
રમેશ સવાણી
14 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદ ‘નવજીવન’ ખાતે મૈત્રી જૂથનાં થોડાં મિત્રો સાથે બે કલાક ચર્ચા-બેઠકનું આયોજન થયું હતું. તેમાં સુરેશ પ્રજાપતિ / હરગોવન પટેલ / હિતેશ પ્રજાપતિ / નરેન્દ્ર દેસાઈ / જિતેન્દ્ર વાઘેલા / મૂકેશ ઘેલાણી / દીપક પ્રજાપતિ / પારુલ અત્તરવાલા / વર્ષા પરમાર / જાગૃતિ ઠક્કર / ભાવિશાબહેન / રણજીત વાઘેલા / મહાદેવભાઈ પટેલે ભાગ લીધો હતો.
તેમાં એક પ્રશ્ન હતો કે ‘તમે રહો છો અમેરિકા અને ભારતની સમસ્યા વિશે કેમ લખો છો?’
જવાબ :
[1] કોઈપણ વ્યક્તિનો જ્યાં જન્મ થાય, શિક્ષણ મેળવે, રોજગાર મેળવે, નિવાસસ્થાન બનાવે તે ભૂમિને મનમાંથી દૂર કરી શકે નહીં. એટલે સમાજની / દેશની સમસ્યાઓ અંગે તે મૌન રહી શકે નહીં.
[2] આજે દુનિયા એક કુટુંબ જેવી બની ગઈ છે. ટેકનોલોજી / સંચાર ક્રાંતિએ વિશ્વના લોકોને નજીક નજીક કરી દીધા છે. એટલે તમે ઈચ્છો તો પણ અલગ રહી શકો તેવી સ્થિતિ નથી.
[3] બંધુત્વ / આઝાદી / ન્યાય / સમાનતા / વ્યક્તિનું ગૌરવ વગેરે માનવમૂલ્યોએ વિશ્વને એક કરી દીધું છે. વિશ્વના લોકોને એકબીજા સાથે જોડી દીધાં છે. એટલે આજે કોઈ એક દેશની સમસ્યા તે દેશ પૂરતી સીમિત રહેતી નથી તે વિશ્વના લોકોની સમસ્યા બની જાય છે. એટલે જ અમેરિકાના લોકો ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધનો વિરોધ કરી રહ્યા છે. ભારતમાં લોકશાહી સંસ્થાઓ પર સરકારી ભરડાનો વિરોધ અમેરિકા / UK / કેનેડામાં થઈ રહ્યો છે. દેશની સીમાઓ વળોટીને માનવવાદી વિચારો આગળ ધપી રહ્યા છે. ત્યારે દેશની સમસ્યાઓ પ્રત્યે મૌન રહી શકાય નહીં. લોકશાહીના અંચળા હેઠળ ક્રોની કેપિટલિસ્ટ દેશના સંસાધનો પર પ્રભુત્વ જમાવી દે ત્યારે ચૂપ રહી શકાય નહીં. સત્તાના ભ્રષ્ટાચારને ખૂલ્લો પાડવાની કોઈ તક નાગરિકો પાસે ન હોય; રવિશકુમારને બોલતા બંધ ન કરાવી શકે તો આખી ચેનલ કોર્પોરેટ મિત્ર ખરીદી લે; બે નાનકડા રૂમમાં ચાલતા ન્યૂઝ ક્લિક પર પોલીસ દરોડો પાડી તેના એડિટર / પત્રકારને જેલમાં પૂરી દે; કોઈ સ્વતંત્ર ન્યૂઝ ચેનલ / અખબારને સરકારી જાહેરાતો આપવામાં ન આવે; માત્ર સત્તાની સ્તુતિ કરે તેમને જ સરકારી જાહેરખબરો મળે; સ્વતંત્ર પત્રકારો સામે બદનક્ષીના કેસો થાય વગેરે મોડસ ઓપરેન્ડી દ્વારા લોકોનો અવાજ કચડવા આવે ત્યારે એટલા માટે બોલવું પડે કે નાગરિકો આર્થિક / રાજકીય / સામાજિક ગુલામીનો ભોગ ન બને.
બીજા પ્રશ્નો હતા :
[1] છળકપટ પુસ્તક લખવાનું કારણ શું છે?
[2] શું તમારા પર કોઈ દબાણ આવતું નથી?
[3] તમારી પોલીસ સર્વિસ દરમિયાન તમે કરેલ કોઈ કામ જે બીજાને પ્રેરણા આપે?
[4] અભિવ્યક્તિના તમામ માર્ગો સાંકડાં બની રહ્યા છે ત્યારે શું કરવું?
[5] શું વિરોધપક્ષ નબળો નથી?
[6] શું ભારત હાલની સ્તુતિકાળની સ્થિતિમાંથી બહાર નીકળી શકશે?
જવાબ :
[1] છળકપટ પુસ્તક લખવાનું કારણ એ છે કે આ સંપ્રદાય સમાજજીવનમાં ભાગલા પડાવે છે. અસ્પૃશ્યતા ઊભી કરે છે. કેટલાંક સત્સંગીઓ પોતાનાં સગા ભાઈ / સગી બહેનનાં ઘેર જમતા નથી કે પાણી પીતા નથી ! પોતાના આર્થિક લાભ માટે રામ / કૃષ્ણ / શિવ / પાર્વતી / હનુમાન વગેરેને સહજાનંદજીના સેવક બનાવી દીધાં છે. આ બધા દેવોને સહજાનંદની સ્તુતિ કરતા કરી મૂક્યા છે. આ સંપ્રદાય વર્ણવ્યવસ્થાનું ભયંકર સમર્થન કરે છે. આ સંપ્રદાયના સાધુઓ દલિતોનું અપમાન વારંવાર કરે છે. કેટલાંક ભક્તો કહે છે કે ‘સહજાનંદજીએ ગુજરાતને વ્યસનમુક્ત કર્યું !’ પરંતુ શું સહજાનંદજીના જન્મ પહેલા ગુજરાતના લોકો જંગલી હતા? વ્યસની હતા? અને સહજાનંદજીના જન્મ પછી ગુજરાત વ્યસનમુક્ત બની ગયું? સહજાનંદજીએ પોતાના ગુરુ રામાનંદને સ્થાન આપ્યું નથી પણ પોતાના માતાપિતાની મૂર્તિ મંદિરમાં પધરાવેલ છે. એનું શું કારણ? શિક્ષાપત્રીમાં શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણોની સેવા કરવી એવો આદેશ કરેલ છે તે યોગ્ય છે? વિધવા મહિલાએ ભક્તિ કરી જીવન વ્યતીત કરવું તેમ સહજાનંદજીએ કહેલ છે, તે યોગ્ય છે? મહિલા પુનર્લગ્ન ન કરી શકે? મહિલાઓએ પિરિયડ દરમિયાન ફરજિયાત અસ્પૃશ્યતા પાળવી એવું સહજાનંદજી કહે છે તે ઉચિત છે? અતિ શૂદ્રોએ તિલક ન કરવું તેવો આદેશ સહજાનંદજીએ કરેલ છે તે ઉચિત છે? જન્મે બ્રાહ્મણ હોય તે જ દીક્ષા આપી શકે તેવી જોગવાઈ સહજાનંદજીએ કરી છે, તે યોગ્ય છે? સહજાનંદજીની સ્તુતિ રામ / કૃષ્ણ / શિવ / હનુમાનજી કરતા હતા તેવું સાહિત્ય શામાટે બનાવ્યું છે? ભારતમાં વરસો સુધી અંગ્રેજી શાસન ટકી રહે તેવા આશીર્વાદ આપનાર સહજાનંદજીને સંત / સર્વોચ્ચ ભગવાન કહી શકાય? આવા પ્રશ્નોનો પર્દાફાશ આ પુસ્તક કરે છે.
[2] ધર્મસત્તા / સામાજિક સત્તા / આર્થિક સત્તા / રાજકીય સત્તાનો એક સ્વભાવ હોય છે કે તે ભિન્ન મત સહન કરી શકતો નથી. એટલે દબાણો તો આવે જ. પણ આગળ વધવું પડે.
[3] 2002ના કોમી તોફાનો દરમિયાન હું DCP ઝોન-5 હતો. મારા સુપરવિઝન નીચે 5 પોલીસ સ્ટેશન હતા : ગોમતીપુર / રખિયાલ / બાપુનગર / ઓઢવ / અમરાઈવાડી. અમે મુસ્લિમ નેતાઓને કહ્યું કે તમારે તોફાનીઓનો પ્રતિકાર કરવાનો નથી, એ કામ પોલીસ કરશે. તમે મોબાઇલ પર કોલ કરો અને 5 મિનિટમાં પોલીસ પહોંચી જશે. આ રીતે અમે સંઘર્ષ ટાળી શક્યા. રાત્રે જ અમે 400થી વધુ મુસ્લિમોને પોલીસના વાહનોમાં સ્થળાંતરિત કર્યા, જેથી ઝોન-4માં ગુલબર્ગ / નરોડા પાટિયા / નરોડા ગામ જેવી સામૂહિક હત્યાઓ થઈ તેવી કોઈ ઘટના ઝોન-5માં બની નહીં.
[4] અભિવ્યક્તિ પર હવે કોર્પોરેટ કંપનીઓનો કબજો થઈ ગયો છે. અભિવ્યક્તિનાં સંસાધનો પર મૂડીપતિઓનો કંટ્રોલ છે. નાના નાના દાબ-જૂથો બનાવી લડત આપવી પડે. બોલતા રહેવું પડે.
[5] વિરોધપક્ષ નબળો નથી, પરંતુ સત્તાપક્ષે તેને નબળો કરી મૂક્યો છે. ચૂંટણી ટાણે જ વિપક્ષનું બેન્ક એકાઉન્ટ ફ્રિજ કરવામાં આવે છે. IT / ED / CBI વગેરે એજન્સીઓ હડકાયા કૂતરાની માફક વિપક્ષના નેતાઓ પાછળ પડી જાય છે. વિપક્ષના આર્થિક સ્રોત નિયંત્રિત કરવામાં આવે છે. વિપક્ષના નેતા વિરોધ / પ્રદર્શન કરે તો પોલીસ રાત્રે ઉપાડી જાય છે. સત્તાપક્ષના IT Cell તથા ગોદી મીડિયા દ્વારા વિપક્ષનું સતત ચરિત્રહનન કરવામાં આવે છે. ચૂંટણીમાં ધર્મનો દુરુપયોગ કરાય છે. કોર્પોરેટ કથાકારો / ધર્મગુરુઓ / સ્વામીઓ / મહારાજો / ડાયરા કલાકારો / ગોદી લેખકો-પત્રકારો વિપક્ષને ખલનાયક, દેશદ્રોહી, ધર્મદ્રોહી ચીતરે છે અને મોદીજીને અવતાર ! એટલે લોકો ભ્રમિત થાય છે.
[6] ભારત હાલની સ્તુતિકાળની સ્થિતિમાંથી બહાર જરૂર નીકળશે. સત્તાપક્ષમાં અંદરોઅંદર ઝઘડા છે જ. એ એના ભારે જ ભાંગશે. સત્તાપક્ષમાં શિસ્ત દેખાય છે તે સ્વાર્થની છે, એટલે સૌ ચૂપ છે. યાદ રહે, જાગૃત લોકોએ સક્રિયતા જાળવી રાખવી પડશે.
બસ ત્યારે 16 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 22.10 વાગ્યે અમદાવાદ-દિલ્હીથી Newark-New York તરફ જઈ રહ્યો છું. ગુજરાતમાં પ્રવાસ દરમિયાન અત્રતત્રસર્વત્ર મુખ્ય મંત્રી તથા વડા પ્રધાનના ફોટા જોવા મળ્યા. અમદાવાદ એરપોર્ટમાં પણ મુખ્ય મંત્રી તથા વડા પ્રધાનના ફરજિયાત દર્શન કરવા પડ્યા ! વતનની ચિંતા તો રહેશે જ !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર