ગુજરાતની અને દેશની પરિસ્થિતિ જોતાં લૉક ડાઉન લંબાવવું અનિવાર્ય હતું. વડા પ્રધાને ગઈ કાલે જાણ કરી કે તે મંગળવારે સવારે દસ વાગ્યે બોલશે. એટલે ‘મંગળ’ શબ્દ પર શ્લેષ કરતાં બાળબોધી મથાંળાં આવી પડ્યાં, પણ હાલની સ્થિતિમાં મંગળ તો કશું ક્યાંથી હોય? સિવાય કે, તમે વ્યાવસાયિક મંગળખોર હો. વડા પ્રધાને, ખબર નહીં કયા મેળમાં કે પછી લોકોની ધારણા કરતાં જુદો જ ખેલ પાડવાના રાબેતા મુજબના મોહમાં, વધુ ૧૯ દિવસનું લૉક ડાઉન જાહેર કર્યું.
દેશની હાલત જોતાં લૉક ડાઉનના નિર્ણયને પૂરેપૂરું સમર્થન આપવું એ નાગરિકી ફરજ છે. કેમ કે, દેશમાં ધીમે ધીમે ટેસ્ટિંગ શરૂ થયાં છે. વધુ ટેસ્ટ થાય તેમ સાચી પરિસ્થિતિ સમજાતી થાય. ત્યાં સુધી સાવચેતી એ જ ઉત્તમ સુરક્ષા. બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું. નીકળવું જ પડે તો માસ્ક વિના તો નહીં જ. આ બધું તો ખરું, પણ વડા પ્રધાને ભાષણમાં પચીસ મિનિટ લઈને કશી નક્કર વાત કરી? જવાબ છેઃ ના. ઊલટું પચીસ મિનિટ બગાડીને કહ્યું કે લૉક ડાઉનની વિગતો આવતી કાલે જાહેર થશે. ભાઈ, લેસન પૂરું થયું ન હોય તો દર્શન આપવા શા સારુ ઉતાવળા થાવ છો? કશુંક નક્કર કહેવાનું હોય તો અને ત્યારે જ આવો, તો શોભશો. નહીંતર મહામારીના આતંકમાં પણ સ્વ-મોહનું વરવું પ્રદર્શન કરતા લાગશો.
ભાષણમાં તેમણે એમ પણ કહ્યું કે આપણે જરા ય સમય બગાડ્યો નથી. આ વાત જૂઠી છે તેના અનેક જાહેર પુરાવા છે. આવા વખતે વડા પ્રધાન પ્રામાણિકતા સાથે નાગરિકો સમક્ષ રજૂ થઈને તેમને વિશ્વાસમાં લે એવી અપેક્ષા હોય, પણ તે વધુ એક વાર ઠગારી નીવડી છે. વાંક તો અપેક્ષા રાખનારનો જ ને?
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 14 ઍપ્રિલ 2020