તૂ મેરે સામને હૈ, તેરી ઝુલ્ફેં હૈં ખુલી
તેરા આંચલ હૈ ઢલા, મૈં ભલા હોશ મેં કૈસે રહૂં
તેરી આંખેં તો છલકતે હુએ પૈમાને હૈં
ઔર તેરે હોઠ લરજતે હુએ મયખાને હૈં
મેરે અરમાન ઈસી બાત પે દિવાને હૈં
મૈં ભલા હોશ મેં કૈસે રહૂં, કૈસે રહૂં
તૂ જો હસતી હૈ તો બિજલી સી ચમક જાતી હૈ
તેરી સાંસોં સે ગુલાબોં કી મહક આતી હૈ
તૂ જો ચલતી હૈ તો કુદરત ભી બહક જાતી હૈ
મૈં ભલા હોશ મેં કૈસે રહૂં, કૈસે રહૂં
એક યુવક અને એક યુવતી, પ્રેમ કરી, વિરોધો સહીને પરણે છે, પણ પતિ કોઈ અકસ્માતનો ભોગ બને છે અને શરીરસંબંધ બાંધવા યોગ્ય રહેતો નથી. પ્રેમ સાચો છે એટલે પતિ પત્નીને મુક્ત કરવા માગે છે અને પત્ની પતિને છોડવા તૈયાર નથી. આવી વાર્તા પર ફિલ્મ તો બને, પણ તેમાં લગ્નમાં શરીરસુખનું મહત્ત્વ ઉવેખી શકાય નહીં એ મુદ્દો કલાત્મકતાથી વણાય ત્યારે વાત નોંધ લેવા જેવી થાય.
આ વાર્તા અડધી સદી પહેલા બનેલી ‘સુહાગન’ ફિલ્મની છે. એ સમયે આવો વિષય લઈ ફિલ્મ બનાવવી એ સાહસ જ કહેવાય. ફિલ્મની માવજત પણ સારી હતી. જો કે નાયક નાયિકાને એના પિતાએ પસંદ કરેલ યુવક સાથે પરણવા મજબૂર કરે અને નાયિકા સૌભાગ્યવતીના શૃંગારમાં નાયકનાં ચરણોમાં જ મૃત્યુ પામે એવી અંતની નાટકીયતા, આ ફિલ્મમાં એક પડકારરૂપ વિષયને ગરિમા અને શાલીનતાથી રજૂ કર્યા પછી હાસ્યાસ્પદ લાગે.
ગુરુ દત્ત, માલા સિંહા અને ફિરોઝ ખાનની આ ફિલ્મનું સંગીત મદન મોહનનું હતું. તેનાં ત્રણ ખૂબ સુંદર, રોમેન્ટિક ગીતો ‘તૂ મેરે સામને હૈ, તેરી ઝુલ્ફેં હૈં ખુલી, તેરા આંચલ હૈ ઢલા, મૈં ભલા હોશ મેં કૈસે રહૂં’, ‘ભીગી ચાંદની, છાઈ બેખુદી, આ જા ડાલ દે બાંહોં મેં અપની બાંહેં’, ‘તુમ્હીં તો મેરી પૂજા હો, તુમ્હેં દિલ મેં બસાયા હૈ’ આજે પણ તરોતાજાં છે.
આ ગીતો લખનાર હસરત જયપુરીની પુણ્યતિથિ 17 સપ્ટેમ્બરે છે. એ નિમિત્તે ‘તૂ મેરે સામને હૈ’ ગીત લઈ શાયરને સલામ કરીએ. ગીતની સિચ્યુએશન એવી છે કે હકીકતથી બેખબર નાયક ઉત્કટપણે પત્નીને નિકટ લેવા ઝંખે છે અને પત્ની બધું જાણે છે, એટલે ને સામીપ્યની પતિની અને પોતાની પણ ઝંખનાનું ગળું દબાવી દૂર રહેવા મથે છે. ઓરડામાં એકરાર અને ઈનકારનો આ જીવલેણ ખેલ ચાલે છે ને બહાર નાયકની મા યુવાન દીકરા-વહુના જીવનની કરુણતા પર આંસુ વહાવી રહી છે. નખશિખ રોમેન્ટિક ગીત સાથે હસરતજીએ ફિલ્મમાં નખશિખ ઉદાસ ગીત પણ આપ્યું છે, ‘મુઝે અપને આપસે હૈ ગિલા, મેરે પ્યાર મેં તુઝે ક્યા મિલા’ બંને મહમ્મદ રફીએ ગાયાં છે. ગાયકનો કંઠ અને શાયરની કલમ રોમાન્સના બન્ને ચહેરાથી વાકેફ છે!
1949ની ‘બરસાત’ એ ‘માસ્ટર ઑફ રોમાન્સ’ ગણાતા હસરત જયપુરીની પહેલી ફિલ્મ અને ‘જિયા બેકરાર હૈ’ પહેલું ગીત. ‘બરસાત’નાં ‘મૈં ઝિંદગી મેં હરદમ રોતા હી રહા હૂં’ અને ‘છોડ ગયે બાલમ’ પણ હસરતનાં. આ ફિલ્મથી બનેલી શૈલેન્દ્ર-હસરત, શંકર-જયકિશન અને રાજ ક્પૂરની ટીમે એક આખી પેઢીને એવો જલસો કરાવ્યો કે એના પછીની પેઢીઓ પર પણ એનો નશો છવાયેલો રહ્યો. મઝા એ હતી કે આ સુપર્બ ટીમના દરેક સભ્યની વ્યક્તિગત હસ્તી પણ નોંધ લેવી જ પડે એવી હતી. હસરત જયપુરીએ આર.કે. બેનર માટે માત્ર 32 ગીત લખ્યાં છે, પણ એમણે રાજકપૂરની પોતાને પહેલો બ્રેક આપનાર તરીકે ખૂબ ઇજ્જત કરી છે.

હસરત જયપુરી
હસરત જયપુરીનું મૂળ નામ ઈકબાલ હુસેન. નાના ફિદા હુસેન ફિદા પાસે ઉર્દૂ-પર્શિયન ભાષાની તાલીમ લઈ વીસમા વર્ષે એમણે લખવાનું શરૂ કર્યું. એ જ ગાળામાં રાધા નામની એક કન્યા પ્રત્યે પ્રેમ જાગ્યો. મૌન પ્રેમ શાયરીમાં વ્યક્ત થયો – ‘યે મેરા પ્રેમપત્ર પઢકર કે તુમ નારાઝ ન હોના’ રાધાને પ્રેમપત્ર પહોંચ્યો કે નહીં તે આપણે જાણતા નથી પણ રાજ કપૂરે તેનો ઉપયોગ ‘સંગમ’ ફિલ્મમાં કર્યો અને દુનિયાને પહોંચાડ્યો. યોગાનુયોગ આ ગીત પણ મહમ્મદ રફીએ ગાયું છે અને ‘સંગમ’ ને ‘સુહાગન’ બન્ને એક જ વર્ષમાં-1964માં રિલિઝ થયેલી ફિલ્મો છે. ‘તૂ મેરે સામને હૈ’ ગીત એમને કેમ્પસ કોર્નરના એક ટ્રાફિક સિગ્નલ પર એક સુંદર પારસી સન્નારીને જોઈ સ્ફૂર્યું હતું. ‘તેરી પ્યારી પ્યારી સુરત કો કિસીકી નઝર ન લગે, ચશ્મે બદ્દૂર’ શબ્દો એમને લગ્નનાં સાત વર્ષ પછી પ્રાપ્ત થયેલા દીકરાને પહેલી વાર જોઇને સ્ફૂર્યા હતા.
1971 સુધી હસરત જયપુરીએ શૈલેન્દ્ર સાથે રાજ કપૂરની ફિલ્મો માટે ગીતો લખ્યાં. જયકિશનના મૃત્યુ અને ‘મેરા નામ જોકર’ અને ‘કલ, આજ ઔર કલ’ની નિષ્ફળતા પછી રાજ કપૂર અન્ય શાયરો-સંગીતકારો તરફ વળ્યા. 1982ની ફિલ્મ ‘પ્રેમ રોગ’ માટે રાજ કપૂરે હસરતજીને બોલાવ્યા ખરા, પણ પછી ગીતો અમીર કઝલબક્ષ પાસે લખાવ્યાં. તો પણ હસરતજીએ ‘રામ તેરી ગંગા મૈલી’ માટે ‘સુન સાહિબા સુન’ લખ્યું. આ ગીત માટે એમને 45 અંતરા લખ્યા હતા – હું એ જ છું, બદલાયો નથી એની જાણે સાબિતી ન આપતા હોય! ‘હીના’ માટે પણ ત્રણ ગીત લખ્યાં. દરમિયાન રાજ કપૂરનું મૃત્યુ થયું. ‘હીના’નાં ગીતો રવીન્દ્ર જૈને પોતાના નામે કર્યાં એવો આક્ષેપ મૂકતા હસરતજી પછીનાં વર્ષોમાં રાજ કપૂરની વાત થોડી કડવાશ, થોડા ગુસ્સા અને થોડી નિર્લેપતા સાથે કરતા.
શૈલેન્દ્રની ફિલ્મ ‘તીસરી કસમ’ના ગીતકાર હસરતજી હતા. ઉર્દૂ સાહિત્યમાં પણ એમનું મોટું પ્રદાન છે. એમના સંગ્રહનું નામ છે ‘આબશાર-એ-ગઝલ’. આબશાર એટલે નિરંતર વહેતું જળ. 350 ફિલ્મોનાં લગભગ 2,000 ગીતો લખનાર હસરતજીએ પત્નીની સલાહથી પોતાની મૂડી મકાનોમાં રોકી હતી. નિયમિત આવક થતી, રોજીરોટીની ચિંતા વગર તેઓ નચિંતપણે અને સ્વતંત્રપણે લખી શકતા. 70થી વધારે સંગીતકારો સાથે એમણે કામ કર્યું. લાંબી કારકિર્દીના અંત ભાગમાં જતીન-લલિત અને ભપ્પી લહેરી સાથે પણ કામ કર્યું. મૃત્યુ સમયે તેઓ ગઝલના એક પુસ્તક પર કામ કરી રહ્યા હતા. ‘ઝનક ઝનક તોરી બાજે પૈજનિયાં’ ગીતમાં હિંદી અને વ્રજ ભાષાના સંયોજન માટે તેમને અવૉર્ડ મળ્યો હતો. મદન મોહન સાથે એમની 3 ફિલ્મો હતી – ‘સુહાગન’, ‘રિશ્તેનાતે’ અને ‘નયા કાનૂન’
વિ. શાંતારામ પ્રત્યે એમને એટલો આદર કે એમની ‘સહેરા’, ‘તુફાન ઔર દિયા’, ‘ગીત ગાયા પથ્થરોને’ અને ‘ઝનક ઝનક પાયલ બાજે’ માટે માત્ર 1 રૂપિયો લઇ ગીતો લખ્યાં. એમના પરિવાર પાસે આજે પણ આ રૂપિયા સચવાયા છે. સામાન્ય માણસને સમજવા લોકલ ટ્રેનમાં જવાનું પસંદ કરતા.
પોતાનું મૂલ્ય બરાબર જાણતા હસરતજીએ લખ્યું છે, ‘તુમ મુઝે યું ભૂલા ન પાઓગે, જબ કભી ભી સુનોગે ગીત મેરે, સંગ સંગ તુમ ભી ગુનગુનાઓગે …’ સાચું જ છે, ‘પંખ હોતી તો ઊડ આતી રે’, ‘બહારો ફૂલ બરસાઓ’, ‘દિલ કે ઝરોખે મેં’, ‘તેરે ખયાલોં મેં હમ’, ‘તૂ કહાં યે બતા’, ‘મુહબ્બત ઐસી ધડકન હૈ’, ‘ઓ આસમાનવાલે’ ‘નૈન સો નૈન’, ‘તેરી ઝુલ્ફોં સે જુદાઈ’ (ફિલ્મોમાં આવતા પહેલા લેમ્પ પોસ્ટ નીચે લખાયેલી ગઝલ), ‘અજહુ ન આયે બાલમા’, ‘દુનિયા બનાનેવાલે’(પહેલી બે લાઇન મજરૂહજીની અને અંતરા હસરતજીના) જેવાં ગીતો કોઈ ભૂલી શકે ખરું?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 12 સપ્ટેમ્બર 2025
![]()

