Opinion Magazine
Number of visits: 9448712
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે, કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|10 December 2020

હૈયાને દરબાર

તું મને એટલી બધી એટલી બધી કંઈ ગમે,
કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે!

વાતે વાતે ફૂલડાં ઝરતાં, હર પગલે ફાલે વેલી,
સ્મિત આ તારું ઋતુ પલટતાં ઉરમાં ઊમટે હેલી,

જોઈ લઉં બસ એક વખત ને તીવ્ર પ્રતીક્ષા શમે
તું મને એટલી બધી એટલી બધી કંઈ ગમે …

દીકરી તું તો વહાલનો દરિયો, છોળ ઊડે વહાલપની,
હું તારામાં તું મારામાં, દુનિયા શી આ ખપની!

ચાંદ સિતારા તારી સાથે સંતાકૂકડી રમે …
તું મને એટલી બધી એટલી બધી કંઈ ગમે …

•   કવયિત્રી: યામિની વ્યાસ    •   સ્વર-સ્વરાંકન: શૌનક પંડ્યા

https://www.youtube.com/watch?v=TlpPrz8p9lE

https://www.youtube.com/watch?v=AibZLPxavZw

પારિવારિક સંબંધો વ્યક્ત કરતાં ગીતો દરેક ભાષામાં રજૂ થયાં છે અને લોકપ્રિય થયાં છે. એ ગીતો માતૃવંદના સ્વરૂપે હોઈ શકે, દીકરી-દીકરાની લાગણી વિશેનાં હોય, ભાઈ-બહેન, સાસુ-વહુ તથા નણંદ-ભોજાઈનાં પણ હોઈ શકે. ‘મેઘબિંદુ' જેવા કવિ પુત્રવધૂ વિશે ગીત લઈ આવે છે. લોકગીતોમાં તો આ પ્રકારનાં ગીતો પ્રચલિત છે, પરંતુ હવે આધુનિક ગીતો પણ આ પ્રકારનાં ઘણાં રચાય છે. આજે દીકરી માટેના ગીતની વાત કરવી છે.

દીકરીઓ વિશેના સદીઓ જૂના વિચારોમાં હવે પરિવર્તન આવી ગયું છે. વર્તમાન સમયની દીકરી લાચાર, અસહાય કે અબળા નથી. ૨૧મી સદીની દીકરીઓએ નારીજીવનને ગરિમા આપી છે, ગૌરવ બક્ષ્યું છે. દીકરી આજે વરદાન છે. સુખનો સૂરજ ત્યારે ઊગે છે, જ્યારે દીકરી ઘરમાં જન્મે છે. એની નરમ મુલાયમ આંગળીઓ આપણા ગાલ પર ફરતી હોય તો ધરતીનું કોઈક રહસ્ય સમજાવતી હોય એમ લાગે. એટલે જ તો દીકરી વહાલનો દરિયો કહેવાય છે! માતા-પિતા જ સંતાનોને જન્મ નથી આપતાં, સંતાનો ય મા-બાપને જન્મ આપે છે. દીકરી દુનિયાભરની વાતો કરે, અપાર લાગણી દર્શાવે, મિત્ર બની જાય, મોટી થાય ત્યારે મા-બાપને હકથી ધમકાવે અને પ્રસંગોપાત્ત વ્યવહારદક્ષતા પણ દાખવે. આ જ દીકરી પરણીને વિદાય લે ત્યારે ઘરની દીવાલો ય જાણે મૂક થઈ જાય!

મારી પોતાની જ વાત કરું તો દીકરી હોવી એ મારું ઓબ્સેશન હતું. દીકરો નહીં હોય તો ચાલશે પણ દીકરી તો જોઈએ જ એવું નક્કી કરેલું. પરોઢિયે બ્રાહ્મ મુહૂર્તમાં દીકરી જન્મી ત્યારે હિમાલયના કોઈક નાનકડા મંદિરમાં રૂપાની અનેક ઘંટડીઓ એકસાથે બજી ઊઠી હોય એવી અનુભૂતિ થઈ હતી. પુત્રીજન્મની ખુશાલીમાં અમે પેંડા વહેંચ્યા હતા.

આવી લાડકી દીકરી વિશેનાં જાણીતાં ગીતોમાં, દીકરી મારી લાડકવાયી, મારી લાડકી રે, દાદા હો દીકરી, માધવ રામાનુજ લિખિત દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન, પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન, અનિલ જોશીનું હૃદયસ્પર્શી કન્યાવિદાયનું ગીત, કવિ ‘મેઘબિંદુ’નું દીકરી ગીત; મીઠડી મારી લાડલી મારી, દીકરી ફૂલ સુવાસ તથા એમણે જ લખેલું પુત્રવધૂ સ્વાગત ગીત; લાડકવાયી લાડી, તું રૂમઝૂમ પગલે આવ, તું કુમકુમ પગલે આવ, ઘરમંદિરને સ્નેહ સુગંધે અભરસભર મહેકાવ … પણ સુંદર છે. જયન્ત પાઠકનું દીકરી વિદાય કાવ્ય, અશોક ચાવડાનું કાવ્ય, સ્વર્ગની એકેક દેવીની ઝલક છે દીકરી ઈત્યાદિ સુંદર દીકરી ગીતો છે.

પરંતુ તાજેતરમાં સુરતનાં કવયિત્રી યામિની વ્યાસનું દીકરી ગીત સાંભળીને મજા આવી. દીકરી જેવું જ ચંચળ-ચપળ ગીત સ્વરબદ્ધ કર્યું છે સુરતના જાણીતા કમ્પોઝર શૌનક પંડ્યાએ. વહાલ શબ્દ પ્રત્યે યામિનીબહેનને વિશેષ વહાલ છે એટલે એમનાં ગીત-કાવ્યો અને નાટકમાં વહાલ અવારનવાર ડોકાયા કરે છે. લોકડાઉન દરમ્યાન ખરેખર સર્જનાત્મક કાર્યો કેટલાક સર્જકોએ કર્યાં છે એમાંનાં એક યામિની વ્યાસ છે. એમની ફેસબુક વોલ પર વારંવાર એમનાં ગીતો, કાવ્યો રજૂ થતાં રહ્યાં છે. એમણે રક્ષાબંધન પર ભાઈ-બહેનનું સરસ ગીત મૂક્યું હતું તો નવરાત્રિના નવ દિવસ સ્વરચિત સ્તુતિ-ગરબા પ્રસ્તુત કર્યાં હતાં. આ દીકરી ગીત તો બે વાર લખાયું. મૂળ ગીત તેમની પોતાની દીકરી વિશે જ છે પણ બીજા ગીતનું મુખડું એ જ પણ અંતરા બદલાયા છે. બીજા ગીતનો અંતરા આવો છે;

વ્હાલનો દરિયો ઊછળે એવો જોજન જોજનપૂર
હોય પાસ તું બ્રહ્મબ્રહ્માંડો લાગતાં મને દૂર
સાવ રે ખાલી મન, તારાથી ઊભરે છે ભરપૂર
સાવ રે ખાલી મનમાં જાણે કોઈ કવિતા રમે
તું મને એટલી ગમે …!

આ દીકરી ગીત વિશે યામિની વ્યાસ કહે છે કે, ‘મારી દીકરી માટે જ આ ગીત મેં લખ્યું હતું, પરંતુ હવે એ અનેક દીકરીઓનું બની ગયું છે. ઘણાએ જુદી જુદી રીતે ગાયું છે, પરંતુ સુરતના સંગીતકાર શૌનક પંડ્યાએ એને થોડું જુદી રીતે પ્રસ્તુત કર્યું. એ ઘણું લોકપ્રિય થયું. મારાં ગીત-ગઝલનું એક આલબમ પણ શૌનક પંડ્યાએ સરસ કર્યું છે. સ્કૂલ-કોલેજમાં અમે અર્વાચીન ગરબા કરતાં. ગરબા અમારે જ ગાઈને કરવાના એટલે આવર્તનો ગાવાની પણ ટેવ હતી. તેથી આ ગીતમાં એ અનાયાસે આવી ગયું કે તું મને એટલી ગમે, એટલી ગમે. કંકોત્રીઓમાં આ ગીત છપાય છે. નાટકમાં લેવાયું છે અને એના પર નૃત્ય પણ થયાં છે. ગઝલો લખવી મને ગમે છે. ‘તમારી એ આંખોની હરકત નથીને’ સંગીત આલબમમાં મારી આઠ રચના શૌનકભાઈએ સ્વરબદ્ધ કરી છે. રસપ્રદ વાત એ છે કે ગુજરાતના હેલ્થ કમિશનર ડો. અમરજિત સિંહની ખુરશી પાછળ મારી ગઝલ મૂકેલી હતી પણ નામ નહોતું. કોઈક કારણસર મારા ભાઈ એમને મળવા ગયા ત્યારે એમણે એમને કહ્યું કે આ તો મારી બહેનની ગઝલ છે. એમણે એ જ વખતે મને ફોન કરીને કન્ફર્મ કર્યું અને પછી મારા નામ સાથે મૂકી. ગ્રામ્ય વાતાવરણમાં હું ઊછરી છું, ઘંટી પર અનાજ દળ્યું છે, કૂવે પાણી ભર્યાં છે એટલે મારાં કેટલાંક ગીત લોકગીતો જેવાં બન્યાં છે.’

અલબત્ત, યામિની વ્યાસની ગઝલોમાં ઊંડાણ જોવા મળે છે.

પળેપળનો બદલાવ જોયા કરું છું,
ધરા શું? ગગન શું? સિતારા વળી શું?

સમાયું છે જીવન અહીં ઠોકરોમાં,
ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?

તેમ જ,

તમારી એ આંખોની હરકત નથીને?
ફરી આ નવી કોઈ આફત નથીને?

જેવી ગઝલો શૌનકભાઈએ ગઝલના મૂડને અનુરૂપ સુંદર સ્વરબદ્ધ કરી છે.

શૌનક પંડ્યા દીકરી ગીત વિશે કહે છે કે, ‘ગીતનું મુખડું સરસ હતું એટલે મને કમ્પોઝ કરવાની ઈચ્છા થઈ. પહેલી નજરે તો મને રોમેન્ટિક ગીત લાગ્યું હતું. પછી આગળ વાંચતાં ખબર પડી કે આમાં તો મા-દીકરીની વાત છે. મારા મનમાં જુદી ધૂન રમતી હતી એટલે એ પ્રમાણે યામિનીબહેને અંતરાના શબ્દો બદલ્યા. ફાસ્ટ રિધમનું ગીત બન્યું હોવાથી શાળા-કોલેજ, જાહેર મેળાવડા એમ બધે ગવાય છે. યામિનીબહેનનાં ગીત-ગઝલો કમ્પોઝ કરવામાં સરળ હોય છે તેમ જ મીટર પણ બરાબર હોય છે.

બાકી, અત્યારે રમેશ પારેખ કે મનોજ ખંડેરિયા ક્યાં શોધવા? સારાં ગીતો-કાવ્યો મળવાં મુશ્કેલ છે. સંગીત ક્ષેત્રે મેં ગાયું, સ્વરાંકન કર્યાં અને બીજું ઘણું કામ કર્યું. હવે ફરીથી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું છે. હમણાં જ એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કર્યું. આમ છતાં, ઉત્તમ ગીતો મળે તો સ્વરબદ્ધ કરવાં ગમે જ.’

યામિની વ્યાસની ગીતનુમા ગઝલ ભરત પટેલના સ્વરાંકન અને ગાર્ગી વોરાના કંઠમાં સરસ નીખરી ઊઠી છે. ગાર્ગી વોરાએ એ આકાશવાણી રાજકોટ પર રજૂ કરી હતી. ગઝલના શબ્દો છે;

આંગળી પકડીને તારી ચાલવા દે
મા! મને તું આ જગતમાં આવવા દે.
વંશનું તુજ બીજ તો ફણગાવવા દે.
ગોરમાની છાલ લીલી વાવવા દે
તું પરીક્ષણ ભ્રૂણનું શાને કરે છે?
તારી આકૃતિ ફરી સરજાવવા દે.

યામિનીબહેન લેખન, કાવ્ય, ગીત, ગઝલ, ટૂંકીવાર્તા, નવલિકા, લઘુનવલ, સ્ક્રિપ્ટ લેખન ક્ષેત્રે કાર્યરત છે. નાનપણથી જ ઘરમાં સંગીતનું વાતાવરણ. નાનીમા ગરબા સરસ ગાય એટલે લય પહેલેથી ઘૂંટાતો ગયો હતો. ૨૦૦૨થી તેઓ કવિતા-ગઝલ લખે છે. સ્ત્રી ભ્રૂણહત્યા જેવી ગંભીર સામાજિક સમસ્યા આધારિત એમના નાટક ‘જરા થોભો’એ ૩૫૦થી ય વધુ પ્રયોગ કરી જાગૃતિ ફેલાવી છે. રાજ્ય તેમ જ મુંબઈની ભવન્સમાં વ્યક્તિગત રીતે અભિનયનાં અનેક પારિતોષિકો મેળવી તેઓ ગૌરવાન્વિત થયાં છે.

અભિનય અને પ્રસ્તુતિ સાથે પ્રત્યક્ષ સંકળાયેલાં હોવાથી એમનું નાટ્યલેખન ખાસ્સી મંચન સભાનતા દાખવે છે. વિશ્વની તમામ નારીને ‘નમન’ માટેના વિશેષ વીડિયોમાં યામિનીબહેનનું ગીત લેવાયું છે. આમ, સર્જનનાં અનેક ક્ષેત્રે ખેડાણ કરી ચૂકેલાં યામિની વ્યાસનાં ગીતો તક મળે તો જરૂર સાંભળજો.   

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 10 ડિસેમ્બર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=660931 

Loading

10 December 2020 admin
← જયંતભાઈ મેઘાણી : હવે સ્મરણો ભીનાં
પરબનાં મીઠાં જળ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved