૮૪મી વરસગાંઠ પર ગુજરાતી પત્રકારત્વના પિતામહ કાન્તિ ભટ્ટને એ ચિંતા છે કે તેમના ગયા પછી ૬૬ લાખ રૂપિયાના તેમના વિશાળ પુસ્તક-કલેક્શનનું શું થશે
કાન્તિ ભટ્ટનો પહેલો લેખ અખબારમાં છપાયેલો સાત વર્ષની ઉંમરે અને આજે ૮૪ વર્ષની ઉંમરે પણ તેઓ લગાતાર લખ્યે રાખે છે.
આટલાં વષોર્માં એક હજાર પુસ્તકો થઈ શકે એટલા લેખો લખી ચૂકેલા પ્રખર પત્રકાર, લેખક અને ચિંતક કાન્તિકાકાએ લેખોની ચોક્કસ ગણતરી નથી રાખી; પણ તેમનું કહેવું છે કે આશરે ૩૫થી ૪૦ હજાર લેખો લખ્યા હશે. આજે ૮૪ વર્ષે પણ તેઓ ગુજરાતના એક અખબારમાં ડેઇલી કૉલમ અને ‘મિડ-ડે’માં અઠવાડિક કૉલમ લખે છે. એક અર્થસભર, માહિતીસભર અને ચિંતનપ્રેરક લેખ લખવા માટે કેટલું ઊંડું ચિંતન, વાંચન અને મનન જોઈએ? તો કાન્તિકાકા કહે છે, ‘હું આખો દિવસ વાંચું છું. દુનિયાભરનું વાંચું છું. વિદેશોમાંથી પબ્લિશ થતાં ‘ધ ઇન્ડિપેન્ડન્ટ’, ‘ડેઇલી મેઇલ’, ‘ધ ટાઇમ્સ’, ‘ધ ટેલિગ્રાફ’, ‘ધ ગાર્ડિયન’, ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’ એમ જગતભરનાં ન્યુઝપેપર્સ વાંચું. ભારતીય વાચકોએ જાણવા જેવી માહિતી તારવી લઉં. એમાં કેટલા કલાકો જતા રહે એનું મને ભાન જ ન રહે.’
ઊઠીને કોગળો કરીને પહેલું કામ હાથમાં પેન પકડવાનું કરતા કાન્તિકાકાને લખવાનું વ્યસન છે. આ બીજું કોઈ નહીં, તેઓ પોતે કહે છે. લખવાનું તેમને માની કૂખમાંથી મળ્યું છે એવું માનતા કાન્તિભાઈ કહે છે, ‘સાડાસાતે ઊઠીને સૌથી પહેલું કામ હું ડેઇલી કૉલમ લખવાનું કરું. સવારે દસ વાગ્યે માણસ કૉલમ લેવા આવે ત્યારે એ તૈયાર જ હોય. લખવું એ મારું પૅશન છે. જે દિવસે મારે કંઈ જ લખવાનું ન હોય એવી સવારની કલ્પના પણ હું નથી કરી શકતો. મેં એટલું લખ્યું છે એટલું લખ્યું છે કે ન પૂછો વાત. બેભાન થઈ જાઉં ત્યાં સુધી લખ્યું છે. હજીયે ક્યારેક બેભાન થઈ જાઉં છું, પણ લખવાનું હું કદી છોડી નહીં શકું.’
લેખક તરીકે ખૂબ બહોળું વાંચન ધરાવતા કાન્તિકાકાએ પુસ્તકો અને મૅગેઝિનો વસાવવામાં કદી પૈસા પાછળ જોયું નથી. બોરીવલીના વિશાળ ઘરમાં તેમની વિશાળ લાઇબ્રેરી જોઈએ તો અલભ્ય પુસ્તકોનું અધધધ કલેક્શન જોઈને દંગ રહી જવાય. કાકા ઘણી વાર કહેતા હોય છે કે હું તો માત્ર ૧૦૦ સ્ક્વેર ફૂટના ઘરમાં રહું છું, બાકીના એક હજાર સ્ક્વેર ફૂટમાં તો મારાં પ્રાણ પ્યારાં પુસ્તકો છે. કાન્તિભાઈ કહે છે, ‘મારા ઘરમાં લગભગ ૬૬ લાખ રૂપિયાનાં પુસ્તકો છે. એમાંથી વીસ લાખ રૂપિયાનાં પુસ્તકો મને ભેટમાં મળ્યાં છે. મને જોઈતાં પુસ્તકો ગમે એટલાં મોંઘાં હોય તો પણ એ લાવી આપનારા મિત્રો મળી રહે છે. ડૉ. પંકજ નરમ, જયેશ સોની જેવા કેટલાક મિત્રો મને જોઈએ એ પુસ્તકો લાવી આપે છે.’
આ ઉંમરે આટલું બધું કામ કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે એવો સવાલ કાન્તિકાકાને પૂછો તો તેઓ કહે છે, ‘હું લખું છું અને રોજ સવારના અખબારમાં મારો લેખ છપાય છે એ મારા જીવવાની પ્રેરણા છે. જે દિવસે હું છાપામાં મારી કૉલમ નહીં જોઉં એ દિવસે મારા પર વીજળી પડશે અને હું આ દુનિયામાં નહીં હોઉં. હા, એ મારી નબળાઈ છે. મને સમજાય છે કે એવું ન હોવું જોઈએ, પણ હવે મેં સ્વીકારી લીધું છે કે કાન્તિ ત્યાં સુધી જ જીવશે જ્યાં સુધી એમાંનો લેખક જીવિત હશે.’
ભવિષ્ય વિશેની વાત કરતી વખતે આખાબોલા કાન્તિકાકાના સ્વરમાં થોડીક નરમાશ અને ઉદ્વિગ્નતા આવી જાય છે. એ છતાં પૂરી નિખાલસતા સાથે તેઓ કહે છે, ‘મને ચિંતા એ થાય છે કે હું મરી જાઉં એ પછી મારાં પુસ્તકો અને લેખોનું શું થશે? અત્યાર સુધીમાં ૬૬ પુસ્તકો બન્યાં છે, પણ હજી હજાર પુસ્તકો બની શકે એટલા લેખો છે. એનું સંકલન કરીને એને સાચવી રાખે એવું કોણ? એક વાત તો નક્કી છે કે મારા મર્યા પછી પણ હું મારો ફ્લૅટ વેચવા નહીં દઉં. એમાં મારાં પુસ્તકો અને મારી સ્મૃિત જળવાઈ રહેશે.’
સૌજન્ય : ‘ખાસ-બાત’, “ગુજરાતી મિડ-ડે”, 15 જુલાઈ 2015
http://www.gujaratimidday.com/features/khaas-baat/gujarati-writer-kanti-bhatt