
રાજ ગોસ્વામી
પુસ્તકો વાંચવાથી જ્ઞાન વધે એવું કોઈ કહે તો જરા ય નવાઈ ન લાગે, કારણ કે પુસ્તક વાંચવાનો પ્રાથમિક ઉદેશ્ય નવું જાણવાનો છે અને સદીઓથી માણસો એટલા માટે જ પુસ્તકો વાંચતા આવ્યા છે. પણ કોઈ એવું કહે કે પુસ્તકો વાંચવાથી આવરદા વધે છે તો? નવાઈ તો લાગે કારણ કે આવરદાનો સંબંધ શરીર સાથે છે અને ઉંમર ઘટવા-વધવાનું કારણ શારીરિક તંદુરસ્તી છે. એમાં વાંચવાની ટેવ કેવી રીતે બંધ બેસે? પરંતુ આધુનિક વિજ્ઞાનનો દાવો છે કે જે લોકો પુસ્તકો વાંચે છે તેઓ, જે નથી વાંચતા તેની સરખામણીમાં લાંબું જીવે છે.
‘સોશિયલ સાયન્સ એન્ડ મેડિસિન’ નામના એક એકેડેમિક જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં આ રસપ્રદ દાવો કરવામાં આવ્યો છે. અમેરિકાની યેલ યુનિવર્સિટીના સંશોધકોએ 50 વર્ષથી મોટી ઉંમરના 3,600 લોકો પર 12 વર્ષ સુધી અભ્યાસ કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે તેમની જીવનરેખા પર પુસ્તકો વાંચવાના શોખનો કોઈ પ્રભાવ પડે છે કે નહીં.
તેમને જે જાણવા મળ્યું તે અસાધારણ છે : જે લોકો નથી વાંચતા તેના કરતાં વાંચવાવાળા લોકો 2 વર્ષ વધુ જીવે છે. તેમની ઉંમર શું છે, તંદુરસ્તી કેવી છે, સમૃદ્ધ કેટલા છે વગેરે તફાવતોમાં પણ આ તારણ સમાનરૂપે સૌને લાગુ પડતું હતું.
આ લોકોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા હતા : જે લોકો સપ્તાહમાં 3.5 કલાક કે તેથી વધુ વાંચતા હતા, જે લોકો 3.5 કલાક સુધી જ વાંચતા હતા અને બીજા લોકો જે બિલકુલ વાંચતા નહોતા. અભ્યાસ દરમિયાન, 33 ટકા બિન-વાચકોનાં મૃત્યુ થયાં, જ્યારે પ્રતિ સપ્તાહ 3.5 કલાકથી વધુ સમય માટે પુસ્તક વાંચવાવાળા 27 ટકા વાચકોનાં મૃત્યુ થયાં. મતલબ કે પુસ્તકો નહીં વાંચતા લોકોની સરખામણીમાં પુસ્તકો વાંચવાવાળાની મરવાની સંભાવના 20 ટકા ઓછી હતી.
સંશોધકોએ એ પણ નોંધ્યું હતું કે આ ‘ફાયદો’ પુસ્તકોના વાચકોને હતો, સમાચારપત્રો કે સામયિકોના વાચકોને નહીં! તેનું મુખ્ય કારણ એ છે કે લાંબા વાંચન, અને ખાસ કરીને નવલકથાઓના વાંચનથી, વાર્તા અને વાર્તાનાં પાત્રો સાથે માણસો તાદ્ત્મ્ય અનુભવે છે અને તેનાથી તેમની સંજ્ઞાત્મક (કોગ્નિટિવ) ક્ષમતામાં વધારો થાય છે.
ઉપરછલ્લા અને ઊંડા વાંચનની અસર અલગ હોય છે. વાંચન બે પ્રકારનું હોય; ‘નિર્દોષ વાંચન’ અને સહેતુક વાંચન.’ નિર્દોષ વાંચન એટલે માત્ર મનોરંજન માટે વાંચવું, સમય પસાર કરવા વાંચવું, જેમાં કોઈ પ્રકારનો વૈચારિક પરિશ્રમ ન હોય, જેમાં લેખકે જે લખ્યું હોય તેની ભીતર જઈને સમજવાનો પ્રયાસ ન હોય. નિર્દોષ વાંચનમાં આપણે સંપૂર્ણપણે વાચક જ હોઈએ છીએ. તેમાં આપણે ‘જાણીએ’ છીએ. જેમ કે સમાચારોમાં જાણવાનું હોય છે, સમજવાનું નહીં’
સહેતુક વાંચન એટલે જે લખ્યું છે તેનું શું અર્થઘટન થાય, લેખકે કેવી રીતે લખ્યું છે, ક્યા ભાવને વ્યક્ત કર્યો છે, કેમ આ જ શબ્દોનો ઉપયોગ કર્યો છે, વાક્યની રચના કેવી છે, તેનો આગળ-પાછળનો સંદર્ભ શું છે, અગાઉનાં લખાણમાં આ જ વાત કેવી રીતે લખી હતી જેવી જિજ્ઞાસા સાથે કશું વાંચવુ તે. જેમ કે પુસ્તકોમાં સમજવાનું હોય છે.
નિર્દોષ વાંચનમાં આપણે સતહ પર છબછબિયાં કરીને આનંદ લઈએ છીએ. સહેતુક વાંચનમાં ગહેરાઈમાં જઈને ડૂબકી મારીએ છીએ. નિર્દોષ વાંચનમાં આપણે માત્ર વાંચીએ છીએ. સહેતુક વાંચનમાં આપણે વિચારીએ પણ છીએ. આપણા મગજ પર આની અસર ઊંડી હોય છે.
