ચાવીરૂપ અને પારિભાષિક સંજ્ઞાઓ વિશે સુજ્ઞ જનો અવારનવાર પ્રશ્નો ઊઠાવતા હોય છે. એ બહુ જ જરૂરી છે.
એ વિશે મેં 'મારી વિદ્યાયાત્રા'-માં પૂછ્યું છે કે – ચાવીરૂપ અને પારિભાષિક સંજ્ઞાઓ વિશે આપણો સંદર્ભ શું કહે છે. એ વિશે મેં મારાં પાંચ નિરીક્ષણો રજૂ કર્યાં છે, દરેકને અંગે એક એક પ્રશ્ન પૂછ્યો છે, અને આઠ નિરાશાઓ રજૂ કરી છે. એ આખું લખાણ નીચે મુજબ છે :
૧ – નર્મદે જોડણી ઉપરાન્ત પરિભાષા રચવાનો નોંધપાત્ર પુરુષાર્થ કરેલો. એ પુરુષાર્થ આજની તારીખે ચાલુ છે. એટલે કે, આ બાબતે આપણે અભાન નથી. પ્રશ્ન : તેમ છતાં, આ બાબતે કશો સહિયારો, બહુસમ્મત અને નિત્યવર્ધમાન કોઈ પ્રોજેક્ટ આપણે ત્યાં કેમ નથી?
૨ – તેમ છતાં, નર્મદના એ પુરુષાર્થમાં જરૂરી વિજ્ઞાનીયતાનો અભાવ છે. પ્રશ્ન : એ અભાવ વિશે પ્રેમપૂર્વકનો કશો વિમર્શ-પરામર્શ કેમ નથી? છેક સુધારક અને પણ્ડિત યુગ-થી આપણે ત્યાં, નહીં જાણનારા વધુ અને જાણકારો વિરલ એવું વ્યસ્ત પ્રમાણ છે. એ વિરલોમાં અંદર અંદરની લટિયાંખૅંચ એક કાયમી લક્ષણ છે. ટૂંકમાં, આપણો સંદર્ભ પોતે જ અ-વિજ્ઞાનીય સ્વરૂપનો છે. એ ખાટલે મોટી ખોટને કેવી રીતે નિવારી શકાય?
૩ – ચાવી રૂપ કે પારિભાષિક સંજ્ઞાઓને વિશેનો પુરુષાર્થ તેનાં ઉત્તમ દૃષ્ટાન્તોમાં પણ જેટલો સર્જકતા-સ્મૃતિથી લિપ્ત છે, ઘણી વાર તો આત્મલક્ષી છે, તેટલો વસ્તુલક્ષીતાથી સંરચિત નથી. પ્રશ્ન : આ હકીકતનાં જરૂરી લેખાંજોખાં અને તેની સાધક-બાધક ચર્ચાઓ કેમ નથી?
૪ – એટલે એમ ભાસે છે કે પેલા sclerosisનો ભય અથવા પરિવર્તનનો અતિશયિત પ્રતિકાર, બદલાવું જ નથી એવી હઠ, એમાં લેશ માત્ર રહેતી નથી. પ્રશ્ન : જો એમ છે, તો તેવા સ્થિતસ્યને કેટલું સમર્થનીય કે આવકાર્ય-સ્વીકાર્ય ગણી શકાય?
૫ – સરવાળે, ક્ષેત્ર યોગ્ય ધણીધોરી વિનાનું અનાથ દીસે છે. પ્રશ્ન : એ અનાથતાના વિદારણને સારુ સાહિત્યસંસ્થાઓને અને યુનિવર્સિટીઓને જવાબદાર ગણી શકાય કે કેમ? બીજી રીતે એમ પૂછાય કે આ કામને વૈયક્તિક ધોરણે કેટલુંક નભાવી શકાય એમ છે?

Pic courtesy : Learning Together
મને આઠ પ્રકારે બધું નિરાશાજનક લાગે છે :
૧ – આપણે ત્યાં જોડણી અને લિપ્યન્તરણને વિશે એકવાક્યતા નથી એ જુદી ચર્ચાનો વિષય છે. પણ એની જેમ જ પારિભાષિક સંજ્ઞાઓ વિશે પણ નિર્વિવાદ બહુસમ્મતિ નથી. દાખલા તરીકે, ‘પોસ્ટમૉડર્ન-ને ‘અનુઆધુનિક’ અને ‘આધુનિકોત્તર’ – બન્ને કહેવાય છે. અંગ્રજી ‘મૉડર્ન’ માટે ‘અર્વાચીન’ અને ‘આધુનિક’ – બન્ને વપરાય છે.
