માત્ર કૉન્ગ્રેસ માટે નહીં, કોઈને પણ માટે પહેલું સનાતન સત્ય એ છે કે પ્રજા ક્યારે ય કાયમ માટે કોઈની હોતી નથી. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધી પોતે, સંજય ગાંધી અને કૉન્ગ્રેસનો કારમો પરાજય થયો ત્યારે ઘણા લોકોએ એમ માની લીધું હતું કે કૉન્ગ્રેસ હવે પાછી બેઠી નહીં થઈ શકે. એમ.ઓ. મથાઈ નામના નેહરુના વખતના વડા પ્રધાનના કાર્યાલયના એક અમલદારે તો નેહરુની બદનામી કરનારું અને ઇન્દિરા ગાંધી તેમના પ્રેમમાં હતાં એવો દાવો કરનારું પુસ્તક પણ લખી નાખ્યું હતું. (ભક્તોને આ પુસ્તક કામમાં આવે એવું છે) તેમને બિચારાને એમ કે કૉન્ગ્રેસનો સૂર્ય કાયમ માટે આથમી ગયો છે. આવાં બીજાં પણ પુસ્તકો અને લેખો પ્રકાશિત થયાં હતાં. ઇન્દિરા ગાંધી માત્ર બે વરસમાં સત્તામાં પાછાં ફર્યાં ત્યારે તેઓ આજીજી કરતાં થઈ ગયાં હતાં એ પણ ત્યારે જોવા મળ્યું હતું.
આમ પ્રજા કોઈની હોતી નથી, પરંતુ પ્રજાને લાંબો સમય સુધી સાથે રાખવાનો પ્રયાસ કરી શકાય અને જગત આખામાં એવો પ્રયાસ કરવામાં આવે પણ છે.
એને માટે બે માર્ગ છે. એક માર્ગ છે : ગયા અઠવાડિયે કહ્યું હતું એમ હાથચાલાકી અથવા નજરબંધી. રોજ સપનાં દેખાડતા રહો, કે જેથી પ્રજા વાસ્તવિકતા જોઈને નિરાશ ન થઈ જાય. ઉજ્વળ આવતી કાલ ઉપરનો અને ઉજ્વળ આવતી કાલ સાકાર કરી આપવાનો દાવો કરનારા મહાન નેતા ઉપરનો ભરોસો ભાંગવો ન જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો સપનાંની દુનિયા રચીને પ્રજાને ગેલમાં રાખો અને એ રીતે વાડામાં પૂરી રાખો. બીજો માર્ગ છે; પ્રજાને વિશ્વાસમાં લઈને, તેમના માટે શ્રેયસ્કર માર્ગ શું છે એનો બોધ આપીને, તેમની વચ્ચે તેમના જેવા થઈ રહીને, તેમની ભાષામાં બોલીને, સાથે મળીને માર્ગ કંડારીને પ્રજાને તૈયાર કરી શકાય છે. મહાત્મા ગાંધી આનું ઉદાહરણ છે. જો આ માર્ગ અપનાવવામાં આવે તો પ્રજા લાંબો સમય સુધી સાથ આપે છે. આ માર્ગ પહેલા માર્ગ કરતાં વધારે દીર્ઘજીવી છે, વધારે પરિણામકારી છે, પરંતુ ચિરંજીવી તો એ પણ નથી. વચ્ચે વચ્ચે ચીલો ચાતરતા રહેવું અને પાછા ચીલે આવવું એ પ્રજાનો સ્વભાવ છે.
જગતના ઇતિહાસમાં ગાંધીજી જેટલી અને ગાંધીજી જેટલી લાંબી મુદ્દતની લોકપ્રિયતા કોઈએ ભોગવી નથી. એટલે તો ગાંધીજીને ગાળો આપવામાં આવે છે. ગાંધીજીએ આમ કરવું જોઈતું હતું અને તેમ નહોતું કરવું જોઈતું હતું, વગેરે. ગાંધીજીની સાથે પ્રજા હતી એટલે ગાંધીજી કાંઈ પણ કરી શકે એમ હતા એવી સમજનું આ પરિણામ છે. તેમને એ વાતની જાણ નથી કે ગાંધીજીના માર્ગમાં અવરોધ પેદા કરનારાઓની અને પીઠમાં ખંજર ભોંકનારાઓની એક મોટી જમાત હતી અને તે આજે પણ સક્રિય છે. ટૂંકમાં ગાંધીજીએ પ્રજાને કેળવી હતી જેનો લાભ આઝાદી પછી કૉન્ગ્રેસને મળ્યો હતો અને લાંબા સમય સુધી મળ્યો હતો.
૧૯૪૭માં ભારતનું વિભાજન થયું હોવા છતાં કૉન્ગ્રેસને ૧૯૫૧-૫૨ની લોકસભાની ચૂંટણીમાં બે-તૃતિયાંશ બહુમતી મળે છે. એ પછી ૧૯૭૭નો એક અપવાદ છોડીને ૧૯૮૯ સુધી દેશમાં કૉન્ગ્રેસનું એકચક્રી શાસન રહ્યું હતું. એ પછી કૉન્ગ્રેસ ઘસાતી ગઈ એની પાછળ સશક્તિકરણ, મધ્યમવર્ગની એષણા, શિક્ષણને કારણે જાગૃત થયેલી સંકુચિત અસ્મિતા, નાગરિકને વોટબેંકમાં ફેરવનારું સંસદીય રાજકારણ જેવાં સમાજશાસ્ત્રીય કારણો તો છે જ; પણ એમાં એક મુખ્ય કારણ નૈતિકતાના ધોરણો શિથિલ કરીને પ્રજાને છેતરવાનું પણ છે. કૉન્ગ્રેસે ભારતના નાગરિકને વોટબેંકમાં અને સંખ્યામાં ફેરવી નાખ્યો હતો. જવાહરલાલ નેહરુના અવસાન પછી કૉન્ગ્રેસના શાસકોએ છીંડાં પાડી પાડીને આઝાદી પહેલાં કૉન્ગ્રેસે જે પુણ્ય રળ્યું હતું એ ખર્ચી નાખ્યું. આજે કૉન્ગ્રેસ લગભગ ઝીરો બેલેન્સ પાર્ટી છે.
હવે કૉન્ગ્રેસે ફરી વાર પુણ્ય કમાવાનું છે અને એ શક્ય છે એમ હું માનું છું. શક્ય એટલા માટે છે કે આ દેશમાં ૧૮૫૭ પછીથી ભારત વિશેની બે કલ્પના વિકસી હતી અને કૉન્ગ્રેસ એમાંનાં એક ભારતની પક્ષધર રહી છે. એક કલ્પના છે; હિંદુકેન્દ્રી, સવર્ણકેન્દ્રી, આર્ય ભારતની અને બીજી કલ્પના છે; આખા ભારતને સાથે રાખનારા સર્વસમાવેશક લોકતાંત્રિક અને સેક્યુલર ભારતની. કૉન્ગ્રેસ બીજા પ્રકારના ભારતની પક્ષધર હતી અને બી.જે.પી. પહેલા. ભારતની આ બે કલ્પનામાંથી કયું ભારત, ભારત માટે શ્રેયસ્કર નીવડશે એ વિશેની ચર્ચા ૧૮૮૫માં કૉન્ગ્રેસની સ્થાપના પણ નહોતી થઈ એનાં પહેલાંથી શરૂ થઈ ગઈ હતી.
શરુઆતનાં વર્ષોમાં કૉન્ગ્રેસ આ બેમાંથી કયા માર્ગે ચાલવું એ નક્કી નહોતી કરી શકતી. બંને મતના અને વલણના નેતાઓ કૉન્ગ્રેસમાં હતા અને તેઓ ક્યારેક સાથે, ક્યારેક સ્વતંત્રપણે એકબીજાની વિરુદ્ધ અને ક્યારેક સમાંતરે કામ કરતા હતા. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા એ પછી કૉન્ગ્રેસની અંદરનું ભારતની કલ્પના અંગેનું મનોમંથન બીજા પ્રકારના સર્વસમાવેશક ભારતની કલ્પનાની તરફેણમાં વિરમ્યું હતું. એ બધાને સ્વીકાર્ય હતું એવું નથી. હિંદુ મહાસભા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને કૉન્ગ્રેસની અંદરના અનેક હિંદુ નેતાઓને સર્વસમાવેશક સેક્યુલર ભારતની કલ્પના સ્વીકાર્ય નહોતી.
આમ ભારત વિશેની બે કલ્પના અને એ કલ્પનાને કારણે રચાયેલાં બે રાજકીય ધ્રુવો દોઢસો વરસ જૂનાં છે. આઝાદી પછી સ્વાભાવિકપણે તેણે સંસદીય સ્વરૂપ ધારણ કર્યું. કૉન્ગ્રેસ સર્વસમાવેશક ભારતનું અને બી.જે.પી. તેનાથી ઊલટું હિંદુ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. કૉન્ગ્રેસ સર્વસમાવેશક ભારતનું પ્રતિનિધિત્વ કરે છે એમ કહેવું ખોટું ગણાશે. કૉન્ગ્રેસ એવા ભારતનું પ્રતિનિધિત્વ કરતી હતી જે તેણે સત્તાના નાશામાં લબાડી કરીને છોડી દીધું છે.
માટે કૉન્ગ્રેસે જો પાછા બેઠું થવું હોય તો પહેલી શરત એ છે કે તેણે હિંમતપૂર્વક અને ધીરજ ગુમાવ્યા વિના સ્પષ્ટ ભાષામાં કહેવું જોઈએ કે કૉન્ગ્રેસ ગાંધી-નેહરુની કલ્પનાના ભારતમાં માને છે. ખરું પૂછો તો રાજા રામમોહન રોયથી લઈને વાયા મહાત્મા ફૂલે-આંબેડકર વિનોબા ભાવે સુધીના ઉદારમતવાદી લોકોની કલ્પનાના ભારતમાં માને છે. પક્ષપાત વિનાનું સેક્યુલર લોકતાંત્રિક સર્વસમાવેશક ભારત. નાગરિકોનો વિશ્વાસ જીતવામાં ભલે ગમે એટલો સમય લાગે, સિદ્ધાંતમાં સમાધાન કરવામાં ન આવે. નાગરિકો ધીરે-ધીરે પાછા ફરશે એ સો ટકા વાત છે અને તેને માટે બે કારણો છે:
એક તો એ કે ભારતમાં આજે પણ મોટી સંખ્યામાં નાગરિકો સેક્યુલર સર્વસમાવેશક ભારત માટે પ્રતિબદ્ધ છે. જો લોકમત લેવામાં આવે તો કમસેકમ ત્રીજા ભાગના હિંદુઓ અને કુલ મળીને ૪૦ ટકા ભારતીયો સેક્યુલર સર્વસમાવેશક ભારતની તરફેણમાં મત આપશે એની મને ખાતરી છે. જો ઈમાનદારીનો માર્ગ અપનાવવામાં આવે તો આટલા લોકો સુધી તો સહેજે પહોંચાય એમ છે અને નાગરિકોનું પ્રશિક્ષણ કરીને મતિ-ભ્રમિત નાગરિકોને પાછા લાવી શકાય એમ છે. ઉપર કહ્યા એ બંન્ને પ્રકારના નાગરિકો મુખ્યત્વે કૉન્ગ્રેસના ભ્રષ્ટાચાર અને મૂલ્યો સાથે કરવામાં આવેલાં ચેડાંને કારણે કૉન્ગ્રેસથી નારાજ છે. બાકી આ દેશમાં વિચારપૂર્વકના નિષ્ઠાવાન હિન્દુ-રાષ્ટ્રવાદીઓ દસ ટકા પણ નહીં હોય. જો એમ હોત તો જનસંઘ/બી.જે.પી.ને વહેલી સત્તા હાથમાં આવવી જોઈતી હતી. ટૂંકમાં સરેરાશ ભારતીય ઉદારમતવાદી છે, જેનું કૉન્ગ્રેસ પ્રતિનિધિત્વ કરતી હતી, તે કૉન્ગ્રેસની સાથે હતો અને આજે તેનાથી નારાજ છે.
બીજું મહત્ત્વનું કારણ એ છે કે સંઘપરિવારે તેમની કલ્પનાના ભારત માટે પ્રજાને તૈયાર કરવામાં લોકશિક્ષણ ઓછું કર્યું છે, છેતરપીંડી વધુ કરી છે. ગાંધીજીએ જે રીતે પ્રજાનું લોકશિક્ષણ કર્યું હતું એવું લોકશિક્ષણ સંઘપરિવારે કર્યું નથી. એટલે તો કૉન્ગ્રેસને દાયકાઓ સુધી પ્રજાના વિશ્વાસનો લાભ મળ્યો હતો. સંઘ પરિવારે ઈમાનદારીપૂર્વક શબ્દો ચોર્યા વિના તેમની કલ્પનાના ભારતને આજ સુધી શબ્દબદ્ધ નથી કર્યું. તેણે કૉન્ગ્રેસને બદનામ કરીને, ગાળો દઈને, રામજન્મભૂમિ જેવા ભાવનાત્મક મુદ્દાઓ ઉઠાવીને, જયપ્રકાશ નારાયણ જેવાઓની આંગળી પકડીને, વલ્લભભાઈ પટેલ જેવા કૉન્ગ્રેસમાંથી ઉછીના આયકન લાવીને અને બીજાં અનેક રીતનાં છીંડાં પાડીને જગ્યા બનાવી છે. પોતાની કલ્પનાના ભારત અંગેના વિચાર પ્રજાને ગળે ઉતારાવીને, તેમને વિશ્વાસમાં લઈને, તેમની સાથે રહીને, ખુલ્લો વિમર્શ કરીને બનાવેલી જગ્યા નથી. ગાંધીજીની કલ્પનાનું ભારત કેવું હશે એ ત્યારે દરેક ભારતીય જાણતો હતો, પણ સંઘની કલ્પનાનું ભારત કેવું હશે એ સંઘનો સ્વયંસેવક પણ નથી જાણતો. આમ ગાંધીજીના પક્ષે પારદર્શકતા હતી તો અહીં છૂપો એજન્ડા છે.
સમારોપ કરતાં આમાંથી નિષ્કર્ષ બે નીકળે છે. એક તો એ કે ભારતમાં ઉદારમતવાદી ભારતીયોની સંખ્યા ખાસ્સી મોટી છે. જગતના કોઈ પણ દેશ કરતાં વધુ એટલે તેમનો વિશ્વાસ સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય એમ છે અને બીજો નિષ્કર્ષ એ કે સંઘપરિવારે તેમની કલ્પનાના ભારત માટે લોકોનું શિક્ષણ કર્યું નથી, ભ્રમિત વધુ કર્યા છે એટલે તેમનો ભ્રમ દૂર કરી શકાય છે. જરૂર છે કૉન્ગ્રેસના પક્ષે સેક્યુલર સર્વસમાવેશક ભારત પરત્વે પ્રતિબદ્ધતાની, પહેલી નજરે પ્રતિકૂળ ભાસતી સ્થિતિની વચ્ચે ધીરજપૂર્વક પોતાની વાત ઈમાનદારીથી કહેવાની, વિચારોથી પ્રતિબદ્ધ કાર્યકર્તાઓ પેદા કરવાની, લોક-જાગરણ કરવા જેટલી મહેનતની.
કૉન્ગ્રેસ જો આ માર્ગ અપનાવે (અને માર્ગ માત્ર અને માત્ર આ જ છે) તો કૉન્ગ્રેસનું પુનર્જીવન જરૂર થઈ શકે એમ છે, પણ કૉન્ગ્રેસ આ કરી શકશે? લાખ રૂપિયાનો સવાલ છે.
12 જુલાઈ 2019
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જુલાઈ 2019
![]()


જે શ્રમ કરે એ શ્રમણ એવો શ્રમણનો અર્થ છે. એ શ્રમ કષાયોને સાફ કરવાનો છે. શ્રમણ શબ્દનો એક બીજો અર્થ છે; શમન. વૃત્તિઓનું શમન કરે (શાંત પાડે) એ શ્રમણ. વૃત્તિઓનું શમન કરવા માટે પણ પરિશ્રમ કરવો પડે. આમ શ્રમણ શબ્દ શ્રમના અર્થમાં લો કે શમનના, સાધકને તે તપશ્ચર્યાની એક જ દિશાએ દોરી જશે.