તે સિવાય પણ કારણો છે. પુસ્તક વાંચનથી તનાવ ઓછો થાય છે, મગજમાં સેલ્સની કનેક્ટિવિટી વધે છે અને ઊંઘમાં સુધારો થાય છે. પુસ્તક વાંચતી વખતે આપણું ધ્યાન શબ્દો અને પ્રસંગોમાં વહેંચાઇ જાય છે, જેનાથી તનાવ ઘટે છે, યાદદાસ્ત બહેતર થાય છે અને ઉદાસીથી બચવામાં પણ રાહત મળે છે.
વાંચવા જેવી એકાગ્રતા માંગે તેવી પ્રવૃત્તિમાં આપણું મગજ કેટલું સ્વસ્થ રીતે ફંક્શન કરે છે તે મહત્ત્વનું હોય છે. આપણી ઓવરઓલ તંદુરસ્તી અને મનદુરસ્તી કેવી છે તેની મગજના ફંક્શનની ગુણવત્તા પર મોટી અસર પડે છે. કમનસીબે, આપણે મન કે મગજને જોઈ, અનુભવી શકતા નથી એટલે મોટાભાગે આપણે તેની પ્રક્રિયાથી પણ સચેત નથી હોતા. દાખલા તરીકે, નિયમિત એક્સરસાઇઝના કારણે બ્રેઇન પાવર વધે છે તે મારો જાત અનુભવ છે.
આપણે કેવો આહાર લઈએ છીએ, શરીરને કેટલું ચુસ્ત રાખીએ છીએ, ગુણવત્તાવાળી ઊંઘ કેટલી લઈએ છીએ, કેટલા સ્ટ્રેસ-ફ્રી રહીએ છીએ તેની અસર આપણી સ્મૃતિ શક્તિ પર પડે છે. તે ઉપરાંત, વાંચનમાં આપણે કેટલા મશગૂલ થઈએ છીએ, મતલબ કે તે આપણાને કેટલું ગમે છે, તેના પર પણ યાદ રહી જવાનો આધાર છે. દાખલા તરીકે, એવાં અસંખ્ય પુસ્તકો છે જે મેં વાંચ્યાં હોય પણ એમાંથી કશું જ યાદ ન હોય, કારણ કે એ પુસ્તકમાં હું મગ્ન થઈ શક્યો નહોતો.
શરીર માટે વ્યાયામ અને મગજ માટે વાચન, બંને સરખાં છે. તમે જો 2 વર્ષ સુધી રોજ ૫ કલાક વાંચો, તો તમારું મગજ સંપૂર્ણપણે ‘નવું’ થઇ જાય. વાંચવું એ સંગીતનું ઓર્કેસ્ટ્રા ચલાવવા જેવું કામ છે. એમાં મગજના નાના-મોટા અનેક હિસ્સાઓ સક્રિય થાય છે. અમુક લોકોને સંગીત વિશે વાંચતી વખતે સૂર સંભળાવવા લાગે અથવા ફૂલ વિશે વાંચીને સુગંધ આવવા લાગે, તેનું કારણ મગજનાં વિભિન્ન ફંક્શન વાચનની પ્રક્રિયામાં જોડાઈને ચુસ્ત થાય છે એટલે. માટે જ વાચન આદતની ક્રિયા છે. જેને વાંચવાની ટેવ ના પડી હોય, તેવા લોકોનાં મગજ લાંબુ વાંચીને થાકી જાય અથવા ટર્ન ઓફ થઇ જાય. આ વ્યાયામ કરવા જેવું છે.
લખવાની જેમ વાંચન પણ જટિલ કળા છે. વાંચે તો દરેક લોકો છે, પણ શું વાંચીએ છીએ તે મહત્ત્વનું છે. શબ્દો વાંચવા આસાન છે. કસોટી શબ્દોને સમજવાની છે. એક જ પુસ્તક હોય, પણ ચાર વ્યક્તિ તેને જુદી-જુદી રીતે વાંચે અથવા સમજે, કારણ કે દરેકનું મગજ વાંચતી વખતે જુદી-જુદી રીતે સક્રિય હોય છે. લોકો મુખ્યત્વે ચાર પ્રકારે વાંચતા હોય છે :
1. પ્રાથમિક વાંચન : પુસ્તકમાં શું વિગતો છે તે. ઘણા લોકોને પુસ્તક અક્ષરશઃ યાદ હોય અને પોપટની જેમ બધુ બોલી જાય.
2. અવલોકનાત્મક વાંચન : પુસ્તક શું કહેવા માગે છે તે. દરેક પુસ્તક પાછળ લેખકનો એક મુખ્ય હેતુ હોય છે. તેને પકડવો તે અવલોકનાત્મક વાંચન.
3. વિશ્લેષણાત્મક વાંચન : પુસ્તકનું અર્થઘટન શું છે તે. પુસ્તકની જટિલ વાતોને છૂટી પાડીને તેને સરળ રીતે બોધગમ્ય બનાવવી તે વિશ્લેષણાત્મક વાંચન.
4. ચિંતનાત્મક વાંચન : મારા જીવન માટે તેમાં શું છે તે. પુસ્તકમાં માનવીય જીવનની અમુક સચ્ચાઈ હોય છે. તમે ખુદને બહેતર બનાવવા માટે થઈને પુસ્તકમાંથી જીવનલક્ષી ચિંતનને અલગ તારવો તે ફિલોસોફિકલ વાંચન.
ટૂંકમાં, વાંચો, ખૂબ વાંચો. જ્ઞાન તો મળશે જ, મગજ પણ સશક્ત થશે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 28 સપ્ટેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર