ગરવું ગુજરાત રાજ્ય તેની અનેરી અને આગવી વિશેષતાઓ અને વૈવિધ્યતા માટે જાણીતું છે. ખાસ કરીને પરોણાગત માટે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતનો જોટો જડવો મુશ્કેલ છે. બપોરા કે વાળુ ટાણે કોઈ અતિથિ લાગલો જ આવી ચડે તો પહેલા અતિથિને જમાડીને પછી ઘરના જમે એ બળુકી અને ખમતીધર સોરઠ ધરાની અનોખી પરંપરા રહી છે. ઉપરાંત, પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને અલબેલી અસ્મિતા માટે ગુજરાતનું નામ ગર્વભેર લઈ શકાય. ગુજરાત રાજ્યની આવી અનેક વૈવિધ્યતા પૈકીની એક ગુજરાત રાજ્યમાં આવેલ ગરવાં ગામોના રસપ્રદ નામોમાં પણ રહેલી છે. કોઈને થશે કે ગામનાં નામોમાં તે વળી શું વૈવિધ્યતા હોતી હશે, પણ ગુજરાતમાં અનેક ગામોનાં નામ એવાં છે જે સાંભળીને હેરત પમાડે અને ગમ્મત તેમ જ રમૂજ પણ કરાવે. આજે વાત કરવી છે ગુજરાતનાં ગામોનાં જાત-ભાતનાં નામોની જે જ્ઞાન સાથે ગમ્મત કરાવે છે. ગુજરાત રાજ્યના આવા કેટલાંક ગામોનાં નામ પર ઉપરછલ્લી નજર કરીએ તો:
ઉંદર (દાહોદ), ડાળી (આણંદ, ખંભાત), બાંધણી (પેટલાદ, જિ. આણંદ) રોયલ (તળાજા), ઘેટી (પાલીતાણા), ચોક (પાલીતાણા), સરસ (ઓલપાડ), ઉન (બોડેલી), સગાઈ (રાજપીપળા), ધામા (તા. દસાડા), આયા (સુરેન્દ્રનગર), મેરા (ધાનેરા, બનાસકાંઠા), મંડળ (સોનગઢ, તાપી) દેડકા (પોશીના, સાબરકાંઠા), બેડ (જામનગર), તેરા (કચ્છ), મેરા (સુરેન્દ્રનગર), નોરતા (પાટણ), ઢાંઢા (સાબરકાંઠા), કૂકડી (સાબરકાંઠા), વાંક (સાબરકાંઠા), કોકમ (નર્મદા), મેથી (કરજણ), સુખડ (સાબરકાંઠા), ઘડી (સાબરકાંઠા), મઠ (અરવલ્લી), બાવળિયા (અરવલ્લી), માટલી (ખેડા), કીડી (મોરબી અને અરવલ્લી), કંકાવટી (સુરેન્દ્રનગર), ગુણગાન (મોરબી), ઓરી (નર્મદા), ખસ (રાણપુર, બોટાદ) …. આ યાદી ઘણી લાંબી થઈ શકે એમ છે.
ગુજરાત રાજ્યનાં ગામનાં કેટલાંક નામો પર નજર કરીએ તો એમાંનાં કેટલાંક નામો અત્યંત રસપ્રદ, રોચક અને મનોરંજક છે. ગુજરાતનાં ગામનાં નામોમાં અંગ્રેજી અને હિંદી ભાષાના શબ્દો પરથી બનતા ગામનાં નામોથી માંડી ગાણિતિક સંખ્યાઓ, વ્યક્તિના નામ, વ્યવસાય, સમુદાય, વિવિધ સ્વાદ, માનવ શરીરના અંગો, પ્રકૃતિના ઘટકો, અટકો, વૃક્ષ, વનસ્પતિ, ફૂલ, ફળ, શાકભાજી, કઠોળ, ખાદ્ય પદાર્થો, મસાલા, તેલ, ફરસાણ, ધાર્મિક સ્થાનોનાં નામ, મંદિર, મઠ, વારના નામ, ઘરેલું ઉપયોગની વસ્તુઓ, વસ્ત્રો અને આભૂષણો, અમુક રોજીંદી ક્રિયાઓ, રમૂજી શબ્દો વગેરે પરથી ગામનાં નામ પડ્યાં છે. તો આવો ગામોના એ રસપ્રદ અને રમૂજી નામોના ખજાનાનું દ્વાર ઉઘાડીએ!
બાર, ચોર્યાસી, સાઠ, ..…, આ શબ્દો પરથી તમને એમ થયું હશે કે અહીં ગણિતની કોઈ સંખ્યાઓને શબ્દોમાં લખી છે. હા, ગણિતની સંખ્યાઓ છે એ સાચું પણ તમને ખબર છે ગુજરાતમાં આ સંખ્યાનાં નામથી ગામ પણ આવેલાં છે, એ છે બાર, ચોર્યાસી, સાઠ.
તેરા, તેરી, મેરા, કુછ, ખટિયા, ખડા, બાલ, પાની, ઘડી, લીયા, કીયા, આલુ, ગાના …., આ શબ્દો કાને પડે ત્યારે એમ થાય કે હિન્દી ભાષાના શબ્દોનું અહીં શું કામ છે! પણ અહીં એ જાણવું ગમ્મતભર્યું રહેશે કે આ બધા હિન્દી શબ્દો પરથી ગુજરાતના ગામનાં નામ પડ્યાં છે.
બોડી, ડેલ, ટ્રેન્ટ, બેટ, રન, બેડ, રીબ, સર, બીડ, બીલ, કેનેડી, વિક્ટર, માય, ઓરા, કેસરોલ, હોલ, મોલ, કાઉ, લીમ્બ, …., આ બધા શબ્દો ભલે અંગ્રેજી ભાષાના હોય પણ એ જાણી લો કે આ અંગ્રેજી શબ્દો પરથી પણ ગુજરાતના ગામનાં નામ પડ્યાં છે. ગુજરાતના દેશી લાગતાં ગામડાનાં નામો આ અંગ્રેજી શબ્દો પરથી પડ્યાં છે. આમાં વળી અમુક નામો ક્રિકેટની રમત સાથે પણ સંકળાયેલ છે.
અતુલ, સચીન, દશરથ, મૂળચંદ, હર્ષદ, કેશવ, ગોવિંદા, જીવા, આશા, કેતકી, ગૌરી, રેવા, …., અહીં આ બધી વ્યક્તિને યાદ કરવાનો આપણો આશય એટલો જ છે કે આ બધા ગુજરાતનાં ગામનાં નામો પણ છે.
પીઠ, ગોઠણ, સાથળ, ખુંધ, ડોકી, મુંડી, ….., અહીં આપણે શરીરના અંગો ગણાવી રહ્યા નથી, પણ આ બધા ગુજરાતનાં ગામો છે જે શરીરના અંગો પરથી પડ્યાં છે. કોઈ એમ કહે કે મારે ગોઠણ સુધી જવું છે તો બોલવામાં કેવું વિચિત્ર લાગે!
દિપડા, ઘોડા, ઘોડી, વાઘણ, ઊંટડી, ઘેટી, હાથી, ગાય વાછરડા, પાડા, શિયાળ, ભૂંડણી, મોર, ટીટોડી, બાજ, પારેવા, કુકડા, દેડકા, દેડકી, કંસારી, ભમરી, એરું, વિંછી, કીડી, જળજીવડી, ….., પહેલી નજરે આ બધા ભલે પશુ-પક્ષી-જીવજંતુ અને જાનવરનાં નામ જણાતાં હોય પણ ગુજરાતમાં આ નામનાં ગામ પણ છે. બસમાં બેઠા હોઈએ અને કંડક્ટરને કહીએ કે ઘોડાની ટિકિટ આપો અને કંડક્ટર કહે કે ઘોડીના હોય એ નીચે ઉતરે તો કેવી રમૂજ થાય!
પહાડ, ખડક, તળેટી, ટેકરી, ડુંગર, ડુંગરા, આંબાજંગલ, વાડી, બાગ, ….., આ બધા શબ્દો સાંભળી રખે કોઈ એમ માનતા કે આપણે પ્રકૃતિની સહેલગાહે નીકળ્યા છીએ. આ તો શું કે આ બધા ગુજરાતનાં ગામનાં નામો છે એટલે અહીં આ પ્રાકૃતિક સ્થાનોને યાદ કરવા પડ્યા! કોઈ એમ કહે કે હું વાડીએ જઈ આવું તો એ કોઈ ગામે જતો હોઈ શકે છે. કોઈ કહે કે હું પહાડમાં રહું છું તો એ હકીકતે તો પહાડ નામના ગામે રહેતો હશે!
સોઢી, શાહુ, લાંબા, પંચાલ, સોની, ભુવા, ભાટિયા, બોરીચા, કંસારા, ડાભી, કોળી, ચાવડા, બારોટ, ખારવા, મતવા, સુમરા, રબારણ, રાજડા, ચીખલિયા, રાવલિયા, સાકરિયા, સૂતરિયા, બગડા, વાઘેલા, વિરાણી, પાડલિયા, મેંદપરા, ડોડિયા, રાવલ, ઢેબર, મેવાડા, ઘોડાદરા, …, અટક વિશે જાણકારી ધરાવે છે એમને ખ્યાલ આવી ગયો હશે કે આ બધી અટકો છે, પણ …પણ જરા થોભો, આ બધી અટકો પરથી ગુજરાતના નામ પણ પડ્યા છે. ડાભીભાઈ ‘લાંબા’ જાય કે ઢેબરભાઈ ‘બગડા’ જાય તો જાય એમાં આપણે શું! જવા દો ને એ એમના ગામે જતા હશે!
અમૃતવેલ, મોગરા, કેળ, આંબલી, આંબા, પીપળી, પીપળ, લીમડા, લીમડી, ખજૂરી, પીલુડી, બોરડી, આવળ, કરંજ, કરેણ, રાણ, વડ, કેવડા, કપાસિયા, એરંડી, નાળિયેરી, જાંબુ, ચીભડા, કારેલા, કારેલી, ભીંડી, ગુવાર, રીંગણી, કાંદા, કોઠા, ગુંદા, અરીઠા, ગુગળ, તુવેર ,….., આ બધાં નામો સાંભળી પર્યાવરણપ્રેમીઓ, પ્રકૃતિજીવીઓ અને ફળોના શોખીનોના મનના મોરલા નાચી ઉઠ્યા હશે, પણ આપણો આશય એમને રાજી કરવાનો નથી, આ બધા તો ગુજરાતનાં ગામનાં નામ છે એટલે આ શાબ્દિક લીલોતરી અહીં ઉગાડવી પડી!
ઢોંસા, ગાંઠિયા, લાડવા, ખારી, ખાખરા, ભાત, ભાખરી, ……, આ નામો સાંભળીને નાસ્તાના શોખીનો અને ખાખરા-ભાખરી જેવો સાદો ખોરાક ખાતા લોકોને એ ખાવાની લાલસા જાગે એ સ્વાભાવિક છે, પણ તમારી જીભને જરા ય લલચાવા દેશો નહિ, અહીં આ બધાનો ઉલ્લેખ કરવાનો હેતુ એ જ કે આ બધા ખાદ્યપદાર્થોનાં નામો ગુજરાતનાં ગામો પણ છે.
રાઈ, ધાણા, જીરા, તલ, મેથી, કોકમ, ….., રસોઈની વાત આવે એટલે આ નામોનો ઉલ્લેખ અચૂક આવે જ આવે. પણ અહીં આપણે રસોઈમાં વપરાતા મસાલા અને તેજાનાની વાત નથી કરી રહ્યા! આ બધાને એટલા માટે યાદ કરવા પડ્યા કે આ નામો પરથી ગુજરાતનાં ગામનાં નામ પણ છે.
ગોરસ, સિંધવ, સાકર, …., રોજીંદા વપરાશમાં લેવાતી અને સ્વાદે ખારી-મીઠી એવી આ વસ્તુઓના નામનો ઉપયોગ ગુજરાતના ગામનાં નામ પાડવા માટે કરવામાં આવ્યો છે.
બળિયાદેવ, દેવ, સૂરજ, મંદિર, મઠ, દેવદરબાર, ….., આ જુઓ. દેવ, દેવસ્થાન અને ધાર્મિક સ્થાનો પરથી પણ ગામનાં નામ પડ્યાં છે.
રવિ, …., કામ અને રોજીંદી પળોજણોમાંથી છૂટકારો અપાવતો રવિવાર એ આપણા સૌનો પ્રિય વાર છે પણ ગુજરાતમાં એક ગામ રવિ નામનું પણ છે! રવિવારે નવરા હોય એ લોકો રવિ ગામે જઈ શકે છે. આમાં રમૂજ થાય એવી બીજી વાત એ છે કે ‘નવરા’ પણ ગુજરાતમાં થઈને વહેતી નર્મદા નદીને કિનારે વસેલ એક ગામનું નામ છે.
અગાસી, માળ, મેડી, વચલી ભીંત, ખડકી, જાળી, કોટ, મોરી, કોટડી, નવેરા, …, ઘરનો ઉલ્લેખ થાય ત્યારે જ આ બધાં નામો યાદ આવે એવું નથી, ગુજરાતના ગામનાં નામો યાદ કરવા બેસો ત્યારે પણ આ નામોને તમારે યાદ કરવાં જ પડે! ખરાઈ કરવી હોય તો ગુજરાતનો નકશો જોઈ લેજો.
મોરલી, વાંસળી, નગારા, કરતાલ, …., આ બધાં સંગીત વાદ્યો ભલે રહ્યાં પણ આ સંગીત વાદ્યોનાં નામ પરથી પણ ગુજરાતનાં ગામના નામ પડ્યાં છે.
દોડ, વાંચ, ખોજ, ચોરી, બોલાવ, તગડી, ….., આ શબ્દો સાંભળીને એમ થાય કે આવા શબ્દો પરથી તો કંઈ ગામના નામ હોતાં હશે, પણ હા, ગુજરાતમાં આ બધાનાં નામ પરથી પણ ગામના નામ પડ્યાં છે.
કાતર, ગરણી, કડુ, પાટી, વાસણ, થાળી, પીંજરા, ઢોલિયા, ખાટલી, હુકા, પાટી, માલ, દાતરડી, ઘડુલી, ગાગર, ઘડા, દિવડા, લાઠી, …., આ બધાં નામો સાંભળતા ઘરની અંદરની ચીજવસ્તુઓનાં નામ લાગે, લાગે શું છે જ! પણ આ બધા ચીજવસ્તુઓનાં નામ ભલે રહ્યાં પણ આ બધાનો ઉપયોગ ગુજરાતનાં નામ પાડવાં માટે પણ કરવામાં આવ્યો છે.
બાંધણી, ચુંદડી, ચૂડી, બુટિયા, કડી, કુંડલ, …., આ બધાં વસ્ત્રો કે આભૂષણો ભલે રહ્યાં, પણ આ નામનાં ગામો પણ ગુજરાતની અંદર આવેલાં છે.
પાદર, ચોરા, કોટ, ….., આ બધા ગામના કોઈ વિશિષ્ટ સ્થાન કે ભાગો છે, પણ એ નામ પરથી ગામનાં નામ પણ ગુજરાતની અંદર છે, હોં કે!
ઢોલી, સોની, સઈ, …..,આમાં આપણે કંઈ નવું નથી લખ્યું. ગામ હોય ત્યાં ઢોલી પણ હોય, સોની પણ હોય ને સઈ પણ હોય. પણ જો આ બધા વ્યવસાય માત્ર ન રહેતા ગામના નામ પણ હોય એવું કહીએ તો એમાં કંઈ નવાઈ ન લાગવી જોઈએ કેમ કે ગુજરાતની અંદર ઢોલી, સોની ને સઈ નામનાં ગામ પણ આવેલાં છે.
માસા, ભોજાય, વીરા, સાળી, ….., આ બધા પારીવારિક સંબંધો ભલે રહ્યા પણ ગુજરાતમાં આ સંબંધોના નામ પરથી પણ ગામનાં નામ છે એ સહેજ અચરજ પમાડે એવું તો ખરું જ!
અજમેર, ઉદેપુર, જોધપુર, શ્રીનગર, ચંદીગઢ, અલીગઢ, રાયપુર, કોલ્હાપુર, ઈન્દોર, પુના, …., આ શહેરોનાં નામ વાંચીને કોઈ એમ કહેશે કે આ બધા તો ગુજરાતની બહાર આવેલા મોટા શહેરો છે. અરે ભાઈ, ગુજરાતની બહાર એ મોટા શહેરો ભલે રહ્યાં ગુજરાતમાં તો એ ગામડાં જ છે. તમે ઈશારો સમજી ગયા ને ! આ બધાં બીજા રાજ્યોમાં ભલે મોટા શહેરો ગણાતાં હોય, આપણે ત્યાં તો એટલે ગુજરાતની અંદર તો એ ગામડાં જ છે. વટભેર એમ કહેવું હોય તો કહી શકાય કે તમારે ત્યાં શહેરો એવા તો અમારે ત્યાં ગામડાં છે, ભાઈ!!!
બાંદરા, દાદર, વરલી, …., લે લે આ તો મંબી એટલે કે મુંબઈના પરાં કે નહીં!! હા, આ બધા મુંબઈનાં પરાં છે. પણ ગુજરાતમાં આ નામના ગામ પણ વસેલાં છે. તમારા પરા જેવા તો અમારા ગુજરાતના ગામ છે, મરાઠી માનુષ !!
પા, ડોન, કોયલા, નિશાના,….., આ બધી એક સમયની બોલીવૂડ મૂવીઝ છે, પણ પણ, અમિતાભ, શાહરૂખ અને જીતેન્દ્રની આ ફિલ્મો પરથી ગુજરાતમાં ગામનાં નામ પડ્યાં છે એ વાત જો કોઈને રમૂજ લાગતી હોય તો કૃપયા ગૂગલ કરી શકે છે.
પાંડુ, ઓરી,….., પહેલાના સમયમાં પાંડુ અને ઓરી જેવા રોગો પ્રચલિત હતા એ ખરું પણ એનો અર્થ એ નથી કે એ નામ પરથી ગામનાં નામ પણ પાડી દેવાં. ખેર, જે હોય તે. પાંડુ અને ઓરી નામનાં ગામ ગુજરાતમાં છે એ હકીકત છે.
ભે, પા,…., જેવા એકાક્ષરી શબ્દો પરથી પણ ગુજરાતના ગામનાં નામ પડ્યાં છે, એ તમારી જાણ માટે.
તેના, એના, જેથી, કેવા, મીઠા, ખારા, વીરા, ધાર, શિંગડા, ગોલા, દબાણ, ફંદા, પડઘા, જૂજ, ચઢાવ, ભૂલ, માલ, જહાજ, મોસમ, વસ્તી, કમી, ભાડા, ભારણ, ભેટ, મોડા, મોટપ, ચાંચ, ગાભા, સભા, સગાઈ, વીજળી, ડાબુ, ઠળિયા, ચોક, પાતળી, ભાંગડા, દિવેલ, ગુલાલ, ઘાણી, ચરખા, કાળી, ધોળી, વાલા, વાલી, ……, સામાન્ય રીતે રોજીંદી બોલચાલની ભાષામાં આપણે આ બધા શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ ગુજરાતમાં ગામના નામ આપવામાં બોલચાલની ભાષાના શબ્દોને પણ છોડવામાં નથી આવ્યા.
કરમનાદાજિયા, કરમદાદી, રૂપિયાપુરા, લાડુ ડામોરના વાંટા, એન્જિનપાડા, સાતબાબલા, પાંચખોબલા, સોનાવિટી, અક્કલઉતાર, ચુડેલ, વાણિયાગલી, ઢોંગીઆંબા, જોબનટેકરી, ભૂરાપાણી, ….., હવે આ પણ જોઈ લો … આ નામો વાંચીને કોઈના ચહેરા પરની લકીરો સહેજ વંકાય નહિ તો જ નવાઈ! કંડક્ટર પેસેન્જરને પૂછે કે ક્યાંની કાપું, અને પેસેન્જર કહે કે ‘કરમનાદાજિયા’ની કે ‘અક્કલઉતાર’ની તો કેવું રમૂજી લાગે નહીં!!!
એમાં ય વળી કેટલાંક ગામના નામ તો એવાં છે કે કાનો-માત્રામાં થોડોક ફેરફાર કરો અને બસ બની ગયું નવા ગામનું નામ!
આ જુઓ:
નામમાં સાધારણ ફેરફાર સાથે ગામના નામો : ભડ – ભડી, કાવા – કાવી, ડાભા – ડાભી, વાલા – વાલી, ત્રાલસા – ત્રાલસી, કારેલા – કારેલી, કોરા – કુરી, પટ – પાટ, પાંદડ – પાંદડી, ટોડા – ટોડી, દીવા – દીવી, લાલા – લાલુ, બાડા – બાડી, ચોપડા – ચોપડી, વાંકી – વાંકુ, ખડા – ખાડા, નાર – નારી, નવેરા – નેવરી, વાલા – વાલ….
છે ને ગુજરાતના આ ગામોના નામની અત્યંત રસપ્રદ ખાંખાખોળી!
સરગાસણ
e.mail: h79.hitesh@gmail.com