પ્લેગની સામે સફળ મોરચો
(પ્લેગનિવારણનું) કામ કરતાં કરતાં લગભગ દરેક ગામે અમને બહુ જ મીઠો અનુભવ થતો. એવા એક બે પ્રસંગ તો બની જ જાય કે જેથી અમે પ્રેમસાગરમાં ડૂબકાં મારીએ અને અમને કાર્ય કરતાં ઉમળકો થાય. ઘરમાં જુવાન છોકરો પ્લેગથી ગુજરી ગયો હોય તેનાં માબાપ તે મરણના દુઃખમાં સીમમાં ઝૂરતાં હોય. જુવાનની માતા ઘેર આવે. અમે તેમને ઘર ઉઘાડવાનું કહીએ. તે ન ઉઘાડે. અમે સમજાવીએ કે ઘરને સાફ કરવું છે, દવા છાંટવી છે. તે બહેન દુઃખ સાથે કહે, ‘મારો જુવાનજોધ છોકરો પ્લેગમાં ગુજરી ગયો. ઘરની હવા બગડેલી, ઉંદર પડ્યા હતા, પણ અમે વેળાસર ઘર ન છોડ્યું અને તેને પ્લેગ લાગુ પડ્યો. મને લાગુ પડ્યો હોત તો આ વિયોગ સહન ન કરવો પડત. પણ હું તમને ઘર ઉઘાડવા નહીં દઉં. મારા છોકરા જેવા જ તમે બધા છો. તમારી માને પણ તમે મારા છોકરા જેટલા જ વહાલા હશો. તમને આવા જોખમમાં નહીં પડવા દઉં.’
અમે તેમને સમજાવીએ, અમે તેમને ખાતરી આપીએ કે અમને કાંઈ થવાનું નથી. અમે દવા લીધી છે. અમે પૂરતી કાળજી રાખીએ છીએ….આવી રીતે પ્લેગના વાતાવરણની શુદ્ધિ સાથે આપણી હંમેશની રહેણીકરણી વિષે, સ્વચ્છતાવિષે અને અન્ય વર્તન વિષે પણ ઠીક ઠીક પ્રચાર થાય. સરદારસાહેબની પત્રિકાઓ તો જુદા જુદા વિષય ઉપર હોય જ. આ કાર્યથી પ્રજામાં હિંમત આવી. તેમને આશ્વાસન મળ્યું કે જેમ ઉપર પ્રભુ સંભાળનારો છે તેમ નીચે પણ આપણને સંભાળનાર છે.
પ્લેગના દરદીઓનું દવાખાનું
આજ સુધી જુદા જુદા રોગો માટેનાં દવાખાનાં હોવાનું સાંભળ્યું છે, પણ પ્લેગનું દવાખાનું હોવાનું સાંભળ્યું નથી. પ્લેગ એક ભયંકર ચેપી રોગ ગણાય છે. તેનું નામ સાંભળી લોકો ભાગે છે. માબાપ પ્લેગમાં સપડાયેલા પોતાના પુત્રને ત્યાગે અને પુત્ર માબાપને ત્યાગે, એવા ઘણા દાખલા મેં જોયા છે … આવા ભયંકર રોગમાં સપડાયેલા દરદીઓને સાથે રાખી તેમની સારવાર માટે દવાખાનું ખોલવું એ પણ કેટલાક ડૉક્ટરોને ઠીક નહી લાગેલું. પણ અહીં આ પ્રસંગે તેવું દવાખાનું ભારે આશીર્વાદરૂપ નીવડ્યું. એટલું જ નહીં પણ પ્લેગના ફેલાવામાં અંકુશસમું નીવડ્યું.
ડૉ. ભાસ્કર પ્લેગવાળાં ગામડાંમાં ફર્યા કરતા હતા. અમારું કામ વ્યવસ્થિત થાય છે કે નહીં તે પણ જોતા હતા. તે સાથે જે ગામોમાં પ્લેગના દરદી હોય તેને તપાસી, તેનું દરદ નરમ પ્રકારનું હોય તો ત્યાં જ સારવારની વ્યવસ્થા કરે અને દરદ તીવ્ર હોય તો તેને બોરસદ છાવણી લઈ જવાની વ્યવસ્થા કરે. આમ તીવ્ર વેદના ભોગવતા વીસેક દરદીઓને છાવણીમાં લાવવામાં આવ્યા હતા. તે બધાઓની પ્રેમપૂર્વક સારવાર ડૉક્ટરો તરફથી અને દરબારસાહેબનાં કુટુંબ તરફથી થતી. આ મૃત્યુના મુખમાં પડેલા વીસ દરદીઓ પૈકી બે દરદી અસાધ્ય નીવડ્યા અને મૃત્યુ પામ્યા. બાકીનાને પૂર્ણ આરામ થયો … કેટલાક તો પોતાનું દરદ છુપાવે. કોઈ સરકારી અમલદાર હોય ને પ્લેગની વાત કરે તો પોતાને બીજે ક્યાંક લઈ જાય અને હેરાન થવાય એવી બીકથી પોતાનું દરદ છુપાવે … જે કેસોની સારવાર તેમના ગામમાં જ રાખીને ડૉક્ટરે કરી તેમાંથી એકેય નિષ્ફળ નીવડ્યો નથી.
આ સાથે બીજું પણ કામ થયું. મુંબઈથી ડૉક્ટર ભાસ્કર બોરસદમાં આવ્યા છે અને તે કોઈ પણ દરદીની સારવાર સેવાવૃત્તિથી કરે છે તેવી જાહેરાત થવાથી દરરોજ સવારે સત્યાગ્રહ છાવણીમાં મેળા જેવો દેખાવ થતો હતો. આજુબાજુનાં ગામોમાંથી સંખ્યાબંધ દરદીઓ ત્યાં આવતા અને સંતોષ પામીને પાછા જતા …
મહાત્માજીના આશીર્વાદ
સરદારસાહેબની વ્યવસ્થાશક્તિ અજબ છે. તે હરતાંફરતાં પોતે ઉપાડેલા કામમાં એકતાર રહેવાના. પોતે એક કામ આજે કર્યું હતું તેની અસર ભવિષ્યમાં શી થશે, તેનો વિચાર પ્રથમથી તે કરે છે. અમુક હેતુથી જે કાર્ય કરવું હોય તે હેતુ સિદ્ધ થાય તેવી જ પદ્ધતિથી તેઓ કામ કરે. તેથી કરીને તે અમુક કામ આપણને સોંપે કે સૂચના કરે તેમાં ગાફેલ રહેવું આપણને પાલવે નહીં. કામ સોંપતી વખતે તેઓ તો વાતવાતમાં આપણને સૂચના કરે, તે સૂચનાને જ આપણે કાર્યની પૂરેપૂરી સોંપણી અગર આજ્ઞા સમજી લેવાની. એ સમજી લેવામાં ચૂક્યા અને એ કાર્યમાં કોઈ ગફલત થઈ તો તે કાર્ય બગડ્યાની જવાબદારી આપણે શિરે આવી જ પડે.આવો કંઈક અનુભવ મને બોરસદના કામમાં થયો અને ત્યારથી હું તે તેમની પાસેથી શીખ્યો.
અમારો કાર્યક્રમ લગભગ અર્ધો પૂરો થયો હતો અને મહાત્માજી બોરસદ આવ્યા. સરદારસાહેબના માંડવાથી થોડે દૂર તેમનો માંડવો બાંધ્યો હતો. સાથે ભાઈશ્રી મહાદેવભાઈ પણ હતા … બાપુજી ત્યાં પંદર વીસ દિવસ રહ્યા. તે દરમિયાન પ્લેગવાળાં બધાં ગામોમાં ફરી વળ્યા. લોકોએ સારો ઉત્સાહ બતાવ્યો. ગામેગામ મોટી સભા ભરાય તેમાં બાપુજી પાસે તે ગામના પ્લેગ અંગેનું નિવેદન મારે કરવાનું હતું. તે ગામની વસતિ, પ્લેગ ક્યારે શરૂ થયો, કેટલા કેસ થયેલા, કેટલા અસાધ્ય નીવડ્યા, લોકોએ તે માટે શું કર્યું, લોકલ બોર્ડ અગર સરકારે તે માટે શાં પગલાં લીધાં, પ્લેગનિવારણ સમિતિએ શાં પગલાં ભર્યાં, શી શી સામગ્રી વાપરી, લોકોએ કેવો સહકાર આપ્યો વગેરે હકીકત નિવેદનરૂપે હોય. ગામલોકો પણ પોતાના દુઃખની કહાણી કહે. સ્વયંસેવકોએ જે મદદ કરી તે વિષેનો ઉલ્લેખ કરે તેમ જ આ કાર્યમાં પોતાના સંપૂર્ણ સહકારની નિશાની તરીકે મહાત્માજીને કંઈક ભેટ આપે. મહાત્માજી પણ ગામમાં જ્યાં જ્યાં અકાળ મૃત્યુ થયાં હોય ત્યાં ત્યાં અને ખાસ કરીને ગરીબ વર્ગમાં ફરે, તેમનાં ઘર જુએ અને તેમને સ્વચ્છતાના તેમ જ હવા-અજવાળા માટે જરૂરી સૂચનાઓ કરે. મહાત્માજીના પ્રવાસથી લોકોને ભારે આનંદ થયો. તેઓ ઉત્સાહિત થયા અને મહાત્માજીના આશીર્વાદ મેળવીને પ્લેગના ત્રાસને ભૂલી જઈને શાંત થયા. આમ, મહાત્માજીએ ફરીને પ્લેગનિવારણયજ્ઞની પૂર્ણાહુતિ કરી.
મહાત્માજીના પ્રવાસ પછી થોડે દિવસે મુંબઈના પ્રખ્યાત ડૉક્ટરો ડૉ. ભરૂચા અને ડૉ. ગિલ્ડર તથા વૈકુંઠ મહેતાની એક કમિટી બોરસદ આવીને આ ગામડાંમાં ફરી ગઈ હતી … આ કમિટી સાથે હું અને દરબારશ્રી હતા. અમે એ ત્રણેય ગૃહસ્થોને પ્લેગનિવારણના કાર્યની બધી વિગત, કાર્યપદ્ધતિ વગેરે હકીકત જણાવી. એ પ્રખ્યાત ડૉક્ટરોએ વૈદ્યકીય દૃષ્ટિએ પણ આ થયેલા કાર્યની ખૂબ પ્રશંસા કરી.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 જૂન 2020