Opinion Magazine
Number of visits: 9447103
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વૈષ્ણવ જન તો તેને રે કહીએ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|21 April 2018

હૈયાને દરબાર

નૈનિતાલથી કૌસાની જવાના વાંકા-ચૂંકા ઘાટ પર અમારી કાર સડસડાટ દોડી રહી હતી. વાત છે પંદર દિવસ પહેલાંની હિમાલયનું સૌંદર્ય, આસપાસનાં ઊંચાં વૃક્ષો આંખને ઠારી રહ્યાં હતાં અને પંખીઓનો કલરવ, હવાની સરસરાહટ કાનમાં ગૂંજી રહી હતી. સાંજ ઢળતાં પહેલાં કૌસાની પહોંચી જવું જરૂરી હતું. પર્વતોના શાર્પ ટર્ન્સ ધરાવતા રસ્તાઓને વટાવીને અનાસક્તિ આશ્રમ પહોંચ્યાં ત્યારે ગોધૂલિ વેળા થવા આવી હતી. પહાડોની સાંજ બહુ નિરાળી હોય છે. સૂરમયી ઉજાલા ….ચંપઈ અંધેરા …! પર્વતના શિખર સાથે સંતાકૂકડી રમતો સૂરજ ગણતરીની ક્ષણોમાં ક્ષિતિજ પર ડૂબી ગયો. બીજી તરફ પૂનમનો ચાંદ ઉજાસ ફેલાવવા ધીમે પગલે ઉદય પામી રહ્યો હતો.

કૌસાનીનો ગાંધી આશ્રમ જે અનાસક્તિ આશ્રમ કહેવાય છે એની ત્વરિત મુલાકાત લઇને અમારે અમારા નિર્ધારિત મુકામે પહોંચી જવાનું હતું. આશ્રમમાં પ્રવેશતાં ઓસરીમાં એક વિદેશીને જોયો. એના આઈપોડમાંથી સૂર રેલાઇ રહ્યા હતા, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે …! અમે સાવ નિ:શબ્દ થઈ ગયાં.

હિમાલયની ગોદમાં આવેલા કૌસાનીમાં ગાંધીજી ૧૯૨૯માં બે અઠવાડિયા રહ્યા હતા અને અહીંના અનન્ય સૌંદર્યથી પ્રભાવિત થઇને કૌસાનીને ભારતના સ્વિટ્ઝર્લેન્ડ તરીકે નવાજ્યું હતું. અહીં તેમણે અનાસક્તિ યોગની સાધના કરી હોવાથી આ આશ્રમ અનાસક્તિ આશ્રમ તરીકે ઓળખાય છે. આ આશ્રમમાં ગાંધીજીનાં અલભ્ય ચિત્રો, લખાણો અને હસ્તાક્ષર પણ સચવાયેલાં છે, પરંતુ અમે તો વૈષ્ણવ જનની મોહિનીમાં જ ખોવાઈ ગયાં હતાં. સ્વિટ્ઝર્લેન્ડના માઉન્ટ ટિટલિસ પર જન ગણ મન અધિનાયક … સાંભળીને જે રોમાંચ થયો હતો એવો જ રોમાંચ હિમાલયની નિશ્રામાં વૈષ્ણવ જન સાંભળીને થયો, એ ય પાછું એક વિદેશીના ડિવાઈસ પર. કોઈ ગુજરાતી એવો નહીં હોય જેણે આ સર્વપ્રિય ભજન સાંભળ્યું ના હોય. વૈષ્ણવ જન એ ગાંધીજીનું પ્રિય ભજન હતું અને તેમની દૈનિક પ્રાર્થનામાં એ હંમેશાં ગવાતું. એમ.એસ. સુબુલક્ષ્મી, લતા મંગેશકર, જગજિત સિંહ, સોનુ નિગમ સહિત અનેક કલાકારોને કંઠે ગવાઈ ચૂકેલા આ સર્વાંગ સુંદર ભજનના રચયિતા નરસિંહ મહેતા. એટલે કે ૧૫મી સદીમાં લખાયેલું આ ભજન આજે પણ પ્રસ્તુત અને લોકપ્રિય હોય એ કવિતાનું કેવું જબરજસ્ત સામર્થ્ય!

