સરદાર
રક્ષામંત્રી રાજનાથ સિંહનું વાગ્બાણ
નેહરુ પટેલની સ્મશાનયાત્રામાં નહોતા ગયા એવાં ગતકડાં અને ગુબ્બારા બાબતે, કાશ, રાજનાથસિંહ સહિતના વરિષ્ઠો ચાંગળુંક વિવેક કે લગરીક સંયમ કેળવી શકે!

પ્રકાશ ન. શાહ
સરદાર સાર્ધ શતાબ્દી સંદર્ભે ગુજરાતની ઊડતી મુલાકાત દરમિયાન કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે વળી એક વાગ્બાણ વીંઝ્યું છે કે જવાહરલાલ તો સરકારી ખર્ચે બાબરી મસ્જિદ ઊભી કરવાનું કહેતા હતા, પણ વલ્લભભાઈએ એમને તેમ કરતાં વાર્યા હતા, કારણ વલ્લભભાઈ ‘ટ્રુ સેક્યુલર’ હતા.
ઉટપટાંગ વિધાનકળા તો કોઈ રાજનાથસિંહ કને શીખે. આ પહેલાં પણ એમણે એક મૌલિક સંશોધન સરાજાહેર કીધું હતું કે સાવરકરે અંગ્રેજ સરકારને માફીપત્ર લખ્યો તે ગાંધીજીની સલાહથી લખ્યો હતો. આ વિગત જેને અંગે એમને જાતજાણકારી હતી તેની ખબર ખુદ સાવરકર અગર ગાંધીને પણ નહોતી. સાવરકરના સંઘમાન્ય ચરિત્રકાર ઉદય માહુરકર હોય અગર અન્ય ચરિત્રકાર વિક્રમ સંપત હોય, આ વિગતમુદ્દે રાજનાથસિંહ તરફે એમણે લાળા ચાવ્યા વગર કોઈ પણ વિકલ્પ નહોતો.
વાત જો કે આપણે જવાહર અને સરદારની કરતા હતા. બાબરી મસ્જિદનો પ્રશ્ન ચગ્યો અડવાણી-કાળમાં પણ એનાં બીજ 1949-50માં પડેલાં છે. એ ઢાંચામાં રાતોરાત રામલલ્લા પ્રગટ્યા હતા. આ પ્રાગટ્યના જવાબદારો અંગે તેમ મૂર્તિની પધરામણી અંગે નેહરુ અને સરદાર બંનેની ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી ગોવિંદ વલ્લભ પંત જોગ સાફ સલાહ હતી કે આવી ઘટનાને ઉત્તેજન ન મળી રહે તે જોવું જોઈએ અને તરત ઘટતી કારવાઈ કરશો. સ્થળ પર તાળાં તો મરાઈ ગયાં પણ બાકી કારવાઈ બાબતે સ્થાનિક મેજિસ્ટ્રેટની ‘સલાહ’ વધું કાંઈ ન કરવાની હતી અને પંતે નેહરુ પટેલની સલાહની ઉપરવટ જઈ ઢીલું મૂક્યું હતું. આગળ ચાલતાં પંતને ‘સલાહ’ આપનાર મેજિસ્ટ્રેટની જનસંઘમાં સમુત્ક્રાન્તિ થઈ હતી એ ઇતિહાસ દર્જ છે. ગમે તેમ પણ નેહરુ-પટેલ પત્રવ્યવહાર અને બાકી વિગતો આર્કાઇવ્ઝમાં સચવાયેલી ને સુલભ છે. હવે તો નેહરુ આર્કાઇવ્ઝ પણ ખુલ્લું મુકાયેલ છે. એમાં ક્યાં ય સરકારી ખર્ચે બાબરી નિર્માણનું નેહરુસૂચન નોંધાયેલું નથી.
રાજનાથસિંહ ચોક્કસ સંદર્ભમાં વલ્લભભાઈને ‘ટ્રુ સેક્યુલર’ તરીકે આગળ કરવા ઇચ્છતા હોય તો એમણે એ સવાલનો જવાબ શોધવો જોઈએ કે વલ્લભભાઈએ અયોધ્યા મુદ્દે સોમનાથવાળી કેમ ન કરી. આ બે બાબત વચ્ચે પટેલને કશોક વિવેક અભિપ્રત હતો પણ એ સમજવાની તૈયારી ન તો રથી અડવાણીની હતી, ન તો એ માટેની રગ રાજનાથસિંહ કને જણાય છે.
છતાં વલ્લભભાઈમાં એમને ‘ટ્રુ સેક્યુલર’ના દર્શન થાય જ છે. તો એમણે વલ્લભભાઈના એ વિધાનનીયે નોંધ લેવી જોઈએ કે હિંદુ રાષ્ટ્રને વલ્લભભાઈને ‘પાગલ ખયાલ’ તરીકે વર્ણવ્યો હતો. ગાંધીહત્યા પછીની તપાસ પર વલ્લભભાઈ સતત ચોંપ રાખી રહ્યા હતા અને એમનો જવાહરલાલ જોગ પત્ર પણ સચવાયેલ ને પ્રગટ થયેલ છે કે હિંદુ મહાસભાનું એક જૂથ આની પાછળ છે. મૂળે હિંદુ મહાસભાના પણ આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં સ્થાનપ્રાપ્ત શ્યામાપ્રસાદ મુખર્જીએ સંઘ પરના પ્રતિબંધનો મુદ્દો છેડ્યો ત્યારે નાયબ વડા પ્રધાન ને ગૃહ પ્રધાન પટેલે પોતાના આ કેબિનેટ સાથીને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે સંઘ પ્રચારે જે ઝેરી હવા પ્રસારી તેમાં ગાંધીજીનો ભોગ લેવાયો.
એ સાચું છે કે એક તબક્કે વલ્લભભાઈ સંઘ કાઁગ્રેસમાં જોડાઈ જાય એવું સૂચન કર્યું હતું. પણ એમાં જે રાજકીય ગણતરી ઉપરાંત પ્રધાન મંત્રી મુદ્દો કાઁગ્રેસના બંધારણના સ્વીકારનો અને એ રીતે સંઘની વિચારધારાના અસ્વીકારનો હતો તે બેઉના ટીકાકારો અને ટેકેદારોના ખ્યાલમાં હોવું જોઈશે. દેખીતી રીતે જ સંઘે પણ અંતર્ગત અલગ નહીં એ ધોરણે જોડાવાનું રહે.
વસ્તુતઃ સ્વરાજસંક્રાન્તિમાં ગાંધી-નેહરુ-પટેલ વચ્ચેના સહજ મતભેદો છતાં એ નાજુક નિર્ણાયક પળોમાં છેવટે તો તે ત્રિપુટી તરીકે જ ઊપસી રહેલાં માલૂમ પડે છે. એમને એકમેકની સામે મૂકીને જોવાતપાસવાનું સ્વતંત્ર અધ્યયનનો વિષય હોઈ શકે, પણ એમને એકબીજાથી જુદા પાડી પોતે જે સંગ્રામમાં નહોતા એની સાથે પશ્ચાદ્વર્તી ધોરણે જોડાઈ જવાની લાયમાં આ ઉધામો શા માટે. મોરારજી પ્રધાનમંડળમાં ભાગીદારી, અટલબિહારી વાજપેયીના છ વરસ અને મોદી શાસનના સુવાંગ અગિયાર વરસ પછી પ્રત્યક્ષ કામગીરીને ધોરણે વાત કરવાનો અભિગમ ભા.જ.પ. અન દેશ બેઉને સારુ પથ્ય થઈ પડશે, તેમ કહેવું એ વાસ્તવ કથન માત્ર છે.
ભગતસિંહ કહો, નેતાજી કહો, કોઈને પરબારા ઓળવી શકવાની વાસ્તવિક ગુંજાશ ભા.જ.પ. સહિંતના સંઘ પરિવાર સમગ્રમાં નથી. ભાગવતનાં વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો બહુ ગાજ્યાં, પણ ગુરુજી સમગ્ર સહિતના એના સ્થાપિત સાહિત્ય અને આ વ્યાખ્યાનોના કેટલાક વિગતમુદ્દા વચ્ચે છત્રીસનો સંબંધ છે તે છે. જવાહરલાલ વલ્લભભાઈની સ્મશાનયાત્રામાં નહોતા ગયા, એવા ગતકડાં ને ગુબ્બારાથી ઊઠીને વાત કરવાનો તકાજો આ તો છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 03 ડિસેમ્બર 2025
![]()

