
સુમન શાહ
આ અગાઉના ત્રણ લેખો દેરિદા અને એમની ફિલસૂફીના પ્રાથમિક પરિચય માટે હતા. એટલે ગાડી તો તૈયાર થઈ ગઈ ગણાય, પણ ઘોડો? હું કહું કે એક નહીં પણ સાત ઘોડા અથવા અશ્વ છે અને એ સાતેયને પરિચયની ગાડી સાથે જોડવાનો અહીં એક પ્રયાસ છે.
દેરિદાના બાલ્ટિમોર-વ્યાખ્યાનનું શીર્ષક હતું : Structure, Sign, and Play in the Discourse of the Human Sciences. સંરચના, સંજ્ઞા અને તત્ત્વોની લીલાના અનુલક્ષમાં વિકસેલું એ વ્યાખ્યાન દેરિદાના Writing and Difference ગ્રન્થમાં લેખ રૂપે સંઘરાયું છે.
વ્યાખ્યાનમાં દેરિદાએ પોતાની વિકાસશીલ ફિલસૂફી સાથે મૂળભૂતપણે સંકળાયેલા મુદ્દાઓને મહત્ત્વ આપ્યું છે : એ મુદ્દાઓને હું મને યોગ્ય લાગેલા ક્રમમાં મૂકું છું :
૧ : bricolage – યદ્વાતદ્વા–નો ભાવ સૂચવતું રૂપક :
Claude Lévi-Strauss (1908-2009) નૃવંશવિજ્ઞાની અને સંરચનાવાદી વિચારક હતા. કોઈ વિચારવિમર્શ પદ્ધતિપૂર્વક ન થતો હોય અને આડેધડ ચાલતો હોય, એ મુદ્દો વર્ણવવા એમના The Savage Mind ગ્રન્થમાં એમણે engineer – ઇજનેર – અને bricoleur – કારીગર – નું રૂપક આપ્યું છે. ઇજનેર હેતુ પાર પાડવા પદ્ધતિપૂર્વક કામ કરતો હોય છે, કારીગર જે હાથ ચડે તે વડે, યદ્વાતદ્વા, કામ નીપટતાવતો હોય છે. દેરિદાએ લૅવિ-સ્ટ્રૌસના સંરચનાવાદને પડકાર્યો છે પરન્તુ એમના આ bricolage રૂપકનો વિનિયોગ કરીને એ મતલબનું કહ્યું છે કે મૂળાધાર – origin – વિનાનું ચિન્તન પણ યદ્વાતદ્વા હોય છે, ત્યારે પણ વિચારવિમર્શ સ્વૈરાચાર હોય છે. કારીગરની જેમ આપણે આપણને વારસામાં મળેલાં ભાષા અને વિચારનાં ઓજારોથી કામ ચલાવી લઈએ છીએ. બધો વખત વળી વળીને આયોજનો ને અર્થઘટનો કર્યા જ કરીએ છીએ, ઊંધું ઘાલીને મંડ્યા જ રહીએ છીએ, એ વિશે નવેસર નથી વિચારતા. દેરિદાનું આ મન્તવ્ય એમના વિઘટન-વિચારની એક વ્યાપક પૂર્વભૂમિકા હોઈ શકે છે.
વ્યાખ્યાનમાં રજૂ થયેલા અન્ય મુદ્દા : ૨ : center અથવા કેન્દ્રની સમીક્ષા : ૩ : metaphysics of presence – અર્થનો સાક્ષાત્કાર સૂચવતી અધિભૌતિકવિદ્યા અન્તર્ગત ઉપસ્થિતિ-વિભાવના : ૪ : play – સંરચનાનાં તત્ત્વો વચ્ચે સંભવતી લીલા : ૫ : structurality of structure – સંરચનાનું સંરચનાત્વ : ૬ : event of decentering – વિકેન્દ્રીકરણ એક ઘટના : ૭ : binary oppositions – વિરોધી દ્વૈતો.
આ સાત મુદ્દા સરવાળે દર્શાવે છે કે પશ્ચિમની અધિભૌતિકવિદ્યાની ભૂમિકાએ વિકસેલા જ્ઞાનવિષયક ખયાલો ચર્ચાસ્પદ છે અને તેની કડક પરીક્ષા થવી જોઈએ. આ સાત મુદ્દાથી વિઘટનશીલ ફિલસૂફીનો પાયો રચાયો છે. હું એને સાત ઘોડા અથવા અશ્વ કહું છું અને પ્રાથમિક પરિચયની પેલી ગાડી સાથે જોડું છું.
હું વીગતે વાત માંડું એ પહેલાં ફિલસૂફીની ચુસ્ત શાસ્ત્રીયતાને ‘બ્રૅકેટ’માં રાખું જેથી સંલગ્ન કોઈપણ બાબતનો અર્થ ઉપરાન્ત મર્મ પકડાય સૂઝકો પડે ને માણસ બોલે કે હા સમજણ પડી.
કલ્પના કરો કે એક દીર્ઘ વિસ્તાર છે. એમાં એક જગ્યા છે. જગ્યામાં અનેક સંરચનાઓ છે. હવે, સમજો કે એ જગ્યા એટલે જીવન. એ સંરચનાઓ તે ભાષા સંસ્કૃતિ સમાજ કેળવણી સામ્યવાદ મૂડીવાદ લોકશાહી વગેરે વગેરે. સંરચનાઓ જીવન આસપાસ છે અને જીવન સાથે જોડાયેલી છે અથવા જીવન આસપાસ સંરચનાઓ છે અને સંરચનાઓ સાથે જીવન જોડાયેલું છે.
પ્રશ્ન એ થાય કે સંરચના તે શું. સર્વસામાન્ય ઉત્તર એ કે સંરચના એટલે એક રચના એક તન્ત્ર પદ્ધતિ વ્યવસ્થા સંઘટ્ટન. બીજો પ્રશ્ન થાય કે કોઈપણ સંરચનાની ઓળખ માટે અનિવાર્ય શું. એ કે સંરચનામાં બધી વસ્તુઓ સુ-આયોજિત હોય, ચૉક્કસ સ્થાને ચૉક્કસ રીતે ગોઠવાયેલી હોય. એ કે સંરચનાના બધાં તત્ત્વો – elements – અથવા એકમો અથવા ભાગો એકબીજા પર આધારિત હોય અને એકબીજા સાથે જોડાયેલા હોય એટલું જ નહીં તેમની વચ્ચે પોતપોતાના વિશેષો અને તફાવતોનું આદાન-પ્રદાન અથવા લીલા સંભવતી હોય. એ કે સંરચનામાં ધારાધોરણ હોય નિયમો હોય અને બધા ભાગો એથી નિયન્ત્રિત હોય. એ કે સંરચના આટલેથી આટલી એમ એનું વ્યાખ્યાન અને સીમાંકન થયું હોય. સમજાશે કે સંરચના સ્વનિયન્ત્રત સ્વાયત્ત હસ્તી હોય છે.
૨ : center અથવા કેન્દ્રની સમીક્ષા.
સંરચનાઓના પરમ્પરાગત ખયાલમાં માન્યતા હતી કે તેની સ્થિરતા અને તેના અર્થનો આધારસ્રોત કેન્દ્ર છે. એ કેન્દ્ર એટલે સંરચનાનો કલ્પી લીધેલો કોઈ ચાલક-નિયામક. માન્યતા હતી કે સંરચનાને કેન્દ્ર નિયન્ત્રણમાં રાખે છે એ કારણે એનું હોવું જરૂરી છે. વાત ગૂંચવાય છે – સંરચના સ્વનિયન્ત્રિત હોય છે તો પછી ચાલક-નિયામક કેન્દ્રની શી જરૂર? દેરિદાની રીતે આ ગૂંચથી tension થાય છે.

