બે દિવસ અગાઉ ૧૮ જાન્યુઆરીએ મંટોની મૃત્યુિતથિ હતી. સઆદત હસન મંટો માત્ર ઉર્દૂના જ નહીં પણ ભારતીય ભાષાના મહાન વાર્તાકાર હતા. અંગ્રેજી ઉપરાંત દેશની ભાગ્યે જ કોઈ ભાષા હશે જેમાં મંટોની વાર્તાઓ અનુવાદિત ન થઈ હોય. મંટોની વાર્તાઓમાં સત્ય ઉઘાડી લાશની જેમ રજૂ થઈને વાચકને સ્તબ્ધ કરી દે છે. ભારત-પાકિસ્તાનનાં વિભાજન પછી નાછૂટકે પાકિસ્તાનનાં લાહોરમાં વસનારા મંટોએ ક્યારે ય વિભાજનને સ્વીકાર્યું જ નહોતું. તરછોડાયેલા તેમ જ સમાજથી છંછેડાયેલા અને સભ્ય સમાજ જેની સામે જોવાનું પસંદ નથી કરતો એ પાત્રો મંટોની વાર્તામાં આદર પામતાં હતાં. મંટો ભારત અને પાકિસ્તાનની યુવા પેઢીનો અત્યંત પ્રિય વાર્તાકાર છે.
દો દોસ્તોં ને મિલકર દસ-બીસ લડકિયોં મેં સે એક ચુની ઔર બયાલીસ રૂપયે દેકર ઉસે ખરીદ લિયા.
રાત ગુજારકર એક દોસ્તને ઉસ લડકી સે પૂછા, "તુમ્હારા નામ ક્યા હૈ?"
લડકીને અપના નામ બતાયા તો વહ ભિન્ના ગયા : "હમસે તો કહા ગયા થા કી તુમ દૂસરે મઝહબ કી હો …!"
લડકી ને જવાબ દીયા : "ઉસને જૂઠ બોલા થા."
યહ સુનકર વહ દૌડા દૌડા અપને દોસ્ત કે પાસ ગયા ઔર કહને લગા. "ઉસ હરામજાદેને હમારે સાથ ધોખા કિયા હૈ … હમારે હી મઝહબ કી લડકી થમા દી … ચલોં વાપસ કર આએં …!"
ઉર્દૂના જ નહીં પણ ભારતીય વાર્તાસાહિત્યના દરજ્જેદાર અને એકમેવ એવા સઆદત હસન મંટોની આ એક વાર્તા છે. અત્યંત ઓછા શબ્દોમાં લાઘવ સાથે સ્પષ્ટ અભિવ્યક્તિ કેવી રીતે કરવી એનો આ નમૂનો છે.
મંટો એવો વાર્તાકાર હતો કે તેની રચનાઓ દિવસે ને દિવસે વધુ પ્રસ્તુત થતી જશે. વર્ષો વીતતાં જશે એમ એમ તે વધુ ઊઘડતો જશે. ખરું રચનાકર્મ એ જ છે કે જે ભવિષ્યમાં વધુ ને વધુ દીપી ઊઠે. લોકો વધુ ને વધુ એની પાસે આવે. મંટોની વાર્તાઓ સાથે આવું થઈ રહ્યું છે. તેણે વાર્તાઓ ઉર્દૂમાં લખી પણ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, બાંગ્લા સહિત વિવિધ ભાષામાં તેના અનુવાદ થયા છે અને એ વાચકોએ મંટોની કહાણીઓને બિરદાવી છે. એ જ માપદંડ છે કે રચનાકાર કેટલું દૂરનું જોઈ શકતો હતો. આજે મંટોનાં નામના સાહિત્ય ફેસ્ટિવલ આયોજિત થાય છે, સેમિનાર થાય છે. મંટોની વાર્તાનાં પઠનના કાર્યક્રમો થાય છે. તેની વાર્તાઓ પરથી નાટકો ભજવાય છે. પાકિસ્તાનમાં તો મંટોની લાઇફ પરથી એક ફિલ્મ બની ચૂકી છે અને ભારતમાં નંદિતા દાસ સઆદત હસન મંટોની લાઇફ પરથી ફિલ્મ બનાવી રહી છે. મંટોની વિવિધ વાર્તાના ગુજરાતીમાં સરસ અનુવાદો થયા છે. એક આડવાત, જેમને વાર્તામાં રસ હોય અને મંટો ન વાંચ્યા હોય તેમના માટે અત્યારે સારુંં ચોઘડિયું ચાલી રહ્યું છે. તેમણે સત્વરે મંટોને વાંચવા જોઇએ. આડવાત સમાપ્ત.
