તુમ જો હુએ મેરે હમસફર રસ્તે બદલ ગયે
લાખોં દિયે મેરે પ્યાર કી રાહોં મેં જલ ગયે …
આયા મઝા, લાયા નશા, તેરે લબોં કી બહારોં કા રંગ
મૌસમ જવાં, સાથી હસીં, ઉસ પર નઝર કે ઈશારોં કા રંગ
જિતને ભી રંગ થે સબ તેરી આંખોં મેં ઢલ ગયે …
ક્યા મંઝિલેં, ક્યા કારવાં બાહોં મેં તેરી હૈ સારા જહાં
આ જાને જાં ચલ દેં વહાં મિલતે જહાં હૈ જમીં આસમાં
મંઝિલ સે ભી કહીં દૂર હમ આજ નિકલ ગયે …
આ પહેલાના લેખમાં ‘તૂ મેરે સામને હૈ’ ગીતની વાત હતી. તેમાં ‘અજીબ દાસ્તાન હૈ યે’ ગીતનો ઉલ્લેખ હતો. આ ગીત હસરત જયપુરીનું નહીં, શૈલેન્દ્રનું છે એની નોંધ લઈને આજનો લેખ શરૂ કરીએ.
ઉમાશંકર જોશી લખે છે, ‘ગર્ભમાંના બાળકનું અસ્તિત્વ માના ચહેરા પર ચમકે, મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે જોયું છે?’ આ વાત પ્રેમ માટે પણ એટલી જ સાચી છે. પ્રેમમાં હોય તે ગમે તેટલું છુપાવે, પણ એની આંખોમાં, એના ચહેરા પર, એના આખા અસ્તિત્વમાં પ્રેમ ચમક ચમક થતો હોય. એકબીજાની હાજરીમાં એમના બોડી લેંગ્વેજ, સ્ફૂર્તિ અને કમ્ફર્ટ લેવલ જોનારને આખી સ્થિતિનો અંદાજ આપી જ દે છે.
પ્રેમ તો હિન્દી ફિલ્મોનો પ્રિય વિષય. પ્રેમને લડાવતાં ગીતોની કમી હિન્દી સિનેમાના ઇતિહાસમાં ક્યારે ય નથી રહી. પણ જ્યારે નાયક-નાયિકા ખરેખર પ્રેમમાં હોય અને પડદા પર રોમેન્ટિક ગીત ગાતાં હોય ત્યારે એમનું રહસ્ય કોઈ રીતે છૂપું રહી શકતું નથી અને ખૂલી ખૂલી જાય છે ત્યારે દર્શકોને મઝા પડી જાય છે. આવાં કેટલાક ગીતોની વાત કરીએ તો ‘દમ ભર તો ઉધર મુંહ ફેરે’ રાજ કપૂર-નરગિસનું, ‘સીને મેં સુલગતે હૈં અરમાન’ દિલિપકુમાર-મધુબાલાનું, ‘આપકી આંખો મેં કુછ મહકે હુએ સે રાઝ હૈ’ વિનોદ મહેરા-રેખાનું, ‘આ જા તેરી યાદ આઈ’ ધર્મેન્દ્ર-હેમા માલિનીનું, ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ’ અમિતાભ બચ્ચન-રેખાનું ને ‘નગાડા સંગ ઢોલ બાજે’ દીપિકા પદુકોણ-રણવીર સિંઘનું રહસ્ય છતું કરે છે. આજે જે ગીતની વાત કરવી છે એ ‘તુમ જો હુએ મેરે હમસફર’ આ જ રીતે ગુરુ દત્ત-વહીદા રહેમાનનું પ્રણય-રહસ્ય ખોલે છે. ગુરુ દત્તની આવી રહેલી પુણ્યતિથિ નિમિત્તે આ જ ગીતને અને એક અધૂરી પ્રેમકહાણીને યાદ કરીએ.

આ ગીત 1958ની ફિલ્મ, ‘ટ્વેલ્વ ઓ ક્લોક’નું હતું. ગુરુ દત્તે અભિનય કર્યો હોય પણ દિગ્દર્શન કર્યું ન હોય તેવી જૂજ ફિલ્મોમાંની એક ‘ટ્વેલ્વ ઓ ક્લોક’ હતી. ફિલ્મ સસ્પેન્સ-થ્રીલર હતી. શરૂઆત નારાજ થઈ પિતરાઈ બહેન અને બનેવી(સબિતા ચૅટર્જી-રહેમાન)નું ઘર છોડતી બાની(વહીદા રહેમાન)ના દૃશ્યથી થાય છે. એ માત્ર ઘર છોડતી નથી, ચેતવણી આપતી જાય છે કે ‘મને વારસામાં મળેલી મિલકત તમે હડપી ન જાઓ તે હું જોઈશ.’
બાની દિલ્હી આવે છે, મામાને ત્યાં રહે છે અને એડવોકેટ અજય(ગુરુ દત્ત)ની સેક્રેટરી તરીકે કામ શરૂ કરે છે. ઝડપથી બન્ને પ્રેમમાં પડે છે. આ બાજુ બાનીના બનેવીના કાવતરાથી રેલવે સ્ટેશન પર રાત્રે બાર વાગ્યે બાનીની પિતરાઈ બહેનનું ખૂન થાય છે. ખરો ખૂની અકસ્માતમાં માર્યો જાય છે ને ખૂનનો આરોપ બાની પર આવે છે. અજય, મિત્ર અને આસિસ્ટન્ટ મોતી(જોની વૉકર)ની મદદથી પ્રિયતમાને નિર્દોષ સાબિત કરવા મેદાને પડે છે.
ઓપી-મજરુહનાં ગીતો, રોમાન્સ, ખૂન, કોમેડી, ક્લબ સોંગ, કૉર્ટ સીન્સ અને કલાકારોની સુંદર ટીમ આ બધું છતાં ‘ટ્વેલ્વ ઓ ક્લોક’ બહુ ધ્યાન ખેંચી શકી નહોતી. જ્યારે દર્શકોને ખૂન કરનાર, કરાવનાર અને કારણ બધાની ખબર હોય ત્યારે સસ્પેન્સ-થ્રીલર ફિલ્મની અડધી મઝા મરી જાય. પછી તો રસ તો જ જળવાઈ રહે જો દિગ્દર્શક બહુ જ કાબેલ હોય. ‘ટ્વેલ્વ ઓક્લોક’ના દિગ્દર્શક પ્રમોદ ચક્રવર્તી કાબેલ નહોતા એમ નહીં, પણ બહુ જ કાબેલ સાબિત થઈ શક્યા નહીં. ગુરુ દત્ત-વહીદા રહેમાન તાજગીભર્યાં અને સરસ લાગતાં હતાં પણ અભિનયની બાબતે સોફેસ્ટીકેટેડ વિલન તરીકે રહેમાને મેદાન માર્યું હતું.
અને ગીત – ગીતમાં શબ્દો અને સંગીતની મઝા તો છે જ, પણ દર્શકોને ખરી મઝા ગુરુ દત્ત અને વહીદા રહેમાનની કેમિસ્ટ્રી જોવામાં આવે છે. એ માત્ર પડદા પરની કેમિસ્ટ્રી નથી એ સમજાતાં જરા પણ વાર લાગે તેમ નથી. યુટ્યૂબ પર ફિલ્મ અને ગીત બંને ઉપલબ્ધ છે. ફિલ્મમાં પણ ગુરુ દત્ત અને વહીદા રહેમાન પ્રેમ વ્યકત કરવાની એક તક પણ ચૂકી શકતાં નથી. અહીં તો રોમેન્ટિક ગીતનું શૂટિંગ છે. ગુરુ દત્ત અને વહીદા રહેમાને હોંશથી તક ઝડપી લીધી છે. એકબીજાની સાથે હોવાનો આનંદ અને સાથે હોવા છતાં ખતમ ન થતો તલસાટ બન્ને મુક્તપણે અને સહજપણે વ્યક્ત થઈ ગયાં છે. ઓ.પી. નય્યરનું સંગીત અને મજરૂહ સુલ્તાનપુરીના શબ્દો સંગીત અને શબ્દો પણ મજાનાં છે પણ ગીતની સાચી મઝા ગુરુ દત્ત અને વહીદા રહેમાનની અભિવ્યક્તિમાં છે.
આ ફિલ્મ બની ત્યારે ગીતા દત્ત-ગુરુ દત્તનાં લગ્નને ચાર વર્ષ થયાં હતાં. ગુરુ દત્તની લાઈફસ્ટાઈલને લીધે સંબંધો વણસવા લાગ્યા હતા. ગુરુ દત્ત અને ગીતા દત્તની કહાણી કોઈ ફિલ્મની વાર્તાથી કમ નહોતી. પ્રતિભા, ગ્લેમર, સર્જનાત્મકતા, સફળતા, પ્રતિષ્ઠા, પ્રેમ, લગ્ન, પીડા અને અત્યંત સંવેદનશીલતા – આટલું ઓછું હોય એમ ગુરુ દત્તની મેલેન્કૉલિક માનસિકતા. મીનાકુમારીમાં પણ આ માનસિકતા હતી. આવા લોકોને દુ:ખી રહેવાનું ગમે છે. તેઓ દુ:ખને પકડે છે અને એટલે પછી દુ:ખ તેમને પકડે છે.
ગીતા દત્ત સાથેના સંબંધો વણસ્યા એટલે ગુરુ દત્ત અને વહીદા રહેમાન નજીક આવ્યાં કે એ બંને નજીક આવ્યા એટલે ગુરુ દત્ત અને ગીતા દત્તના સંબંધો વણસ્યા? આનો જવાબ કોણ આપી શકે? ગુરુ દત્ત અને ગીતા દત્તને તો અકાળ મૃત્યુએ ખામોશ કર્યા છે અને હવે જૈફ ઉંમરે પહોંચેલી વહીદા રહેમાન, આ પ્રશ્ન પુછાય તો કહી દે છે, ‘માય પર્સનલ લાઈફ ઈઝ નોટ એનીબડી’ઝ બિઝનેસ.’
ખેર, દુનિયાદારીની જાળજંજાળ વચ્ચે પ્રેમનું આયુષ્ય ગમે તેટલું ઓછું હોય, આ પ્રતીતિ તો એ આપે જ છે કે કોઈ એક મળી જાય છે અને રસ્તા ફરી જાય છે. માર્ગ પછી લાખો દીવાથી ઝળહળી ઊઠે અને મુસાફરી, મંઝિલને પણ વટાવી દૂર નીકળી જાય છે. ગુરુ દત્ત અને વહીદા રહેમાનના સંબંધનો ભૂતકાળ કે ભવિષ્યકાળ જે હોય તે, વર્તમાન ક્ષણ એમની છે. પ્રેમનાં ગીતની છે. પ્રેમીઓનો મિજાજ તો મજરૂહ સાહબની આ પંક્તિ જેવો જ હોય છે, ‘રોક સકતા હમેં ઝિંદાન-એ-બલા ક્યા મજરૂહ, હમ તો આવાઝ હૈ, દીવારોં સે છન જાતે હૈ’ પછી ગાવું પડે તો એવું પણ ગાઈ લે છે, ‘સુલગતે સીને સે ધુઆં સા ઊઠતા હૈ, લો અબ ચલે આઓ કિ દમ ઘુટતા હૈ, જલા ગયે તન કો બહારોં કે સાયે, મૈં ક્યા કરું કરું હાયે, કિ તુમ યાદ આયે…’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 03 ઑક્ટોબર 2025
![]()

