બહુમતીથી થતાં કાર્યોમાં ન્યાય હોય જ એ જરૂરી નથી. એવી જાતનું રાજ્ય કેમ ન થઈ શકે જ્યાં ઘણા માણસો કહે તેનો અમલ થવાને બદલે સાચું હોય તેનો જ અમલ થાય? સત્ય મહત્ત્વનું છે, કાયદો નહીં. હું એમ નથી કહેતો કે જ્યાં જ્યાં ખોટું થતું હોય તેને દૂર કરવાને દરેક માણસ બંધાયેલો છે : પણ હું એમ ચોક્કસ કહું કે તે પોતે ખોટામાં ભાગ ન લેવાને તો બંધાયેલો છે જ
— હેનરી ડેવિડ થૉરો

હેનરી ડેવિડ થૉરો
‘જો સરકારનું માળખું એવી જાતનું હોય કે તમારે અન્યાય કરવા અથવા સહેવા મજબૂર બનવું પડતું હોય, તો હું કહું છું કે એવો કાયદો તોડો.’ એણે એ કહ્યું જ નહીં, કર્યું પણ ખરું. સરકારે યુદ્ધવેરો નાખ્યો તે ન ભર્યો અને જેલમાં ગયો. મળવા આવેલા મિત્રે પૂછ્યું, ‘તું જેલમાં કેમ છે?’ ત્યારે તેણે કહ્યું, ‘તું જેલની બહાર કેમ છે?’
મળવા ગયેલા મિત્ર તે રાલ્ફ વાલ્ડો ઈમર્સન અને જેલમાં પુરાયેલા હતા તે હેન્રી ડૅવિડ થૉરો. ઓગણીસમી સદીના અમેરિકાની વિખ્યાત બૌદ્ધિક, વિચારક, ફિલોસોફર, અગ્રણી ટ્રાન્સડેન્ટાલિસ્ટ અને સર્જક એવી આ બન્ને વિશ્વપ્રસિદ્ધ હસ્તીઓ પૈકી થૉરોના જન્મદિન નિમિત્તે એમને સ્મરીએ.
થોરોનો જન્મ 1817માં, મહાત્મા ગાંધીનો 1869માં. મહાત્મા ગાંધીને સવિનય કાનૂનભંગનો વિચાર થોરો પાસેથી મળ્યો હતો. સવિનય કાનૂનભંગ એટલે અનૈતિક કાયદાનો વિનયપૂર્વક ભંગ. સત્યાગ્રહ શબ્દ પહેલવહેલો વાપર્યાના વર્ષે એટલે કે 1906માં થૉરોના બહુચર્ચિત પુસ્તક ‘વૉલ્ડન’થી ગાંધીજી તેમનાં લખાણોના પરિચયમાં આવ્યા. એ પછીના વર્ષે થૉરોના લેખ ‘સિવિલ ડિસઓબિડિયન્સ’નો અનુવાદ કરી એમને ‘ઈંડિયન ઓપિનિયન’માં છાપ્યો. એની પુસ્તિકાઓ બહાર પાડી અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ દરમ્યાન તેનો બરાબર ઉપયોગ કર્યો. પશ્ચિમના મૂડીવાદની ટીકા કરતા થૉરોના ‘લાઈફ વિધાઉટ પ્રિન્સિપલ’ લેખથી પણ ગાંધીજી પ્રભાવિત થયા હતા. ગાંધી આશ્રમમાં થૉરો નિયમિત વંચાતો અને ચર્ચાતો.
થૉરો જ્યાંનો વતની હતો તે અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યની સરકાર ગુલામીપ્રથાની ટેકેદાર હતી. તેણે મેક્સિકો સામે જે નીતિથી યુદ્ધ જાહેર કર્યું તે થૉરોને ન્યાયની વિરુદ્ધ લાગ્યું એથી એણે યુદ્ધવેરો આપવાનો અને એમ કરીને સરકારની અન્યાયી નીતિમાં ભાગીદાર બનવાનો ઈનકાર કર્યો. પરિણામે તેને જેલ જવું પડ્યું. જેલમાં તેના મનમાં જે વિચારો આવ્યા તેનું પરિણામ તે પાછળથી ‘સિવિલ ડિસઓબિડિયન્સ’ નામે જાણીતો થયેલો ‘રેઝિસ્ટન્સ ટુ સિવિલ ગવર્ન્મેન્ટ’ નામનો લેખ. તેની પાછળની પ્રેરણા 1819માં લખાયેલું શેલીનું ‘ધ માસ્ક ઑફ એનાર્કી’ હતું, જેમાં તેણે એ વખતના અન્યાયી શાસનનો ચહેરો ખુલ્લો પાડ્યો હતો.
છૂટ્યા પછી તેણે નાગરિકોનાં કર્તવ્યો અને અધિકારો પર વ્યાખ્યાનો આપ્યાં. ઇતિહાસ કહે છે કે અમેરિકામાં ગુલામી બંધ થવાના મુખ્ય કારણોમાંનું એક એ થૉરોનું જેલ જવું અને જેલમાંથી નીકળ્યા બાદ આ લેખનું પ્રગટ થવું એ હતું. આ લેખમાં થોરોએ કહ્યું છે કે ‘હું ચોક્કસપણે માનું છું કે લોકો પર રાજ્યસત્તાનો અંકુશ જેટલો ઓછો હોય તે સારું. આદર્શ સ્થિતિ તો રાજ્યસત્તામાંથી સંપૂર્ણપણે મુક્તિની છે, પણ હાલ તુરત તો હું એ નહીં, સારો કારભાર માગું છું, જે માગવાની દરેક માણસની ફરજ છે.’
વિશ્વમાં આજે બહુમતીવાદ ખૂબ વકર્યો છે ત્યારે થૉરોના શબ્દો યાદ આવે, ‘બહુમતીથી થતાં કાર્યોમાં ન્યાય હોય જ એ જરૂરી નથી. એવી જાતનું રાજ્ય કેમ ન થઈ શકે જ્યાં ઘણા માણસો કહે તેનો અમલ થવાને બદલે સાચું હોય તેનો જ અમલ થાય? સત્ય મહત્ત્વનું છે, કાયદો નહીં. હું એમ નથી કહેતો કે જ્યાં જ્યાં ખોટું થતું હોય તેને દૂર કરવાને દરેક માણસ બંધાયેલો છે : પણ હું એમ ચોક્કસ કહું કે તે પોતે ખોટામાં ભાગ ન લેવાને તો બંધાયેલો છે જ.’
ટૉલ્સટૉય, માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર અને જહોન કેનેડી પણ થોરોથી પ્રભાવિત હતા. થોરો માત્ર 44 વર્ષ જીવ્યા. આટલા ટૂંકા જીવનકાળમાં પોતાના વિચારો અને લેખનથી તેઓ વિશ્વના જ્ઞાનજગતમાં તેજલિસોટા સમા પુરવાર થયા અને શાશ્વત એવો પ્રભાવ ઊભો કરી શક્યા. ‘સિવિલ ડિસઓબિડિયન્સ’ ઉપરાંત એમની સૌથી વધુ જાણીતી કૃતિ છે ‘વૉલ્ડન’. થૉરોએ ખૂબ લખ્યું છે. ઘણુંખરું મરણોપરાંત પ્રગટ થયું છે અને 20 બૃહદ્દ ગ્રંથોમાં સમાવાયું છે.
મેસેચ્યુસેટ્સના કૉન્કૉર્ડમાં, ફ્રેન્ચ મૂળના એક પરિવારમાં થોરોનો જન્મ. થોરો હાર્વર્ડમાં ભણ્યા; પણ ચર્ચ, લૉ, મેડિસિન કે બિઝનેસ જેવા પ્રચલિત વ્યવસાયોએ એમને આકર્ષ્યા નહીં. ગ્રેજ્યુએટ થયા પછી ભાઈ જૉન સાથે એમણે કૉન્કૉર્ડ એકેડમી ખોલી જેમાં પ્રકૃતિ સાથે નિકટતા અને સ્થાનિક વ્યવસાયોને ઓળખવા એવા વિષયો સામેલ હતા.
આ ગાળામાં એક મિત્ર દ્વારા થોરોની ઓળખાણ રાલ્ફ વાલ્ડો ઈમર્સન સાથે થઈ. ઈમર્સન થોરોથી 14 વર્ષ મોટા હતા. એમણે થોરોમાં ખૂબ રસ લીધો, ત્યારના મોટા લેખકો-ચિંતકો સાથે થોરોની ઓળખાણ કરાવી. એમના કહેવાથી જ થોરોએ ‘ધ ડાયલ’ નામના ત્રિમાસિકમાં નિયમિત લખવા માંડ્યું.
થૉરો હંમેશાં પ્રકૃતિ અને માનવીના સંબંધ વિશે વિચારતા. તેમને ટ્રાન્સડેન્ટાલિઝમમાં ખૂબ રસ પડ્યો. ટ્રાન્સડેન્ટાલિઝમ, 1820-30માં ન્યૂ ઇંગ્લેન્ડમાં બુદ્ધિવાદની સામે રજૂ થયેલી વિચારણા હતી, જેના પાયામાં માનવીમાં મૂળભૂત રૂપે રહેલી સારપ અને પ્રકૃતિના શુભતત્ત્વો પરની શ્રદ્ધા હતી. ઈમર્સન, ફૂલર અને ઍલ્કોટ તેના પ્રણેતા હતા. તેઓ માનતા કે લોકો આત્મનિર્ભર હોય ત્યારે જ માણસ તેના શ્રેષ્ઠ રૂપમાં હોય છે.
થૉરોએ સાદું જીવન અપનાવ્યું. વૉલ્ડન તળાવ પાસે ઈમર્સને વૃક્ષાચ્છાદિત ભૂમિ ખરીદી હતી. 1845માં થૉરો ત્યાં ગયા ને એક કુટિર બાંધીને રહ્યા. વૉલ્ડન તળાવ કોન્કોર્ડ ગામથી દોઢબે કિલોમીટરના અંતરે દસથી બાર હજાર વર્ષ પહેલા હિમનદીનું વહેણ ખસવાથી રચાયું છે. ત્યાં રહેવાનો તેમનો ઉદ્દેશ જીવનમાં સાદગી લાવવાનો, ખર્ચ ઘટાડી દેવાનો અને લેખનપ્રવૃત્તિ તેમ જ પ્રકૃતિનિરીક્ષણમાં સમયનો સદુપયોગ કરવાનો હતો.
વૉલ્ડનનિવાસ દરમ્યાન તેઓ સવાર લેખન અને સ્વાધ્યાયમાં ગાળતા; બપોર પછી કૉન્કૉર્ડનાં જંગલો ને ખેતરોમાં ફરતા અને નદી-સરોવરોમાં નાવ હંકારતા. ‘વૉલ્ડન’માં તેણે લખ્યું છે, ‘હું જંગલમાં રહેવા ગયો કેમ કે મારે હેતુપૂર્ણ જીવન જોઈતું હતું. પ્રકૃતિ શીખવે એ મારે શીખવું હતું. મરું ત્યારે જીવ્યો નહીં એવો અફસોસ મને જોઈતો નથી. મારે ઊંડાણપૂર્વક જીવવું છે ને તેનો અર્ક ચાખવો છે.’ વૉલ્ડન સરોવરના કિનારે તેઓ બે વર્ષ રહ્યા. તેમણે બનાવેલી કુટિર હજી પણ ત્યાં છે. ત્યાં થોરોની પ્રતિમા છે અને લોકો એ સ્થળ જોવા ખાસ જાય છે.
1854માં વૉલ્ડનના અનુભવો અને આંતરશોધને વર્ણવતું પુસ્તક ‘વૉલ્ડન, લાઈફ ઈન અ વૂડ્ઝ’ પ્રગટ થયું, જે અત્યારે પણ આપણને પ્રેરણા આપે એવું છે. થૉરો પર ભારતીય તત્ત્વજ્ઞાનની અસર હતી. ‘વૉલ્ડન’માં એના દેખીતા ઉલ્લેખો પણ છે. ઈશ્વર દુનિયાથી જુદો છે એવી પશ્ચિમી કલ્પના કરતાં સર્વ જડચેતનમાં ઈશ્વરનો વાસ હોવાની પૂર્વની થિયરી થોરોને ખૂબ ગમતી. એક જગ્યાએ તેણે વૉલ્ડનના સ્વચ્છ જળરાશિને ગંગાના પાવન પ્રવાહ સાથે સરખાવ્યો છે. ઋતુઓમાં તેને ખૂબ રસ હતો. થૉરોની દ્વિશતાબ્દી નિમિત્તે જર્મન ભાષામાં એક પુસ્તક લખાયું, જેના લેખક ડાઈટર શુલ્ઝે કહ્યું કે થોરોના વિચારો આજે પ્રસ્તુત છે એટલા ક્યારે ય નહોતા.
35માં વર્ષે તેને ટી.બી. થયો. ખૂબ હેરાન થતા. રાતોની રાતો સૂઈ ન શકતા. બહાર નીકળી રસ્તાઓ પર ફરતા. એક વાર આ રીતે ફરતાં તેઓ વરસાદમાં ભીંજાઈ ગયા અને બ્રોંકાઈટિસ થયું. એમાંથી એ ઊઠ્યા નહીં. પથારીવશ સ્થિતિમાં લાંબો ગાળો ગયો. એનો બીમારી અને ભાવિ મૃત્યુ પ્રત્યેનો સ્વીકૃતિભાવ જોઈ સૌ નવાઈ પામતાં.
છેલ્લા દિવસોમાં એની લુઈઝાઆન્ટીએ પૂછ્યું, ‘ઈશ્વર સાથે શાંત ભાવમાં છો ને?’ થૉરોએ હસીને કહ્યું, ‘અમારી વચ્ચે ઝઘડો ક્યારે હતો?’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 જુલાઈ 2025