કાવ્યાર્થ –
રાજશેખરે કરેલું કાવ્યાર્થનું નિરૂપણ નૉંધપાત્ર છે.

સુમન શાહ
રાજશેખર આચાર્યોનો મત દર્શાવે છે કે વિવિધ કવિઓની વિવિધ શક્તિમતિને કારણે સેવ્યમાન અર્થો તો નિ:સીમ છે, પાર વગરના; જો કે એઓએ અર્થોને બે વિભાગમાં વ્હૅંચી નાખ્યા છે : વિચારિત-સુસ્થ અને અવિચારિત-રમણીય.
એક અર્થ એવો હોય છે જે વિચારવાથી સ્થિર થતો હોય છે. એ વિશે જેટલો વધુ વિચાર કરો એટલી વધુ નવીનતા સંભવે. એ અર્થ વિશે તર્કવિતર્કભર્યું ચિન્તન કરી શકાય. વિચારિત-સુસ્થ અર્થ દર્શનોમાં અને શાસ્ત્રોમાં સવિશેષે જોવા મળે છે.
પરન્તુ એક અર્થ એવો હોય છે જે વગર વિચાર્યે રમણીય દીસે છે. એ અવિચારિત-રમણીય અર્થ કાવ્યોમાં હોય છે. એનું શ્રવણ કરવાથી અને એને સમજી લેવાથી ચમત્કૃતિ ઉત્પન્ન થાય છે. એને વિશે ક્ષોદક્ષેમ અથવા તર્ક-વિતર્ક ભલે કરીએ, કશું હાથ નહીં આવે.
ઉદ્ભટ્ટ આદિ કાવ્યાચાર્યો એવો સાર રજૂ કરે છે કે શાસ્ત્રોમાં વર્ણિત અર્થ વિચારિત-સુસ્થ છે અને કાવ્યોમાં, સાહિત્યમાં, સરજાયેલો અર્થ અવિચારિત-રમણીય છે, જેને આપાત-રમણીય પણ કહેવાય છે.
એ પાયાનો ભેદ છે. એને સમજવા માટેનું એક ઉદાહરણ આ પ્રમાણે છે :
હનુમાનજી સમુદ્રનું ઉલ્લંઘન કરવા માટે પોતાની કાન્તિથી આકાશને પીળું કરતા કરતા આકાશના નીલા રંગથી નીલ કમલની શોભા ધારણ કરીને ઊડ્યા.

આકાશના નીલ ગુણનો ત્યાગ છે અને હનુમાનજીના પીત ગુણનો સ્વીકાર છે, તેથી અહીં તદ્ગુણ અલંકાર છે. આ શ્લોકનો અર્થ સમજવાથી અને પરસ્પર રંગ બદલાય તેની કલ્પના કરવાથી આનન્દ અને આકર્ષણ અવશ્ય અનુભવાય છે; પરન્તુ, આકાશ વાસ્તવમાં રૂપરહિત છે, નીરૂપ છે, ન તો એને પોતાનો રંગ છે, ન તો એ બીજા રંગને ગ્રહી શકે છે. વિચાર કરવાથી આ અર્થ સ્થિર નથી થતો, અને તેથી, એ અવિચારિત-રમણીય છે, વિચારિત-સુસ્થ નથી.
આકાશ નીલ થઈ ગયું એ વાતે મને સાર્ત્ર યાદ આવે છે. એમણે કાવ્યસર્જનમાં ઇર્રીયાલાઇઝિન્ગ પ્રિન્સિપલ જોયો છે – અવાસ્તવીકરણનો સિદ્ધાન્ત. જે કંઈ વાસ્તવિક હોય તેને કાવ્યકલા સામાન્યપણે અવાસ્તવમાં રૂપાયિત કરી નાખે છે. (જુઓ મારું પુસ્તક, “સાર્ત્રનો સાહિત્યવિચાર”, ૧૯૮૦, ૨૦૦૭, પાર્શ્વ).
રાજશેખર કહે છે કે સારસ્વત-માર્ગ એટલે, કાવ્યસર્જનની પ્રણાલિકા. (મને તો એ જ જીવન જીવવાનો માર્ગ લાગે છે). કહે છે, એના પ્રથમ પ્રવર્તક “રામાયણ”-ના રચયિતા પ્રાચીન મુનિ વાલ્મીકિ અને “મહાભારત”-ના રચયિતા મહર્ષિ વ્યાસ છે. સારસ્વત માર્ગ અનિન્દનીય છે, વળી, કોના માટે વન્દનીય નથી? સૌ માટે આદરણીય છે. તેમ છતાં, કેટલાક લોકો કાવ્યમાં, સાહિત્યમાં, અશ્લીલ અર્થ હોવાની ફરિયાદ કરતા હોય છે, અસભ્ય ચીજો તરફ અંગુલિનિર્દેશ કરે છે, અને જણાવે છે કે એ કાવ્યોને હેય ગણવાં જોઈએ, ન ગ્રહવાં જોઈએ.
અશ્લીલનું એક ઉદાહરણ આપીને મુદ્દો સમજાવ્યો છે : ઉદાહરણ છે, વિપરીત-સુરત રતિ નું વર્ણન.
વિપરીત રતિ-ક્રિયાને કારણે થતો કનક કાંચીનો કમનીય કલકલ નાદ પતિઓ ઉપરની તરુણ રમણીઓની પ્રગલ્ભતા-ધૃષ્ટતાનો પરિચય આપે છે. અર્થાત્, રતિ-સમયમાં કામાવેશથી ઉન્મત્ત પ્રમદાઓ પતિઓની ઉપર આવી ગઈ હોય છે, તેથી એમના કટિ સંચાલનથી એમની કમરે બાંધેલા સોનાના કંદોરાની નાની ઘુઘરીઓ રણકે છે, જાંઘના સંચાલનથી જનમેલી એ રણઝણ શયાનાગારની બારીઓ બહાર પ્રસરે છે અને નીરવ આકાશમાં ચોતરફ સંભળાય છે.
વિપરીત રતિનું આ વર્ણન અશ્લીલવાદીઓને અત્યન્ત અશ્લીલ લાગે તે સમજાય એવું છે. તેઓ એને અસભ્ય કાવ્યાર્થનું દૃષ્ટાન્ત ગણે અને તેને તેઓ હેય ગણે તે પણ સમજાય એવું છે.
પરન્તુ યાયાવરીય રાજશેખરનો મત જાણવા જેવો છે. તેઓ દર્શાવે છે કે –
સર્જનમાં પ્રસંગ આવ્યે આવાં વર્ણન કરવાં પડતાં હોય છે અને તેથી તે ઉચિત છે. કહે છે, આવા અશ્લીલ અર્થોના ઉલ્લેખ શાસ્ત્રો અને વેદોમાં પણ છે.
ઉદાહરણાર્થે, યજુર્વેદમાં આ વર્ણન –
યોનિ-રૂપી ખરલ અને શિશ્ન-રૂપી બત્તો, એ બે શબ્દથી રચાતું નામ છે, મિથુન. મિથુનથી પ્રજનન સંભવે છે.
ઉદાહરણાર્થે, ઋગ્વેદમાં આ વર્ણન –
બૃહસ્પતિની દીકરી રોમશાએ મૈથુન માટે પતિને આહ્વાન કર્યું. ત્યારે એનાં લઘુ અને રોમરહિત અંગો જોઈને પતિ હસી પડ્યો. ત્યારે રોમશાએ એને કહ્યું : હે સ્વામિન્ ! મારી નિકટ આવી મને આલિંગો, એટલે કે મને ભોગ-યોગ્ય સમજો; મારા શરીરનાં રોમને નાનાં ન સમજો, હું સમ્પૂર્ણ શરીરે રોમશા છું, રોમવાળી પૂર્ણાંગી છું. (પછી એ ઉમેરે છે), હું એવી રોમશા છું, જેવી ગાંધાર દેશની ઘેટીઓ હોય છે.
(અહીં, ભાવાર્થ એ છે કે) ‘અજાત-લોમા સ્ત્રીનો સમ્પર્ક ન કરો’ એવી શાસ્ત્રીય આજ્ઞાથી ડરો નહીં, સ્વામિન્ ! હું સર્વાંગે રોમવાળી છું, ભોગ-યોગ્ય છું.
શાસ્ત્રોમાં અશ્લીલ અર્થનું ઉદાહરણ –
જે સ્ત્રીનાં નેત્ર સ્વચ્છ, ધવલ અને લાંબી પલકોવાળાં હોય છે, એનું સ્મર-મન્દિર એટલે કે એની યોનિ, પ્રજનનેન્દ્રિય, હમણાં જ કાઢેલા માખણ જેવી લિસ્સી અને કોમળ હોય છે.
તાત્પર્ય એ કે પ્રસંગવશ અને આવશ્યકતાવશ આવાં વર્ણન વેદો અને શાસ્ત્રોમાં તેમ જ કાવ્યોમાં મળે છે, તેથી તેને હેય ન ગણવાં.
પાલ્યકીર્તિ નામના જૈન આચાર્ય કહે છે કે વસ્તુનું રૂપ ભલે ને ગમે તેવું હોય, કાવ્યમાં, સર્જનમાં, સરસતાનો આધાર કવિની પ્રકૃતિ છે. કવિની પ્રકૃતિ સરસ હશે તો રચનાને સરસ કરી દેશે. પ્રકૃતિ રુક્ષ – લુખ્ખી – અને નીરસ હશે, તો રચના પણ એવી જ થશે. અનુરક્ત વ્યક્તિ જે વસ્તુની સ્તુતિ કરે તે જ વસ્તુની વિરક્ત વ્યક્તિ નિન્દા કરે ! જો કે મધ્યસ્થ વ્યક્તિ એ પરત્વે ઉદાસીન રહે છે.
ઉદાસીન આવું બોલતો હોય છે –
જે પુરુષોની લાંઆંબી રાત્રિઓ પ્રિયતમા સાથે ક્ષણ પછી ક્ષણની જેમ ક્ષીણ થતી રહે છે, એને માટે ચન્દ્રમા અત્યન્ત શીતળ વસ્તુ છે. પણ જે વિરહી છે એના માટે ચન્દ્રમા બળતા અંગારાની જેમ સન્તાપકારી છે. (એ બોલતો હોય છે), મારે નથી પ્રિયતમા કે નથી મને વિયોગ ! એટલે, એ જ ચન્દ્રમા મારી સામે કાચના ટુકડાની જેમ શોભી રહ્યો છે. એ નથી તો ઉષ્ણ કે નથી શીતળ; એ નથી તો સુખદ, નથી તો દુ:ખદ !
રસપ્રદ માહિતી એ છે કે આ યાયાવરીય રાજશેખરને પત્ની હતી, એ ગૃહિણીનું નામ હતું, અવન્તિસુન્દરી. એ પણ કાવ્યશાસ્ત્રમાં રસ લેતી હશે એટલે કહે છે કે કોઈપણ વસ્તુનું સ્વરૂપ નિશ્ચિત નથી, દરેક વસ્તુ સ્વભાવે અ-નિયત હોય છે. એટલે કે, ન તો એમાં ગુણ હોય છે, ન તો દોષ. સગુણ કે નિર્ગુણ તો કુશળ કવિના ઉક્તિવિશેષનું પરિણામ હોય છે. કાવ્યસંસારમાં કોઈપણ વસ્તુનો સ્વભાવ નિયત નથી હોતો.
અવન્તિસુન્દરીનું વચન સાંભળીને મને આપણા જમાનાના ફિલસૂફ દેરિદાનું મન્તવ્ય યાદ આવ્યું. તેઓએ દર્શાવ્યું છે કે ભાષા તફાવતોની બનેલી છે અને સતત બદલાતી રહે છે. તેથી દરેક વસ્તુપદાર્થ અસ્થાયી અને સંદિગ્ધ રહે છે. એ વાસ્તવિકતા છે.
પાલ્યકીર્તિ અને અવન્તિસુન્દરી બન્નેના મતને રાજશેખર ‘ઠીક’ ગણે છે, યુક્તિસંગત હોવાથી ગ્રાહ્ય ગણે છે.
= = =
(05 / 08 / 23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


રાજશેખર મનુષ્ય-વ્યક્તિની પ્રતિભાના બે પ્રકાર દર્શાવે છે : કારયિત્રી પ્રતિભા અને ભાવયિત્રી પ્રતિભા. કારયિત્રી કવિને ઉપકારક નીવડે છે, ભાવયિત્રી ભાવકને. કારયિત્રી પ્રતિભાની સત્તાએ સર્જનનું કાર્ય સમ્પન્ન થાય છે. ભાવયિત્રી પ્રતિભાની સત્તાએ ભાવનનું કાર્ય સમ્પન્ન થાય છે.
