વિશ્વમાં, ખાસ કરીને ત્રીજા વિશ્વમાં, વિકાસનું સ્વરૂપ અને માળખું એવું જોવા મળે છે કે નિષ્ણાત ડિઝાઇન-નકશો બનાવે, સરકાર તેનો અમલ કરે, વહીવટી તંત્ર તેનું વ્યવસ્થાપન કરે, બળુકા તેનો લાભ લે અને ગરીબ, મહેનત કરનાર તેની કિંમત ચૂકવે. આ હકીકત ગયા સિત્તેર અથવા કહો કે બસો વર્ષની વાસ્તવિકતા રહી છે — પછી તે ખાણ હોય, કારખાનાં હોય કે નદી પર બાંધવામાં આવેલ બંધ હોય. ‘વિકાસ’ એ નિષ્ણાત-રાજકારણી-અધિકારી-સ્થાપિત હિતવાળાનું ફરજંદ હોવાથી, જાણે વિમાનમાંથી – પેરાશૂટમાંથી નીચે ઊતરતો હોય તેવો સંસ્થાનવાદી અભિગમ જોવા મળે છે. આ અભિગમનાં લક્ષણ નીચે મુજબનાં હોય છે :
(૧) વિકાસના પ્રોજેક્ટ માટે વધુ પડતી જમીન લોકો પાસેથી બળજબરીપૂર્વક લેવી.
(૨) જાહેર હિતની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા કરવી નહીં.
(૩) લાભ-ખર્ચનું કોઈ પારદર્શી મૂલ્યાંકન નહીં.
(૪) પર્યાવરણ પર થનારી અસરનું વિશ્લેષણ નહીં.
(૫) સામાજિક અસરનો વિચાર નહીં.
(૬) અસર પામનારા લોકો સાથે કોઈ સંવાદ નહીં અને જૂજ રોકડ વળતર.
પરિણામ સ્વરૂપે આદિવાસી, ખેડૂત, શ્રમિક, ગ્રામીણ વ્યક્તિએ શહેર તરફનો રસ્તો પકડવો પડે, રસ્તાની પડખે ભૂરા પ્લાસ્ટિકના છાપરા નીચે અથવા ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે અને પછી કહેવાતો ભણેલો વર્ગ એમને ગુનેગાર કે શહેર પરનો બોજ ગણે. આ અંગે સવાલ પૂછનારને ‘વિકાસવિરોધી’, ‘દેશવિરોધી’, ‘નક્સલ’નો બટ્ટો લગાડી દેવાય, ત્યાર પછી જવાબ આપવાની જરૂર રહેતી નથી. હકીકત એ છે કે જવાબ થોડા સમય માટે ટાળી શકાય, હંમેશ માટે નહીં. ‘ઉપદ્રવી’ના સવાલ, સ્વસ્થ મૂલ્યાંકન, તટસ્થ વ્યક્તિઓની સલાહ વહેલાં-મોડાં ગણકારવાં તો પડે જ છે.
આવા પ્રયત્નોના પરિણામ સ્વરૂપે જ આપણને દેશમાં માહિતી અધિકારનો કાયદો, રોજગાર બાંહેધરીનો કાયદો, આદિવાસીઓ માટે જમીન અધિકારનો કાયદો, જમીન સંપાદનનો ૨૦૧૩નો નવો કાયદો, અન્ન સુરક્ષાનો કાયદો વગેરે હાલનાં વર્ષોમાં પસાર કરવાની ફરજ પડી છે. પરંતુ કાયદાઓનો યોગ્ય અમલ થાય તે માટે જુદી લડત, ફરીથી લડત, સતત લડત લડવી પડે તે આપણી લોકશાહીની વિડંબના છે. કાયદાનો અમલ ન કરવો પડે, માત્ર દેખાડવાથી ચાલી જાય તેવો પ્રયત્ન સ્થાપિત હિતોનો હોય જ. પરંતુ કાયદો કાગળ પર આવે એટલે સિદ્ધાંત સ્વીકારવો પડે એ સ્પષ્ટ છે.

સરદાર સરોવર, નર્મદા બંધને 1980ના દાયકામાં ગુજરાતની જીવાદોરી તરીકે આગળ કરવામાં આવ્યો. કારણ કે નપાણિયા વિસ્તારને પીવાનું પાણી, દુકાળગ્રસ્ત વિસ્તારને પિયતના વાયદા જોરશોરથી કરવામાં આવ્યા હતા. નર્મદા બંધ બંધાતાં ગુજરાતના બધા પ્રશ્નો હલ થઈ જશે તેવું સ્વપ્ન રજૂ કરવામાં આવ્યું હતું. હવે બંધ, પાણી-પિયતને કોઈ યાદ નથી કરતું. આજે આ વિસ્તારમાં હવે પર્યટન, સી-પ્લેન, બોટિંગ, રીવર રાફ્ટિંગ, શૉપિંગ મૉલ, પ્રાણી સંગ્રહાલયની ઝાકમઝાળ છે. શહેરોમાં મૉલ ઓછા હોય તેમ નદી, પહાડ, જંગલની વચ્ચે મૉલ બનાવવાનો શો મતલબ છે? કે પછી પહાડ નીચે ને નદીકિનારે શૉપિંગનો નશો કંઈ જુદો હોય છે?
વાગડિયા, કેવડિયા, કોઠી, નવાગામ, લીમડી અને ગોરા — આ છ ગામની જમીન નર્મદા બંધ અને નહેર માટે 1962-63માં લેવાઈ. તેનું વળતર અપાયું પ્રતિ એકર રૂ. 50થી 250. પછી બંધનું સ્થાન બદલાયું, બંધ બંધાયો વડગામની ભૂમિમાં. પણ લીધેલી જમીન ખેડૂતોને પાછી શું કામ આપવી? એવો સરકારનો અભિગમ રહ્યો છે.
વાસ્તવિકતા એ છે કે વધુ પડતી જમીનનું સંપાદન થયું હતું. મોટા ભાગની સંપાદિત જમીન કોઈ દિવસ વપરાઈ નહીં. જે હેતુ માટે સંપાદન થયું હતું તે માટે વપરાઈ નથી, હેતુફેર કરવામાં આવ્યો. જમીનનો કબજો તેમની પાસે જ રહ્યો. જમીન સંપાદન કાયદો, 2013, મુજબ જો પાંચ વર્ષ માટે આ જમીન, જે હેતુથી સંપાદન કરી હોય તે માટે વપરાય નહીં તો તે સંપાદન ફોક થવું જોઈએ, જમીન તેના મૂળ માલિકને પરત થવી જોઈએ. પણ કોઈ કાયદાનો સામાન્ય લોકોને લાભ મળતો હોય તો તે કાયદો કેવી રીતે રહેવા દેવાય? દેશમાં ઠેકઠેકાણે ખેડૂતો-આદિવાસીઓ આ કાયદાનો સહારો લઈને પોતાની જમીન પાછી મેળવવાનો પ્રયત્ન કરવા મંડ્યા. વાત સુપ્રીમ કોર્ટમાં ગઈ.
કોર્ટે કાયદાનું અર્થઘટન કરવાને બદલે અર્થ જ જાણે બદલી નાખ્યો. તેને પરિણામે ખેડૂત અને રાજ્ય અથવા ઉદ્યોગગૃહ વચ્ચેના જમીનને લગતા વિવાદમાં લાભ બળુકા પક્ષ એટલે કે રાજ્ય અને ઉદ્યોગગૃહોને મળશે તેવો ચુકાદો આપ્યો. છ ગામની ગુજરાત હાઈકોર્ટની લડતમાં પણ લોકોની હાર થઈ. આજે હવે સરકાર કોરોના લૉક ડાઉન છતાં, ખરેખર તો લૉક ડાઉનનો લાભ લઈને લોકોની જમીનનો કબજો લેવા આ છ ગામમાં પોલીસ ઉતારી રહી છે. આ બધું શેના માટે? લૉક ડાઉન પૂરું થાય ત્યારે પર્યટક સી-પ્લેન, બોટિંગ, રીવેર રાફ્ટિંગ, શોપિંગ મોલ, પ્રાણી સંગ્રહાલય માટે આવશે ને?
આશ્ચર્ય એ વાતનું છે કે બીજાં અનેક મહત્ત્વનાં કામો બાજુ પર મૂકીને આ કોરોનાકાળમાં સરકારને પ્રવાસન માટેના પ્રોજેક્ટ માટે આદિવાસીઓની જમીન કબજે કરવાનું સૂઝે છે. આ બધું ‘જરૂરી સેવાઓ’ની નીચે આવે છે?
દરેક બાબતમાં બનતું હોય છે તેમ બધા નિયમો, કાયદાઓ ગરીબોને લાગુ પડે છે. બળુકા વર્ગ કે શાસનને જે કરવું હોય તેમાં કશું આડે આવતું નથી. કાયદો પણ તેમના હાથમાં છે અને સ્થળ પર પોલીસ દ્વારા જોહુકમી પણ તે ચલાવી શકે છે. આટલા વિપરીત સંજોગોમાં પણ લોકો લડી રહ્યા છે. કારણ કે જમીનો જ તેમની જીવાદોરી છે. અને તેમને ખાતરી છે કે ખેતી જ ‘આત્મનિર્ભરતા’ તરફ જવાનો સાચો માર્ગ છે, નહીં કે પ્રવાસન. વળી, કોરોનાએ પણ આ સુપેરે સમજાવી દીધું છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 મે 2020
![]()


એક આખી જમાત આ દેશમાં ઊભી થઈ, જેમણે પોતાના વ્યક્તિગત સ્વાર્થ, વ્યક્તિગત જીવનો બાજુ પર મૂકીને પોતાનું જીવન સંપૂર્ણપણે સમાજને સમર્પિત કરી દીધું. લખન મુસાફિર – પ્રેમથી જેમને આપણે લખનભાઈ તરીકે ઓળખીએ છીએ તે આ જ જમાતના એક વીરલા છે. કારણ કે તેમણે માળખાંને તોડ્યાં છે. આવા લોકોને દુનિયા પાગલ પણ ગણે છે. તેમને નથી પૈસા કમાવામાં રસ, નથી પોતાનું ‘કરિયર’ બનાવવામાં કે ન પોતાની ‘પ્રોફાઈલ’ વધારવામાં. તેમને રસ છે એક સારી વ્યક્તિ બનવામાં, સમાજ કેવી રીતે વધુ સ્વસ્થ અને ન્યાયી બને તેમાં.