એન.સી.ઇ.આર.ટી. વિવાદ
યોગેન્દ્ર યાદવ અને સુહાસ પલશીકર જેવા સન્માન્ય વિદ્વાનો જ્યારે પોતાનાં નામ હટાવવાની વાત કરે છે ત્યારે સુપેરે સમજાઈ રહે છે કે કંઈક એવું થઇ રહ્યું છે જે ‘સકારાત્મક‘ નથી.

પ્રકાશ ન. શાહ
2014માં મોદી ભા.જ.પ. સત્તારૂઢ થયા પછીના ગાળામાં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેઇનિંગ – એન.સી.ઈ.આર.ટી. દ્વારા પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકમાં ‘સુધાર’ પ્રક્રિયાના ચારેક દોર આવી ગયા છે. વચગાળામાં જો કે આ ‘દોર’ કોવિડના સમયગાળાને અનુલક્ષીને ‘બોજ’ ઘટાડવાની દૃષ્ટિએ વાજબી અને જરૂરી હોવાનું સત્તાવારપણે કહેવાયું હતું.
આ સુધાર-દોરને તપાસવા સારુ તત્કાળ નિમિત્ત, દેશના બે શીર્ષ સમાજવિદ્યાવિશારદ એવા યોગેન્દ્ર યાદવ અને સુહાસ પલશીકરના પ્રગટ પત્રે પૂરું પાડ્યું છે. બંને વિદ્વાનોનો આ પ્રગટ પત્ર એન.સી.ઈ.આર.ટી.ના ડિરેક્ટર સકલાનીને સંબોધીને લખાયેલો છે. એમણે લખ્યું છે કે તમારા તરફથી જે પાઠ્યપુસ્તકો પ્રગટ થઈ રહ્યાં છે એમાં સલાહકાર તરીકેનાં અમારાં નામ છાપવાનું બંધ કરો. જો તમે તે રદ્દ નહીં કરો તો અમારે કાનૂની રાહ લેવો પડશે એમ પણ એમણે ઉમેર્યું છે.
વસ્તુતઃ આ વાત એમણે એકાએક કહી નથી. વરસેક પર એન.સી.ઈ.આર.ટી.એ પોતાની વેબસાઈટ પર સુધારેલાં પુસ્તકોની સોફ્ટ કોપી મૂકી ત્યારે જ બંને વિદ્વાનોએ ડિરેક્ટર સકલાનીને અસંદિગ્ધ શબ્દોમાં લખ્યું હતું કે, આ સુધારફેરફાર અમારી જાણ ને સંમતિ વગરના છે અને એને કારણે અમારું મૂળ કહેવાનું ચેરાઈ જાય છે. આથી આ પુસ્તકો સાથે અમારાં નામ સંકળાયેલાં રહે એ અમને ઇષ્ટ નથી.
આ પત્રની પહોંચ સરખી આપવાની દરકાર એન.સી.ઈ.આર.ટી.એ કરી નથી. દરમિયાન, વેબસાઈટથી ઊતરી હાલ જે સ્વરૂપમાં સુધારફેરફાર સાથે સમાજવિદ્યાનાં છ પુસ્તકો આવ્યાં છે એમાં સંખ્યાબંધ વિગતમુદ્દાઓ જે રીતે એડિટ (‘ડિલિટ’ વાંચો) કરાયા છે એમાં અમારું કહેવાનું કશું રહેતું નથી – અને એના આ સ્વરૂપ સાથે અમે સંકળાઈ શકતા નથી, એમ યોગેન્દ્ર યાદવ અને સુહાસ પલશીકરનું કહેવું છે.
જરી પાછે પગલે જઈને સમજીએ તો એક આખો સમયગાળો આપણે સાંસ્થાનિક ઇતિહાસલેખનની પરંપરામાં ઉછર્યા. જેમ જેમ જાગૃતિ આવતી ગઈ, સ્વરાજની લડત આગળ ચાલી, આગલી પેઢીના લિબરલ અને નવી પેઢીના નેશનલ મિજાજના અભ્યાસીઓએ સાંસ્થાનિક દૃષ્ટિબિંદુને તપાસવા અને ચકાસવાની હિલચાલ હાથ ધરી. રાષ્ટ્રીય ઇતિહાસલેખન સારુ રચાયેલ ખાસ મંડળીને ડૉ. રાજેન્દ્રપ્રસાદે દોરવણી આપતાં સરસ ને સમુચિત કહ્યું હતું કે ‘રાષ્ટ્રીય’નો અર્થ આપણી કોઈ મર્યાદા નથી કે આપણે સદાસર્વદા મોખરે અને બધો વખત સાચા હતા એવું પરબારું ચિત્રણ કરવાનો નથી. સાંસ્થાનિક વણછાથી મુક્ત, આપણા જમા અને ઉધાર બંને આત્મગૌરવ એટલા જ આત્મનિરીક્ષણપૂર્વક તપાસવાનાં ને તરાશવાનાં છે.
સુધારફેરફાર પૂંઠે એકંદરે કેવાં મનોવલણ સત્તાસ્તરે કામ કરતાં હશે તે સમજવા સારુ એક દાખલો બસ થશે. બારમા ધોરણના પાઠ્યપુસ્તકમાં વિભાજનની સમસ્યાનો સમાવેશ થયેલો છે. એમાં અપહ્યતા સ્ત્રીઓના પ્રશ્નોની ચર્ચા આવી એટલે સહજક્રમે ‘ઓન બોથ સાઈડ્ઝ ઓફ ધ બોર્ડર’ (સરહદની બંને બાજુએ) એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પણ વર્તમાન સરકાર અને એની રાજકીય વિચારધારાને ધોરણે ‘સકારાત્મક’ નિરૂપણ માટેના અગ્રહને વશ વરતીને ‘બંને બાજુએ’ વાળો ઉલ્લેખ ધરાર કાઢી નખાયો છે. ભારત બાજુએ સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર ન જ થયો હોય એવું ઇતિહાસવાક્ય આ રાષ્ટ્રીય વિચારધારાને ઇષ્ટ છે. માનવીય મર્યાદાઓને દેશ કે વેશ નડતા નથી અને કોઈ એક કોમ સુવાંગ સારી ને બીજી કોમ (‘ધ અધર’) સુવાંગ નઠારી, એવું ઇતિહાસ કહેતો નથી. ઘડતરકાળમાં આ વિવેક કેળવાય તો સારા નાગરિક ઉછેર બાબતે આપણે આશ્વસ્ત થઈ શકીએ.
હમણાં ‘મહારાજ’ ફિલ્મ વિશેનો ઊહાપોહ આપણી સામે આવ્યો છે. ઇતિહાસવસ્તુ અને મૂળ લેખક (સૌરભ શાહ) ધર્મવિરોધી મુદ્દલ નથી. પણ ‘સરહદની બંને બાજુએ’ મર્યાદા હોઈ શકે એ નહીં સમજવાથી શું બની શકે તે આ નેટફિલક્સ વિવાદથી સુપેરે સમજાય છે.
મોદી 3, વાસ્તવમાં મોદી 2.1 છે એ વિગત ખયાલમાં રાખી એન.સી.ઈ.આર.ટી. સ્વસ્થ સમ્યક ઇતિહાસલેખન સારુ ચાહે તો વ્યાપક વિમર્શ હાથ ધરી શકે એવો સુયોગ યાદવ-પલશીકર જોડીએ જરૂર સંપડાવ્યો છે.
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 19 જૂન 2024