સ્ત્રી ગાયકોએ ગાયેલાં સોલો જોડકાં ગીતોમાં સ્ત્રી કરતાં પુરુષ ગાયકોએ ગાયેલાં એ જ ગીતો વધુ પ્રભાવી રહ્યાં: એ સમયના પુરુષ અવાજમાં રેન્જ બહોળી હતી તથા અવાજમાં વૈવિધ્ય પણ ખૂબ જ હતું. આજે એવા વિશિષ્ટ ગળા વાળા ગાયકો નથી દેખાતા
રાત્રે સૂતી વખતે તલત મહેમુદની ફિલ્મી ગઝલોને સાંભળવાનો શોખ છે. ફિલ્મ ‘દાગ'(1952)નું એ મેરે દિલ કહી ઔર ચલ, ગમકી દુનિયાસે દિલ ભર ગયા, ઢૂંઢ લે અબ કોઈ ઘર નયા … માણતો હતો ત્યાં મનમાં ઝબકારો થયો કે આ ગીત લતાએ પણ ગયું છે, પરંતુ કેમે કરીને લતાનું એ ગીત સ્મરણમાં ન આવે. સહેજ સ્મૃિત ખેંચતાં ખ્યાલ આવ્યો કે એ ગીત વિલંબિત સૂરમાં ગવાયું છે. સંગીતના સૂરોના ચડાવ-ઉતાર પણ તલતની ગાયકીવાળા ગીતમાં વધુ સારા છે. કદાચ એટલે તેની અસર મન પર નથી રહી. પરંતુ ત્યારબાદ વિચારો આવતા ગયા કે 1950 થી 1970 સુધી હિન્દી ફિલ્મ સંગીતનો સુવર્ણયુગ હતો.
રોમાન્ટિક ફિલ્મો, દિલીપ-રાજ-દેવની ત્રિપુટી, નૌશાદ જેવા શાસ્ત્રીય તરજોમાં અને મેલડીમાં ગીતો ઢાળનાર સંગીતકારો હતા, તો તલત, મૂકેશ મન્નાડે અને રફી જેવા ખાસ અવાજ ગુણવત્તા ધરાવતા ગાયકો હતા. ફેન્ટસીનો જમાનો હતો. એક-એક ફિલ્મ ત્રણ-ચારવાર જોવાનો એ પેઢીનો પણ સુવર્ણયુગ હતો. ત્યારે કેટલાંક ગીતો એવાં હતાં, જેમાં એક જ ગીત પુરુષ અને સ્ત્રી એમ બંનેના અવાજમાં અલગ ગવાયું હોય. આમ તો આવાં ગીતો બહુ ઓછાં હોય છે, જે બંને-સ્ત્રી અને પુરુષ -ગાયકોએ અલગ રીતે-સોલો સ્વરૂપે ગાયાં હોય. આવાં ગીતો આજે અતીતરાગ સ્વરૂપે યાદ કરીએ. તલતનાં ગીતો યાદ કર્યાં પછી તો એવાં જોડકાં ગીતો યાદ આવ્યાં, જે પુરુષ અને સ્ત્રી ગાયકના સ્વરમાં અલગ ગવાયાં હોય. ફિલ્મ ‘બેવફા'(1952)નું ગીત દિલ મતવાલા લાખ સમ્હાલા, ફિર ભી કિસીપે આ હી ગયા … આ ગીત લતાના સ્વરમાં પણ ગવાયું છે. પરંતુ લતાના સ્વરનું એ ગીત સ્મૃિતમાં નથી રહ્યું.
‘ટેક્સી ડ્રાયવર'(1954)નું બહુ જાણીતું ગીત જાયે તો જાયે કહાં, સમઝેંગા કૌન યહાં, દર્દ ભરે દિલ કી ઝુબાં … તલતની ગાયકી યાદ રહી જાય તેવી છે. આ ગીત લતાના સ્વરમાં પણ છે. ‘આશિયાના'(1954)નું ગીત મેરા કરાર લેજા, દમ ભર તો પ્યાર કર જા .. પણ તલત તથા લતાના સ્વરે સોલોમાં ગવાયું છે, તો ફિલ્મ ‘એક સાલ'(1957)નું બહુ જ યાદગાર ગીત – સબ કુછ લૂટા કે હોશમેં આયે તો ક્યા કિયા, દિલમેં અગર ચરાગ જલાયે તો ક્યા કિયા … પણ લતાના સ્વરમાં યાદ નથી રહ્યું. જ્યારે જૂનાં ગીતો રેડિયો પર વાગે છે, ત્યારે તલતનાં ગીતો જ વાગે છે. તલત ઉપરાંત આશાના સ્વરે ગવાયેલું ગીત ફિલ્મ ‘ઠોકર'(1964)નું એ ગમે દિલ ક્યા કરું, એ હસરતે દિલ ક્યા કરું.. પણ એવું ગીત છે જેમાં પુરુષ સ્વર જલદી યાદ આવે છે, જ્યારે ગાયિકાના સ્વરને યાદ કરવા માટે સ્મૃિતને ખેંચવી પડે છે.
તલતનો અને તેની ફિલ્મી ગઝલનો જમાનો 1960માં પૂરો થાય છે. કદાચ દિલીપકુમારની ટ્રેજેડી કિંગ તરીકેની ફિલ્મો પણ પૂરી થઇ. પરંતુ પછી મૂકેશ અને રફીના સ્વરે ગવાયેલાં ગીતોનો જમાનો આવે છે. આ સમયે એવાં કેટલાં ય ગીતો છે, જે મૂકેશ કે રફીના કંઠે ગવાયેલાં હોય તે વધુ પ્રભાવી બને છે જ્યારે લતાના સ્વરે ગવાયેલું તે જ ગીત પ્રભાવી નથી બનતું. મૂકેશના સ્વરમાં ગવાયેલાં ગીતોમાં મુઝકો ઇસ રાતકી તનહાઇમે આવાઝ ન દો (દિલ ભી તેરા હમ ભી તેરે – 1960), હમને તુઝકો પ્યાર કિયા હૈ જીતના (દુલ્હા દુલ્હન -1964), (મારો કોલેજ મિત્ર કમલ ઠાકર આ ગીત સરસ રીતે ગાતો; ઈશ્વર તેના આત્માને શાંતિ આપે), જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમકી ગંગા બહતે ચલો (સંત જ્ઞાનેશ્વર -1964), જિસ દિલમેં બસા થા પ્યાર તેરા ઉસ દિલકો કભી કા તોડ દિયા (સહેલી-1965), રાત ઔર દિન દિયા જલે, મેરે મનમેં ફિર ભી અંધિયારા હૈ (રાત ઔર દિન-1967) યાદ આવે છે, જેમાં લતાનો સ્વર યાદગાર નથી બન્યો.
આવું જ રફીની બાબતમાં પણ બને છે. જિંદગીભર નહિ ભૂલેગી વો બરસાત કી રાત (બરસાત કી રાત-1960), એહસાન તેરા હોગા મુઝ પર (જંગલી-1962), તકદીરકા ફસાના જાકર કિસે સુનાયે (સેહરા 1963), મેરે મેહબૂબ તુઝે મેરી મોહબ્બતકી કસમ (મેરે મહેબૂબ- 1963), આજ કલ મેં ઢલ ગયા, દિન હુઆ તમામ (બેટા બેટી-1964), (જયંત યાદ આવે છે?) દિલ જો ન કહે સકા (ભીગીં રાતેં-1965) (સહેજ પણ અદાકારી વિનાના ચહેરાવાળા પ્રદીપકુમાર આવે છે?) તથા પરદેસીઓં સે ના અખીયાં મીલાના (જબ જબ ફૂલ ખીલે-1965) વગેરે ગીતોમાં રફી જેટલા ખીલે છે એટલાં લતા મંગેશકર નથી ખીલતાં. અહીં કેટલાંક ગીતો તો એવાં છે કે જે લતાએ ગાયાં હોય એવું યાદ પણ નથી આવતું.
1950-60માં તલત તથા 1960-70માં મૂકેશ અને રફી સાથે બને છે એવું હેમંતકુમાર કે મન્નાડે સાથે નથી બનતું. ઉલટું મન્નાડે તો યુગલ ગીતોમાં લતા સાથે સદાબહાર ગીતો આપે છે. હેમંતકુમારનું એ ગીત કૈસે કોઈ જીએ યાદ આવે. 1970 પછી સોલો-જોડકાં ગીતોમાં પુરુષ સ્વરનું પ્રભુત્વ અટકી જાય છે. પછીના સમયમાં મને માત્ર બે ગીતો જ યાદ છે જેમાં પુરુષ સ્વર પ્રભાવી રહ્યો હોય. દિલ હુમ હુમ કરે(રૂદાલી 1993)માં સ્પષ્ટ રીતે ભૂપેન હઝારીકા મેદાન મારી જાય છે તો મેરે નૈના સેવન ભાંદો માં કિશોર મેદાન મારી જાય છે. પરંતુ આવા બહુ ઉદાહરણો નથી.
સવાલ એ થાય છે કે 1950-70ના સમયમાં એવું શું બન્યું કે સૂરોનાં બિલકુલ પાકાં એવા લતા મંગેશકર સોલોમાં જામતાં નથી. જ્યારે એવાં જ ગીતોમાં સૂરોના એટલા પાકા નહીં એવા મૂકેશ જામે છે? નિષ્ણાતો પોતાનો અભિપ્રાય આપી શકે. પરંતુ એક ભાવક તરીકે મને લાગે છે કે એ સમયના પુરુષ અવાજમાં રેન્જ બહુ જ બહોળી હતી તથા અવાજમાં વૈવિધ્ય પણ ખૂબ જ હતું. આજે એવા વિશિષ્ટ ગળાવાળા ગાયકો નથી દેખાતા. વળી જે તે ગાયકો સાથે જે હીરો તે ગીત ગાતા હતા તેની અસર પણ થઇ હોય. મૂકેશનો નાસિકા સ્વર, તલતનું ક્રુનીંગ તથા રફીની ચારે ય ઓક્ટેવમાં સરળ ગાયક પછીથી થયા નથી. વાસ્તવમાં ક્રૂનર તો કોઈ જ નથી થયા, પરંતુ ગાનાર જે આવ્યા, મૂકેશ જેવી મધુરપ ન આપી શક્યા. આ બાબતો એ પણ તે ગાયકોને પ્રભાવી બનાવવામાં ભાગ ભજવ્યો હોય. પછીથી જે નવા ગાયકો આવ્યા, તેમાં આ ખૂબીઓ નહોતી.
પરંતુ સહુથી મહત્ત્વની બાબત તે આ સર્વ લક્ષણોનું સંમિશ્રણ હીરો પ્રભાવી રોમેન્ટિક ફિલ્મો, દિલીપ-રાજ-દેવ જેવી ત્રિપુટી, પુરુષ અવાજને તરજ બનાવતી વખતે અપાતું પ્રાધાન્ય, શાસ્ત્રીય રાગોમાં અને મેલડીમાં ગીતની બાંધણી, નૌશાદ, મદનમોહન, જેવા પ્રભાવી સંગીતકારો, હૃદયને અપીલ કરનાર કવિઓ, ફેન્ટસી પર બનતી ફિલ્મો વગેરે બાબતો જે એકબીજા સાથે સુસંગત હતી, તે એક સાથે આવી મળી અને જે સમગ્ર માહોલ રચાયો તેમાં સ્ત્રી ગાયકોએ ગાયેલાં સોલો જોડકાં ગીતોમાં સ્ત્રી કરતાં પુરુષ ગાયકોએ ગાયેલાં ગીતો વધુ પ્રભાવી રહ્યાં. એવું પણ બને કે આપણે પુરુષ પ્રધાન સંસ્કૃિતમાં હતા. આજે જે હીરોઈનલક્ષી ફિલ્મો બનતી જોવા મળે છે તેવું એ સમયે નહોતું બનતું.
સૌજન્ય : ‘અત્રતત્ર’ નામક લેખકની કટાર, “નવગુજરાત સમય” 5 જૂન 2018