Opinion Magazine
Number of visits: 9733418
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટૂંકમાં (૯) : લિટરરી કૅનન અને ગ્રાન્ડ નૅરેટિવ : 

સુમન શાહ|Opinion - Literature|18 September 2022

(This episode is thought by me in somewhat a seriously new way and hence it is at a rudimentary level.)

સાહિત્યના સર્વોત્તમ વાચકો મોટે ભાગે સાહિત્યકારો જ હોય છે. તેઓ સહૃદય હોય છે, તેઓએ ઉત્તમ કૃતિઓનું વાચન અને પરિશીલન કર્યું હોય છે. તેઓ ઊંચા અધિકારી દરજ્જાના વાચક ગણાય છે.

તેઓ વાંચીને બેસી નથી રહેતા. પોતાના વાચન વિશે પોતાના જેવા બીજા જોડે વાત કરે, બીજો પોતાના વાચન વિશે વાત કરે. ઘણી વાર તેઓ અન્યોનાં વાચનની પણ વાત કરતા હોય છે.

તેઓ વાત કરીને બેસી નથી રહેતા, સાહિત્યપદાર્થના આવિર્ભાવનું તન્ત્ર શોધી કાઢે છે. કયા તત્ત્વને કારણે રચના રસપ્રદ બની તેની ચર્ચા માંડે છે. તેવાં તત્ત્વોનાં વર્ગીકરણ કરે છે. ચર્ચામાંથી ધોરણો ઊભાં કરે છે. નિયમો બનાવે છે. નિયમોના આગ્રહો રાખે છે. પોતે બનાવેલા નિયમોની સાર્થકતા બતાવવા માટે કેટલુંક તેઓ જાતે પણ સરજી કાઢે છે -એવું સરજેલું ભલે કૃતક લાગે !

અને તેથી, ભવિષ્યમાં આવનારી કોઈપણ કૃતિ એમણે નક્કી કરેલાં ધોરણસરની કે નિયમસરની ન લાગે તો નાપાસ કરે છે. એમના મહાનુભાવી બહુમતને કારણે કેટલાક સર્જકોને ‘મહાકવિ’, ‘સદીના શ્રેષ્ઠ વાર્તાકાર’ ‘મહાન નવલકથાકાર’ જેવાં બિરુદ પ્રાપ્ત થાય છે.

કોઈ કોઈ બિચારા એમના દૃષ્ટિપાત માત્રથી ભૂમિસાત થઈ જાય છે.

આ સર્વોત્તમોમાંના કેટલાક સહૃદય તો હોય છે જ, પણ રચનાને રસપ્રદ બનાવનારા કોઈ એક મહત્ તત્ત્વનાં સ્વરૂપ અને કાર્યનો વિચારપૂર્વક નિર્ણય લે છે, મત બાંધે છે અને પછી તેને વળગી રહે છે.

સંસ્કૃત કાવ્યમીમાંસામાં એવા અનેક મત જોવા મળે છે, જેમ કે, અલંકાર. અલંકારને એ વિચારકે, રુય્યકે, ‘સર્વસ્વ’ ગણ્યો. જેમ કે, રીતિ. રીતિને એ વિચારકે, વામને, કાવ્યનો ‘આત્મા’ ગણ્યો. જેમ કે, વક્રોક્તિ. વક્રોક્તિને એ વિચારકે, કુન્તકે, રસસિદ્ધ કાવ્યનું ‘જીવિત’ ગણી. જેમ કે, રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ. એને એ વિચારકે, જગન્નાથે, ‘કાવ્ય’ ગણ્યો. વગેરે.

સર્વોત્તમ વાચકમાંથી તેઓની એક સ્વરૂપે ઉત્ક્રાન્તિ થાય છે – કોઇ ‘કાવ્યશાસ્ત્રી’ કહેવાય છે – કોઈ ‘ટીકાકાર’ કહેવાય છે – કોઈ ‘આચાર્ય’ – કોઈ ‘મહા વિવેચક’ – કોઈ ‘સાહિત્યજ્ઞ’ – કોઈ ‘સાહિત્યસમીક્ષક’.

આવાઓની જમાતને લિટરરી કૉમ્યુનિટી કહેવાય છે.

આવા ઉત્ક્રાન્ત જીવો નિયમો અને સિદ્ધાન્તોના તો આગ્રહી તો ખરા જ પણ તદુપરાન્ત પોતાની ભાષાની, દેશની તેમજ વિશ્વની ઉત્તમ કૃતિઓના વાચન-મનનના પણ આગ્રહી બની જાય છે. અવારનવાર તેઓ પોતાના આગ્રહોને દોહરાવતા હોય છે.

“આ ૫૦ કૃતિઓ તમારે મૃત્યુ પહેલાં વાંચવી અનિવાર્ય છે” એવી ધમકીભરી જાહેરાતો પણ કરતા હોય છે.

પરિણામે, ધીંગું સાહિત્યશાસ્ત્ર રચાય છે. આપણી પરમ્પરામાં ભરત મુનિનું “નાટ્યશાસ્ત્ર” અને પશ્ચિમમાં ઍરિસ્ટોટલનું “પોએટિક્સ” સાહિત્યશાસ્ત્રના મૂળાધારો ગણાય છે.

ચુસ્તતાથી કહેવું હોય તો એમ કહેવું જોઈએ કે લિટરરી કૅનન રચાય છે – સર્વકાલીન સર્વોત્તમ કૃતિઓ, સામાન્ય નિયમો, સિદ્ધાન્તો, ધોરણો અને માપદણ્ડોનો સમવાય.

લિટરરી કૅનનનાં ચુસ્ત પાલનને પ્રતાપે આખી પરમ્પરા ગ્રાન્ડ નૅરેટિવ બની રહે છે. એને મૅટાનૅરેટિવ પણ કહેવાય છે. સાહિત્યની એ કેટલીયે બાબતો તર્કસંગત, સિદ્ધાન્તસંગત અને સ્વીકાર્ય લાગે એ પ્રકારનું લૅજિટિમેશન કરી આપે છે, અને એ પોતે તો સૅલ્ફલૅજિટિમેટેડ હોય છે !

ઉદાહરણ તરીકે, ફૂટપટ્ટી કોઈપણ વસ્તુનું માપ કાઢી આપે છે, અને તે માપ હમેશાં સર્વસ્વીકાર્ય હોય છે. મોનિયર વિલિયમ્સ લૅજિટિમેશનને ‘ઔરસસમીકરણમ્’ કહે છે. સાદું એટલું સમજવાનું છે કે વસ્તુઓ કાયદેસરની છે એમ મહોર મારીને બધું જડબેસલાક નક્કી કરી આપે છે.

ગ્રાન્ડ નૅરેટિવ્ઝના અવસાનને ફ્રૅન્ચ ફિલસૂફ લ્યોતાર્-આધુનિકતાનું મહત્ લક્ષણ કહે છે.

Pic courtesy : SlidePlayer

વૈચિત્ર્ય તો એ છે કે ફૂટપટ્ટી કાયદાથી પર મનાય છે, અને તેથી એના માપ વિશે કોઈને પ્રશ્ન થતો જ નથી. જેમ ફૂટપટ્ટી સ્વયંસિદ્ધ હોય છે તેમ ગ્રાન્ડ કે મૅટાનૅરેટિવ પણ સ્વયંસિદ્ધ હોય છે.

સૌના વિચારવિમર્શ માટે ૪ પ્રશ્નો :

પ્રશ્ન : ૧ :

કોઈ મનુષ્ય આવા લિટરરી કૅનનને કે ગ્રાન્ડ નૅરેટિવને જાણતો જ ન હોય, એવો અજ્ઞાની હોય, સહૃદય ન હોય, પણ સંવેદનશીલ મનુષ્ય હોય, અને એને સાહિત્યકૃતિ જો આનન્દ આપી શકતી હોય, ભલે એને રસાનુભૂતિ ન કહેવાય, એવા દૃષ્ટાન્તમાં, એ કૅનન, એ નૅરેટિવ, ફેરવિચાર માગે કે કેમ? કે પછી પેલાને એમ જ કહ્યા કરે કે અમારું કથ્યું જેને સૌ અનુસર્યા, તે જાણીને આવ, એમ હઠ પકડે?

પ્રશ્ન : ૨ :

લિટરરી કૅનનના કે ગ્રાન્ડ નૅરેટિવના નકશામાં કે વાતાવરણમાં ન બેસે એવી સાવ જ નૂતન કે પ્રયોગશીલ સર્જનાત્મક કૃતિની ગુણસમૃદ્ધિનો નિર્ણય કેવી રીતે થાય? કોણ કરે?

પ્રશ્ન : ૩ : 

કૅનનનું ‘વિઘટન’ કરી આપે, ડિકન્સ્ટ્રક્શન, અને ગ્રાન્ડમાંથી ‘લિટલ’ નૅરેટિવ રચાય તે શું સાહિત્યપદાર્થના જીવનસાતત્ય માટે જરૂરી બલકે અનિવાર્ય નથી?

પ્રશ્ન : ૪ :

ગુજરાતી સાહિત્યક્ષેત્રે સમાજસુધારો, પૂર્વ-પશ્ચિમ સંસ્કૃતિઓનો સમન્વય, ગ્રામ-વાસ્તવિકતા અને કલાસૌન્દર્યને માટે એના એ પ્રત્યેક યુગમાં જે માંગ ઊઠી એ દરેકને ‘લિટલ’ નૅરેટિવને માટેનો ધખારો કે પ્રારમ્ભ ગણી શકાય કે કેમ?

કોશિયાને સમજાય એવું સાહિત્ય એઓશ્રીએ માગ્યું તે ‘લિટલ’ નૅરેટિવને માટેની જિકર હતી કે કેમ?

(Sep 18, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

18 September 2022 Vipool Kalyani
← માનવી હોવાપણું હિંદુ હોવાપણા કરતાં અદકેરું છે
સેમિકન્ડક્ટર્સઃ વિશ્વની મહાસત્તાઓ વચ્ચેના ખટરાગનું સૌથી મોટું કારણ →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved