શબ્દે શબ્દે સંતાતો માનવી
મર્મે મર્મે મરકતો માનવી
શબદ સંવેદના ઉછીની લઈ
લીલી લાગણી લજવતો માનવી
ગરજનું ખુદના ગજવે ભરવા
જ્ઞાન ગપાટા મારતો માનવી
નિજ આતમનો દીવો ઓલવી
પારકા પ્રકાશે પોરસાતો માનવી
ચાર દિવસની ચોપટ જિંદગીમાં
ચાર દીવાલોમાં ચૂંથાતો માનવી
દુ:ખના દાવાનળ વેઠતો માનવી
હરપળ જર્જરિત થતો માનવી
પાંચ પચીસમાં પૂછાતો માનવી
વખત આવ્યે વેચાતો માનવી
પરાભવ પામી પંડનાથી અંતે
ચાર કાંધોએ ઉંચકાતો માનવી …
સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com
![]()



ગોંડલના રાજા ભગવતસિંહજી પ્રજાવત્સલ રાજા કહેવાતા હતા. રાજ્યની સામાન્ય પ્રજા માટેની એમની લાગણી એમના પોતાના સંતાનો કરતાં પણ વિશેષ હતી. પ્રજાની નાની નાની મુશ્કેલીઓનું પણ રાજા ધ્યાન રાખતા હતા. સામાન્ય પ્રજાને ખોટી રીતે રંજાડનાર તેમની ખુદની પ્રજા હોય તો પણ તેઓ તેમને માફી આપવાના મતના નહોતા. એ માટે એમને જે કોઈ કાયદાકીય સજા થતી હોય એ આપવામાં તેઓ પાછી પાની કરતા ન હતા. રાજા ભગવતસિંહજીની પ્રજાવત્સલતા કેટલાક દૃષ્ટાંતો જોઈએ તો, પહેલાના સમયમાં ગોંડલ રાજ્ય હેઠળ આવતા ગામોમાં દર દોઢ બે માઈલને અંતરે બંધાવેલા થાકલા એ ગોંડલ રાજવી સર ભગવતસિંહજીના પ્રજાલક્ષી શાસનનો એક નાનકડો નમૂનો છે.
ગોંડલ નરેશ સર ભગવતસિંહજી મહારાજ એક વાર ઘોડા પર સવાર થઈ બહારગામ જઈ રહ્યા હતા. ભગવતસિંહજી એકલા જ જઈ રહ્યા હતા અને પહેરવેશ પણ સામાન્ય માણસ જેવો હતો એટલે કોઈને ખબર ના પડે કે આ ગોંડલ નરેશ છે. રસ્તામાં તેમણે એક ગ્રામીણ સ્ત્રીને નીરણનો ભારો નીચે રાખી વિસામો ખાતી બેઠેલી જોઈ. ઘોડેસવારને આવતા દીઠો એટલે એ સ્ત્રી હાથ ઊંચો કરી ઘોડેસવાર મહારાજાને ઊભા રાખ્યા. ભગવતસિંહજીએ ઘોડાને રોક્યો અને પુછ્યું, “બહેન, શું કામ છે”, સ્ત્રીએ કહ્યુ,”ભાઈ, આ નીરણનો ભારો મારા માથા પર ચડાવવામાં મને મદદ કરોને” મહારાજા ભગવતસિંહજીએ ઘોડા પરથી નીચે ઉતરી સામાન્ય માણસની જેમ નીરણનો ભારો સ્ત્રીના માથા પર ચડાવ્યો. જતા જતા સ્ત્રીએ કહ્યું, ”આપણા ભગાબાપુ જો થાકલા બનાવી આપે તો ભારો ચડાવવા માટે કોઈની મદદની જરૂર ન પડે” મહારાજાએ પોતાની ઓળખ આપ્યા વિના પુછ્યું, ”આ થાકલા એટલે શું” ગામડાની એ સ્ત્રી બોલી, “માણસની ઊંચાઈ જેટલા બે મોટા પથ્થર પર એક આડો પથ્થર મુકી તેના પર બાંધકામ કરી જે તૈયાર કરવામાં આવે એ થાકલો. વટેમાર્ગુ થાક ઉતારવા માથા પરનો ભારો ઉપરના આડા પથ્થર પર મૂકી થોડી વાર વિશ્રામ લઈ શકે અને વિશ્રામ કરી લે પછી એ ભારો માથા પર ચડાવવા માટે કોઈની મદદની જરૂર ન પડે. વટેમાર્ગુ પોતે જ ભારાને સીધો પોતાના માથા પર ચડાવી શકે.” માથે ભારો ચડાવી ભગવતસિંહજી વિદાય થયા. ભગવતસિંહજી પોતાનું કામ પતાવી ગોંડલ પરત ફર્યા એ પછી તરત જ રાજ્યના મુખ્ય ઈજનેરને મળવા બોલાવ્યો. ભગવતસિંહજીએ થાકલા બનાવવા વિશે વાત કહી ઈજનેરને સૂચના આપી કે રાજ્યના ગામોગામ રસ્તા પર દોઢેક માઈલના અંતરે આવા થાકલા ઊભા કરી દો જેથી મારા રાજ્યની કોઈ વ્યક્તિને ભારો ચડાવવા માટે કોઈની રાહ ન જોવી પડે અને કોઈના ઓસિયાળા થવું ના પડે. આ થાકલાનો ઉપયોગ માઈલ સ્ટોન તરીકે પણ કરો જેથી વટેમાર્ગુને ખબર પડે કે નજીકમાં આવેલ ગામ કેટલું દૂર છે.