જાક્સ દેરિદા
એ કેન્દ્રને દેરિદા transcendental signified કહે છે. એ છે અન્તિમ કે પરમ અર્થ સૂચવતો સંકેત. પહેલાં તો એનું સંરચનાના કેન્દ્ર રૂપે સ્થાપન કરવામાં આવે છે અને ત્યારબાદ માનવામાં આવે છે કે સંરચનાને એ જ ચલાવશે તેમ જ નિયન્ત્રણમાં રાખશે. એટલું જ નહીં, સંરચનાના બાકી બધા અર્થોનું સમર્થન પણ કરશે. પરન્તુ દેરિદા કહેશે કે હકીકત જુદી છે: એ પરમ સંકેતાર્થ સંરચનાનો ભાગ નથી બલકે એ ઐહિક અથવા દુન્યવી – worldly – પણ નથી. એમ કહેવાય છે કે વિદ્વાનોને એમાં ઈશ્વર સત્ય કે પ્રગતિનાં દર્શન થયાં છે. મને એ બૅકેટના Waiting for Godot-નો ગોદો લાગ્યો છે. જો કે દેરિદા એમની લાક્ષણિક ઢબે દર્શાવે છે કે એ તો શાશ્વત અને અપરિવર્તનીય અર્થ માટેનો માનુષ્યિક મનોરથ છે.
તો મુશ્કેલી શું છે? મુશ્કેલી એ છે કે સંરચનાઓ એ પરમ સંકેતાર્થની નિશ્રામાં જ કાર્યરત થઈ શકે અને સંરચનાને મળેલો અર્થ એની રાહબરી હેઠળ મળ્યો એટલે ‘સાચો’ મળ્યો, વગેરે બધું જે માની લેવાયું છે તે એક માન્યતાથી વિશેષ કંઈ નથી. દેરિદા એને ભ્રાન્તિ કહે છે અને સૂચવે છે કે પરીક્ષાપૂર્વક એ ભ્રાન્તિનું નિરસન થવું જોઈએ.
વિઘટન દર્શાવે છે કે અર્થ ખરેખર તો સંરચના અન્તર્ગત તત્ત્વો વચ્ચેના સમ્બન્ધોથી મળે છે, નહીં કે કલ્પી લીધેલા કેન્દ્રથી. ઉપરાન્ત એ સમ્બન્ધો બદલાતા રહે છે બલકે અર્થઘટન માટે સદા ખુલ્લા રહે છે. જો કે આપણે એમ માનવાની ભૂલ ન કરવી જોઈએ કે અર્થ વિઘટન નામના આધારથી મળે છે. વિઘટન તો અર્થનું સંસૃજન કેવી રીતે થાય છે એ દર્શાવનારી એક વિશ્લેષણ-પદ્ધતિ છે. વિઘટનથી પ્રકાશિત થાય છે કે કેન્દ્ર સમર્થ છે એ માન્યતા ભ્રાન્તિ છે. સાચું એ છે કે સંરચનામાં બધું ગતિમન્ત અને પ્રવહમાણ હોય છે. એ પ્રકારે કેન્દ્રને વિઘટન વિસ્થાપિત કરે છે જેને પરિણામે તત્ત્વોની લીલા માટેનો અવકાશ ખૂલે છે.
આમ દેરિદા અનુસાર ફિલસૂફીની ભૉંય કલ્પના નહીં પણ તર્કસંગત વાસ્તવિકતા; આધાર, કેન્દ્ર નહીં પણ ન-કેન્દ્ર.
૩ : metaphysics of presence – અર્થનો સાક્ષાત્કાર સૂચવતી અધિભૌતિકવિદ્યા અન્તર્ગત ઉપસ્થિતિ–વિભાવના.
metaphysicsને સામાન્યપણે આપણે અધ્યાત્મવિદ્યા કહીએ છીએ પણ અહીં એને અધિભૌતિકવિદ્યા કહીશું. meta ઉપસર્ગ અહીં અધિક કે ઉપરાન્તનો ભાવ બતાવે છે. એને આત્મ-ની નહીં પણ ભૌતિક-ની દિશાનું અધિક કે ઉપરાન્તનું ગણવું જોઈશે.
અધિભૌતિકવિદ્યા માને છે કે સંરચનામાં અર્થ ઉપસ્થિત હોય છે અને તેનો સાક્ષાત્કાર થતો હોય છે. મેં અગાઉના લેખમાં પણ દર્શાવ્યું છે કે દેરિદાએ એ માન્યતાને પડકારી છે. સામાન્ય વ્યવહારમાં પણ સત્ય કે વાસ્તવિકતા જેવા પાયાના ખયાલોને સદા ઉપસ્થિત એટલે કે હાજર ગણવાનું વલણ દૃઢ થયેલું છે – દાખલા તરીકે, ‘સત્યમેવ જયતે’ કે ‘વાસ્તવિક જગત માયા છે’ વગેરેમાં. શબ્દ અને તેના અર્થ વચ્ચે ૧+૧=૨ જેવો અતૂટ સમ્બન્ધ બાંધીને ચાલવાની ટેવ સામે દેરિદા કહેશે કે ત્યારે આપણે અનુપસ્થિતિ અને તફાવતની ધ્યાનપાત્ર ભૂમિકાને વીસરી જઈએ છીએ. ખેરખર તો, સંજ્ઞાઓ અને સંજ્ઞાઓ વચ્ચેની આન્તરલીલા વિના અર્થ કદીયે સંભવતો નથી.
ઉપસ્થિતિ અથવા presence શું છે? ઉપસ્થિતિ શબ્દ અહીં છેતરામણો છે કેમ કે એથી વ્યક્તિવિશેષની હાજરી સૂચવાય છે પણ ખરેખર તેમ નથી. ઉપસ્થિતિથી અહીં એમ સમજવાનું છે કે જેને પામવા કશી વ્યાખ્યાની જરૂર ન પડે એવું જે સ્વાયત્ત અને સ્વયંપર્યાપ્ત છે તેમ જ જેને કશી મધ્યસ્થી વિકૃત નથી કરી શકતી અને જેને સહસા પામી શકાય એવું જે સરળ છે.
પરન્તુ અભિજ્ઞાન અથવા ઓળખ શું છે એ તત્ત્વની? એ છે, ફિલસૂફો સર્વ અસ્તિત્વો માટે પાયાની ભૂમિકા ઢૂંઢે છે તે સત અથવા Being. એ છે, પરમ્પરાગત દર્શનો વાસ્તવિકતા માટે જેને અટળ અને સદ્યોવેદી સમજે છે તે, સત્ય અથવા truth. એ છે, ફિલસૂફો જેને સ્વયંસમ્પૂર્ણ અને સ્વ/સર્વને વિશે નિષ્પક્ષ તેમ જ જ્ઞાનમાત્રનો શ્રદ્ધેય પાયો ગણે છે તે, ચેતના અથવા conciousness.
દેરિદા અધિભૌતિકવિદ્યાના વિરોધી નથી પણ ઉપસ્થિતિ-વિભાવનાને ઇતિહાસ દરમ્યાન વિશિષ્ટ મહત્તા અપાયેલી તેને પડકારે છે – એમ કહીને કે સ્વયંપર્યાપ્ત અને પ્રત્યક્ષ દેખાતી ઉપસ્થિતિ હકીકતે ભાષાની લાક્ષણિકતાથી, ભાષાની અસરકારક મધ્યસ્થીથી, સદા ચેપાયેલી હોય છે, કદી શુદ્ધ હોતી નથી.
૪ : play – સંરચનાનાં તત્ત્વો વચ્ચે સંભવતી લીલા.
playનો લીલા પર્યાય મેં ન-છૂટકે યોજેલો અને કામચલાઉ છે પણ play શબ્દ પણ છેતરામણો છે. એથી એમ સૂચવાય છે કે કોઈ રમતું હશે, કશાકથી રમતું હશે, પણ એવું નથી. સંરચના અન્તર્ગત વિભાવનાઓ સંજ્ઞાઓ અને સમ્બન્ધભૂમિકાઓ વગેરે તત્ત્વો play કરે છે એમ વિઘટન જણાવે છે ત્યારે એનો મતલબ શબ્દશ: કશી રમત રમે છે કે લીલા કે ક્રીડા જેવી ક્રિયા કરે છે એમ નથી થતો. play તો રૂપક છે. સંરચનાઓમાં રહેલાં ચલાયમાન લક્ષણોની તેમ જ સમ્બન્ધો અને તફાવતોથી જનમતા, જેની આગાહી ન કરી શકાય એવા, બહુવિધ અર્થોના સંસૃજનની એ રૂપક દ્વારા નિરૂપણા થતી હોય છે. ઉપરાન્ત, રૂપક એટલું ખાસ જણાવે છે કે અર્થોની પ્રકૃતિ પ્રવહમાણ અને ગતિમન્ત હોય છે.
મને એમ થાય છે કે આ રૂપક નાના દેરિદા ઝાકને ફૂટબૉલ-પ્લેયર થવું હતું એ મનોકામનામાંથી સૂઝ્યું હશે. એ ગેમ પ્લે થતી હોય છે ત્યારે અનેક પગ અને બૉલ ક્રિયાપ્રતિક્રિયાની રીતે પ્રવહમાણ અને ગતિમન્ત હોય છે.
૫ : structurality of structure- સંરચનાનું સંરચનાત્વ.
મારું મન્તવ્ય છે કે દેરિદાને તત્ત્વનું ટૂંપણું કદીપણ તુચ્છ નહીં લાગ્યું હોય. તેઓ તત્-ના ત્વ-ને સદા શોધતા રહેતા હશે અને કદી થાકતા નહીં હોય. કદાચ પોતાની એ પ્રકૃતિથી પણ ખાસ તો પોતાની વિચારણા વિશેની આત્મશ્રદ્ધાથી વ્યાખ્યાનમાં એમણે એવા મતલબનું કહેલું કે આ ઘડીથી જ આપણે સંરચનાના સંરચનાત્વ વિશે વિચારવાનું શરૂ કરીએ …
પેલી લીલાને કારણે જે અવકાશ સરજાય છે તે સંરચનાત્વ છે. કોઈપણ સંયોજન અન્તર્ગત ગુણધર્મો સંરચનાત્વ છે જેને કારણે એને સંરચના કહેવાય છે. જેમ કે ભીનાશ પાણીનું સંરચનાત્વ છે, કડવાશ કારેલાંનું સંરચનાત્વ છે.
૬ : event of decentering – વિકેન્દ્રીકરણ એક ઘટના.
દેરિદાની વિ-કેન્દ્રીકરણ – decentering – વિભાવના પરિવર્તનકારી ગણાય છે. કેમ કે એથી અનુ-સંરચનાવાદી વિચારપરામર્શમાં સ્થગિત સામે એ વિચાર દૃઢ થયો કે અર્થ ચલાયમાણ છે અને તેથી સદા બદલાતા સંદર્ભો પર આધારિત હોય છે જેને પરિણામે તફાવતો અને અર્થઘટનોની લીલાને અવકાશ મળે છે. વિ-કેન્દ્રીકરણની વિભાવના પૂર્વકાલીન ચિન્તકોમાં પણ જોવા મળે છે : હાઇડેગરમાં અધિભૌતિકવિદ્યાના વિઘટનની વાત છે. નિત્શેએ અટળ સત્યની વિભાવનાને પડકારી હતી, દેરિદા એથી પ્રભાવિત થયેલા. ફ્રૉઈડે કહેલું કે માનવવર્તનનો મોટો ભાગ અસમ્પ્રજ્ઞાત-થી દોરવાતો હોય છે. દેરિદાને ય મનુષ્યચિત્તની સુગ્રથિત એકરૂપતા વિશે પ્રશ્ન થયેલો. વગેરે.
નિશ્ચિત કેન્દ્રની ભ્રાન્તિનું વિ-કેન્દ્રીકરણ વડે નિરસન થાય. અર્થ બદલાતા અને તેથી વિલમ્બિત છે, સ્થિર પાયા પર આધારિત નથી એવી પ્રતીતિ થાય. પ્રતીતિની એ ક્ષણને દેરિદા rupture અથવા પ્રસ્ફોટ અથવા ભંગાણ કહે છે. એ ભંગાણ વિભાવનાવિષયક હોય છે. પશ્ચિમની ફિલસૂફીવિષયક પરમ્પરાનું દેરિદાએ કરેલું વિશ્લેષણ એ ભંગાણ સૂચવે છે. કહેવાય છે કે એથી નિશ્ચિત કેન્દ્ર પર ભરોસો રાખવાની રેઢિયાળ આદતથી છૂટીને ફિલસૂફો તર્કસંગત સ્વાયત્ત ભૂમિકા સ્વીકારતા થયા. અધિભૌતિકવિદ્યા અને સંરચનાવાદ પછીનું એ હતું મોટું પ્રસ્થાન, જેને આપણે અનુસંરચનાવાદ પણ કહીએ છીએ.
૭ : binary oppositions – વિરોધી દ્વૈતો.
વિરોધી દ્વૈત-નું પદ્ધતિસરનું નિરૂપણ દેરિદાના ૧૯૬૭-માં પ્રકાશિત ગ્રન્થ Of Grammatologyમાં મળે છે. દરેક દ્વૈત બે વિભાવનાઓનું અથવા બે પદોનું જોડકું હોય છે અને પહેલા પદને એમાં વિશિષ્ટ મહત્તા અપાઈ હોય છે, તેને અધિકૃત ચડિયાતું અને મૂલ્યવાન ગણવામાં આવ્યું હોય છે. બીજું પદ આપોઆપ ઊતરતી કોટિનું અને મામૂલી ભાસે છે.
દેરિદા જણાવે છે કે પશ્ચિમની ફિલસૂફી-પરમ્પરા સમગ્રનું ઘડતર ઉચ્ચાવચતાયુક્ત અનેક વિરોધી દ્વૈતોથી થયું છે. પશ્ચિમની ફિલસૂફીમાં વિશ્વ-વ્યવસ્થાની વિભાવનાનો પાયો – ordering of the world – વિરોધી દ્વૈતોથી ચણાયો છે. Genesisમાં અને યહૂદી શાસ્ત્રોમાં દર્શાવાયું છે કે ઈશ્વર વિશ્વનું સર્જન કરે છે ત્યારે તેઓ પ્રકાશને અન્ધકારથી, ધરાને જળથી, પૃથ્વીને સ્વર્ગથી, વિયુક્ત કરીને સરજે છે.
વિશ્વ આમ વિરોધોમાં વ્હૅંચાઈ ગયું છે. વિશ્વ-વ્યવસ્થાના અંશતમ અંશનો – microcosmનો – નિયન્તા ઈશ્વર છે એ માન્યતાને કારણે વર્તમાન વિચારપ્રણાલીમાં પણ નિયન્તા કેન્દ્ર વિના આપણાથી આગળ ડગલુંય ભરાતું નથી. દેરિદા એ પરાયત્તતાને વિરોધી દ્વૈતના વિઘટનથી વિદારવા કહે છે.
વિશેષ વાચન માટે સૂચિ :
Derrida, Jacques. 1978: Writing and Difference. Translated by Alan Bass, University of Chicago Press.
પ્રગટ : ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર : “પરબ”; જૂન, 2025
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર