
કિશોર પટેલ
ગાંડપણનો ઢોંગ કરીને એ પાગલખાનામાં કેદ થઈ ગઈ. એને જે જાણવા મળ્યું તે એટલું ભયાનક હતું કે એ પછી માનસિક સ્વાસ્થ્ય સંભાળની સંપૂર્ણ પદ્ધતિ કાયમ માટે બદલાઈ ગઈ.
સપ્ટેમ્બર 1887ની આ વાત છે. નેલી બ્લાય નામની ત્રેવીસ વર્ષની એક નમણી યુવતી એક ખતરનાક યોજના સાથે ન્યુયોર્ક સિટીના બોર્ડિંગ હાઉસમાં ગઈ: ત્યાં એણે દરેક જણને ખાતરી કરાવી કે તે પાગલ છે. તે દીવાલો તરફ તાકતી રહી. વાક્યોના ટુકડાઓ કરીને એ બોલી. ઊંઘવાની એણે મનાઈ કરી, એણે દાવો કર્યો કે તેને પોતાનું નામ યાદ નથી. એકાદ કલાકમાં જ બોર્ડિંગ હાઉસના માલિકે પોલીસને ફોન કર્યો. એ જ દિવસે ડોક્ટરોએ એની ઉપરછલ્લી તપાસ કરી અને એને “સકારાત્મક રીતે ઉન્માદગ્રસ્ત” જાહેર કરી. 48 કલાકની અંદર નેલી બ્લાયને બ્લેકવેલ ટાપુ પર મહિલા પાગલખાનામાં દાખલ કરી દેવામાં આવી.
આ તપાસ પ્રક્રિયા ભયાનક રીતે સરળ હતી. એ કોઈ સંપૂર્ણ તપાસ નહોતી. કોઈ કૌટુંબિક પૂછપરછ નહીં. ફક્ત ડોક્ટરો તરફથી એક સામાન્ય નજર. તેઓ જે જોવાની અપેક્ષા રાખતા હતા તે જ તેમણે જોયું: વધારાની એક ગરીબ, વિચિત્ર જણાતી સ્ત્રી જેને કેદ કરવાની જરૂર હતી. જે નેલી સાબિત કરવા માંગતી હતી તે બરાબર એવું જ હતું. તે “ધ ન્યૂ યોર્ક વર્લ્ડ” માટે એક ગુપ્ત પત્રકાર હતી, જે એક એવા કામ માટે સ્વેચ્છાએ તૈયાર થઈ હતી જે તેના જીવનને ઝેર બનાવી દઈ શકે એવી શક્યતા હતી, જો કંઈક ખોટું થયું હોત તો. જો અખબાર તેને છોડાવવામાં નિષ્ફળ ગયું હોત, જો અધિકારીઓએ તેની અસલિયત જાણી લીધી હોત તો તેને ત્યાં અનિશ્ચિત સમય માટે ફસાવી દેવામાં આવી હોત, તે પોતે સ્વસ્થ છે એવું સાબિત કરવાનો કોઈ રસ્તો ન હતો. પરંતુ નેલી માનતી હતી કે સ્ટોરી જોખમ લેવા યોગ્ય છે. તેને અંદર જે જાણવા મળ્યું તેનાથી તેણે લીધેલું જોખમ ત્યાં ફસાયેલી મહિલાઓ જે સહન કરતી હતી તેની તુલનામાં નાનું લાગતું હતું.
બ્લેકવેલ આઇલેન્ડમાં 1,600થી વધુ મહિલાઓને એવી સ્થિતિમાં રાખવામાં આવી હતી જ્યાં હોસ્પિટલ ઓછી અને ટોર્ચર ચેમ્બર વધુ હતી. “સારવારો” તબીબી ન હતી, તે સજા હતી. સ્ત્રીઓને બરફ જેવાં ઠંડાં પાણીથી સ્નાન કરવાની ફરજ પાડવામાં આવતી હતી. જ્યાં સુધી તેમના હોઠ જાંબલી ન થઈ જાય અને તેમના શરીર સુન્ન ન થઈ જાય ત્યાં સુધી તેમને એવા વાતાવરણમાં રાખવામાં આવતી હતી. એવું કહેવાતું કે એમનો હેતુ “તે દર્દીઓને શાંત કરવાનો” હતો. પણ વાસ્તવિક અસર હાયપરથર્મિયા (શરીરનું ઉષ્ણતામાન ૪૦ અંશથી પણ વધુ થઈ જવું) અને આતંકની હતી. ખોરાક છેક જ અખાદ્ય હતો: સડેલું માંસ, બ્રેડ તો ખાનારાના દાંત પડી જાય એટલી સખત હતી, ચા તો ગંદા પાણી જેવી દેખાતી હતી. ભોજન ગંદા વાટકામાં પીરસવામાં આવતું હતું, ફરિયાદ કરતી સ્ત્રીઓને માર મારવામાં આવતો હતો અથવા એકલી પાડી દેવામાં
આવતી હતી. પુરુષ નર્સો સંભાળ રાખતા ન હતા. તેઓ જેલરો હતા જે દર્દીઓને મારતા હતા, તેમની મજાક ઉડાવતા હતા અને તેમના દુઃખને અવગણતા હતા. જે સ્ત્રીઓ બૂમો પાડતી હતી તેમને એકાંત કોટડીમાં બંધ કરવામાં આવતી હતી. મદદ માટે ભીખ માંગતી સ્ત્રીઓને ચૂપ રહેવાનું કહેવામાં આવતું હતું. ડોકટરો ભાગ્યે જ મુલાકાત લેતા હતા, અને જ્યારે તેઓ મુલાકાત લેતા ત્યારે તેઓ કોઈની વાત સાંભળતા ન હતા. દર્દીઓની ફરિયાદોને ભ્રમણા તરીકે ફગાવી દેવામાં આવતી હતી. એમની ઈજાઓને અવગણવામાં આવતી હતી. સ્ત્રીઓ માનસિક બીમારીથી નહીં, પરંતુ ઉપેક્ષા અને દુર્વ્યવહારથી પીડાતી હતી. સૌથી વધુ ભયાનક બાબત આ હતી: ઘણી સ્ત્રીઓ માનસિક રીતે બીમાર નહોતી. કેટલીક ઇમિગ્રન્ટ્સ હતી જે અંગ્રેજી સારી રીતે બોલી શકતી ન હતી અને તેઓ પોતાને સમજાવી શકતી ન હતી તેથી એમને અહીં ધકેલી દેવામાં આવી હતી. કેટલીક સ્ત્રીઓ ગરીબ હતી જેમને ક્યાં ય જવા માટે જગ્યા નહોતી, જે પરિવારો દ્વારા ત્યજી દેવામાં આવી હતી. કેટલીક વાઈની દર્દીઓ, અપંગ, અથવા ફક્ત “મુશ્કેલ” હતી જેમના પરિવારોએ તેમને અસુવિધાજનક માન્યા હતા અને તેમને છુટકારો મેળવવા માટે પાગલ જાહેર કરી હતી. એકવાર તમે અંદર ગયા પછી બહાર નીકળવું લગભગ અશક્ય હતું. જો કોઈ સમજાવટનો વિરોધ કરે છે તો એમના વિરોધને એમના પાગલપણાના પુરાવા તરીકે લેવામાં આવતા હતા. આખી સિસ્ટમ સ્ત્રીઓને ગળી જવા અને તેમને ક્યારે ય બહાર જવા ના દેવા માટે બનાવવામાં આવી હતી. દસ દિવસ સુધી, નેલી આ દુઃસ્વપ્ન જીવી. તેણે સ્ત્રીઓને બગડતી જોઈ. કોઈ પણ માનવીએ સહન ન કરવું જોઈએ તેવા દુર્વ્યવહાર તેણે જોયા. તેણે દરેક વિગતો, દરેક નામ, ક્રૂરતાના દરેક કૃત્યને યાદ રાખ્યા, કારણ કે તે જાણતી હતી કે તેણે તે બધું યાદ રાખવું પડશે. જ્યારે ‘ધ ન્યૂયોર્ક વર્લ્ડે’ આખરે તેની મુક્તિની વ્યવસ્થા કરી, ત્યારે નેલી ફક્ત ત્યાંથી ચાલી ગઈ નહીં.
નેલીએ બધું લખ્યું. તેનો ખુલાસો, “ટેન ડેઝ ઇન અ મેડહાઉસ”, ઓક્ટોબર 1887માં પ્રકાશિત થયો. જનતાની પ્રતિક્રિયા તાત્કાલિક આવી. જનતા ગુસ્સે થઈ ગઈ હતી. આધુનિક અને સભ્ય શહેર ન્યુયોર્કમાં આવું કેવી રીતે બની શકે? સ્ત્રીઓ સાથે પ્રાણીઓ જેવું વર્તન કેવી રીતે થઈ શકે? સિસ્ટમ એટલી કેવી રીતે તૂટી શકે કે સમજદાર લોકોને બંધ કરી દેવામાં આવે અને ત્રાસ આપવામાં આવે? એક ગ્રાન્ડ જ્યુરીએ તપાસ શરૂ કરી. તેઓ બ્લેકવેલ આઇલેન્ડ ગયા અને નેલીએ લખેલા દરેક શબ્દની પુષ્ટિ કરી. પરિસ્થિતિઓ નેલીએ વર્ણવ્યા મુજબ જ ભયાનક હતી. પરિણામ ઝડપી અને નોંધપાત્ર હતું: ન્યુયોર્ક સિટીએ માનસિક સ્વાસ્થ્ય સંભાળ માટે $1 મિલિયનથી વધુ વધારાના ભંડોળ ફાળવ્યું. વર્ષ 1887માં એક મોટી રકમ સ્ટાફને તાલીમ માટે મળી. દર્દીની સારવારના પ્રોટોકોલમાં સુધારો કરવામાં આવ્યો. ખોટી અટકાયતને રોકવા માટે કાયદાઓ બન્યા.
એક 23 વર્ષીય પત્રકારે સત્ય કહેવા માટે બધું જોખમમાં મૂક્યું અને જીવન બચાવી લેવામાં આવ્યું. નેલી બ્લાયનું સાહસ પત્રકારત્વ અને માનસિક સ્વાસ્થ્ય સુધારણા બંને માટે એક સીમાચિહ્નરૂપ બન્યું. તેણે સાબિત કર્યું કે ગુપ્ત રિપોર્ટિંગ અન્યાયને ઉઘાડો પાડી શકે છે જે અન્યથા તે છુપાયેલો જ રહ્યો હોત. તેણે બતાવી આપ્યું કે જો કોઈ પોતાની વાત કહેવા માટે પૂરતી હિંમતવાન હોય તો શક્તિહીન કે રક્ષણ વિનાની સ્ત્રીઓને સાંભળી શકાય છે. આ સિવાય નેલીએ એક ગંભીર બાબત પણ ઉઘાડી પાડી: સમાજ કેટલી સરળતાથી નબળા લોકોને ત્યજી દે છે. એક સ્ત્રીને કેટલી સહેલાઈથી “પાગલ” ગણાવી શકાય છે અને અલોપ કરી શકાય છે. કોઈ જોતું ન હોય ત્યારે મદદ કરવા માટે રચાયેલ સિસ્ટમો કેવી રીતે ક્રૂરતાનું મશીન બની શકે છે. બ્લેકવેલ ટાપુ પરનું પાગલખાનું તોડી પાડવામાં આવ્યું છે. ટાપુનું નામ બદલીને રૂઝવેલ્ટ ટાપુ રાખવામાં આવ્યું છે. જ્યારે પણ તપાસ પત્રકારો નર્સિંગ હોમ, જેલ અથવા સંસ્થાઓમાં દુર્વ્યવહારનો પર્દાફાશ કરવા માટે ગુપ્ત રીતે જાય છે ત્યારે તેઓ નેલી બ્લાયના પગલે ચાલે છે. જ્યારે પણ માનસિક સ્વાસ્થ્ય સુધારણા માટે લડવામાં આવે છે અને જીતવામાં આવે છે ત્યારે તે તેના પાયા પર બને છે જે તેણે બનાવવામાં નેલી બ્લાયે મદદ કરી હતી. તે બહાર રહીને અફવાઓ અને સેકન્ડહેન્ડ એકાઉન્ટ્સ પર આધાર રાખીને પાગલખાના વિશે લખી શકતી હતી. તે ભૂતપૂર્વ દર્દીઓ અને ડોકટરોનો ઇન્ટરવ્યુ લઈ શકતી હતી અને તેને એક દિવસ કહી શકતી હતી. તેના બદલે, તે પોતે તે દરવાજામાંથી પસાર થઈ ગઈ, તે જાણતી હતી કે તે ક્યારે ય પાછી બહાર નહીં આવે એવું પણ બની શકે છે. તેણે થીજી ગયેલાં સ્નાન, સડેલા ખોરાક અને ત્યાંના સ્ટાફની ક્રૂરતા સહન કરી કારણ કે તે સમજી ગઈ હતી કે દુઃખ વિશે સત્ય કહેવા માટે ક્યારેક તમારે તે જીવવું પડે છે. આવું કાર્ય ફક્ત સારું પત્રકારત્વ નથી, એનાથી કંઈક વધુ છે.
આ સર્વોચ્ચ કક્ષાની નૈતિક હિંમત છે. નેલી બ્લાયે એવોર્ડ જીતવા કે પોતાનું નામ બનાવવા માટે પાગલખાનાનો પર્દાફાશ કર્યો ન હતો. તેણે તે એટલા માટે કર્યું કારણ કે 1,600 મહિલાઓ ચૂપચાપ પીડાઈ રહી હતી, અને કોઈએ તેમનો અવાજ બનવાની જરૂર હતી. તે અંધારામાં ચાલી જેથી બાકીના લોકો આખરે જોઈ શકે કે ત્યાં શું થઈ રહ્યું છે. અને જ્યારે તે બહાર આવી, ત્યારે તેણે ચોકસાઈ કરી કે દુનિયા નજર ફેરવી ના લે.
[Esther Rowe લિખિત મૂળ ફેસબુક પોસ્ટ]
સૌજન્ય : કિશોરભાઈ પટેલની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