સત્ય, સમાનતા, માનવતા, અધ્યાત્મ, આદર, કરુણા તથા સર્વધર્મ સમભાવની ભાવના વ્યક્ત કરતું રાગ ખમાજ પર આધારિત આ ભજન રિચર્ડ એટનબરોની ‘ગાંધી’, વોટર, ચીની કમ, રોડ ટુ સંગમ , ભક્ત નરસિંહ મહેતા, કુંવરબાઈનું મામેરું સહિત અંગ્રેજી-હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં વણાઈ ચૂક્યું છે. કહેવાય છે કે ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા રજૂ થઈ ત્યારે આ ભજન આખું ઓડિયન્સ સાથે ગાતું હતું. ભક્ત કવિ નરસૈંયાનું આ ભજન ગુજરાતી સંગીતમાં શિરમોર કહી શકાય. પ્રાચીનતાની દ્રષ્ટિએ તો ખરું જ, પરંતુ એક પૂર્ણ મનુષ્યમાં કયા ગુણ હોવા જોઇએ એની અદ્ભુત અભિવ્યક્તિ છે. એની એક એક પંક્તિમાં જીવનનો સાર સમાયેલો છે. નરસિંહ મહેતા રચિત આ ભજન છે એ તો આપણે જાણીએ છીએ, પરંતુ ૮૬ વર્ષ પહેલાં ૧૯૩૨ના એપ્રિલમાં જ રજૂ થયેલું સર્વપ્રથમ ગુજરાતી ચલચિત્ર એટલે પણ નરસિંહ મહેતા.

ગુજરાતી ફિલ્મ સંગીતથી આ કોલમની શરૂઆત કરી છે ત્યારે એક ઊડતી નજર ગુજરાતી ફિલ્મના ઇતિહાસ પર પણ નાખીએ.

ગુજરાતી સિનેમા, સામાન્ય રીતે ઢોલીવૂડ કે ગોલીવૂડ તરીકે ઓળખાય છે. પ્રારંભકાળથી અત્યાર સુધીમાં એટલે કે ૧૯૩૨ થી ૨૦૧૭ સુધી ૧૦૦૦ કરતાં વધુ (ટુ બી પ્રીસાઈઝ ૧,૩૮૧ – ફિલ્મ સંશોધક હરીશ રઘુવંશીના આંકડા મુજબ) ચલચિત્રો નિર્માણ પામ્યાં છે. મૂગી ફિલ્મોનાં જમાનામાં, સિનેઉદ્યોગમાં વ્યક્તિગત રીતે ઘણા ગુજરાતીઓ હતા. ગુજરાતી સિનેમાના છેડા ભૂતકાળમાં છેક ૧૯૩૨ સુધી લંબાય છે, જ્યારે ૯ એપ્રિલ, ૧૯૩૨ના રોજ પ્રથમ ગુજરાતી ચલચિત્ર (બોલપટ) નરસિંહ મહેતા રજૂ થયું હતું. નરસિંહ મહેતાની પ્રસ્તુતતા, માહાત્મ્ય અને લોકપ્રિયતા એટલી કે એ પછી નરસિંહ મહેતા પર રંગીન ફિલ્મ પણ બની, ટેલી સિરિયલ બની અને નૃત્યનાટિકા સ્વરૂપે પણ મહેતાજી ભજવાયા છે. ૧૯૧૯માં, પ્રખ્યાત ગુજરાતી સામયિક ‘વીસમી સદી’ના સંપાદક, હાજીમહંમદ અલ્લારખાની મદદથી સુચેત સિંઘે ‘ઓરિએન્ટલ ફિલ્મ મેન્યુફેક્ચરીંગ કંપની ઑફ બોમ્બે’ની સ્થાપના કરી હતી. મૂક ફિલ્મ નરસિંહ મહેતા (૧૯૨૦) આ ઓરિએન્ટ કંપનીએ બનાવેલી.