૨ – મોટા ભાગનાઓનું કામ પરિભાષા વિના ચાલી જાય છે. જેમ કે, ઘણા આવું આવું વારંવાર બોલે છે – મજા પડે એવું છે. ભાષાકર્મ સરસ છે. રસપ્રદ છે. અનુભવની તાકાત તો જુઓ. વગેરે.
૩ – જેઓ પ્રયોજે છે તેમાંના કેટલાક, જરૂરત વિના, પ્રદર્શનાર્થે, પ્રયોજે છે. જેમ કે, આપણે ત્યાં ફૉર્મ-નો મહિમા સ્વીકારાયા પછી અને સંરચનાવાદ-ની વાત થયા પછી, મેં અનેક લોકોને ‘ફૉર્મ' અને ‘સંરચના’ શબ્દ કશા કારણ વગર અથવા વગર સમજ્યે બોલતા સાંભળ્યા છે.
૪ – સંજ્ઞાઓ જાણકારીથી વપરાતી હોય તો સારું જ છે. પણ, તો જ સારું છે. ક્યારેક એનો વપરાશ ટેવવશ કે ફૅશનવશ વરતાય છે. જેમ કે, કાવ્યચર્ચાના લગભગ બધા પ્રસંગોમાં, ‘કલ્પન અને પ્રતીકનો વિનિયોગ’ – એ શબ્દગુચ્છ લગભગ એક નિયમ તરીકે સાંભળવા મળે છે.
૫ – પરિભાષા કે ચાવીથી જે ખૂલે તેને પામવા માટે અને સ્વીકારીને આગળ ચાલવા માટે જે ઍકેડેમિક ડીઝાયર, શિષ્યવૃત્તિ, જોઈએ તેની ઠીક ઠીક અછત પ્રવર્તે છે. દાખલા તરીકે, મુનિ ભરતે આપેલા રસસૂત્ર-માં છેલ્લે આવતો ‘રસનિષ્પત્તિ’ શબ્દ. એનો અર્થ પામવાને માટે ‘રસઉત્પત્તિ’, ‘રસઅનુમિતિ’, ‘રસભુક્તિ’, ‘રસઅભિવ્યંજના’ જેવા સંકેતોથી પ્રગટેલા ચર્ચાવૈભવને જાણવો રહે. લોલ્લટ, શંકુક, નાયક અને અભિનવગુપ્તે કરેલા એના પરામર્શમાં જવું પડે. જોવાશે કે, મોટા ભાગનાઓ સૂંઠને ગાંગડે ગાંધી થઈ ગયા છે અને આજકાલ કમનસીબે એ જ વલણ સ્થિર થવા લાગ્યું છે.
૬ – સંજ્ઞા જેમાંથી જન્મી હોય તે પૂર્વસંદર્ભમાં જવાની, એટલે કે જે-તે વ્યાપક સિદ્ધાન્તમાં પરોવાવાની તૈયારી ખાસ નથી જણાતી. કોઈને તેવી જરૂરિયાત પણ ભાગ્યે જ વરતાતી હોય છે. જેમ કે ‘રસ’-નો છેવટનો સમ્બન્ધ જાણવા જઈએ તો ‘ધ્વનિ’-વિચાર પાસે જવું રહે. અને એમ પણ જાણવું રહે કે રસ તેમ જ ધ્વનિ-વિચાર સાહિત્યકલાના અનુભવમૂલક વિમર્શ-પરામર્શનો સંવિભાગ છે – જેમ, અલંકાર અને વક્રોક્તિ-વિચાર સાહિત્યકલાના ભાષાપરક વિમર્શ-પરામર્શનો સંવિભાગ છે.
૭ – સંજ્ઞાઓ અનેક સ્થળે યોગ્ય રીતે પણ પ્રયોજાઈ હોય છે, તેમ છતાં, એથી ભડકવાનું વલણ જોવા મળે છે – આ તો અંગ્રેજી છે, પરદેશી છે, સંસ્કૃત છે, અઘરું છે, શી જરૂર વગેરે ઢાલો ધરાતી હોય છે. એટલે કે, નાસીપાસીનું વલણ જોવા મળે છે. આટલા વિવેચકોને બાજુએ મૂકો, કેમ કે તેઓ પોતાની વાત સંજ્ઞાઓમાં કરે છે વગેરે. કહેવાતા અનુ-આધુનિક યુગમાં આવાં બધાં વલણો પાછળનું શિથિલ અને સુસ્ત માનસ કોઈને વાંધાજનક નથી લાગતું, બલકે, નભી જાય છે, એટલું જ નહીં, એ માનસની જ તરફદારી કરનારા મોરચા મંડાય છે. અને ત્યારે, સંભવ છે કે મનોદશા ઘણીબધી ‘ફન્ડામૅન્ટાલિસ્ટિક’ હોય.
