૧૯૦૧માં, ભારતમાં એક લાખથી વધુ વસતીવાળાં ૧૫ શહેરો હતાં. તેમાં, અમૃતસરની વસ્તી સૌથી ઓછી (૧,૬૨,૪૨૯) હતી, અને સૌથી વધુ કલકત્તાની (૧૫,૨૦,૭૨૧) હતી. ૨૦૧૧માં, એ જ ૧૫ શહેરોની યાદીમાં, ઇન્દોરમાં સૌથી ઓછી વસ્તી હતી ( ૨૧,૭૦,૨૯૫), જ્યારે મુંબઈની વસ્તી સૌથી વધુ હતી (૧,૮૩,૯૪,૯૧૨). ભારતમાં અત્યારે ૪,૦૦૦ શહેરો અને ટાઉન્સ છે. ગામડાઓની સંખ્યા ૬ લાખથી ૧૦ લાખની વચ્ચે છે.
આ બધા આંકડા ભારત સરકારના વસ્તી ગણતરી વિભાગના છે. ભારતમાં છેલ્લી એક સદીમાં કેટલાં નવાં શહેરો બન્યાં, તેના આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ ૨૦૧૧ના વસ્તી ગણતરીના ડેટા પ્રમાણે, ૭.૮ કરોડ લોકો ગામડાં છોડીને શહેરોમાં વસ્યા હતા. સ્વાભાવિક રીતે જ, વસ્તી વધારો થાય એટલે શહેરોમાં વધારો પણ થાય છે, કારણ કે વિકાસનું એન્જીન શહેરો કેન્દ્રિત છે, અને માણસો વધુ સુખ-સગવડો માટે સ્થળાંતર કરતા રહે છે.
આ વાત ભારત પૂરતી સીમિત નથી. પૂરી દુનિયામાં શહેરોની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે, અને જાણકાર લોકો તેને ચિંતાનું કારણ માને છે. તાજેતરમાં, સંયુક્ત રાષ્ટ્રસંઘની કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સ મળી હતી. તેમાં ભારત સહિત તમામ દેશોએ પર્યાવરણ અને આબોહવાને બચાવવા માટે ઝેરી ગેસને અટકવવાના શપથ લીધા હતા.
નિષ્ણાતો કહે છે કે પર્યાવરણ-આબોહવા ઉપરાંત પણ, દુનિયામાં શહેરોનો બાયોમોર્ફિક, એટલે કે જૈવિક વિકાસ પણ એટલો જ ખતરો પેદા કરી રહ્યો છે. બાયોમોર્ફમાં 'બાયો' એટલે 'જીવ' અને 'મોર્ફ' એટલે 'સ્વરૂપ'; જીવોથી બનેલાં શહેરો.
૨૦મી સદીના સાઇકોલોજિસ્ટ એરિક ફ્રોમે બાયોફિલા નામનો શબ્દ આપ્યો હતો. 'બાયો' એટલે 'જીવ' અને 'ફિલા' એટલે 'પ્રેમ'; જીવન માટેનો પ્રેમ. એ થિયરી પ્રમાણે, માણસોની અંદર પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાની ગહેરી શારીરિક જરૂરિયાત હોય છે. પ્રકૃતિ સાથેના કનેક્શનને બાયોફિલા કહે છે. શહેરીકરણનાં પગલે લોકો ઉત્તરોત્તર પ્રકૃતિથી દૂર જઈ રહ્યા છે, તેને બાયોમોર્ફ કહે છે. આર્કીટેક્ચર અને અર્બન પ્લાનિંગમાં શહેરોની પ્રાકૃતિક રચના પર ભાર એટલે જ આપવામાં આવી રહ્યો છે.
દુનિયામાં ગામડાં ગાયબ થઇ રહ્યાં છે અને શહેરો ઉમેરાઈ રહ્યાં છે. ભવિષ્યની દુનિયાની શહેરોની દુનિયા હશે. સંયુક્ત રાષ્ટ્રના એક અભ્યાસ પ્રમાણે, વિશ્વની ૫૫ ટકા વસ્તી અત્યારે શહેરોમાં રહે છે. ૨૦૫૦ સુધીમાં, ૬૮ ટકા, એટલે કે વધારાના ૨૫૦ કરોડ લોકો શહેરોમાં ગયા હશે. એકલા ચીનમાં જ ૯૦ કરોડ લોકો શહેરોમાં રહેતા હશે. આ નવા લોકો માટે, આગામી ૩૦ વર્ષ સુધી, દર વર્ષે ન્યૂયોર્કના કદ જેવું આધુનિક સુખ-સગવડોવાળું એક શહેર બનાવવું પડશે – એમાં, પર્યાવરણ અને આબોહવાનું રક્ષણ કરવું પડશે એ વધારાની શરત.