ફિલ્મમાં પડદા પર જ્યારે સંબંધિત દ્રશ્યો દર્શાવાય ત્યારે ગીત વૈષ્ણવ જન તો … સિનેમા ખંડમાં ઉપસ્થિત સંગીતકારો અને દર્શકો દ્વારા ગાવામાં આવતું હતું. મૂક ફિલ્મ બિલ્વમંગળ (ભક્ત સૂરદાસ, ૧૯૧૯, તરીકે પણ ઓળખાયેલી) ગુજરાતી પારસી રુસ્તમજી દોટીવાલાએ દિગ્દર્શિત કરી હતી, અને તેની વાર્તા ગુજરાતી લેખક ચાંપશી ઉદેશીએ લખી હતી. આ પૂર્ણ લંબાઈની ફિલ્મ કલકત્તાની એલ્ફિનસ્ટન બાયોસ્કોપ કંપનીએ નિર્માણ કરી હતી અને શરૂમાં તે બંગાળી ફિલ્મ મનાઈ હતી. બોલપટનાં આગમન પહેલાંથી જ ઘણી બધી મૂગી ફિલ્મો ગુજરાતી લોકો અને સંસ્કૃિત સાથે સંકળાયેલી રહી હતી, ઘણા દિગ્દર્શકો, નિર્માતાઓ અને કલાકારો ગુજરાતી અને પારસીઓ હતા. ૧૯૧૩થી ૧૯૩૧ દરમિયાન બોમ્બેમાં ગુજરાતીઓની માલિકીનાં ૨૦ જેટલાં સિનેમા નિર્માણગૃહો કે ફિલ્મ કંપનીઓ હતાં; અને ઓછામાં ઓછા ૪૪ મોખરાનાં ગુજરાતી દિગ્દર્શકો હતા. ૧૯૩૧માં પહેલી બોલકી હિન્દી ફિલ્મ ‘આલમઆરા’ રજૂ થઈ એ પહેલાં અને ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ પહેલાં ‘ચવ ચવનો મુરબ્બો’ નામની બોલકી ગુજરાતી ફિલ્મ રજૂ થઈ હતી, પણ એ શોર્ટ ફિલ્મ હોવાથી પ્રથમ ગુજરાતી ફીચર ફિલ્મ ના કહી શકાય.

એમાં એક એવું ગીત હતું કે મને માંકડ કરડે રે …! ફિલ્મના પ્લોટ સાથે ટાઈટલને કોઇ સંબંધ નહોતો. આ ગીત પણ અત્યારે તો ક્યાં ય અવેલેબલ નથી, પરંતુ આજના જમાનામાં કાલા કૌઆ કાટ જાયેગા સચ બોલ જેવું ગીત બની શકતું હોય તો એ જમાનામાં માંકડ કરડે … હોય એમાં નવાઈ નહીં. માણેકલાલ પટેલ નિર્મિત આ ફિલ્મનાં ગીતો લખ્યાં હતાં નટવર શ્યામે. પહેલી ગુજરાતી બોલકી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ ૯ એપ્રિલ, ૧૯૩૨માં રજૂ થઈ હતી. એ પછી સતી સાવિત્રી અને ઘરજમાઈ ૧૯૩૫માં આવી. ‘ગુણસુંદરી’ ફિલ્મને એટલી બધી સફળતા મળી હતી કે ૧૯૨૭ થી ૧૯૪૮ દરમ્યાન ત્રણ વાર બની હતી. ચંદુલાલ શાહે ૧૯૩૪માં અને રતિલાલ પુનાતરે ૧૯૪૮માં ફરી બનાવી. સ્વાતંત્ર્ય પછી ૨૬ ફિલ્મો તો ૧૯૪૮માં જ પ્રોડ્યુસ થઇ હતી. ૧૯૪૬ થી ૧૯૫૨ વચ્ચે કુલ ૭૪ ફિલ્મો બની. મોટાભાગની ફિલ્મો સતી, સંત અને ડાકુઓની હતી, જે માત્ર ગ્રામ્યપ્રજાને જ અપીલ કરતી હતી. અંધશ્રદ્ધા અને લોકકથા પર આધારિત ફિલ્મો પણ બનતી. નિરૂપા રોયે વિષ્ણુકુમાર વ્યાસ દિગ્દર્શિત પહેલવહેલી ફિલ્મ ‘રાણકદેવી’માં કામ કર્યું હતું અને પછીથી એ હિન્દી ફિલ્મોમાં સફળ થયાં હતાં. ૧૯૫૧થી ૧૯૭૦માં માત્ર ૫૫ ફિલ્મો બની.

એ ગાળામાં કેટલીક નોંધપાત્ર ફિલ્મો બની જેમાં મનહર રસકપૂર દિગ્દર્શિત, પન્નાલાલ પટેલની નવલકથા પર આધારિત ‘મળેલા જીવ’ (૧૯૫૬), મેંદી રંગ લાગ્યો (૧૯૬૦), અખંડ સૌભાગ્યવતી (૧૯૬૩), કલાપી (૧૯૬૬) અને કંકુ (૧૯૬૯) મુખ્ય હતી. અખંડ સૌભાગ્યવતી એ એન.એફ.ડી.સી. (નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા નાણાકીય સહાય મેળવનાર પહેલી ફિલ્મ હતી. આશા પારેખે એમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હિન્દી ફિલ્મના સંવેદનશીલ કલાકાર સંજીવ કુમારે ૧૯૬૪માં રમત રમાડે રામ, કલાપી તથા જીગર અને અમી(૧૯૭૦)માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૯૭૨માં ગોવિંદ સરૈયા દિગ્દર્શિત ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ નેશનલ ફિલ્મ એવૉર્ડ જીતી હતી. જેસલ-તોરલ, ઝેર તો પીધાં જાણી જાણી, કાશીનો દીકરો, માણસાઈના દીવા, જનમટીપ, વિધાતા, ચૂંદડી ચોખા, ઘરદીવડી, નંદનવન, પાનેતર, મારે જાવું પેલે પાર, બહુરૂપી અને સંસારલીલા જેવી કેટલીક ફિલ્મો સાહિત્યિક કૃતિઓ પરથી બનેલી ફિલ્મો હતી. ૧૯૬૮માં આવેલી ચુનીલાલ મડિયાની નવલકથા પર આધારિત ‘લીલૂડી ધરતી’ ગુજરાતી સિનેમાની પહેલી રંગીન ફિલ્મ હતી. ૧૯૭૫માં બનેલી ચંદ્રકાન્ત સાંગાણી દિગ્દર્શિત ફિલ્મ ‘તાનારીરી’ અકબરના જીવનનું અન્ય પાસું રજૂ કરતી ફિલ્મ હતી. ૧૯૭૬ની ‘સોનબાઇની ચૂંદડી પહેલી સિનેમાસ્કોપ ફિલ્મ હતી.

૧૯૮૦માં રજૂ થયેલી કેતન મહેતા નિર્મિત ભવની ભવાઈ ઉત્કૃષ્ટ ફિલ્મ હતી જેને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ૧૯૯૨ની હું, હુંશી, હુંશીલાલ અર્વાચીન ફિલ્મ હતી. એક્ટર-ડિરેક્ટર કૃષ્ણકાંત(કેકે)એ ડઝનબંધ ગુજરાતી ફિલ્મો ડિરેક્ટ કરી હતી. ૧૯૯૮માં ગોવિંદભાઇ પટેલ દિગ્દર્શિત ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા’ સુપરહિટ નિવડી હતી. એ સમયે રૂ. ૨૨ કરોડનો વકરો કર્યો હતો ને દોઢ કરોડ લોકોએ એ ફિલ્મ જોઈ હતી. એ પછી વિપુલ અમૃતલાલ શાહે ૧૯૯૯માં ‘દરિયા છોરૂ’ બનાવી એ પણ હિટ ફિલ્મ હતી. આમ છતાં, એકંદરે ૧૯૬૦, ૭૦ અને ૮૦ના દશકમાં ફાલ્યા ફૂલ્યાં પછી આ ઉદ્યોગની પડતી શરૂ થઈ. ૨૦૦૦માં તો નવા બનેલાં ચલચિત્રોનો આંક ૨૦ કરતાં પણ ઓછો થઈ ગયો હતો. ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારોની માગ અને પછીથી નવી ટેકનિક્સ તથા ચલચિત્રોમાં શહેરી વિષયોના સમાવેશને કારણે તથા સરકારી સબ્સિડી પરિણામે ૨૦૧૦માં વળી આ ઉદ્યોગમાં આંશિકરૂપે તેજી આવી. ૨૦૦૦ની સાલ પછી સાતેક વર્ષ નબળાં રહ્યાં, પરંતુ ૨૦૦૮ની આશિષ કક્કડ દિગ્દર્શિત ‘બેટર હાફ’ અર્બન સિનેમાનો વાયરો લઈને આવી. કમર્શિયલી ખાસ સફળ નહોતી, પણ ઉન્નતભ્રૂ ગુજરાતીઓનું ધ્યાન ગુજરાતી સિનેમા તરફ ખેંચાયું હતું. ૧૬ એમ. એમ.માં અને મલ્ટીપ્લેક્સમાં રજૂ થયેલી એ પહેલી ફિલ્મ હતી. ૨૦૦૯માં સુની તારાપોરવાલાની ‘લિટલ ઝી ઝુ’ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં રજૂ થઈ જેને શ્રેષ્ઠ ફિલ્મનો રજત કમલ નેશનલ એવૉર્ડ મળ્યો હતો. ગુજરાતી સિનેમા ઉદ્યોગ ૨૦૧૧માં એના માઈલસ્ટોન સર કરવા માંડયો હતો. ૨૦૧૨ની ‘વીર હમીરજી-સોમનાથની સખાતે’ તથા ૨૦૧૩ની ‘ધ ગુડ રોડ’ ઑસ્કરમાં વિદેશી ભાષાની ફિલ્મોની કેટેગરીમાં નોમિનેટ થઈ એ પણ બહુ મોટી ઘટના. અભિષેક જૈનના દિગ્દર્શનમાં આવેલી બે ફિલ્મો કેવી રીતે જઇશ (૨૦૧૨) અને બે યાર (૨૦૧૪)ને શહેરી ઓડિયન્સ અને વિવેચકો બન્નેએ વખાણી હતી. ડિજિટલ ટેકનોલૉજી અને સોશિયલ મીડિયાએ આજે ગુજરાતી ફિલ્મોને ઊંચું સ્થાન આપ્યું છે. ત્યારબાદ ગુજ્જુભાઈ ધ ગ્રેટ, છેલ્લો દિવસ, થઈ જશે, કેરી ઓન કેસર, લવની ભવાઇ, રતનપુર અને તાજેતરમાં રજૂ થયેલી રેવા જેવી સફળ ફિલ્મોના આપણે સાક્ષી છીએ.

સુરતના હરીશ રઘુવંશી પાસે અત્યાર સુધી રજૂ થયેલી દરેક ફિલ્મનાં નામ તથા રીલિઝ ડેટ, પ્રોડ્યુસર-ડિરેક્ટર, કલાકારની વિગતોનું કોષ્ટક છે. એ ભેગું કરવું ય અઘરું કામ છે. અલબત્ત, આ કોલમમાં તો આપણે ગીત અને આસપાસની કથા માંડીએ છીએ એટલે એનું રિસર્ચ અલગ વિષય છે. ગુજરાતી ફિલ્મોની આટલી પૂર્વભૂમિકા પછી હવે તમને જાણીતાં, સુંદર, કાવ્યાત્મક ગીતો વિશે વાંચવાની વધારે મજા આવશે. વૈષ્વવ જન તરફ પાછાં ફરીને એટલું જ કહેવું છે કે આ ભજન ફરીથી સાંભળજો.

આપણા ગુજરાતી દરેક અગ્રગણ્ય કલાકારને કંઠે સાંભળવાની તો મજા આવશે જ, પણ તમને ગમતા કોઈ પણ અન્ય કલાકાર જેવા કે લતાજી, જગજિતજી કે વાદ્ય સંગીત પર પણ તમને આ ભજન મળી જશે. કર્ણાટકના મ્યુિઝક કમ્પોઝર કુલદીપ પૈ દ્વારા નિર્માણ પામેલું સાઉથ ઇન્ડિયન બાળકોના અવાજમાં વૈષ્ણવ જન સાંભળવું એ ય એક જુદી ટ્રીટ!

હિંસા, બળાત્કાર, ધાર્મિક જડતા અને વિતંડાવાદના માહોલમાં દરેક ‘જન’ આ ભજનના શબ્દો આત્મસાત્ કરે તો કેવું સારું!

——————————-

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પર દુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ર્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તીરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કૂળ ઈકોતેર તાર્યા રે.

————————————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 19 અૅપ્રિલ 2018

એમ.એસ. સુબુલક્ષ્મીને કંઠે ગવાયેલું :

https://www.youtube.com/watch?v=zCQwzf_s5vU

લતા મંગેશકરેને કંઠે ગવાયેલું :

https://www.youtube.com/watch?v=kIvCtJEispY

રિયાઝ કવ્વાલી જૂથે ગાયું :

https://www.youtube.com/watch?v=6NGeUhGKEjE

ઉસ્તાદ શહીદ પરવેઝ ખાન તથા ઉસ્તાદ રશીદ ખાન વાટે પેશ : 

https://www.youtube.com/watch?v=IJ_ZYLYDdAE

 

Loading

21 April 2018 admin
← કોમનવેલ્થ ગેમ્સનો હુલ્લાસ !
જીવસૃષ્ટિને જીવંત રાખનારાં એકમાત્ર કલાધર : સંતોષ ગાયકવાડ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved