આજે ન્યાયાધીશ સાહેબની કોર્ટમાં એક અજીબ પ્રકારનો વારસાઈ તકરારનો કેસ હતો. તકરારી બે પુત્ર, એક પુત્રી અને મૃતક પૂનમચંદ શેઠનાં પત્ની હતાં. ચારેયનો એવો દાવો હતો કે પૂનમચંદ શેઠ જ્યારે જીવિત હતા, ત્યારે પૂનમચંદ શેઠે સંપૂર્ણ મિલકત તેમને આપવાની વાત કરી હતી, પણ, કોઈ પાસે દાર્શનિક પુરાવા નહોતા, આથી કોઈ એક બીજાનો દાવો માન્ય રાખતા નહોતા. પૂનમચંદ શેઠનું આકસ્મિક મૃત્યુ થયું હતું અને પૂનમચંદ શેઠે વિલ બનાવ્યું છે એ બધાંને ખબર હતી, પણ તે કોની પાસે છે એ કોઈને ખબર નહોતી. શેઠશ્રીની મિલકત ઘણી હતી એટલે વારસાઈ ઝગડો પણ મોટો હતો. સૌને સંપત્તિમાં રસ હતો.
ભાઈઓનું કહેવું હતું બહેનને લગ્નમાં દહેજમાં ખૂબ જ આપવામાં આવ્યું છે, એટલે તે હક ન માગી શકે. પૂનમચંદ શેઠની પત્નીનું કહેવું હતું, હું તેમની પત્ની છું એટલે સઘળી મિલકત ઉપર મારો પ્રથમ અધિકાર છે. એક બીજાં પોતાનો દાવો સાચો છે, એ પુરવાર કરવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. ચારેય દાવેદારને પૂરી મિલકત જોઈતી હતી. વારસાઈ ભાગ પાડવા તૈયાર નહોતા અને વિલ શોધવા કે વિલ કોની પાસે છે એ જાણવા પણ તૈયાર નહોતા.
જજ સાહેબે ચારેયને સાંભળીને કહ્યું, “તમને ખબર છે કે મૃતક પૂનમચંદ શેઠે વિલ બનાવ્યું છે?”
“હા, સાહેબ, અમને વાત કરી હતી કે મેં વિલ બનાવ્યું છે અને તે પ્રમાણે કરશો તો જ મારી સંપત્તિ મળશે.”
“તો તમે વિલ કેમ નથી શોધતા?”
“સાહેબ, અમને બીક છે કે વિલ અમને લાભ અને સંતોષ આપતું ન હોય તો. અમે કંઈ ન કરી શકીએ.”
“તો પહેલાં વિલની તપાસ કરો, અને વિલ મળે મારી હાજરીમાં ખોલવામાં આવશે, એ પહેલાં હું એ જાણવા માગું છું કે મૃતક પૂનમચંદ શેઠનાં પત્ની અને તમારા માતુશ્રીની જવાબદારી કોણ લેવા તૈયાર છે, મિલકત મળે તો અને મિલકત ન મળે તો પણ ?” કોઈએ જવાબ ન આપ્યો. “તમારી ચુપકીદીમાં મને જવાબ મળી ગયો છે, એટલે વિલ શોધીને કોર્ટમાં હાજર થજો.”
કોર્ટનો ઓર્ડર થયો એટલે વિલ શોધવાના પ્રયત્ન ચાલુ થયા. પૂનમચંદ શેઠનાં પત્નીએ કહ્યું, “વકીલ મુકેશભાઈ વોરા તેમના મિત્ર હતા, તેમને ખબર હોય તો તેમને પૂછી જોઈએ. “
“મારી પાસે પૂનમચંદ શેઠે વિલ બનાવડાવ્યું છે, અને તમે ન માગો ત્યાં સુધી તમને વાત કરવાની ના કહી હતી.”
“પિતાજીએ એમ કેમ કર્યું હશે?”
“એટલાં માટે કે તેમને શંકા હતી કે તમે તમારી માતુશ્રીનું ધ્યાન રાખવાને બદલે મિલકતના ઝઘડામાં પડશો, અને થયું પણ એમ જ. હું વિલ કોર્ટમાં રજૂ કરીશ.”
“પૂનમચંદ શેઠના વિલનું વાંચન કરવામાં આવે”, જજ સાહેબે આદેશ કર્યો.
“જજ સાહેબ, પૂનમચંદ શેઠના વિલમાં લખ્યું છે કે જે મારી પત્નીની જવાબદારી સ્વીકારે તેને મારી સંપત્તિ મળશે અને જો કોઈ તૈયાર ન થાય તો કોર્ટના ઓર્ડર પ્રમાણે મિલકતનો વહીવટ કરવાનો રહેશે.”
“બોલો, કોણ તૈયાર છે?” બંને ભાઈઓ તૈયાર થઈ ગયા કે માતાજીનું અમે ધ્યાન રાખશું, બંને ભાઈઓ વચ્ચે સંપત્તિની વહેંચણી કરી દ્યો.”
“દીકરી, તું કેમ કાઈ ન બોલી, તે પણ સંપત્તિમાં ભાગ માગ્યો છે.”
“જજ સાહેબ, હું મારા ઘરે ખૂબ સુખી છું. મારે સંપત્તિમાં ભાગની જરૂર નથી. બંને ભાઈઓ વચ્ચે જ્યારે સંપત્તિ માટે ઝગડા જોયા, પણ ક્યાં ય મારી માતાનું સ્થાન ન જોયું ત્યારે મેં નક્કી કર્યું, હું પણ કાયદેસરની વારસ છું સંપત્તિમાં ભાગ માગી ભાઈઓને તેમની ભૂલનું ભાન કરાવીશ. જજ સાહેબ અમારે સંપત્તિ નથી જોઈતી.”
“જજ સાહેબ, માતુશ્રી અમારી સાથે રહે તેવી વિનંતિ છે.”
“તમે કોણ છો?”
“સાહેબ એ મારા પતિદેવ છે.”
“વાહ, અહીં દીકરાને સંપત્તિ મળે તો માતાને રાખવી છે, જ્યારે દીકરી જમાઈને સંપત્તિ નહીં, માતા જોઈએ છે. હવે કંઈ સમજાય છે.”
“જજ સાહેબ, અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. અમે પિતાજીના વિલનો આદર કરીએ છીએ અને માતાજીની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ.”
“મુકેશભાઈ વોરા, તમે પૂનમચંદ શેઠના મિત્ર હતા, આથી વિલ પ્રમાણેની વ્યવસ્થા અને સંચાલન હું તમને સોપુ છું.”
“જજ સાહેબ, મને વિલના લખાણની ખબર હતી પણ દીકરીના સહકાર વગર સોલ્યુશન શક્ય નહોતું, કારણ કે કોઈ વાત માનવા કે સ્વીકારવા તૈયાર નહોતું, એટલે આપ સાહેબની મદદ લેવી પડી. જજ સાહેબ ખૂબ ખૂબ આભાર.”
(ભાવનગર)
e.mail : Nkt7848@gmail.com