તે મારો ખાસ ભાઈબંધ …
થોડો લઘરવઘર …
કદાચ દિવસો સુધી નહાતો પણ નહીં હોય …
ક્લાસમાં પડખે બેઠો હોય,
વાસ આવે …
નાકમાંથી લીંટ … હોઠ સુધી આવે …
બાંયથી સાફ કરે …
છતાં …
મારો ખૂબ પ્રિય …!
ભણવામાં ક્યાં ય હોશિયાર …
ગણિતમાં મદદ કરે …!
એક દી’ સ્કૂલેથી છૂટ્યા પછી
મેં તેને ઘરે બોલાવ્યો … ઘર સુધી તો આવ્યો …
પણ અંદર ના આવ્યો …
કદાચ મારો આગ્રહ …?
લોટામાં પાણી ભરીને હું આવ્યો,
બહાર વૈશાખ ધગધગી રહ્યો’તો …
લોટો આપવા ગયો
તો કહે,
‘ઊંચેથી પિવડાવ, અભડાઈ જઈશ તું …’
ને …
તે દી’થી વિચારું છું,
કે …
હું ક્યારે અભડાયો …?
વરસોથી હું તેને શોધી રહ્યો છું,
જો તે મળે,
તો મારે તેને અડવું છે,
અભડાવું છે …!
ઘુમા-બોપલ, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2019; પૃ. 14