મિત્રો,
સભામાં જાતે હાજર રહી શકતો નથી, એ માટે ક્ષમા ચાહી, જે વ્યક્તિનિરપેક્ષ અને મર્યાદિત વિરોધથી પર એવી વ્યાપક અને વિધેયાત્મક ખેવના આપણને સહુને આજે સાંકળે છે, એ વિશે બે-એક વાત આ પત્રથી કરું.
સાહિત્યના સરકારી તેમ જ બિન-સરકારી સત્તાઓ સાથેના સંબંધ વિશેની એક સમજણ આજે આપણને સહુને સાંકળે છે. આ સમજણ શી છે? પ્રજાની સાહિત્ય અંગેની બધી સંસ્થાઓનું સંચાલન એ પ્રજાના લેખકો અને વાચકો, કલાકારો અને ભાવકો ભેગા મળીને, અંગત કે જૂથગત સત્તાલાલસાથી ઉપર ઊઠીને, આપસૂઝથી અને આપસમાં સંવાદ-વિવાદ વડે કરે, એ રીત સાહિત્યગત તેમ જ પ્રજાગત સર્જકતા માટે જરૂરી છે, એવી કંઈક એ સમજણ છે. એ સંચાલન સંસ્થાગત સત્તાજૂથ વડે કે રાજ્યસત્તા વડે, સીધી કે આડકતરી રીતે થાય, એમાં સાહિત્યનું જ નહીં, આખા સમાજનું અહિત છે. સાહિત્યની સંસ્થાઓ માટે ફંડ જોઈએ. એ ફંડ આપનારું કોઈ પણ, સંસ્થા-સંચાલનનો દોર પોતાના હાથમાં રાખે, પોતાની પસંદગીના સંચાલકોને નીમે, તો એ સંસ્થા પ્રજાની કૌવતભરી સર્જકતાનું જતન કરનારી જગ્યા ન બની શકે કે રહી શકે. સાહિત્યની જાતે કશુંક શોધતી સર્જનાત્મક પ્રવૃત્તિ તો પ્રજાએ પોતાની આંતરસૂઝ કેળવવા માટે ખોલેલી કોઢ કે વર્કશોપ છે, એમાં એને પોતાની મેળે કામ કરવા દેવાય, એ રાષ્ટ્ર, રાજ્ય, સમાજ ત્રણે માટે સારું, બલકે જરૂરી છે. ગુજરાત સાહિત્ય અકાદમી જેવી સંસ્થાના અધ્યક્ષપદે સરકાર કોઈની નિમણૂક કરે, એ વાત એ સંસ્થા માટે, સરકાર માટે, અને નિમણૂક પામનાર માટે ગરિમાભંગ કરનારી છે. સાહિત્ય અને સમાજ માટે તો મૂળગામી રીતે વિઘાતક છે, પછી ભલે બેઉ ડાળીઓ ઉપર પ્રજાના પૈસે રંગબેરંગી લાઇટોનાં તોરણ લટકાવાય. વિરોધ આ વિઘાતકતા સામે છે. આ વિરોધ કોઈ એક વ્યક્તિ સામે નથી કે નથી કોઈ અન્ય વ્યક્તિની તરફદારી કરનારો. એ વ્યક્તિનિરપેક્ષ અને વ્યાપક વિરોધ છે, એટલે તો એ આખા ગુજરાતમાં, બલકે ગુજરાતીભાષી સમાજમાં ફેલાતો જાય છે.
ખેદની વાત તો એ છે કે ગુજરાતી સાહિત્ય પરિષદના ઘણા સત્તાવાળાઓ આ સરકારી હસ્તક્ષેપમાં સીધા સામેલ થયા છે અથવા થોડે આઘેથી એનું સમર્થન કરે છે. આવું કેમ થયું? વિચારતાં જણાય કે સાહિત્યની આવી, સમાજે સ્થાપેલી સંસ્થાના સભ્યો વચ્ચે પણ આજે કૃપા કરનાર અને કૃપાપાત્ર થનાર વચ્ચે હોય એવો આંતરિક સંબંધ ઘર ઘાલી ગયો છે. એવો સંબંધ એ સંસ્થા માટે જ નહીં, સમાજ માટે ય કેવો જોખમી નીવડે. કેમ કે એવો સંબંધ સંસ્થાને તાબેદારીમાં લેતી ઓલિગાર્કી કે ટોળકીશાહીમાં પરિણમે. એવી ઓલીગાર્કી સંસ્થાગત શાસકો કે સંસ્થાગત શાસિતો, બેમાંથી એકે માટે ગરિમાપ્રદ કે સર્જકતાપોષક ન નીવડે.
પ્રજાને માટે તો એ ભારે નુકસાન કરનાર સ્થિતિ બને. ગુજરાત સાહિત્ય અકાદમીમાં અધ્યક્ષની સરકાર દ્વારા સીધી નિમણૂક થાય, અને એને ગુજરાતી સાહિત્ય પરિષદની ઓલીગાર્કી ટેકો આપે, એ આજની હકીકત છે. એ હકીકતનો સમાન વિરોધ સમગ્રપણે થાય, એમાં એ વિરોધની સચ્ચાઈ રહી છે. બન્ને સંસ્થાઓ ગુજરાતની પ્રજાની સ્વાયત્ત સર્જકતાનો મહિમા કરવામાં, એને પોષણ આપવામાં પરસ્પર સ્પર્ધા કરે, એ કરવાજોગું કામ છે, બન્ને સંસ્થાઓ આત્મરતિગ્રસ્ત કૃપાળુઓ અને કીર્તિલોલૂપ, ધનલોલૂપ કૃપાવાંછુઓનો સંયુક્ત અડ્ડો ન બની રહે, એ જોવાનું કામ ગુજરાતની પ્રજા અને એ પ્રજાએ ચૂંટેલી સરકારનું સહિયારું અને તાકીદનું કામ છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 03