
રવીન્દ્ર પારેખ
થોડાં વર્ષો પર ‘હોલીડે ઇન’માં તે વખતના આરોગ્યમંત્રીશ્રીએ યોજેલી પત્રકારોની એક બેઠકમાં, આરોગ્યની જાળવણી સંદર્ભે, મંત્રીશ્રી અને પત્રકારો વચ્ચે સંવાદ થયેલો. એની બધી વિગતો તો યાદ નથી, પણ વાત તમાકુ પર આવી ને એ સંદર્ભે ઘણી ચર્ચાઓ થઈ. લોકો તમાકુ અને તમાકુની પ્રોડક્ટ્સ ખરીદતાં જ રહે છે. દારૂનો પ્રશ્ન તો છે જ, પણ તમાકુની સમસ્યા પણ વધારે ગંભીર છે. બીડી, સિગારેટ, માવા, કિમામ, તમાકુના સેવનથી લોકોનું આરોગ્ય/આયુષ્ય કથળી રહ્યું છે. લોકો મોઢાંની અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરી રહ્યા છે, એટલું જ નહીં, કેન્સર જેવા જીવલેણ રોગનો પણ ભોગ બને છે. આ બધા પછી પણ તમાકુ અને તમાકુની પ્રોડક્ટ્સની ખરીદીમાં બહુ ફરક પડ્યો નથી. સરકાર ટી.વી., ફિલ્મોમાં અનેક પ્રકારની ચેતવણીઓ આપે છે. કેન્સરનાં સડી ગયેલાં મોંવાળા અનેક વીડિયો બતાવે છે ને જુગુપ્સા થાય એવાં દૃશ્યો તમાકુના ઉપયોગ સંદર્ભે સામે આવે છે, પણ તમાકુ છૂટતો નથી કે નથી તો દારૂનું પ્રમાણ ઘટતું. એ ઉપરાંત પણ અનેક પ્રકારની ઝુંબેશ તમાકુનું વ્યસન છોડાવવા સંદર્ભે ચાલે છે.
તે દિવસે આરોગ્ય મંત્રી સાથે ઘણાં પત્રકારોની ચર્ચા થઈ. ઉપાયો સૂચવાયા. સિગારેટ પીવી શરીરને માટે હાનિકારક છે જેવી ચેતવણી દરેક પેકેટ પર લખી હોય છે, છતાં ઉપાડ ચાલુ જ છે એવી વાતો થઈ. એનો અર્થ એ થયો કે પ્રચારની ખાસ અસર થતી નથી. આ ચર્ચા પછી એક સવાલ આરોગ્ય મંત્રીશ્રીને સીધો પૂછ્યો કે તમાકુનો ઉપયોગ ઘટાડવાના બધા પ્રયત્નો છતાં, તમાકુનું વ્યસન છૂટતું નથી ને લોકોનું આરોગ્ય ગંભીર બનતું જતું હોય તો તમાકુનું ઉત્પાદન જ સરકાર કેમ બંધ કરાવતી નથી? સોપો પડી ગયો, પછી કેટલાકે આ સોંસરા સવાલને બિરદાવતી તાળીઓ પાડી. સરકારે તમાકુનું ઉત્પાદન અટકાવવામાં નડતી મુશ્કેલીઓની વાત કરી, પણ એ ખાતર પર દિવેલ જેવી હતી.
જે તમાકુ અનેકોની જિંદગી દોજખ બનાવી દે ને તેના પર પ્રતિબંધ મૂકવામાં સરકાર બચાવમાં લાગે તો એ સ્પષ્ટ છે કે સરકારને લોકોના આરોગ્ય કરતાં તમાકુ જ વધારે કીમતી છે. તે એટલે કે સરકાર એક્સાઈઝ ડયૂટીની આવક જતી કરવા તૈયાર નથી. આજે તો સિગારેટ પર GST જ 40 ટકા લાગે છે. એક્સાઈઝ ડ્યૂટી સિગારેટની લંબાઈ મુજબ દર હજાર નંગે 2,050થી 8,500 રૂપિયા લાગે છે. બીજા શબ્દોમાં સિગારેટના પેકેટ પર 20થી 55 સુધીનો ભાવ વધ્યો છે. સરકાર તમાકુ પ્રોડક્ટ્સ પર દર વર્ષે ડ્યૂટી, ટેક્સ વધાર્યે જ જાય છે, પણ વેચાણમાં ઘટાડો નહિવત છે, તે એટલે કે સરકાર સિગારેટ પર ટેક્સ નાખીને એમ માને છે કે લોકો સિગારેટ પીવાનું બંધ કરશે, પણ તેવું જોવા મળતું નથી, એથી ઊલટું ટેક્સ અને ડ્યૂટીની આવકમાં તો વધારો જ સંભળાય છે, એટલે લોકો સિગારેટ છોડે કે ના છોડે, સિગારેટની ટેક્સ અને ડ્યૂટીની આવક છોડવા સરકાર તૈયાર નથી. આવી આવક થતી હોય ત્યાં, સરકાર તમાકુનાં ઉત્પાદન પર પ્રતિબંધ મૂકે એ વાતમાં માલ નથી. સરકાર આવકની એક પણ તક જતી કરતી નથી, ભલે પછી તે જનહિતમાં હોય કે જનહિતની વિરુદ્ધ હોય ! આ એટલે કહેવું પડે છે કે તમાકુને કારણે મોં, જીભ, ગળું અન્નનળી…નું કેન્સર થાય છે. ધૂમ્રપાનથી ફેફસાંનું કેન્સર થાય છે ને એની (આડ)અસર પરિવારજનો પર પણ થાય છે ને તેઓ પણ ફેફસાંનાં કેન્સરનો ભોગ બને છે. ધૂમ્રપાનથી મહિલાઓ ગર્ભાશયનાં મુખનાં કેન્સરનો ભોગ બને છે.
ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (GCRE), અમદાવાદે જાહેર કરેલા 2022ના કેટલાક આંકડા જોવા જેવા છે. ભારતમાં જોવા મળતા મોં અને હોઠના કેન્સરના સૌથી વધુ કેસ પુરુષના છે. એ કેસની સંખ્યા 1,07,812ની છે, જ્યારે ફેફસાંનાં કેન્સરનો આંકડો 58,970નો છે. એ રીતે અન્નનળી, જઠરના કેસોની સંખ્યા અનુક્રમે 45,608 અને 43,06૦ની છે. મોટાં આંતરડાં અને ગુદામાર્ગના કેસોની સંખ્યા 43,360 ને અન્ય કેન્સરના કેસો 3,92,368 નોંધાયા છે. ભારતમાં દર વર્ષે મોંનાં કેન્સરનાં 1,43,000 કેસ નવા નોંધાય છે, એ પરથી પણ સરકારના પ્રયત્નો અને કેન્સરનાં વધતાં જતાં પ્રમાણ વચ્ચેનું અંતર સ્પષ્ટ થશે ને એની સમાંતરે સરકારના તમાકુમાંથી કમાવાના સ્રોતને સરખાવતા એ પણ ખ્યાલ આવશે કે તમાકુમાંથી થતી આવક કરતાં આરોગ્યને કથળતું રોકવાના સરકારના પ્રયત્નો ટાંચા પડે છે.
આવી જ વાત પ્લાસ્ટિકના ઉપયોગ સંદર્ભે સુપ્રીમ કોર્ટે કરી છે. મદ્રાસ હાઈકોર્ટે ફેબ્રુઆરી, 2026ના એક ચુકાદામાં એવો આદેશ કર્યો કે પ્લાસ્ટિક/પેટ બોટલ્સમાં વેચાતું પાણી તથા પ્લાસ્ટિકનું પેકેજિંગ ધરાવતાં સુગર કે સોલ્ટ જેવા ખાદ્યપદાર્થોમાં માઈક્રો/નેનો પ્લાસ્ટિક હોઈ શકે છે, તો પેકેટ્સ પર તેવી ચેતવણી લાલ અક્ષરે છપાવી જોઈએ કે પેક્ટમાં પ્લાસ્ટિકના કણો હોઈ શકે છે. આથી પી.ઇ.ટી. પેકેજિંગ એસોસિએશન ફોર ક્લીન એન્વાયર્નમેન્ટ દ્વારા મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમમાં દાખલ થઈ. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદામાં દરમિયાનગીરી કરવાનો ઇનકાર કર્યો ને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ તથા સંદીપ મહેતાની બેન્ચે સુનાવણી દરમિયાન સ્પષ્ટ જણાવ્યું કે આવાં પેકેજિંગ ધરાવતાં ખાદ્યપદાર્થો કે પાણીની બોટલ્સ પર પેકેટમાં પ્લાસ્ટિકના કણો હોઈ શકે છે, તેવી ચેતવણી દર્શાવવામાં કંઇ જ ખોટું નથી.
સુપ્રીમે આ મામલે પણ સરકાર તરફ આંગળી ચીંધતાં જણાવ્યું કે તે ભલે આ મુદ્દે કોઈ ચોક્કસ નિર્દેશો આપવામાં કે કોઈ નીતિ જાહેર કરવામાં ઠાગાઠૈયાં કરતી હોય, પરંતુ આ મુદ્દે હાઈકોર્ટનું વલણ એક્દમ સ્પષ્ટ છે. અનેક રિપોર્ટ્સમાં માઈક્રો પ્લાસ્ટિકની હાજરી એટલે કે પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો હોવાનું જણાવ્યું છે. જો રિપોર્ટ્સમાં પ્લાસ્ટિકની હાજરી જાહેર થઈ હોય તો તેવી ચેતવણી પેકેટ્સ પર છાપવામાં ખોટું શું છે? આવી ચેતવણી છપાશે, તો લોકોમાં તે અંગેની જાગરૂકતા ફેલાશે, લોકો તેવી વસ્તુનો ઉપયોગ કરવા અંગે વિચારશે કે વધુ સભાન થશે. આમ પણ લોકોમાં એવી સભાનતા તો આવી જ છે કે ઘણાં સમયથી તેઓ પાણીની બોટલ્સ સહિતની ખાદ્ય સામગ્રીઓનો ઉપયોગ કરવાનું ટાળે છે.
જો કે, એસોસિએશનના વકીલે પોતાની દલીલમાં એમ જણાવ્યું કે આવી ચેતવણી છાપવાથી લોકોમાં ભય ફેલાશે. જેના જવાબમાં જસ્ટિસ વિક્રમ નાથે રોકડું કર્યું કે લોકો પ્લાસ્ટિક બોટલ્સનો ઉપયોગ આમ પણ ઘટાડી જ રહ્યા છે, તો તેવી ચેતવણી છાપવામાં કશું જ ખોટું નથી. આની સામે એસોસિએશનના વકીલનું કહેવું હતું કે ચેતવણીથી લોકોમાં ભય ફેલાશે, તો એની જરૂર છે કે લોકો ભયભીત થાય. લોકો ભયભીત થશે તો જ એવાં પેકેટ્સનો ઉપયોગ કરતાં અટકશે ને એ જ તો હેતુ છે, ચેતવણી છાપવાનો.
મદ્રાસ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) તથા અન્યોને પાણીનું વેચાણ થતું હોય તેવી તમામ પ્લાસ્ટિક/પેટ (પોલિઈથિલિન ટેરેફથેલેટ) બોટલ્સ પર ઘેરા લાલ રંગમાં એવી ચેતવણી લખવાનો આદેશ આપ્યો છે કે આ પાણીમાં માઈક્રો/નેનો પ્લાસ્ટિક્સ હોઈ શકે છે. અહીં પણ નિદાન કરતાં ઈલાજ ઓછા મહત્ત્વનો જ છે. જો પેક્ડ બોટલ્સમાં પ્લાસ્ટિકનાં કણો હોવાનું પુરવાર થઈ ચૂક્યું હોય તો ચેતવણી લાલ અક્ષરે લખાય કે કાળા અક્ષરે, શો ફેર પડશે? લોકોને પ્રોડક્ટ ન વાપરવાની સલાહ, તમાકુ કે પ્લાસ્ટિક કણો સંદર્ભે અપાતી રહે છે, પણ તમાકુનું કે પ્લાસ્ટિકનું ઉત્પાદન રોકવાનું બનતું નથી. તેનું સાદું કારણ જ એ છે કે લોકો મરે કે જીવે, આવક ચાલુ રહેવી જોઈએ. પ્રજાના આરોગ્ય કે હિત માટે પ્રયત્નો તો ઘણાં થાય છે, પણ તે દેખાડાથી આગળ જતા નથી અને કમાવાનું દેખાડા વગર પણ થતું રહે છે. ભારતની કોઈ પણ સરકાર માટે જનહિત કે જનઆરોગ્ય પ્રાયોરિટીમાં છેલ્લે પણ નથી ને એ દુખદ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ઍપ્રિલ 2026
![]()

