કોઈએ વાઇરસને જોયો હોય તો
જરીક આ બાજુ મોકલજો ને,
કેમ કે આ વાઇરસ કરતાં ય ખતરનાક છે
આ ખાડો પુરવાની લ્હાય,
તારે તો ધક્કે ચઢીને ય
ભક્તો તને સોને મઢે,
અને મારી પાસે તો
વેતરું કરાવીને પણ
ચપ્પણિયા મંગાવે,
કોઈ બટકું રોટલો આપો
કાં તો પેટમાં ચપ્પુ ઘાલો
એમ સમજીશું કે
સાલું એ બહાને
પેટમાં કંઈક તો ગયું.
અમે તો ગોમના છેવાડાવાળા
પરબના લાડવાની ભૂખવાળા
આજે તારા બુસ્ટર પૅકેજની
રાહ જોઈને થાકી ગયા છીએ,
એટલે જ કહું છું કે
કોઈ વાઇરસને કહેજો કે
આ બાજુ ડોકાચિયું કરે …
(કોરોનામાં ભૂખમરાથી પીડાતા લોકોને સમર્પિત)
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 ઍપ્રિલ 2020