૨૧મી સદીમાં, ઝડપી શહેરીકરણનાં પગલે દુનિયાની પ્રાકૃતિક વ્યવસ્થા મજબૂત થશે કે તેનું ઔર પતન થશે, તેને લઈને કોઈ ખોખરીને બોલતું નથી.
જર્મનીના અગ્રણી એન્થ્રોપોલોજિસ્ટ જોશ બેર્સોન તેમના અભ્યાસમાં કહે છે કે, ૧૯૯૬માં, ત્રણમાંથી એક ચીની નાગરિક શહેરમાં રહેતો હતો. ૨૦૨૧માં, ત્રણમાંથી બે જણા શહેરમાં ગયા છે. અમેરિકામાં, પાંચમાંથી ચાર લોકો શહેરમાં રહે છે. દુનિયામાં શહેરોનો જબરદસ્ત વિકાસ થઇ રહ્યો છે. સ્વર્ગ જો ક્યાં ય હોય તો શહેરોમાં છે. પાછલાં ૨૦૦ વર્ષથી શહેરોનો વિકાસ થયો હતો, અને ૧૫ વર્ષ પહેલાં જ શહેરોની વસ્તી ગામડાંઓની વસ્તી કરતાં આગળ નીકળી ગઈ છે.
એ અભ્યાસ પ્રમાણે, ૨૫૦ વર્ષ પહેલાં પૃથ્વી પર દસ લાખથી વધુ વસ્તીવાળાં ત્રણ શહેરો હતાં; એડો (આજનું ટોકિયો) બેજિંગ અને લંડન. આજે, એવાં શહેર ૫૫૦ છે. બેર્સોન કહે છે કે આબોહવાના સંકટ, અન્ન સુરક્ષા, ઉર્જાની ખપત, ઔદ્યોગિક કોમોડિટીઝની ડિમાન્ડ, બાયોડાયવર્સિટીના પતન કે વૃદ્ધ થતી વસ્તીની સમસ્યાની આપણે જેટલી ચર્ચા કરીએ છીએ, તેની સરખામણીમાં શહેરીકરણની વાતો થતી નથી, પણ હકીકત એ છે કે આ તમામ સંકટોમાં શહેરીકરણનો એટલો જ હાથ છે.
ભવિષ્યમાં આપણે ઉત્તમ જીવન જીવતા હોઈશું કે કીડીમકોડાની જેમ માંડ-માંડ જીવતા રહીશું તેનો ઉત્તર આપણે વૈશ્વિક સ્તરે કેટલા સહકાર અને પ્લાનિંગથી કામ કરીએ છીએ તેના પર નિર્ભર છે.
બેર્સોન એવી કલ્પના કરે છે કે માનવ સમુદાય બીજાં ૧૦,૦૦૦ વર્ષ સુધી પૃથ્વી પર ટકી જાય, તો તે વખતના આર્કીઓલોજિસ્ટને વિસ્મય થશે કે સેપિયન્સોમાં એવું તે શું ગાંડપણ આવ્યું હતું કે પેઢીઓની પેઢીઓએ મુઠ્ઠીવાળીને શહેરો તરફ દોટ મૂકી હતી? આજથી ૧૦,૦૦૦ વર્ષ પહેલાં, જંગલના શિકારી સેપિયન્સોએ જંગલો છોડીને ગામડાંઓ વસાવ્યાં હતાં, ત્યારે તે વખતના 'નિષ્ણાતો'ને થયું હશે કે આ સૌથી ડહાપણભર્યું કામ થઇ રહ્યું છે.
શહેર સુખ-સુવિધા લાવે છે તે સાચું, પરંતુ સ્વાસ્થ્ય પર તેની અવળી અસર પડે છે, તે સૌને ખબર છે. કોરોના વાઈરસનો જે ઝડપે ફેલાવો થયો, તેનું એક મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય યાત્રાઓની સુવિધા અને ગીચ રહેણીકરણી છે. ગીચ વિસ્તારોમાં હવાથી ફેલાતી બીમારીઓનું પ્રમાણ વધુ હોય છે. હવા-પાણીનું પ્રદૂષણ પણ વધુ હોય છે. અવાજનું પ્રદૂષણ, સિમેન્ટ-કોન્ક્રીટની ગરમી એ પણ શહેરોની દેન છે.
‘લાન્સેટ’ નામના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક મેગેઝીનનો ૨૦૧૭નો અહેવાલ કહે છે કે દુનિયામાં ૨૦૧૫ની સાલમાં એઇડ્સ, ટી.બી. અને મલેરિયા મળીને પણ સૌથી અકાળ મૃત્યુ પ્રદૂષણનાં કારણે થયાં હતાં. અને પ્રતિવર્ષ પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે.
૧૦,૦૦૦ વર્ષ પહેલાં, કૃષિ ક્રાંતિમાં જમીનને ઉપરતળે કરવાનું શરૂ કર્યું હતું. ઔધોગિક ક્રાંતિમાં આપણે વાતાવરણને અસર કરવાનું શરૂ કર્યું હતું. હવે વૈશ્વિક વસ્તી વધારા અને શહેરીકરણથી આપણે એ બંને ફેરફારોમાં ગતિ આણી દીધી છે. આપણે ક્યાંક દોટ મૂકીને જઈ રહ્યા છીએ. ક્યાં? તેનો ઉત્તર ૧૦,૦૦૦ વર્ષ પછીના આર્કીઓલોજિસ્ટ આપશે, જો ત્યાં સુધી આપણે બચ્યા તો.
પ્રગટ : લેખકની ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 નવેમબર 2021
![]()


ઓરવેલે આ નવલકથા ૧૯૪૮માં લખી હતી, પરંતુ તેનું શીર્ષક '1984' રાખ્યું હતું, કારણ કે તેમણે તેમના સમયથી આગળ જઈને એક એવા સમયની કલ્પના કરી હતી, જેમાં રાજ સત્તા તેના નાગરિકોના મગજમાં ઘૂસીને તેમના વિચારો સુદ્ધાંની જાસૂસી કરશે અને તેમની તમામ બુનિયાદી આઝાદી છીનવી લેશે. ઓરવેલે તેવી રાજ સત્તાને બિગ બ્રધરનું નામ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરનારા આ બીગ બ્રધર કોણ છે તે જાણવા માટે કમિટી બનાવી છે.
એરિક મારિયા રિમાર્કની નવલકથા ‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ આ જ સંદર્ભમાં એક અગત્યનું પુસ્તક છે. તેમાં પ્રથમ મહાયુદ્ધમાં હિસ્સો લેવા ગયેલા જર્મન સૈનિકો કેવી રીતે આત્યંતિક શારીરિક અને માનસિક યાતના ભોગવીને નોર્મલ જિંદગી જીવવાનું ભૂલી જાય છે, તેની વાર્તા છે. ફ્રેન્ચ વિચારક જ્યાં-પોલ સાર્ત્ર, જે ખુદ એક પ્રખર યુદ્ધ-વિરોધી હતા, એકવાર તેમણે લખ્યું હતું કે “તમે જો વિજયોને ગહેરાઈથી જુઓ, તો તમને એ પરાજયથી બહુ અલગ ના દેખાય” સાર્ત્ર રપ વર્ષના હતા ત્યારે ૧૯ર૯માં પુસ્તકરૂપે પ્રકાશિત થયેલી ‘ઑલ કવાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ની પ્રસ્તાવનામાં એરિક મારિયા રિમાર્કેએ એ જ વાતનો પડઘો પાડતાં લખ્યું હતું “(આ પુસ્તકમાં) એક એવી પેઢીના લોકોની વાત કરવાનો પ્રયાસ છે, જે તોપમારામાંથી તો બચી ગયા હતા, પણ યુદ્ધે તેમને તબાહ કરી દીધા હતા.”
વીરત્વનું આ સરળીકરણ એટલા માટે થયું છે, કે આપણે જીવનને બ્લેક ઍન્ડ વ્હાઈટમાં જોતા થયા છીએ. આપણે સામાજિક દ્વંદ્વને ઇતિહાસના સંદર્ભમાં કે શાસનની નિષ્ફળતાના સંદર્ભમાં જોતા નથી. આપણે એને ‘દુશ્મન’ના અપરાધ તરીકે જોઈએ છીએ.