(This episode is thought by me in somewhat a seriously new way and hence it is at a rudimentary level.)
મને યાદ આવ્યું કે બાળપણમાં ચિત્રમાં ડુંગરાની પાછળ સૂરજ બતાવવો હોય તો હું એ વર્તુળની ચોપાસ કિરણ બતાવનારી લીટીઓ ફેલાવી દેતો. હું ધારું છું કે એ વયે અન્ય મિત્રો પણ એમ જ કરતા’તા.
એ યાદને કારણે આજકાલ મને એમ લાગ્યા કરે છે કે સૂર્ય પ્રસરણશીલ છે; એનું તેજ દસે દિશામાં પ્રસરેલું છે; જો સૂર્ય એમ ફેલાયેલો ન હોત તો પોતાના તેજથી પ્રગટેલી ગરમીથી ક્યારનો ઑગળીને ઑલવાઈ ગયો હોત.
મારા “અનુ-આધુનિકતાવાદ અને આપણે” (૨૦૦૮) પુસ્તકમાં અનુ-આધુનિકતાને મેં પ્રસરણશીલ કહી છે.
મુદ્દો ગ્રાન્ડ નૅરેટિવના – મહા વૃતાન્તના – નિરસનનો છે, લિટલ નૅરેટિવના – લઘુ વૃતાન્તના – સર્જન અને પ્રાગટ્યનો પણ છે. જે વિચારધારા જામી પડી હોય અને સૈકાઓ કે દસકાઓ લગી ખૂબ ઝિલાયા કરતી હોય, એને વિશે પ્રશ્ન થવો જોઈએ. કેમ કે એ કેન્દ્રસ્થ આચારવિચારે સંલગ્ન વસ્તુઓને હાંસિયામાં ધકેલી દીધી હોય છે.
દેરિદા એમ કહેતા હતા કે એવી સૅન્ટ્રલાઈઝ્ડ અને માર્જિનાલાઇઝ્ડ સિચ્યુએશનનું ડિકન્સ્ટ્રક્શન થવું જોઈએ – વિઘટન. સાદી રીતે એમ કહેવાય કે એકમેવવાદનું – મૉનિઝમનું – વિઘટન થવું જોઈએ. ચિરકાલીન સંઘટ્ટનને તળેઉપર કરી નાખવું જોઈએ.
સાહિત્યમાં આધુનિકતાવાદ એક મહા વૃતાન્ત હતો, કેટલાકને મતે હજી છે. લ્યૉતાર્ જેવા ફિલસૂફો અને અનુ-આધુનિક સંવેદનાથી વિકસેલા સમાજો મહા વૃતાન્તને આધુનિકતાનું ક્વિટેન્શયલ ફીચર ગણે છે – સારતત્ત્વરૂપ લક્ષણ.
પ્રયોગોના અપવાદે મોટા ભાગનું આધુનિકતાવાદી સાહિત્ય એની હકૂમત હેઠળ વિકસ્યું હતું.
હું ઉદાહરણ આપું કે ‘ચાળીસી દરમ્યાનના “નવ્ય વિવેચકો” સામાન્યપણે એવી જ કૃતિઓની શોધમાં રહેતા હતા, એવી જ કૃતિઓનો મહિમા કરતા હતા, જેમાં એ સારતત્ત્વની સમ્પુષ્ટિ થતી હોય. એઓએ કૃતિની સ્વાયત્તતા સિવાય કશાયનો સ્વીકાર નહીં કરેલો, હમેશાં કૃતિલક્ષી રહેલા, એમને કર્તાના ઐતિહાસિક કે સામાજિક સંદર્ભોની પરવા ન્હૉતી કરી. રચનાની વાત કરનારી એમણે અખત્યાર કરેલી વિવેચનાત્મક પ્રવૃત્તિ પણ ‘ઑન ધ પેજ’ હતી – એટલે કે પેજ પર છપાયેલી કૃતિના જ વિશ્વમાં રહેવું, શબ્દ શબ્દ વચ્ચેના સમ્બન્ધોથી જન્મતા અર્થોની જ શોધમાં રહેવું, ‘ઑફ્ફ ધ પેજ’ જવું જ નહીં, વગેરે.
સંરચનાવાદે અને અનુ-આધુનિકતાવાદે એ એકમેવવાદને, એ મૉનિઝમને, તોડ્યું.
કોઈ પણ મહા વૃતાન્ત એકહથ્થુવાદ સરજે છે. રાજાશાહીમાં, સામન્તશાહીમાં કે સ્ટાલિનના સામ્યવાદમાં એકહથ્થુવાદ બેશુમાર હતો. કાળક્રમે એ બધી શાસનપ્રણાલિઓ સદાને માટે અસ્ત થઈ ગઈ.
લોકશાહીય પ્રણાલિમાં એકહથ્થુવાદને પ્રવેશ નથી, કેમ કે લોકશાહીનું મૂળભૂત રસાયન વૈયક્તિક મત છે અને મત પ્રસરણ કે બદલાવ બાબતે હમેશાં નિર્ણાયક હોય છે. લોકશાસકો, પાર્ટી અને મેઇન લીડર્સ એકહથ્થુ બની જતા હોય છે પણ એનું હલ મત છે. પાર્ટીસિપન્ટ મતભિનન્તાને મુદ્દે પાર્ટી છોડી દઈ શકે છે, પ્રજામત શાસન બદલી શકે છે. એ જુદી છતાં ગમ્ભીર વાત છે કે મત કુશાગ્ર એવી વિવેકબુદ્ધિ માગે છે; એ ન હોય તો લોકશાહી પણ નિષ્ફળ થવા માંડે છે.
કોઈ પણ જ્ઞાનધારા સ્વકેન્દ્રિત થઈ જાય છે, સ્વમહિમામાં જ વિકસે છે, ત્યારે પોતાના જ ભારથી બેસી પડે છે. સમજાય એવું છે કે પગ અને બાહુ ફેલાવીને ઊભેલો માણસ પોતાના ભારને ખમી શકે છે, ભેગા હાથ-પગવાળો થાકી જાય છે.
મેં એક મિત્રને પણ આ પ્રસરણની વાત કરી. મેં કહ્યું : પૃથ્વી પરના દરેક મનુષ્યની આસપાસ બે પરિસ્થિતિઓ હોય છે – સુખદ – દુ:ખદ. દિવસ દરમ્યાન એના જીવનમાં બન્નેની આવનજાવન ચાલુ હોય છે. પણ માણસ જો એકલી સુખદ વાતોને જ વળગ્યો રહે તો ત્યાં જ અટકી પડે, વળી એને દેખાય નહીં કે ગોકળગાયની ગતિએ પાછળ દુ:ખ પણ આવી રહ્યું છે. દુ:ખો દરેકને હોય જ. જો એ દુ:ખોનું જ ગાણું ગાયા કરે, દુ:ખદાયક ઘટનાઓને તેમ જ એ ઘટનાના કર્તાઓને જ યાદ કર્યા કરે, તો એનો દિવસ તો ખરાબ જાય જ પણ રાતે એને ઊંઘ પણ સરખી ન આવે. મન હૃદય અને આત્માથી એ દુ:ખો સાથે જ ચૉંટેલો રહે. એને એ સંભવની ખબર ન પડે કે નવી સવાર તે દિવસનાં સુખો લઈને આવવાની હોય !
સાર એ છે કે સુખદ, દુ:ખદ, એ બન્ને પરિસ્થતિઓમાં માણસની મુક્ત હરફર ચાલુ રહેવી જોઈએ. એના ચિત્તે કોઈ એકમાં નહીં પડી રહેવાનું.
આખો વિચારવિમર્શ સ્થૈર્ય અને પ્રસરણના નિદર્શન પર – મૉડેલ પર – ઊભો છે. એની સહાયથી વાતને વિકસાવીને વિઘટનના અને લઘુ વૃતાન્ત-સર્જનના મુદ્દાનું નિરૂપણ કરવું બાકી છે, હવે પછી.
(September 21, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર