શું મેકોલેને માત્ર અંગ્રેજીશાહીનો પ્રણેતા માનવો કે પછી તે એવી વ્યક્તિ હતો જેણે વર્ણભેદી વ્યવસ્થાનાં બારણાં ખોલીને ભારતમાં સર્વજન માટે શિક્ષણનો નવો માર્ગ રચ્યો?

પ્રકાશ ન. શાહ
રામનાથ ગોયન્કા વ્યાખ્યાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેકોલ વિવાદ છેડ્યો એથી એક રીતે રાહત થઈ કે એમના રડાર પર બચાડા જવાહર જ છે એવું છેક નથી! અલબત્ત, એકંદર રાષ્ટ્રીય ચળવળમાં અંગ્રેજી કેળવણી સામે અને એના નોંધપાત્ર પ્રણેતા મેકોલે સામે ફરિયાદ જરૂર રહી છે, પણ અંગ્રેજ સરકારના ચાર્ટરની મર્યાદામાં ઉછરેલી બનારસ યુનિવર્સિટી પેઠે ગાંધીએ વિદ્યાપીઠ બાબતે પારકી સરકારની તમા ન કરી એની પૂંઠે હતું એવું સ્વસ્થ, સ્પષ્ટ દર્શન હાલના સત્તાકીય રાજકીય પ્રતિષ્ઠાન પાસે છે કે કેમ તે તપાસની બાબત છે.
એક વાત સાચી કે સાંસ્થાનિક માનસિકતામાંથી ઊંચે ઊઠ્યા વગર આપણો જયવારો તો શું કશો આરોઓવારો પણ નથી. કિશોરાવસ્થામાં સરસંઘચાલક ગોળવલકરને એકાધિક વાર સાંભળવાનું બન્યું ત્યારે એમને પ્રિય જણાતું એક શબ્દ ઝૂમખું સંઘબાહ્ય વ્યાપક અનુલક્ષીને ‘ઇંગ્લિશમેન ઈન બ્રાઉન સ્કિન’ એ હતું. જરી કમરપટા તળેની ભાષાની રીતે પ્રસંગોપાત ‘મેકોલે કી ઓલાદ’ જેવા પ્રયોગો સાંભળવા મળે છે, તે પણ એ જ ધાટીમાં છે.
એવું તો શું કર્યું’તું મેકોલએ, ભાઈ? 1835ની એની મિનિટ્સ સાથે દેશમાં અંગ્રેજ ઢબછબના સંસ્થાવિધાન સાથે, માધ્યમિક સ્તરેથી અંગ્રેજીમાં જ શિક્ષણનો પાયો નંખાયો. 1857માં જે યુનિવર્સિટીઓ આવી એને સારુયે રોડ મેળ તે રોલ મોડેલ એ ધાટીએ પાકાં હતાં. અરબી કે સંસ્કૃત, કશાની પ્રત્યક્ષ જાણકારી વિના મેકોલેએ કહેલું કે અંગ્રેજીમાં સુલભ ઉત્તમ સાહિત્યના ભંડાર સામે અરબી-સંસ્કૃતનાં ચુનંદા પુસ્તકો માંડ એક છાજલીના ઘરાક હોય તો હોય. આ વિધાન અલબત્ત મેકોલેની પ્રતિભા જોતાં છેક જ છીછરું છે. ઘણી વાર મેકોલેની ટીકામાં તે બ્રહ્માસ્ત્રની જેમ વપરાતું પણ હોય છે.

થોમસ બૅબિગ્ટન મેકોલે
પણ મેકોલેની સુખ્યાત અગર વિપરીત અર્થમાં વિખ્યાત મિનિટ્સને એના સમગ્ર સંદર્ભમાં જોવાનો વ્યાયામ, ચોક્કસ મતભેદ છતાં, આગ્રહપૂર્વક કરવા જેવો છે. અંગ્રેજ કાળે પહોંચતા લગીમાં જ એક દુર્દૈવ વાસ્તવ આપણા હાડમાં ઝમેલું બલકે જળોની જેમ પેંધેલું હતું તે ધ્યાનમાં લઈએ તો મારો આગ્રહ સમજાશે.
બે જ વાનાં લઉં, નમૂના દાખલ : એક તો મેકોલેએ ભલે અંગ્રેજી માધ્યમના રસ્તે પણ શિક્ષણનાં દ્વાર વર્ણભેદ વગર સૌને માટે ખોલ્યાં. ધરમપાલે ‘બ્યુટીફૂલ ટ્રી’માં વર્ણવેલ ભવ્યોદાત્ત પરંપરા વિશે ક્યારેક અલગથી ચર્ચા કરવી રહે છે. પણ સંસ્કૃત અગર અરબી ધારાનું શિક્ષણ જેમને માટે ખુલ્લું હશે તે સમાજનો કેટલો હિસ્સો હશે? બીજું, દેશભાષાઓમાં (ત્યારે ‘વર્નાક્યુલર’ એ સંજ્ઞા વપરાતી, એમાં) કેટલું શક્ય હશે એ પ્રશ્ન હતો. આપણે જેને કારકૂની કેળવણી એવું નામ સાભિપ્રાય આપ્યું, એ મૂળમાં તો મેકોલેએ કલ્પેલી એક એવી વ્યવસ્થા હતી કે ભલે નાનો પણ વર્ણભેદ વગરનો એક વર્ગ અંગ્રેજી શિક્ષણ પામી સરકાર અને લોક વચ્ચે પરસ્પર સમજની રીતે ‘ઘટન’નું કામ કરશે. આ પ્રક્રિયા શરૂ થાય તે પછી આગળ ચાલતાં, બધા વિષયો દેશભાષાઓમાં ઊતરવા લાગશે અને ભણાવાશે.
