જેમ પૈસાનો અભાવ દુઃખ લાવશે જ, એવી કોઈ ગેરંટી નથી, તેવી જ રીતે પૈસા હશે, તો સુખ આવશે જ, એવી પણ કોઈ ગેરંટી નથી.
પૈસા હોય, તો પાયાની જરૂરિયાતો સંતોષાય છે, પણ તેનાથી આગળ લાંબા ગાળાના સંતોષ માટે સંપત્તિ બેમતલબ બની જાય છે. વાસ્તવમાં, લાંબા ગાળે સુખનો અહેસાસ ઘટે છે. આપણને પૈસાની આદત પડી જાય છે અને એની નવીનતા ખતમ થઇ જાય છે. સાઇકલ ફેરવતા હો અને કાર ખરીદો, તો સુખ મળે છે, પણ કાર જેમ જૂની થાય, તેમ સુખ પણ જૂનું થઈ જાય છે. આપણા પિતા કે દાદા કરતાં આપણી પાસે વધુ વૈભવ છે, પણ આપણે આપણા પિતા કે દાદા કરતાં વધુ સુખી છીએ? માણસો જંગલમાં રહેતા હતા, તેના કરતાં આજે પુષ્કળ સુવિધાઓ અને સમૃદ્ધિમાં રહે છે, પણ તેની સરખામણીમાં તેમના સુખના અહેસાસમાં પણ વૃદ્ધિ થઈ છે?
હકીકતમાં, આપણને ખબર જ નથી કે સુખ શું છે અને આવે ક્યાંથી. આપણે એવા ડ્રાઈવર છીએ, જે પૂરા જોશથી પેડલ દબાવે છે, પણ કાર ન્યુટ્રલમાં જ છે. જૂના સમયમાં તેલ કાઢવા માટે ઘાંચીની ઘંટી પર બળદને બાંધવામાં આવતા હતા. બળદ ગોળ-ગોળ ફરે એટલે ઘંટીમાં તલ પીસાય. અને બળદની આંખે ડાબલા બાંધી રાખ્યા હોય, એટલે એને માત્ર સીધું જ દેખાય, આજુબાજુમાં ના દેખાય. એટલે બળદને એવું લાગે કે એ ક્યાંક જઈ રહ્યો છે, પણ વાસ્તવમાં એ ગોળ-ગોળ જ ફરતો હોય. આપણું પણ આવું જ છે. પેઢી દર પેઢી આપણી ખરીદશક્તિ વધતી જાય છે, પણ આપણે સુખની દિશામાં આગળ વધવાને બદલે ગોળ-ગોળ ફરીએ છીએ.

જનમત સંગ્રહ કરવાનું કામ કરતી ‘ગેલપ’ નામની એક પ્રતિષ્ઠત કંપની સન ૨૦૦૫થી, વિશ્વભરના દેશોમાં લોકોને શૂન્યથી દસના સ્કેલ પર તેમના જીવનનો સંતોષ જણાવવાનું કહે છે. એમાંથી સમાચારપત્રોની હેડલાઈન બને તેવાં પરિણામ આવે છે : દેશ સરેરાશ જેટલો વધુ ધનવાન, લોકોનું સરેરાશ વ્યક્તિગત સુખ એટલું વધુ. તેનું સાદું ગણિત એવું છે કે વ્યક્તિદીઠ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જી.ડી.પી.) વધારો, તો એનો સંતોષ પણ વધે.
જો કે દેશની સમૃદ્ધિ અને દેશના સુખ વચ્ચેનો સંબંધ એટલો મધુર નથી. ૧૯૭૪માં રીચાર્ડ ઈસ્ટરલીન નામના એક અર્થશાસ્ત્રીએ શોધી કાઢ્યું હતું કે અમેરિકામાં ૧૯૪૬થી ૧૯૭૦ વચ્ચે જી.ડી.પી.માં ૬૫ ટકાની વૃદ્ધિ થઇ હતી, પણ સરેરાશ જીવનનો સંતોષ સ્થિર થઈ ગયો હતો. ઈસ્ટરલીને કહ્યું કે આર્થિક મંદી કામચલાઉ દુઃખ લાવે છે, પણ લાંબા ગાળાના જી.ડી.પી.ના વિકાસથી સુખ આવે, તે જરૂરી નથી.
તમે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં રાત્રે કોકટેલ પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદીને એક ખૂણામાં લઈ જાવ અને પૂછો કે આ વિકાસથી શું થશે, તો તેમનો સંભવિત જવાબ હશે કે, “લોકોને ઉત્તમ જીવન સ્તર, ઉત્તમ આરોગ્ય સેવા, મોટા ઘરો, તેજ દોડતી મોટરકારો અને મોબાઈલ કનેક્ટિવિટી પૂરી પાડવી હોય, તો આર્થિક વિકાસ જરૂરી છે.” તમે વધારે ખણખોદ કરવા પૂછો કે ઉત્તમ જીવન સ્તરથી શું થાય, તો નરેન્દ્રભાઈ કદાચ કહેશે કે, “તમને આટલી ય સમજ પડતી નથી! એનાથી લોકો સુખી થાય છે.”
તમે એમ પીછો ના છોડો અને ફરી પૂછો કે, “પણ મોદી સાહેબ, માણસનો ઐતિહાસિક, માનસિક અને બાયોલોજીકલ અભ્યાસ એવું પુરવાર કરે છે માણસ સાઈકલમાંથી સ્કુટર ચલાવતો થયો, ગામડાંમાંથી શહેરમાં જીવતો થયો અને ઝૂપડાંમાંથી બે બેડરૂમના ફ્લેટમાં રહેતો થયો, પણ એનાથી એના સુખમાં વધારો નથી થયો.” “એમાં?” હાથમાં પકડેલો મોકટેલનો ગ્લાસ હેઠે મુકતાં નરેન્દ્રભાઈ કહેશે, “મને આ કોઈએ કહ્યું કેમ નહીં! આવું હોય તો પછી હું આ આર્થિક વિકાસના પ્લાન મુકું પડતા અને હિપ્પી સમુદાયમાં જોડાઈ જાઉં.”
આર્થિક વિકાસનો આ વિરોધાભાસ છે કે તમારે એ કરતા જ રહેવું પડે, પાછા જવાનો માર્ગ બંધ થઈ જાય. સાઇકલ છોડીને સ્કુટર ચલાવ્યું તેનાથી સુખના વધ્યું ના હોય, તો પાછા સાઇકલ પર ના જવાય, આગળ મોટરકાર પર જ જવું પડે. આપણે આપણા જંગલવાસી પૂર્વજો કરતાં આજે અનેક ગણા સમર્થ છીએ, પણ આપણે ઇતિહાસમાં સૌથી સુખી છીએ? આપણને એવું લાગતું નથી. કંદમૂળ ખાતા અને પશુની ચામડી પહેરતા આપણા પૂર્વજોએ જે સ્વર્ગની કલ્પના કરી હતી, એ ઓલરેડી આજે પૃથ્વી પર સાકાર છે, અને છતાં આજના ‘સ્વર્ગવાસીઓ’ કોઈક કારણસર સુખી મહેસૂસ નથી કરતા.
“હું અને મારું સુખ’ના વધતા જતા વ્યક્તિવાદી અભિગમના કારણે અને સામૂહિક કે પારિવારિક વિચારધારાઓનાં પતનના કારણે ‘સુખ’ એક એવી જણસ બની ગઈ છે કે દરેક સરકારના અને દરેક મૂડીવાદીના પ્લાનમાં એ કેન્દ્રમાં છે. દુનિયાભરમાં ઉપભોગની ચીજ-વસ્તુઓનું જે અભૂતપૂર્વ ઉત્પાદન થઈ રહ્યું છે, તે માણસને ‘સુખી’ બનાવવામાં માટે છે. દરેક દેશ મૂડીવાદી થઈ રહ્યો છે અને દરેક સમાજ ઉપભોક્તાવાદી બની ગયો છે. બજારમાં જે ચીજો મળે છે તે સુવિધા ઓફર નથી કરતી, સુખ ઓફર કરે છે. ટુરીઝમ ઉદ્યોગ તમને કહે છે કે ફ્રાંસમાં આલ્પ્સ પર્વતોમાં ફરવા જશો, તો સુખી થશો. ફૂડ ઉદ્યોગ કહે છે કે મેક્સિકન તાસ્કો ફૂડ ખાશો, તો સુખી થશો. મોબાઇલ ફોનની કંપનીઓ તમને કહે છે કે અમારો સ્માર્ટફોન તમને સુખનો અનુભવ કરાવશે.
૨૦૦૭માં યુરોપિયન કમિશને જીડીપીના સ્થાને લોકોનાં સુખના અહેસાસના આધારે ‘બિયોન્ડ જીડીપી’નો પ્રોગ્રામ શરુ કર્યો હતો. જી.ડી.પી.માં માલસમાનના ઉત્પાદન અને ખપતને માપવામાં આવે છે. ‘બિયોન્ડ જી.ડી.પી.’માં માણસના સ્વાસ્થ્ય, શિક્ષણ અને પર્યાવરણ પર ફોકસ કરવામાં આવે છે. આજ પ્રકારના પ્રયોગો થાઇલેન્ડ, કેનેડા, ઇઝરાયેલ અને બ્રાઝિલમાં પણ કરવામાં આવ્યા છે.
૨૦૧૪માં ૨૦ દેશોના યુવાનોને એક સરવેમાં પૂછવામાં આવ્યું હતું કે, “તમને કેટલી હદ સુધી એવું લાગે છે કે, આજની યુવા પેઢીનું જીવન, તેમનાં માતા-પિતાની પેઢી કરતાં વધુ સારું કે વધુ ખરાબ છે?” આમાં જી.ડી.પી. પ્રમાણે રેન્કિંગમાં આવતા પ્રથમ ૧૦ સમૃદ્ધ દેશોના સરાસરી માત્ર ૩૭ પ્રતિશત યુવાઓને જ એવું લાગ્યું હતું કે, એમની પાછલી પેઢી કરતાં એમનું જીવન બહેતર છે. આમાં સૌથી સમૃદ્ધ અમેરિકાના માત્ર ૨૯ પ્રતિશત યુવાનોને જ જીવન સારું હોવાની આશા હતી. સંસારના સૌથી સમૃદ્ધ દેશોની યુવા પેઢીને એનું ભવિષ્ય જો ઉજ્જડ દેખાતું હોય તો, તરક્કીને જી.ડી.પી.ના માપદંડથી જોવા સામે સવાલ થવો જોઈએ.
ઉપર કહ્યું તેમ, જી.ડી.પી. માણસના આંતરિક સુખને ધ્યાનમાં લેતું નથી, તે એની નિષ્ફળતાનું સૌથી મોટું કારણ છે, આધુનિક બાયોલોજી કહે છે કે માણસનું વૈચારિક અને ભાવનાત્મક જગત અબજો વર્ષો જૂની બાયોકેમિકલ સિસ્ટમ મારફતે નિયંત્રિત થાય છે. નફરત, ક્રોધ કે ડર જેવી માનસિક ભાવનાઓની જેમ જ, સુખની આપણી વ્યક્તિગત ભાવના પણ પગાર, પ્રતિષ્ઠા કે પ્રગતિથી નહીં, પણ આપણી અંદર સેરોટોનિન, ડોપેમાઈન અને ઓક્સીટોસિન જેવાં રસાયણોની જટિલ વ્યવસ્થાથી નક્કી થાય છે.
વ્યક્તિ-વ્યક્તિએ આ સિસ્ટમ ભિન્ન રીતે કામ કરે છે. એટલે અમિતાભ બચ્ચનના હાથે એક કરોડની લોટરી લાગી હોય, તે માણસ ત્રીજા જ અઠવાડિયે ડિપ્રેસનની સારવાર કરતો હોય તે શક્ય છે અને સંતાનને ગુમાવી ચુકેલો માણસ ત્રીજા જ દિવસે નોર્મલ જીવન જીવતો હોય, તે શક્ય છે. આ જ કારણથી સ્કુટરમાંથી કાર ફેરવતો માણસ સુખી થઈ ગયો છે, તેવું તારણ ના કાઢી શકાય.
સુખ એ ખરાબ ક્ષણો પર આનંદની ક્ષણોનો સરપ્લસ સરવાળો નથી. સુખ એ ઝૂપડી અને ફ્લેટનો ફર્ક નથી. સુખ એ સમગ્ર જીવનને સાર્થક અને યોગ્ય રીતે જીવ્યાનો સંતોષ છે. જીવન જો સાર્થક હોય, તો ગમે તેટલાં કષ્ટ છતાં, તે સુખી લાગે, પણ જીવનનો કોઈ હેતુ કે અર્થ ના હોય, તો તે પાંચ બેડરૂમના બંગલામાં પણ સુખ ના આપે.
શાયર જાવેદ અખ્તરે જયારે આ શેર લખ્યો હશે, ત્યારે તેમના મનમાં જી.ડી.પી. હશે :
સબ કા ખુશી સે ફાસલા એક કદમ હૈ
હર ઘર મેં બસ એક હી કમરા કમ હૈ
જર્મન ચિંતક ફ્રેડરિક નિત્શેએ જ્યારે આ કહ્યું હશે, ત્યારે તેના મનમાં હેપ્પીનેસ ઇન્ડેક્સ હશે : “જેની પાસે જીવન જીવવાનો અર્થ છે, તે કોઈપણ ભોગે જીવી જાય છે.”
https://www.facebook.com/permalink.php?story_fbid=2376253752702670&id=1379939932334062&__tn__=K-R
![]()


હું કાંતિ ભટ્ટને સિદ્ધાર્થ શાહ તરીકે ઓળખું છું, અથવા ઓળખતો હતો. કાંતિ ભટ્ટને અલગ-અલગ નામે લખવાનો શોખ હતો. શોખ કહો કે અખબારો-સામયિકોની અંદરોઅંદરની હરીફાઈ સામેની ગોઠવણ કહો, કાંતિભાઈને છદ્મ નામો એવાં ફાવી ગયેલાં કે તે નિત નવાં નામો શોધી કાઢતા અને ખુદ એ નામોમાં માનતા થઇ ગયેલા. અમુક નામો તો મને યાદ છે: પ્રેમસ્વરૂપ ભટ્ટાચાર્ય, પ્રિયકાન્ત ભાટિયા, ચંદ્રગુપ્ત મૌર્ય અને નીલેશ કંપાણી. એમાં બે 'સ્ત્રી' કાંતિ ભટ્ટ પણ હતા: મયૂરી શાહ અને પૌલોમી.
૨૦૧૦માં હું મુંબઈમાં હતો, ત્યારે કાંતિભાઈને મળવા દર અઠવાડિયે જતો. એમની સાથે સંબંધ તો ૧૯૯૨માં 'સિદ્ધાર્થ શાહ'ના સમયથી હતો, પણ તેમના ફ્લેટની ગેલેરીમાં બેસીને વાતો કરવાનું ૨૦૧૦ની આસપાસ વધ્યું હતું. એમના પુસ્તકાલયમાં મને રસ ન હતો, પણ કાંતિભાઈની ઉપર કોકનો ફોન આવે તો હું આમતેમ ડાફોળિયાં મારતો. એમાં એક દિવસ એમના પુસ્તકોની એક રેકમાં સૌથી તળિયેની લાઈનમાંથી 'કૃષ્ણમૂર્તિ' શબ્દ લખેલું પુસ્તક મે બહાર ખેંચ્યું. ધૂળ ચઢેલી હતી. ખંખેરી તો નામ વંચાયું; Lives in the Shadow with J. Krishnamurti.
એક સાધુ તેના ગુરુ કે તેના ઈશ્વરને લઈને એટલો જ કટ્ટર હોઈ શકે, જેટલો એક પિતા તેની પુત્રીનાં અફેરને લઈને કટ્ટર હોય. ફરક એટલો છે કે આપણે સાધુના ચરણસ્પર્શ કરીએ છીએ અને પિતાને જેલમાં મોકલીએ છીએ. ધર્મોની કટ્ટરતા આપણને ઉચિત લાગે છે, કારણ કે એમાં પૂરા સમુદાયનું કલ્યાણ દેખાય છે. પુણ્યપ્રકોપ જેવો કોઈ અલગ પ્રકોપ નથી હોતો. તે એક સામાન્ય માણસના ક્રોધ જેવી જે એક બીમારી છે, જેનો ઈલાજ થવો ઘટે.