સચિત્ર કથાઓનાં પુસ્તકો પ્રગટ કરતી, લંડનની ફોલિયો સોસાયટી નામની પ્રકાશન સંસ્થાએ ખલીલ જિબ્રાનની ચોપડી 'ધ પ્રોફેટ'ને પ્રગટ કરી છે. જિબ્રાનની ૨૮ ગદ્ય કવિતાઓ, તેમનાં જ ચિત્રો સાથે પ્રગટ થઈ છે. જિબ્રાન પોતે એક અચ્છા ચિત્રકાર હતા અને એમનાં ચિત્રો લેબેનાનમાં જિબ્રાન નેશનલ કમિટીમાં સચવાયેલાં પડ્યાં છે. ફોલિયો સોસાયટીએ તે રંગીન ચિત્રોની બાજુમાં 'ધ પ્રોફેટ'ની ૨૮ ગદ્ય કવિતાઓ મૂકી છે. કલેક્શનની અદ્દભુત ચોપડી છે (આ લેખ સાથે એનું ચિત્ર છે). રસ હોય, તો ફોલિયો સોસાયટીની વેબસાઈટ ચેક કરજો.
ખલીલ જિબ્રાનનું ચિંતન ગુજરાતીમાં કેટલું ઉપલબ્ધ છે અથવા હજુ કેટલું પ્રકાશિત થાય છે, તે ખબર નથી, પરંતુ એમના મૃત્યુના ૮૮ વર્ષ (૧૦ જાન્યુઆરી ૧૯૩૧) પછી પણ, હિન્દી અને અંગ્રેજીમાં એ લગાતાર લખાતા-વાંચતા રહ્યા છે. ખલીલ જિબ્રાન એક લેબનીઝ-અમેરિકન કલાકાર, કવિ અને લેખક હતા. તેમનો જન્મ ૬ જાન્યુઆરી ૧૮૮૩ના રોજ લેબેનાનમાં થયો હતો. ચિત્રકળામાં દિલચસ્પી હોવાથી તે પહેલાં પેરિસ અને પછી ન્યુયોર્કમાં સ્થાયી થયા હતા. તે એમના ચિંતનના કારણે સમકાલીન પાદરીઓ અને અધિકારી વર્ગની નારાજગીનો ભોગ બન્યા હતા, અને નાતબહાર અને દેશનિકાલ પણ થયા હતા. અરબી સાહિત્યમાં તે 'ખલીલ જિબ્રાન' નામથી અને અંગ્રેજી સાહિત્યમાં 'ખલીલ જ્વાર્ન' નામથી મશહૂર થયા છે. ખલીલ દુનિયામાં શેક્સપિયર અને લાઓ-ત્ઝુ પછી ત્રીજા નંબરના સૌથી લોકપ્રિય કવિ છે.
૧૯૨૩માં આવેલી એમની 'ધ પ્રોફેટ' નામની ચોપડીથી ખલીલ બેહદ મશહૂર થયા. આ ચોપડી ૧૦૦ જેટલી ભિન્ન ભાષાઓમાં અનુવાદિત થઈ છે, અને તેની ગણના ઇતિહાસની સીમાચિહ્નરૂપ સર્જનોમાં થાય છે. 'ધ પ્રોફેટ' લગાતાર પ્રકાશિત થતી રહે છે. ૨૦૧૨ સુધી એકલા અમેરિકામાં એની ૯૦ લાખ નકલો વેચાઈ હતી. ૧૯૨૩માં, એની ૨,૦૦૦ નકલ છપાઈ હતી. બીજા વર્ષે આંકડો ડબલ અને ત્રીજા વર્ષે ત્રિપલ થયો. ૧૯૫૭માં એની ૧૦ લાખ નકલો વેચાઈ. એક સમય એવો હતો કે દુનિયામાં દર સપ્તાહે 'ધ પ્રોફેટ'ની ૫,૦૦૦ નકલો વેચાતી હતી.

ખલીલ જિબ્રાનને વાંચવા એ ખુદની અંદર ઝાંખવા જેવું છે. તમને તમારી દરેક મુસીબતનો ઉપાય જિબ્રાનનાં એ વિધાનોમાં મળે, જે તેમણે તેમની કવિતાઓમાં કર્યા હતાં. એ અર્થમાં જિબ્રાનને વાંચવા એ કોઈ ડોક્ટરને મળવાથી ઓછું નથી. એમનું લેખન જીવનને સમજવાની એક કામયાબ ચાવી છે.
આ જ એક કારણ છે કે જિબ્રાન દરેક દેશ અને દરેક ભાષાના કહેવાયા. દરેક માણસને એમની વાત પોતાની લાગી. લઘુકથાઓ હોય કે સૂત્રો, પ્રેમ અને દોસ્તી સહિતના જીવનના તમામ અનુભવોની એમણે ઓછામાં ઓછા શબ્દોમાં એટલી સહજતાથી વ્યાખ્યા કરી હતી કે સૌના દિલમાં ઊતરી જાય.
ખલીલ જિબ્રાન ચિત્રકાર હતા, મોડેલ હતા, લેખક હતા અને સંપાદક હતા. તેમની જિંદગી બહુ બધા પડાવો પરથી પસાર થઈ હતી. એમાં એમના વ્યક્તિત્વના અનેક રંગ ચમકતા રહ્યા. અનેક તકલીફો હતી તેમના જીવનમાં. ૧૦ વર્ષની ઉંમરમાં એક મોટા પથ્થર પરથી પડી જવાથી ડાબા ખભામાં એવું દર્દ આવ્યું જે આજીવન રહ્યું. ૩૯ની વય સુધીમાં હૃદયની બીમારી આવી ગઈ. બાકી હોય તેમ, તેમને માનસિક હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું.
એમને એક બેચેની પણ રહ્યા કરતી હતી કે તેઓ ખુદને વ્યકત નથી કરી શકતા. પોતાની ક્ષમતાઓને જાણવા છતાં અને એના પર ભરોસો હોવા છતાં એને આકાર નહિ આપી શકવાની કશ્મકશ તેમના માટે તકલીફદેહ હતી. તેમને લાગતું હતું કે આ એમની માનસિક નિષ્ફળતા છે. આ નિષ્ફળતાનું એક કારણ પણ હતું. તેમની ત્રીજી અને છેલ્લી પ્રેમિકા મે જૈદા સમક્ષ તેમણે આ દર્દ વ્યક્ત કરતાં કહ્યું હતું, "હું એક એવો જ્વાળામુખી છું, જેનું મોઢું કાયમ બંધ રહે છે."
ધ મેડમેન, ધ ફોરરનર, ધ પ્રોફેટ અને સેન્ડ એન્ડ ફોર્મ જેવાં લોકપ્રિય પુસ્તકો આવ્યાં પછી પણ જિબ્રાનનું સૌથી મોટું સ્વપ્ન હતું ઇસુ ખ્રિસ્ત પર એક એવું પુસ્તક લખવાનું જે આજ સુધી કોઈએ લખ્યું ના હોય. આ સપનું પૂરું ના થયું.
દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે એવી એક જાણીતી કહેવત છે. જિબ્રાનના કિસ્સામાં ય આ વાત સાચી હતી, બલકે એમની પાછળ ઘણી સ્ત્રીઓ હતી. મા અને બહેનો ઉપરાંત મિત્ર અને પ્રેમિકાનાં રૂપમાં તેમની જિંદગીમાં અન્ય ત્રણ સ્ત્રીઓ આવી – કવયિત્રી જોસેફીન, શિક્ષિકા એલિઝાબેથ મેરી અને અરબી લેખિકા મે જૈદા. પ્રેમ પર સૌથી બહેતર લખવાવાળા જિબ્રાનની જિંદગીમાં એક પણ પ્રેમ સફળ ન રહ્યો. એ જિંદગીભર એની પાછળ ભાગતા રહ્યા, અને પ્રેમ ઝાંઝવાના જળ જેવો બની રહ્યો. તેમણે લખ્યું હતું, "એક-બીજાને પ્રેમ કરો, પણ પ્રેમને કયારે ય બંધન ના બનવા દો. સાથે ઝૂમો અને આનંદ માણો, પણ ધ્યાન રાખજો કે કોઈ એની એકલતા ના ગુમાવી દે."
જિબ્રાન એમના વિચારો અને સંવેદનાઓ કાગળોના ટુકડાઓ પર કે સિગારેટના પેકેટ પર લખતા હતા. વ્યકત થવા માગતી કોઈ વાતને જગ્યા ન મળે, તેનું આ પરફેક્ટ પ્રતીક હતું. તેમણે એક લઘુકથા લખી હતી, જે એમના બંધ જ્વાળામુખીને સરસ સમજાવતી હતી:
એકવાર એક છીપે એની પાડોશી છીપને કહ્યું, "મને અંદર બહુ પીડા થાય છે. પીડાએ મને અંદર ઘેરી રાખી છે."
બીજી છીપે ઘમંડથી કહ્યું, "ભગવાનનો અને આ સમુદ્રનો આભાર કે મારી અંદર કોઈ પીડા નથી. હું અંદરથી અને બહારથી સંપૂર્ણ અને સ્વસ્થ છું."
ત્યાંથી એક કરચલો પસાર થયો. તેણે બંનેની વાત સાંભળી, અને બીજી છીપને ઉદ્દેશીને એ બોલ્યો, "હા, તું સ્વસ્થ અને સંપૂર્ણ છે. પરંતુ તારી પાડોશણ જે કારણથી પીડામાં છે તે એક અણમોલ મોતી છે."
![]()


બેહરૉઝ બૂચાનીનું નામ તમે ના સાંભળ્યું હોય એવું સંપૂર્ણપણે શક્ય છે. એ મૂળ ઈરાનિયન કુર્દીશ પત્રકાર, માનવાધિકાર કાર્યકર, કવિ અને ફિલ્મ મેકર છે. એને ૨૦૧૯નું ઓસ્ટ્રેલિયાનું સાહિત્યનું (અંદાજે ૬૫ લાખ રૂપિયાનું) સૌથી પ્રસિદ્ધ વિક્ટોરિયા પારિતોષિક એનાયત થયું છે. બેહરૉઝ બૂચાની એમાં હાજર રહી ન શક્યો. કારણ? છેલ્લા ૬ વર્ષથી એ ઓસ્ટ્રેલિયાના લોસ નીગ્રોસ આઈલેન્ડ પર આવેલા માનુસ ડિટેન્શન સેન્ટરમાં કેદ છે. બૂચાની પશ્ચિમ ઈરાનના કુર્દીશ અલગતાવાદીઓનો એક શક્તિશાળી અવાજ છે, જે ઈરાની સરકાર સાથે ૨૦૧૮થી શિંગડાં ભરાવી રહ્યા છે.
