આઈસ્ક્રીમ જેમ 'ઓલ ઇન વન' હોય
તેમ માસ્તર પણ ઓલ ઇન વન હોય છે
એની પાસે વાયરસનો સર્વે કરાવો
તો એ વાયરસની જેમ ઘરે ઘરે ફેલાશે
ઘરે ઘરે વસ્તુ પહોંચાડવી છે
તો એ એની વસ્તુ ય આપી આવશે
કોઈ એપ કોઈનામાં ડાઉનલોડ કરવી છે
તો એ જાતે લોડ, ડાઉન કરશે
તીડ ભગાડવાં છે
તો એ પોતે તીડની જેમ ફરી વળશે
ચેકપોસ્ટ પર મૂકો
તો બધી પોસ્ટ ચેક કરી આવશે
વસતિ ગણતરી કરવી છે
તો પોતાની વસતિ વધાર્યા વગર
આખું ભારત ગણી કાઢશે
રસી મૂકવી છે
તો ચ'રસી'ની જેમ ગામેગામ ધસી જશે
માસ્તરને બધું છે
પણ મસ્ત રહેવાની છૂટ નથી
તે અડધા પગારે બમણું કામ કરે છે
પણ પગાર વધારો માંગે
તો એને જ ઘટાડી દેવાય છે
મજૂરો વતન જાય છે
ત્યારે પણ માસ્તર કામ લાગે છે
એવામાં તમે કહો કે
એને ભણાવવાનું સોંપો?
તો એટલું તો વિચારો કે
એ ભણાવવા બેસશે
તો એને ઊઠાં ભણાવશે કોણ?
ને એનાં બીજાં કામ કરશે ક્યારે?
એ એક જીવ તે કેટલુંક કરે!
મજૂરી કરે કે ભણાવે?
જરા તો દયા રાખો, ભલા માણસ!
0
અટપટું ચટપટું
0
'તમે પાયલટ છો?'
'હા,પણ હું વિમાન નથી ઉડાવતો, 'માન' ઉડાવું છું.'
0
'ફુગાવો તો જૂનમાં પણ ઘટ્યો.'
'અત્યાર સુધી દેશ આખો 'ડાય એટ ઇટિંગ' પર હતો, હવે ડાયેટિંગ પર છે.'
0
'પરીક્ષામાં જોડિયાં બહેનોએ 96 ટકા મેળવ્યાં.'
'વાહ.'
'કમાલ તો એ છે કે બધા વિષયોમાં માર્ક્સ પણ સરખા આવ્યા.'
'જોડિયાં બહેનોના માર્ક્સ પણ જોડિયાં!'
0
'જોડિયાં બહેનોના ટકા પણ એક સરખા આવ્યાં'
'એનો અર્થ એ થયો કે ઉત્તરવહી બરાબર વંચાઈ.'
0
'રોગચાળામાં સાથે જમવાનું ટાળો.'
'પહેલાં જમવાનું તો આલો, માઈબાપ!'
0
'તમારું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે.'
'તે મારું ગળું છોડો તો શ્વાસ લઉંને!'
0
‘સાહેબ, વરસાદની આગાહી શું છે?'
'જરા બારીમાંથી જોને! વરસાદ પડે છે?'
‘સાહેબ, આકાશ વાદળછાયું છે.'
'તો કહી દો કે છૂટાછવાયાં ઝાપટાં પડશે.'
'ના પડ્યાં તો?'
'ઝાપટાં તને પડશે!'
0
'તને ઓનલાઈન ભણવા બેસાડ્યો તો ગેઈમ રમે છે?'
‘મમ્મી, નેટ નથી ચાલતું.'
'તો ભલે, રમ! પણ ભણવા બેસજે ખરો.'
0
'ઓનલાઈન લગ્નમાં બધાંએ આવવાનું છે.'
'જમવાનું નથી?'
'છેને! બધાંએ ઘરે જમી લેવાનું.'
'સારું.ચાંદલો પણ ઘરે જ રાખીશું.'
0
'ગમે તે થાય આપણે વિકાસ કરવાનો જ છે.'
'ક્યાંથી કરે? 'વિકાસ'નું તો તમે એન્કાઉન્ટર કરી નાખ્યું.'
0
'રિક્ષાચાલકોને હવે આસમાની યુનિફોર્મ ફરજિયાત !'
'આસમાની સુલતાનીમાં પણ નાટકો બંધ નથી થતાં.'
000
પ્રગટ : ‘કાવ્યકૂકીઝ’, 'અર્ધ સાપ્તાહિક પૂર્તિ’, “સંદેશ”, 22 જુલાઈ 2020
e.mail : ravindra21111946@gmail.com