શિક્ષણસંસ્થાઓ કેટલી બિનશૈક્ષણિક પ્રવૃત્તિ કરે છે અને કેટલી શૈક્ષણિક એનીયે મોજણી કરવા જેવી છે
આમ તો શિક્ષણક્ષેત્રે આજકાલ ઉત્તરદાયિત્વ જેવું ક્યાં કશું રહ્યું છે કે ઊંડા પાણીમાં પેસીએ? નાહક કોઠી ધોઈને કાદવ કાઢવા જેવું. મોટેભાગે તો સંબંધિત તમામ પક્ષે તેરી-મેરી ચૂપ જેવું ગણવાનું. આમ છતાં આવી સ્થિતિમાં પણ ‘જો શિક્ષકો આમ કરશે તો શિક્ષાત્મક કાર્યવાહી થશે’ એવા સમાચાર આંખ તળેથી પસાર થાય તો જરા અટકવું પડે, અને વિગતો જાણવી પડે.
એટલું તો યોગ્ય જ થયું લેખાય કે મોડી તો મોડી, ખબર તો પડી કે શિક્ષણનાં ધોરણ કથળતાં જાય છે! છોકરાં આટઆટલાં ચોપડાં લઈ નિશાળ અને ટ્યૂશન ક્લાસ વચ્ચે રઘવાયાં રઘવાયાં ફરે છે તોયે એમને જેટલું આવડવું જોઈએ તેટલું કેમ નથી આવડતું, એ બાબત બૂમાબૂમ ઘણી થાય, પણ કોઈની જવાબદારી નક્કી ન થાય, અને આંગળી ન ચીંધાય. ગોડ ઇઝ ઇન હીઝ હેવન એન્ડ ઓલ ઇઝ વેલ વીથ ધ વર્લ્ડ. મા-બાપ જાણે કે છોકરાં ભણે છે, છોકરાં માને કે અમે ભણીએ છીએ, શિક્ષકો સમજે કે અમે ભણાવીએ છીએ, અને સરકાર સમેત સમાજ હરખાયા કરે કે ગાડી પાટા પર દોડી રહી છે ધમધમાટ!
સફાળું જાગવાનું થયું ‘ગુણોત્સવ’ ટાણે. હવે શિક્ષણક્ષેત્રની બહારનાંને ‘ગુણોત્સવ’ વિશે બહુ માહિતી ન હોય એમ બને. ગુણોત્સવ એક એવો ઉપક્રમ જેમાં જે તે વિસ્તારના શિક્ષકો એમની શાળાનાં પરિણામો અંગે ચર્ચા કરે, કચાશ રહી હોય તો જાતતપાસ કરે, અને એમ પોતાનું મૂલ્યાંકન કરે. આવા ગુણોત્સવ દરમિયાન કોઈ એક જિલ્લાના નબળા પરિણામનું ચિંતન ચાલ્યું. પરિણામ નબળું આવે ત્યાર જ ખબર પડે ને કે શિક્ષણ કથળ્યું? પ્રત્યક્ષ પ્રમાણ જેવાં છોકરાં ન પાંચ વાક્ય સીધાં બોલે, ન સરખાં લખે, કે ન ઠીકઠાક વાંચે, તો શિક્ષણની ય ગતિ કળી જવાય. નરી આંખે દેખાતી આ હકીકત વિશે કંઈ માહિતીના અધિકાર અન્વયે જાણકારી મેળવવાની જરૂર નથી. ઈચ્છા હોય તો સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ અથવા ગ્રાન્ટેડ તરીકે ઓળખાતી શાળામાં જઈને ઊભાં રહેવું. ત્યાં જવાથી બીજું જે કંઈ જણાય તે, આ નવલી રીતરસમની માહિતી તો અખબારી સમાચારથી જ પામ્યાં.
શોધ હતી કથળતાં ધોરણોનાં કારણોની, અને અપરાધી કોણ? તો કહે મોબાઇલનું વોટ્સએપ! વર્ગ ચાલુ હોય અને શિક્ષક વોટ્સએપનો ઉપયોગ કરતાં હોય. આ પ્રકારના ઉપયોગથી કયું જ્ઞાન લાધતું હશે અને શેનું વિતરણ થતું હશે એ તો પાછો અલગ સંશોધનનો વિષય. હાલ તો માત્ર આટલી જ ખબર પડી કે વોટ્સએપના લીધે શિક્ષકોની એકાગ્રતા ઘટી, ચંચળતા વધી. અસર સીધી છોકરાંઓનાં ભણતર અને પરિણામ પર.
વાંક વોટ્સએપનો નથી. આમ જોઈએ તો ઓટલા પરિષદનું એ નવસંસ્કરણ છે. સામસામે વણજોઈતી પંચાત, ફોટાઓની વહેંચણી, ધૂળપથરા જેવી માહિતી જેમાં કોઈનોયે ઉધ્ધાર શક્ય નથી, અને નવરાંઓની ઓળખ જેવાં ટોળટપ્પા કે નીંદા આ મજાક. જે ઊપકરણ સદ્દ હેતુ માટે સર્જાયું એનો નફ્ફટાઈભર્યો દુરુપયોગ. ગંદા ટુચકાઓ અને અસભ્ય વાણીવિલાસ બેરોકટોક ચાલતો રહે તો કેવા પ્રકારના સમાજનું નિર્માણ થાય એ પૂછવાની જરૂર રહે ખરી?
આમ પણ શિક્ષણસંસ્થાઓ કેટલી બિનશૈક્ષણિક પ્રવૃત્તિ કરે છે અને કેટલી શૈક્ષણિક એનીયે મોજણી કરવા જેવી. વિદ્યાર્થીઓને વાંચતા કરવાનું જે મહાઅભિયાન ઠેરઠેર ચલાવેલું એ સંદર્ભે આ તરફના એક શિક્ષકે ઝળહળ પ્રકાશ ફેંકેલો,‘પોયરાં કાંથી વાંચે? ગામડેથી આવે, બસ પકડવાની. તેમાં કોઈ ઉપરી કે પ્રધાન આવી લાગે તો બસોનાં ઠેકાણા નૈ. બધું હેઈસો-હેઈસો! મેં તો કીધું કે ચોપડી અગાડી જે પ્રસ્તાવના કેવાય તે વાંચી જવાની. તે વાંચી કાઢી એટલે ચોપડી હો વાંચેલી કેવાય!’
આ વાણી પાછી ગુરુજનની. બધાં અભિયાનો આમ જ ચલાવવા માટે આપણે સુખ્યાત છીએ. – તો ઓન ડ્યુટી મોબાઇલ વાપરનારા શિક્ષકો પર આવી છે તવાઈ. સરકારે હવે વ્યૂહરચના ઘડવી પડી છે. ચાલુ વર્ગે મોબાઇલનો ઉપયોગ થાય છે એમ ખબર પડે તો પહેલા ગુના માટે ઠપકો, અને સર્વિસ બુકમાં નોંધ બીજી વાર ગુનો થાય તો શિક્ષાત્મક કાર્યવાહી. શિક્ષકે મોબાઇલ વાપર્યો કે એ વોટ્સએપમાં પડ્યા એ શોધવા માટે વર્ગે વર્ગે વિદ્યાર્થી-જાસૂસ નિયુક્ત કરવા પડશે. એમાં કોઈ વિદ્યાર્થીને લાલચ આપી ચૂપ કરી દેશે તો? તંત્રમાં ભ્રષ્ટાચાર ક્યાં નથી?
સહાયક ઉપકરણોના વિઘાતક પરિબળોમાં ફેરવી નાખે એવી મહાજાદુગર છે પૃથ્વી પરની આપણી જમાત. બે વ્યક્તિઓ વાત કરતી દેખાય અને એમાંની એક જો એના મોબાઇલમાં અટવાઈ પડી હોય તો મહત્ત્વના મુદ્દાઓ, એસ.એમ.એસ. અને વોટ્સએપનાં રમખાણોમાં અટવાઈ જવાના. બસમાં ટ્રેનમાં મુસાફરી કરતા સિત્તરેથી વધુ ટકા લોકો મોબાઇલ, આઇપેડ કે લેપટોપને વળગેલા દેખાવાના. આ સઘળું એ હદે વિસ્ફોટક બની ગયું છે કે કશાક અસાધ્ય રોગનાં ભયાનક ચિહ્નો એમાં મોજૂદ છે એ સીધી સાદી હકીકત સુધ્ધાં કોઈને સ્વીકારવી નથી! આમ છતાં વોટ્સએપ તો નવું નવું અપલક્ષણ.
શિક્ષણક્ષેત્રની પડતીના અણસાર તો ખૂબ પાછળ ઘણાં વર્ષોથી ટકોરા દેતા હતા. શિક્ષણ આજીવિકાનું સાધન ખરું, પણ માત્ર એટલા પૂરતું સીમિત ન ગણાય. આ ક્ષેત્ર થોડાંક ઉદાત્ત અને અપ્રદૂષિત વ્યક્તિત્વો ઝંખે છે. આવાં જીવતાં જણ ગુણોત્સવોથી પેદા થતા નથી, એ તો નિષ્ઠા અને કામ માટેની અખૂટ લગનથી પેદા થાય છે. ગુણોત્સવની પાછળ માત્ર ભાવના નહીં, નક્કર શિક્ષકોનું પીઠબળ જોઈએ. AISEC (ઓલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટી) દ્વારા થતી ચર્ચાઓનો સૂર લગભગ એક જ હોય છે.
ધોરણ આઠ સુધી ભણેલા વિદ્યાર્થીઓ જો કોરી પાટી જેવાં રહેવાનાં હોય તો છેવટે ભણવું એટલે શું? અને ગુણોત્સવ દરમિયાન ચર્ચાયેલો વોટ્સએપનો પ્રશ્ન તો શહેરોનો. ગામડાઓમાં હજી લગી આ દૂષણ નથી પહોંચ્યું, ત્યાંયે ભણતર સાવ કાચું છે અને શિક્ષકોની સજ્જતા નહીંવત્ છે. સતત ઉપર ચડાવી દેવામાં આવેલાં વિદ્યાર્થીઓમાંથી જ આપણ ને નવાં શિક્ષકો મળે છે એ વાસ્તવિકતા કેમ નજરે નથી ચડતી? બધાં બળાપો કરે છે અને શિક્ષણ બાબતે ‘કંઈક કરો-કરો’ના પ્રાણપોકારો કરે છે, છતાં થતું કશું જ નથી. મૂલ્યાંકન વગર લગાતાર ઉપરના ધોરણમાં દાખલ થઈ જતા વિદ્યાર્થીને પોતે કેટલો અભણ રહી ગયો છે એનો અંદાજ આવતો નથી.
કાચો, નિસ્તેજ અને કેવળ નામનો જ શિક્ષક કહેવાય એવો મોટો સમુદાય નવી પેઢીને એવી જ અધકચરી ઢબે તૈયાર કરી રહ્યો છે. આટલી ભયાવહ દશા, ડરામણાં અને થથરાવી નાખનારાં પરિણામ ઘાણ કરીને, ઝળૂંબી રહી છે ત્યારે કંઈ આત્મવંચનાને જોરે, સત્તાનું વહન કરનારાં, ખુશખુશાલ ચહેરે સિદ્ધિઓની હવાઈ ગાથાઓ વર્ણવતાં ફરે છે એ સમજવા માટે આપણી બુદ્ધિ પૂરતી નથી. આજે તો તાતી જરૂર છે થોડાં માથાફરેલ મરજીવાઓની, વોટ્સએપમાં ભાનસાન ખોઈ બેઠેલાઓની નહીં. એવાં નિર્ભય બુલંદ વ્યક્તિત્વોની આપણને ગરજ છે જે સૂત્રો અને પ્રસારની પેલા પાર રહેલું સત્ય પારખી શકે, અને જેમને એ દેખાતું નથી એમને દેખાડી શકે, કાં ખભો થાબડીને, કાં પૂરેપૂરાં હલબલાવીને.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 14 અૉગસ્ટ 2015