મંટો જ એક માત્ર અફસાનાનિગાર એટલે કે વાર્તાકાર હશે જેની ભારત અને પાકિસ્તાનમાં વ્યાપક ચર્ચા હોય. માત્ર વાર્તાના જોરે મંટોએ પોતાનું અલાયદું સ્થાન ઊભું કર્યું છે.
યુદ્ધ હોય કે આતંકવાદ હોય કે પછી દેશનું વિભાજન હોય કે કોમી વૈમનસ્ય, જે તે દેશની ભવિષ્યની પેઢીઓ તો એ ઘટનાઓને સાહિત્યિક રચનાના સહારે જ જુએ છે, પછી તે વાર્તાના સ્વરૂપે હોય કે નવલકથાનાં સ્વરૂપે હોય કે કાવ્યનાં સ્વરૂપે હોય. એના આધારે જ એ સમયનું મૂલ્યાંકન કરે છે.
મહત્ત્વપૂર્ણ ઘટનાઓનું દસ્તાવેજીકરણ થાય છે, તેના અભ્યાસગ્રંથો બને છે. ઇતિહાસ સ્વરૂપે મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમો ક્યારેક પાઠયપુસ્તકોમાં પણ સ્થાન પામે છે, છતાં પણ જે તે ઘટના-દુર્ઘટના-ઇતિહાસની અસર અને પરિણામોને સમજવા માટે લોકો અભ્યાસગ્રંથો કરતાં એને અનુલક્ષીને લખાયેલી નવલકથાઓ, વાર્તાઓ અને કાવ્યો પર વધુ પસંદગી ઢોળે છે. એ સાહિત્યિક કૃતિઓને આધારે જ એ સમયનું આકલન કરે છે.
છપ્પનિયા દુકાળની વિભીષિકા સમજવા લોકો એ વખતના સરકારી ગેઝેટ કે દસ્તાવેજી ગ્રંથો વાંચવાને બદલે પન્નાલાલ પટેલની 'માનવીની ભવાઈ' વાંચવાનું વધુ પસંદ કરે છે.
ભારત અને પાકિસ્તાનનાં વિભાજનની કરુણાંતિકાઓને સમજવા લોકો ખુશવંતસિંહની નવલકથા 'ટ્રેન ટુ પાકિસ્તાન' કે અમૃતા પ્રીતમની 'પીંજર' કે મંટોની વાર્તાઓ વધુ પસંદ કરે છે. વિભાજન, સામ્પ્રદાયિકતા અને દંગાફસાદ ઉપર મંટોએ લખેલી વાર્તાઓ મહત્ત્વપૂર્ણ સામાજિક-રાજકીય રેફરન્સ પોઇન્ટ્સ છે. તમતમતા વ્યંગબાણોની સાથે હૈયું હલબલાવી દેતી સંવેદના મંટોએ પોતાની વાર્તાઓમાં ઠલવી છે. એ કરતાં ય મંટોની વધુ મહાનતા એ છે કે તેઓ સત્યને ઉઘાડી લાશની જેમ વ્યક્ત કરે છે અને વાંચનારની આંખોને સ્તબ્ધ કરી દે છે.
અત્યારે દેશમાં જે કોઈ દંગાફસાદ કે કોમી વૈમનસ્યની ઘટનાઓ બને છે એને મંટોની વાર્તાઓના લિટમસ પેપરથી પારખી શકાય છે, એટલી એ વાર્તાઓ સંતર્પક છે.
મંટોએ ક્યારે ય મુલ્કના બટવારા સ્વીકાર્યા નહોતા
મંટોએ ક્યારે ય ભારત અને પાકિસ્તાનનાં વિભાજનને સ્વીકાર્યું જ નહોતું. બે દેશ વચ્ચે ખેંચાયેલી લકીરને તેમણે ક્યારે ય સ્વીકારી હતી જ નહીં. તેમની વાર્તાઓમાં પણ તમે જોશો તો એણે વિભાજનને માન્ય રાખ્યું જ નથી. એ જ માણસને પછી અલગ થયેલા પાકિસ્તાનમાં જઈને રહેવું પડે એ તેના હૈયે કેવો ઘા હશે? મંટોના નજીકના મિત્ર અહેમદ રાહીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે "મંટો તો ત્યારે જ મરી પરવાર્યો હતો જ્યારે તેણે પાકિસ્તાનની ધરતી પર કદમ મૂક્યા હતા." પોતાનાં વ્યક્તિત્વને 'ચલતા ફિરતા બમ્બઈ' તરીકે ઓળખાવતા એક ખાનાબદોશ મુંબઈગરાને જ્યારે અચાનક અન્ય મુલ્કનાં આસમાનની આબોહવામાં જીવવાનું આવે એ કેટલું ખૂંચી ગયું હશે! મંટોએ ભલે છેલ્લાં વર્ષ પાકિસ્તાનમાં વિતાવવાં પડયાં પણ તેણે ક્યારે ય વિભાજન સ્વીકાર્યું નહોતું.
વિભાજન બાદ મંટો ભારત છોડીને નવા રચાયેલા પાકિસ્તાનમાં રહેવા ગયા ત્યારે લાહોરના હોલ રોડ પાસે લક્ષ્મી મેન્શનમાં તેમનો આશિયાનો હતો. જીવનનાં છેલ્લાં વર્ષ તેમણે લક્ષ્મી મેન્શનમાં વિતાવ્યાં હતાં.
મંટોની દીકરી નુસરતે એક મુલાકાતમાં કહ્યું હતું કે "મારા પિતાની ઇચ્છા તો માનવતાનો ઉદ્ઘોષ થાય અને સમાજમાં એ સર્વોચ્ચ શિખરે બિરાજે એ હતી, તેમણે કહ્યું પણ હતું કે મુલ્કના ભાગલા તો થઈ શકે છે પણ અદબ(કલા-સંસ્કૃિત-તહેઝીબ)ના ભાગલા કેવી રીતે થઈ શકે?"
મંટોની વાર્તાઓને સાહિત્યમાં સ્થાન ન મળ્યું, લોકોનાં દિલમાં મળ્યું !
ગુજરાતી સાહિત્યની ઉચ્ચભ્રૂ સાહિત્યિક પત્રિકાઓમાં શાયર 'મરીઝ'ની ગઝલો છપાતી નહોતી. શાલ પહેરેલા ઝભ્ભાધારી સાહિત્યકારો અને સાહિત્યનાં મુખપત્રની ઠેકેદારી નોંધાવતા સામયિકો મરીઝની ગઝલોને લગભગ સડકછાપ કેટેગરીમાં જ મૂકતા હતા. આજે સ્થિતિ એવી છે કે મરીઝ ગુજરાતીઓનાં દિલમાં બિરાજે છે. ગુજરાતી યુવાઓ તો મરીઝની રચનાઓને આકંઠ માણે છે.
મંટોની હાલત પણ એવી જ હતી. અલબત્ત, તેની વાર્તાઓને તો ઉર્દૂના સાહિત્યિક સામયિકોમાં સ્થાન મળતું હતું પણ ટિપિકલ સાહિત્યકારોએ તેને સાહિત્યની નાત બહાર મૂક્યો હતો. મુંબઈમાં ૧૯૪૪માં પોતાનો પરિચય આપતાં તેણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે "મૈં ચીઝોં કે નામ રખને કો બૂરા નહીં સમજતા. મેરા અપના નામ અગર ન હોતા તો વો ગાલિયાં કિસે દી જાતી જો હઝારોં ઔર લાખોં કી તાદાદ મેં અપને આલોચકોં સે વસૂલ ચૂકા હું. નામ હો તો ગાલિયાં ઔર શાબાશિયાં દેને-લેને મેં સહૂલિયત રહેતી હૈ."
મંટોની વાર્તાઓને અશ્લીલ કહીને ઉતારી પાડવામાં આવતી હતી. તેની વાર્તાઓ સામે કોર્ટ-કેસ થયા હતા. પોતાની વાર્તાઓને અશ્લીલ ઠેરવવા અંગે તે કહે છે કે "મારામાં જે ખરાબીઓ છે તે આ યુગની ખરાબીઓ છે. મારા લખવામાં કોઈ ખોટ કે ઓછપ નથી, જે ખોટને મારા નામે થોપવામાં આવે છે એ ખોટ તો વ્યવસ્થાની છે. હંગામો ઊભો કરવો મારી પ્રકૃતિ નથી. સભ્યતા, સંસ્કૃિત અને સમાજની ચોલી હું શું ઉતારવાનો હતો, એ તો છે જ નગ્ન."
મૈં ક્યોં લિખતા હું ? એ સવાલનો જવાબ મંટો કંઈક આવી રીતે આપતા હતા, "આ એક એવો સવાલ છે કે હું શા માટે ખાઉં છું, હું શા માટે પીઉં છું, જોકે ખાવા-પીવા માટે મારે ખર્ચ કરવો પડે છે પણ લખવામાં મારે રોકડો કોઈ ખર્ચ નથી કરવો પડતો."
૧૧ મે ૧૯૧૨માં જન્મેલા મંટો માત્ર ૪૩ વર્ષનું આયખું જ લખાવીને આવ્યા હતા, છતાં તેમણે પોતાનું નામ સાહિત્યના ઇતિહાસમાં નોંધાવી દીધું છે. તેમણે નાટકો અને ચરિત્ર્યનિબંધો તેમ જ અખબારી લેખો લખ્યા હતા પણ તેમની કલમ વાર્તા માટે જન્મી હતી. ૨૦૦ કરતાં વધુ વાર્તાઓ તેમણે લખી હતી. વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓમાં મંટોની કેટલીક વાર્તાઓ અચૂક સામેલ થાય. તેમની વાર્તા 'તોબા ટેકસિંહ', 'ખોલ દો', 'બૂ', 'સુગંધી', ઠંડા ગોશ્ત' એવી છે કે એ વાંચ્યા પછી વાચકનાં ચિત્તમાં શૂન્યાવકાશ ઊભો થઈ જાય છે. વાચક હતપ્રભ થઈ જાય કે તેને કોઈ અભિપ્રાય જ ન સૂઝે એ પ્રકારની ચમત્કૃિત મંટોની વાર્તાની લાક્ષણિકતા છે.
કોઈ પણ કલા પછી એ ચિત્રો હોય કે ફિલ્મો કે પછી સાહિત્ય એમાં પોલિટિક્સ ઓફ ધ આર્ટ હોવું જ જોઈએ. સામ્પ્રત સમસ્યાને વાચા કે સિસ્ટમની બદીઓ સામે બત્તી તેમાં ધરાવી જ જોઈએ, તો જ એ કલા-સાહિત્યનું મહત્ત્વ છે અને એ લાંબુ જીવે છે. આજે વાર્તાઓમાંથી પોલિટિક્સ ઓફ ધ આર્ટનું તત્ત્વ ઓછું થવા લાગ્યું છે એ ચિંતાનો વિષય છે.
લેખની શરૂઆતમાં તમે મંટોની એક વાર્તા વાંચી હતી, અંતમાં ફરી એક ટચૂકડી-ચોટડૂક વાર્તા વાંચો …
લૂંટા હુઆ માલ બરામદ કરને કે લિયે પુલિસને છાપે મારને શુરૂ કિયે.
લોગ ડર કે મારે રાત કે અંધેરે મેં લૂંટા હુઆ માલ બાહર ફેંકને લગે.
કુછ ઐસે ભી થે જિન્હોંને અપના માલ ભી મૌકા પા કર અપને સે અલહદા (અલગ) કર દિયા, તાકિ કાનૂની ગિરફ્ત સે બચે રહે.
એક આદમી કો બહુત દિક્કત પેશ આઇ. ઉસકે પાસ શક્કર કી દો બૌરિયાં(ખાંડની બે ગુણ)થી. જો ઉસને પંસારી કી દુકાન સે લૂંટી થી. એક તો વહ જ્યોં-ત્યોં રાત કે અંધેરે મેં પાસ કે કુંએ મેં ફેંક આયા, લેકિન જબ દૂસરી ઉસમેં ડાલને લગા ખુદ ભી સાથ ચલા ગયા.
શોર સુનકર લોગ ઇકટ્વે હો ગયે. કુંએ મેં રસ્સિયાં ડાલી ગઈ.
જવાન નીચે ઊતરે ઔર ઉસ આદમી કો બાહર નિકાલ લિયા ગયા.
લેકિન વહ ચંદ ઘંટો કે બાદ મર ગયા.
દૂસરે દિન જબ લોગોં ને ઇસ્તેમાલ કે લિયે ઉસ કુંએ મેં સે પાની નિકાલા તો વહ મીઠા થા.
ઉસી રાત ઉસ આદમી કી કબ્ર પર દિયે જલ રહે થે.
મંટો અને તેના કિરદારો
મંટોનાં પાત્રો રોજમર્રાની જિંદગીના કિરદાર હતાંં. સમાજે જેમને તરછોડયાં હોય કે સંજોગોએ જેને ક્રૂર રીતે શિકાર કર્યા હોય એવાં કેરેક્ટર્સ મંટોની વાર્તાઓમાં આદરપૂર્વકનું સ્થાન પામતાં હતાં. પોતે વાર્તાના કિરદારમાં કઈ ખાસિયત પસંદ કરતા? કયાં કેરેક્ટર્સ તેમની સહાનુભૂતિ મેળવતાં એ વિશે મંટોની કૈફિયત વાંચો …
કિસી લડકી કો લડકે સે ઇશ્ક હો જાય તો મૈં ઉસે ઝુકામ કે બરાબર ભી અહમિયત નહીં દેતા.
ચક્કી પિસનેવાલી ઔરત જો દિનભર કામ કરતી હૈ ઔર રાત કો ચૈન સે સો જાતી હૈ, મેરે અફસાનો(વાર્તા)કી નાયિકા નહીં હો સકતી. મેરી નાયિકા ચકલે કી રંડી હો સકતી હૈ જો રાત કો જાગતી હૈ ઔર દિન કો સોતે વક્ત કભી કભી યે ખ્વાબ દેખતી હૈ કી બુઢાપા ઉનકે દરવાજે પર દસ્તક દેને આયા હૈ.
"મેરે પડોસમેં અગર કોઇ મહિલા હર દિન અપને પતિ સે માર ખાતી હૈ ઔર ઉસકે જૂતે સાફ કરતી હૈ તો મેરે દિલ મેં ઉસકે લિયે જરા ભી હમદર્દી પૈદા નહીં હોતી. લેકિન જબ મેરે પડોસમેં કોઈ મહિલા અપને પતિ સે લડકર ઔર આત્મહત્યા કી ધમકી દે કર સિનેમા દેખને ચલી જાતી હૈ ઔર પતિ કો દો ઘંટા સખત પરેશાની મેં દેખતા હૂં તો મુજે હમદર્દી હોતી હૈ."
e.mail : tejas.vd@gmail.com
સૌજન્ય : ‘છપ્પનવખારી’, નામક લેખકની કોલમ, “સંદેશ”, 20 જાન્યુઆરી 2016
http://www.sandesh.com/article.aspx?newsid=3220957