રાજકારણનું સ્તર કેવું હોય? રાજનીતિ અને રાજકારણમાં શું ફરક? રાજધર્મ એટલે શું? લોકશાહીમાં સરકાર એટલે શું? સરકારની ભૂમિકા શું? બહુ સાચું કહું તો પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે રીતનું વર્તન, વાણી વ્યહવાર કે વિચાર જે રીતે વ્યક્ત થાય છે તે સાંભળી પારાવાર દુઃખ થાય છે. સત્તા પ્રત્યેનું આંધળું આકર્ષણ અને એ મેળવીને ધનપતિ થવાના કોડ દેખાય છે અને કહેવાતું નેતૃત્વ યુવાનીને બહેકાવી ગુમરાહ કરવાનું ઘોર દુષ્કૃત્ય કરી રહ્યા છે તેવું ભાસે છે, ત્યારે આ મૂર્ખ મનને ભૂતકાળનો એક કિસ્સો યાદ આવે છે અને એ કહેવાની લાલચ રોકી શકતો નથી.
વાત જાણે એમ છે કે પંડિત જવાહરલાલ નહેરુની સરકાર કેન્દ્રમાં હતી, ત્યારે એ કૉન્ગ્રેસની સરકારમાં જયસુખલાલ હાથી કેબિનેટમાં પ્રધાન હતા. સુરેન્દ્રનગરમાં જન્મેલા જયસુખલાલ હાથી રાષ્ટ્રીય રાજકારણમાં એ વખતે અદનું સ્થાન ધરાવતા હતા અને તે સમયમાં જનસંઘના મુખપત્ર "સાધના"માં તેમની સામે ગંભીર આક્ષેપો કરતો લેખ પ્રસિદ્ધ થયો અને એ વાંચી જયસુખલાલ વ્યથિત તો થયા, પરંતુ તેઓ પોતાનું રાજીનામુ લઈને વડાપ્રધાન પાસે ગયા ત્યારે નહેરુએ એમને ઉતાવળ ન કરવા કહ્યું અને પછી નહેરુએ જનસંઘના સાંસદ એવમ નેતા અટલ બિહારી બાજપાઈને આ વાતથી વાકેફ કર્યા અને બાજપાઈએ નહેરુને તપાસ કરીને પ્રતિક્રિયા આપવાનું વચન આપ્યું અને બીજે દિવસે પાર્લામેન્ટમાં ફ્લોર પર બાજપાઈજીએ જયસુખલાલ હાથી સામેના આક્ષેપો ખોટા છે એની જાહેરાત કરી, એ લેખ "સાધના"માંથી પરત ખેંચી ખુલાસો પ્રગટ કરવાની બાંહેધરી આપી એમની માફી માંગી અને કોઈપણ સંજોગોમાં રાજીનામુ ન આપવા વિનંતી કરી.
આ મૂલ્યો હતાં, આવી નીતિમત્તા હતી અને આવો ઉમદા પરસ્પર વ્યહવાર હતો !!
અત્યારના ગલીચ રાજકારણ અને બેજવાબદાર વર્તન, વાણી વિલાસ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ગૂંચવાયેલી રાજનીતિના માહોલમાં આવા પ્રસંગો તમને શાતા આપશે, મને તો આપે જ છે.