વડા પ્રધાનનું ભાષણ હવામાં હશે એવામાં જ ઇતિહાસમાં રમેલાં રુચિકા શર્માની ટિપ્પણીમાં સવિતાબાઈ ફુલે(1831-1897)ની એક અતિસૂચક રચના ઊતરી આવી હતી – ‘ઇંગ્રજ માઉલી આલી.’ ઇંગ્લિશ માડી આવી … અને શું હતી એની પૂર્વ પંક્તિ? ‘પેશવાઈ ગેલી.’ જે વ્યવસ્થામાં સમાજના મોટા વર્ગને (શુદ્ર આદિને) અવકાશ નહોતો તે અંગ્રેજી રાજ ને શિક્ષણ સાથે ઊભો થયો. જ્યોતીબા ફુલે એક બાજુ જો ‘અમારા શુદ્રોના રાજા’ તરીકે શિવાજીનો મહિમા કરતા હતા તો નવી કેળવણી થકી લાધેલ પરિચયવશ ટોમ પેઈનના વિચારોને ધોરણે ન્યાય ને સમતાની નવી ભૂમિકાએ પણ વાત કરતા હતા. આ જે નવી વાત બની રહી હતી એનો પૂર્વ સંકેત બંગાળ છેડેથી રામ મોહન રાય (1772-1833) તરફથીયે મળ્યો હતો : સંસ્કૃત પાઠશાળા અને નવી કોલેજ વચ્ચે પસંદગીનો પ્રશ્ન આવ્યો ત્યારે એમની હિમાયત કોલેજ માટે હતી.
ગમે તેમ પણ, પોલિસી રિસર્ચ સેન્ટર સાથે સંકળાયેલા ડી. શ્યામ બાબુએ ભલે અંગ્રેજીમાં પણ સૌને માટે, રિપીટ, સૌને માટે શિક્ષણ ખુલ્લું થયું એ માટેની પહેલ બદલ મેકોલેને મહાત્મા મેકોલે તરીકે ઓળખાવ્યા છે. મહાત્મા ફુલે અને મહાત્મા ગાંધી ઉપરાંતના આ ત્રીજા મહાત્માની પ્રતિષ્ઠા કરવાનુંયે લોજિક નથી એમ કહી શકાશે, વારુ?
છેલ્લાં વર્ષોમાં દલિત બૌદ્ધિક ચંદ્રભાણ પ્રસાદે હર પચીસમી ઓક્ટોબરે મેકોલે જયંતી મનાવવાનો ચાલ શરૂ કીધો છે તે આ સંદર્ભમાં તરત યાદ આવે છે. બલકે, સ્મરણીય તો એમનો બાંકા ખાતેનો એ પ્રકલ્પ પણ છે જેને અન્વયે ઇંગ્લિશ નામે દલિત દેવીની પ્રતિમા ખડી કરાઈ છે. સ્વાભાવિક જ નાનાં કદ-કાઠીની પણ આ પ્રતિમા સામેનો નમૂનો ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ છે. (દસ-પંદર વરસ પર ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’નું મોડેલ તો ક્યાંથી હોય? માથે મસમોટી હેટ – કથિત નીચલી વરણ માટેના ડ્રેસકોડની એસીતેસી – જમણા હાથમાં પેન (અક્ષરજ્ઞાનની તાકાત) અને ડાબા હાથમાં? અલબત્ત, બંધારણ સ્તો, જેણે વરણ માત્રને સમાન હક્ક બક્ષ્યા. આંબેડકરે ક્યારેક કહેલું ને કે અંગ્રેજી તો સિંહણનું દૂધ છે!
એવું તો નથી ને કે મેકોલેના અભિગમથી નાતજાતગત ઊંચનીચને વટવાની જે શક્યતા ઊભી થઈ તે સત્તા-પ્રતિષ્ઠાન માત્રને લાગુ પડતા ઉજળિયાતને સોરવાતી નથી? અલબત્ત, ગાંધી જેવો ખરી દૂંટીનો અવાજ મેકોલે-માહોલ સામે ઊઠે છે એ કાળજે ધરવા જોગ છે, એની વાત યથાવકાશ.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 ડિસેમ્બર 2025
![]()