૮ – પારિભાષિક કે ચાવીરૂપ સંજ્ઞાઓને વિશેની લાપરવાહી કે એને વિશેનું અ-મન આપણે ત્યાં અકારણ નથી. એનાં મૂળ વિવેચનને વિશેની આપણી સૂગમાં રહેલાં છે. આપણા સાહિત્યિક વિશેષોમાં વિવેચન વિશેની સૂગનું આગળ પડતું સ્થાન છે. કોઈ પણ વ્યક્તિને, આ તો વિવેચક છે – કહીને ઉતારી પાડનારાઓની આપણે ત્યાં ખોટ નથી. કેટલાકોએ તો, – મારું કામ નહીં, હું તો યાર, સર્જક, એવી ડિંગ મારવા માટે જ એ પૅંતરો કર્યો હોય છે. સાહિત્યકારોની સર્જકતા પહેલી, પણ પછી એઓ વિવેચનાને કારણે નામાંકિત થયા હોય એવા દાખલા આપણે ત્યાં ઘણા છે. મારી ૫૬થી પણ વધુ વર્ષની કારકિર્દી દરમ્યાન એ નામાંકિતોને મેં વિવેચકોને ગાળો આપતા જોયા છે, વિવેચનાને ભાંડતા જોયા છે. કોઈ કોઈ એમાનાં હાલ વિવેચન-જેવું લખી-કરીને જાણ્યે-અજાણ્યે કદાચ પ્રાયશ્ચિત કરી રહ્યા છે.
પણ હકીકત એ છે કે એ ગલીચ માનસકિતાથી લિપ્ત સૂગ ફરતીફરતી વિવેચનાના આ પરિભાષા નામના ઉપકરણ-સમવાયને વિશે પણ જામેલી છે. અને તેથી વિવેચન અને અધ્યયન-અધ્યાપનમાં કશો ભલીવાર આવવાના દિવસો દૂર-ના-દૂર વરતાય છે.
મને એવું લાગે છે કે આ અષ્ટરૂપા નિરાશામાંથી બહાર નહીં અવાય, ઉક્ત પાંચ નિરીક્ષણો સાથે જોડાયેલા પ્રશ્નોના ઉત્તર નહીં મેળવાય, તો મારું ધારવું છે કે ગુજરાતી સાહિત્યવારતામાં વિજ્ઞાનીયતાનું કશું ચિહ્ન બચશે જ નહીં. અને મને નથી ગમતું છતાં કહેવા દો કે સરવાળે સાહિત્યપરક શાસ્ત્રીયતા પણ નામશેષ થઈ જશે. અને મને બિલકુલ નથી ગમતું છતાં કહેવા દો કે સાહિત્યિક સૌન્દર્ય પણ ચિહ્નિત થયા વિના આપોઆપ ભૂલું પડી જશે …
= = =
(March 27, 2022: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


સોશ્યલ મીડિઆ, તેની પાછળ બેઠેલું ઇન્ટરનેટ અને તેની પણ પાછળ બેઠેલી ટૅક્નોલૉજિએ સંક્રમણને વિશ્વવ્યાપી બનાવી દીધું છે. માનવસંસ્કૃતિના ઇતિહાસમાં એને અનેકગણી અપૂર્વ ઘટના ગણવી જોઈશે.
હાઇડેગરના દર્શનનો પ્રારમ્ભ ઍરિસ્ટોટલના એમણે કરેલા અધ્યયનથી થાય છે. ’ધ મૅટાફિઝિક્સ’-માં ઍરિસ્ટોટલે એક આગ્રહ વ્યક્ત કર્યો છે. કહે છે, એ તત્ત્વને જાણવું જરૂરી છે જે હોવાપણાની, એટલે કે સત અથવા બીઇન્ગની, શક્ય બધી જ અવસ્થાઓને જોડી આપતું હોય. એ તત્ત્વને ‘is-ness’ કહ્યું છે.