રદેવ સહિતના સમિતિ સભ્યો વગેરે જોડે મળીને કરેલો એ નિર્ણય હતો કે પહેલા બે અંતરા ખપમાં લેવાશે. બંધારણ સભામાં એ જ ધોરણે નિર્ણય લેવાયો. ભા.જ.પ.ના પૂર્વ અવતાર જનસંઘના સ્થાપક પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જી સહિતના નેહરુ પ્રધાનમંડળની એના પર મહોર વાગી હતી.
જે અંતરા પડતા મુકાયા, વડા પ્રધાન અને ગૃહ પ્રધાનની ચિત્રાત્મક ભાષા પ્રમાણે ‘વંદેમાતરમ્’નું જે વિભાજન થયું એણે ભારતના ભાગલાનો પથ પ્રશસ્ત કર્યો, કેમ કે એમાં મુસ્લિમ તુષ્ટીકરણ રહેલું હતું. ઉલટ પક્ષે, સિલસિલાબંધ તવારીખ શું કહે છે? જે રચનાવર્ષ, 1875ને ધોરણે આજે સાર્ધ શતાબ્દી મનાવાય છે ત્યારે બંકિમચંદ્રે કરેલી રચના માત્ર પહેલા બે અને પહેલા બે જ અંતરાની હતી. જેને પૂર્ણ ‘વંદે માતરમ્’ કહેવામાં આવે છે તે બાકીના નવા અંતરા સહિતની રચના એ મૂળમાં ઉમેરા સાથે બંકિમબાબુની ‘આનંદમઠ’ નવલકથામાં મોડેથી પ્રગટ થઈ છે.
‘આનંદમઠ’ નવલકથાની વિવેચના કે વિવરણમાં લાંબે નહીં જતાં એટલું જ કહેવું બસ થશે કે એમાંની સામગ્રી અને નવલકથામાં ‘વંદે માતરમ્’નું સ્થાન સામાન્યપણે જેને હિંદુ-મુસ્લિમ તનાવ ને અથડામણ કહીએ તે રીતનું છે. બંગભંગ વખતે ‘વંદે માતરમ્’ ઊંચકાયું એ સાચું છે, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે એ જેમ આઝાદીનો નારો હશે તેમ ‘વંદે માતરમ્’ અને ‘અલ્લાહોઅકબર’ હિંદુ-મુસ્લિમ રમખાણોમાં સામસામેના નારા તરીકે વપરાવા લાગ્યા હતા. જે અનુશીલન સમિતિનું નામ બંગાળની ક્રાન્તિકારી ચળવળમાં આદરથી લેવાય છે. એમાં આ હિંદુ પ્રતિજ્ઞાવશ મુસ્લિમોને પ્રવેશ નહોતો તે પણ ગૃહની ચર્ચાઓ દરમિયાન બહાર આવેલી વિગત છે.
તો, નવા ઉમેરાને બાદ રાખી મૂળના બે પ્રથમ અંતરાને બહાર રાખવામાં તુષ્ટીકરણ ક્યાંથી આવ્યું, એ શોધ્યું સમજાતું નથી. ગૃહમાં કોઈકે ઇતિહાસવસ્તુ તરીકે ઠીક જ યાદ આપી કે મુસ્લિમ લીગના પ્રમુખ ઝીણાએ જૂનાનવા સઘળા અંતરા સમેતનું ‘વંદે માતરમ્’ પડતું મૂકવાની માગણી કરી હતી. પણ કાઁગ્રેસ પ્રમુખ જવાહરલાલે ‘વંદે માતરમ્’ની ઐતિહાસિક અપીલનો મુદ્દો આગળ કરીને એ નકારી કાઢી હતી. દેખીતી રીતે જ, કિસ્સો તુષ્ટીકરણનો તો નથી.
ગમે તેમ પણ, ‘વંદે માતરમ્’નું પાવન સ્મરણ રાષ્ટ્રીય અર્ધ્ય તરીકે થયું તેનો આદરપૂર્વક સ્વીકાર-પુરસ્કાર કરીને હાલના સત્તાપક્ષે હિંદુ વિ. મુસ્લિમના કોમી ધ્રુવીકરણની માનસિકતાને રૂખસદ આપી વેળાસર એથી ઊંચે ઊઠવાની ખાનદાની દાખવવી ઘટારત છે. તેમ કરવાથી એક વિજયી તરીકેનું તેમનું ગૌરવ પણ અક્ષુણ્ણ રહેશે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 10 ડિસેમ્બર 2025
![]()

