મોમ, તને બા કહું તો ગમે?
શું છે કે જરા ગુજરાતી લાગીએ
ડેડને ય ડેડનો બીજો અર્થ ખબર નથી?
તો બાપુજી કહું તો જરા ઘરેલું લાગે!
તમે બંને મારે માટે નીચું ઘાલીને
કમાવામાં પડ્યાં છો તો
જરા આજુબાજુ પણ જુઓ
નહીં તો ભૂલી જશો બધું
આ રાખોડી જેવું ઊડયુંને
તેને કબૂતર કહેવાય
ને બા, જરા ઊંચે જો!
એ વાદળ છે
એ વરસેને તો મેઘધનુષ થાય
ને બાપા, આ પથારી પારિજાતની છે
તમે એના પર નથી ઊંઘતા
એટલે સોનપરી સૂએ છે
તમે બંને થોડું મારી સામે રડોને, પ્લીઝ!
મને ગમશે
ગાલ પરથી થોડું પ્રેશર વહી જશેને
તો રોજ માપવું નહીં પડે
સાચાં આંસું મોળી ચાને મીઠી બનાવે છે
જે પાન પર પડેલાં ઝાકળમાંથી
સૂર્યને પડઘાતો જુએ છે
તેનું અંતર અજવાળાઈ જતું હોય છે
ને મારું માનો તો બંને
એક વાર દરિયે જઇ આવો
એ ખાલી થઈ ગયો છે
કારણ એનું જળ
તમે આંખોમાં ભરી રાખ્યું છે
જરા એને પણ ભરી આવો, પ્લીઝ!
સાચું કહું,
તમે અડધી સદીએ પહોંચવાના
પણ વર્ષો જ પસાર કર્યાં છે
તમે લોકો જીવવાનું ક્યારે શરૂ કરશો?
તમે જીવો તો થોડું હું પણ …
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


ઘણીવાર આશ્ચર્ય થાય છે કે આ એ જ પ્રજા છે જે આઝાદીની લડતમાં માથે કફન બાંધીને સડકો પર ઊતરી પડી હતી? એમાંનો અંશ પણ અત્યારે કેમ વર્તાતો નથી? કોરોના નામની ફિલ્મ ચાલી રહી હોય અને 130 કરોડ લોકો ભારતનાં મસમોટાં થિયેટરમાં જોઈ રહ્યાં હોય તેમ મરણ માણી રહ્યાં છે. એમને એમ જ છે કે શો પૂરો થશે, પછી બધાં મરણની વાતો મમળાવતાં વિખેરાઈ જઈશું, પણ આ શો જલદી પૂરો થવાનો નથી અને થશે ત્યાં સુધીમાં અનેકને કૂતરાંઓ ભરખી જાય તો નવાઈ નહીં. આપણે સૌ ફિલ્મ જોઈ રહ્યાં હોઈએ એવી તટસ્થતાથી કોરોનાને જોઈ રહ્યાં છીએ. પ્રજા તરીકે આપણે સરકાર કરતાં પણ વધુ સંવેદનહીન અને નેત્રહીન છીએ. આ પ્રજા આટલી નિર્માલ્ય તો કદી ન હતી. અનેક સ્મશાનો ભડકે, ઓક્સિજન, ઇન્જેકશનો વગર દરદીઓ તરફડે અને આપણને કૈં થાય જ નહીં એ કેવું? આપણને કૈં ખબર નથી પડતી કે આપણે કૈં જાણવા નથી માંગતા એ નથી સમજાતું.