
રાજ ગોસ્વામી
“કભી કભી ગલત ટ્રેન ભી સહી જગહ પહોંચા દેતી હૈ.” નવાસવા ફિલ્મ નિર્દેશક બનેલા રિતેશ બત્રાની 2013માં આવેલી ડેબ્યુ ફિલ્મ ‘ધ લંચ બોક્સ’નો સાર આ એક ડાયલોગમાં આવી જાય છે. ફિલ્મમાં, એકાઉન્ટન્ટની નોકરીમાંથી નિવૃત્ત થવાની અણી પર સાજન ફર્નાન્ડીઝ(ઈરફાન ખાન)ને, તેનો ટ્રેઈની અને મુંબઈની ટ્રેનમાં હમસફર અસલમ શેખ (નવાઝુદ્દીન સિદ્દીકી જ્યારે આ વાક્ય કહે છે છે ત્યારે, સાજન માર્મિક રીતે તેની સામે જુવે છે. તેને લાગતું હોય છે કે આ વાત કેટલી સૂચક છે! તેના જીવનમાં ટ્રેનની નહીં, લંચ બોક્સની અદલાબદલી થઇ ગયેલી છે.
સાજનની ઓફિસમાં તેના ટેબલ પર રોજ એક ‘ગલત’ ટિફિન આવે છે. ઇલા (નિમ્રત કૌર) નામની એક ગૃહિણીએ તેના પતિ માટે ટિફિન બનાવ્યું હોય છે, પણ ડબ્બાવાળાની ભૂલના કારણે તે સાજન પાસે પહોંચી જાય છે. બંનેને ‘ગલતી’નો અહેસાસ છે, છતાં તેમને એમાં મજા આવવા લાગે છે, અને ટિફિનની દોસ્તીને આગળ ધપાવે છે. સતત કામમાં વ્યસ્ત મુંબઈ શહેરમાં બે એકલવાયા જીવ ‘ગલત’ ટિફિનના કારણે એકબીજાના ‘લોંગ ડિસ્ટન્સ’ દોસ્ત બને છે.
‘ધ લંચ બોક્સ’ પ્રેમ અને સંબંધો દ્વારા જીવનને સમૃદ્ધ બનાવવાની વાર્તા છે. તે સાજન અને ઇલાને બે એવા લોકો તરીકે રજૂ કરે છે, જેમને માનવીય હૂંફની જરૂર હોય છે, અને જેની તેમના જીવનમાં અનુપસ્થિતિ છે. બંને અકસ્માતે એકબીજાના પરિચયમાં આવે છે અને સન્મુખ મળ્યા વગર ચિઠ્ઠીઓ મારફતે એકબીજાના જીવનને ઊંડાણપૂર્વક સ્પર્શે છે અને પ્રભાવિત કરે છે. તેઓ બંને એકબીજાને જીવનમાં ફેરફાર કરવા માટે પણ પ્રેરિત કરે છે- સાજન તેની નોકરી છોડી દે છે અને ઇલા તેના પતિને.
આ ફિલ્મ એ વાતને સમજાવે છે કે પ્રેમ એકબીજાને મળીએ તો જ થાય તે જરૂરી નથી. કદાચ આ પહેલી હિન્દી ફિલ્મ છે જેમાં ‘પ્રેમી-પ્રેમિકા’ને એકબીજાનું મોઢું પણ ખબર નથી અને ફિલ્મના અંતે પણ ‘ખાધું, પીધું ને રાજ કર્યું’ના બદલે, ‘ફરી ક્યારેક મળીશું’ના આશાવાદ સાથે બંને પોતપોતાના અલગ રસ્તા પર વળી જાય છે.
સાજન અને ઇલા વચ્ચે જે સંપર્ક થયો હતો તે મળ્યા વગર અને કોઈ ફોન કોલ વગર હતો. સાજનની પત્નીનું વર્ષો પહેલા અવસાન થયું હતું. તેની રોજિંદી દિનચર્યામાં લોકલ ટ્રેન અને બસમાં ઓફિસ જવાનું, કંટાળાજનક કામ કરવાનું અને ઘરે પરત ફર્યા બાદ પત્નીને યાદ કરવાનું છે. તેનું જીવન એક સીધી લીટીમાં ચાલતું રહે છે.
ઇલાનું જીવન પણ રૂટિંન છે. ઘરકામથી દિવસ શરૂ થાય છે અને ઘરકામમાં પૂરો થાય છે. પતિને તેનામાં રસ નથી. ઇલા પતિમાં રસ પેદા કરવા ટિફિનમાં રસ નાખે છે. ઇલા મધ્યમ વર્ગીય પરિવારની સ્ત્રી છે એટલે ખાસ બોલતી નથી અને ભાવનાઓ વ્યક્ત કરવા માટે ભોજનનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, ગુસ્સામાં હોય તો મરચું વધારે નાખી દેતી, તનાવમાં હોય તો મીઠું. બદનસીબે કે સદનસીબે, તેનું ટિફિન પતિના બદલે સાજનના ટેબલ પર પહોંચી જાય છે. સાજન ભોજન મારફતે તેની લાગણીઓને પારખે છે.
ટિફિનની અદલાબદલીથી પરેશાન ઇલાને તેના ઘરમાં ઉપલા માળે રહેતી આંટી (ભારતી આચરેકર) એક આઈડિયા આપે છે; ખાવાની સાથે એક ચિઠ્ઠી મૂક કે ભૂલ થઇ ગઈ છે! સાજન ટિફિન ખાય છે’ વળતો જવાબ લખે છે. બીજા દિવસે આ ક્રિયા દોહરાવામાં આવે છે. અને એ રીતે તેમની વચ્ચે ‘લંચ બોક્સ’ પ્રેમાલાપ ચાલુ થાય છે.
ઇલા તેના શુષ્ક જીવનની વાતો કહેતી એક ચિઠ્ઠીને ટિફિનમાં મુકતી હતી અને સાજન તેના જવાબમાં તેના એકલવાયા ક્લાર્કગીરીવાળા જીવનની. બંને લંચ બોક્સ દ્વારા તેમની ખુશી અને દુઃખ વ્યક્ત કરે છે. એ રીતે બંને એકબીજાની લાગણીઓને સમજવા લાગે છે. તેમની વચ્ચેનું આ વિશેષ બંધન માત્ર એક લંચ બોક્સ અને તેની અંદરની ચિઠ્ઠીઓથી બનેલું છે. કદાચ તેમના માટે તે પ્રેમ કરતાં પણ અધિક હતું.
રસપ્રદ વાત એ છે કે ફિલ્મના કોઈ પણ પાત્રો ફોન પર વાત કરતાં જોવા નથી મળતાં. નિર્દેશક રિતેશ બત્રાએ જાણીજોઇને મોબાઈલ ફોનને દૂર રાખ્યો હતો. તે તેમના કિરદારોને સ્વાદિષ્ટ ટિફિન સાથે જોડવા માંગતા હતા. ટિફિન ભૂખનું, સ્વાદનું પ્રતિક છે. બંનેના જીવનમાં તેનો અભાવ છે. ટિફિન મુંબઈની વિશેષતા છે. તે કામ કરતા પતિની વ્યસ્તતા અને મજબૂરીનું પ્રતિક છે. ઇલાના પતિ ઇલામાં ઓછો અને કામમાં વધુ રસ છે.
મુંબઈ શહેર અનેક યુગલો સાથે આવી ક્રુરતા આચરતું હોય છે. આ ફિલ્મમાં મુંબઈ પણ એક કિરદારના રૂપમાં છે. અટવાયેલો ટ્રાફિક, લોકલ ટ્રેનો અને બસોમાં હકડેઠઠ ભીડ, લાંબી રાહ જોતા લોકો એક પ્રકારનો તનાવ અને થાક પેદા કરે છે. ફિલ્મમાં પાત્રોની સાથે દર્શક તરીકે આપણે પણ મુંબઈની આ ક્રુરતાને અનુભવીએ છીએ.
એ જ ટિફિન ઇલા અને સાજનના સંબંધને મીઠો પણ બનાવે છે. ફોન વગર પણ તેમનો લગાવ ઘનિષ્ઠ બને છે. સાજન અને ઇલાને એકબીજા સાથે વાત કરવા માટે વોટ્સએપ મેસેજ અથવા ફોન કોલ્સની જરૂર નહોતી, તેમનો સંબંધ કંઈક અલગ અને સુંદર હતો, જે પરંપરાગત પત્ર લેખન મારફતે નીખર્યો હતો.
જો કે ઇલા આખરે માણસ છે. જેમ જેમ તેમનો સંબંધ ગાઢ થતો જાય છે, ઇલામાં એ ઇચ્છા બળવત્તર બનતી જાય છે કે તે એકવાર તેના અજાણ્યા હમસફરને મળે. સાજનની મુશ્કેલી અલગ જ છે. તે નિવૃત્ત થઇ રહ્યો છે, તેની ઉંમર થઇ ગઈ રહી છે, વાળોમાં સફેદી આવી રહી છે, ચહેરા પર કરચલીઓ વળી રહી છે. ઇલા તેને જોઇને ડરી જશે અથવા નિરાશા થઇ જશે તો?
પત્રો દ્વારા, સાજન ઇલાને જણાવે પણ છે કે તે તેના કરતાં ઘણો મોટો છે, પરંતુ ઇલાને તેનાથી કોઈ ફરક પડતો નથી. હકીકતમાં, તેમનો સુંદર સંબંધ શરીર અને વયની સીમાઓથી આગળ છે. નિર્દેશક રિતેશ બત્રા આ સંબંધને ખૂબ જ સુંદર રીતે પડદા પર લાવ્યા છે. સાજનને ઇલાની જવાનીનો ડર લાગે છે. સાજન કાયમ અદૃશ્ય રહ્યો છે, અને હવે ઇલાને સામે આવીને ખુદને ‘જોવા’થી ડરે છે.
બંને એક રેસ્ટોરન્ટમાં મળવાનું ગોઠવે પણ છે, પરંતુ સાજન ઇલાની સન્મુખ નથી થતો. પાછળથી ઇલાને અસલમ શેખ પાસેથી ખબર પડે છે કે તેનો ‘ભોજનકર્તા’ નિવૃત્ત થઈને નાસિક જવા નીકળી ગયો છે. ઇલા તેને નામે વિદાઈ સંદેશો લખે છે કે તેણે તેના પતિ રાજીવને છોડી દઈને તેની દીકરી યશ્વી સાથે ભૂતાન જતા રહેવાનું નક્કી કર્યું છે.
ટ્રેનમાં નાસિક જઈ રહેલો સાજન અચાનક મન બદલી નાખે છે અન પાછો મુંબઈ તરફ વળે છે. ફિલ્મમાં અંતે, ઇલા તેની દીકરી સ્કૂલેથી પાછી આવે તેની રાહ જોતી હોય છે, અને સાજન ટિફિનની અદલાબદલી કરનારા ડબ્બાવાળા સાથે ઇલાના ઘર તરફ ચાલતો જાય છે. બંનેને ભેગા થતા નથી બતાવાયા, પણ વાર્તાનો અંત સૂચવે છે કે બંનેના રસ્તા પાછા ભેગા થઇ રહ્યા છે.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 08 ઑક્ટોબર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર