23 જુલાઈ 2025ના રોજ સવારે 7 વાગ્યે ઉટાહ રાજ્યના ‘ગ્રેટ સોલ્ટ લેક’ તરફ પ્રયાણ કર્યું.
Great Salt Lake – ગ્રેટ સોલ્ટ લેક પશ્ચિમી ગોળાર્ધમાં સૌથી મોટું ખારા પાણીનું તળાવ છે. અને વિશ્વનું આઠમું સૌથી મોટું ટર્મિનલ તળાવ છે. તે ઉટાહ રાજ્યના ઉત્તરીય ભાગમાં આવેલું છે અને તળાવ-પ્રભાવિત બરફના કારણે સ્થાનિક આબોહવા પર નોંધપાત્ર અસર કરે છે. તે 1,700 ચોરસ માઈલમાં પથરાયેલું છે. વધુમાં વધુ 75 માઈલ લાંબું અને 28 માઈલ પહોળું છે. તેની સરેરાશ ઊંડાઈ 16 ફૂટ છે. વધુમાં વધુ ઊંડાઈ 33 ફૂટ છે.
સરોવરની ત્રણ મુખ્ય ઉપનદીઓ, Jordan – જોર્ડન, Weber – વેબર અને Bear મળીને દર વર્ષે તળાવમાં લગભગ 1.1 મિલિયન ટન ખનિજો જમા કરે છે. તળાવમાં બાષ્પીભવન સિવાય કોઈ આઉટલેટ ન હોવાથી, આ ખનિજો એકઠાં થાય છે અને તળાવને ઉચ્ચ Salinity – ખારાશ (દરિયાઈ પાણી કરતાં ઘણી ખારી) અને ઘનતા આપે છે. આ ઘનતાને કારણે લોકો ખૂબ જ ઓછા કે કોઈ પણ પ્રયાસ વિના ‘કોર્કની જેમ તરતા’ રહે છે. આ તળાવને ‘અમેરિકાના મૃત સમુદ્ર’ તરીકે ઓળખવામાં આવે છે અને તે લાખો સ્થાનિક પક્ષીઓ, Brine shrimp – ખારા ઝીંગા, કિનારાનાં પક્ષીઓ અને જળચર પક્ષીઓ માટે રહેઠાણ પૂરું પાડે છે, જેમાં Wilson’s phalarope – વિલ્સનના ફાલેરોપ પક્ષીની સૌથી મોટી વસ્તીનો સમાવેશ થાય છે.
Bonneville Salt Flats – બોનેવિલે સોલ્ટ ફ્લેટમાં, સૂકાયેલા મીઠાની વિશાળ જાજમ પર ચાલવાનો રોમાંચ અલગ હોય છે. આવો રોમાંચ કચ્છના સફેદ રણમાં પણ થાય છે. જો કે ઉટાહનું ‘ગ્રેટ સોલ્ટ લેક’ અને કચ્છના સફેદ રણ વચ્ચે તફાવત છે. બંને અનોખા છે. ગ્રેટ સોલ્ટ લેક એક ટર્મિનલ તળાવ છે, જેનો અર્થ છે કે તેમાં કોઈ આઉટલેટ નથી અને તે મુખ્યત્વે બાષ્પીભવન દ્વારા પાણી ગુમાવે છે. પાણીની ખારાશનું સ્તર 5% અને 27%ની વચ્ચે વધઘટ થાય છે, જે સમુદ્ર કરતા 2 થી 9 ગણી ખારાશ છે. જ્યારે કચ્છનું સફેદ રણ ચોમાસામાં ભીનું અને શિયાળા-ઉનાળામાં સૂકું હોય છે. જે 26,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરી લે છે, જે ગ્રેટ સોલ્ટ લેક કરતાં મોટો વિસ્તાર છે. કચ્છનું સફેદ રણ દરિયાઈ પાણીનો પ્રવાહ મેળવે છે. કચ્છના સફેદ રણની ખારાશ કરતાં ગ્રેટ સોલ્ટ લેકની ખારાશ વધુ છે. કચ્છનું રણ seasonal – મોસમી છે, તેમાં નાહી શકાતું નથી. ગ્રેટ સોલ્ટ લેક seasonal નથી, કાયમી છે અને તેમાં નાહી શકાય છે અને બોટિંગ થઈ શકે છે. કુદરતી સૌંદર્યની દૃષ્ટિએ ગ્રેટ સોલ્ટ લેક વધુ આકર્ષક છે કેમ કે તે પર્વતોથી ઘેરાયેલ છે.
ગ્રેટ સોલ્ટ લેક અનેક ઉદ્યોગોને ટેકો આપે છે. Morton Salt અને Compass Minerals જેવી કંપનીઓ તળાવમાંથી મીઠું કાઢે છે. આ મીઠાનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે થાય છે, જેમાં રસ્તાઓમાંથી બરફ દૂર કરવા, પાણીને નરમ કરવા અને રાસાયણિક ફીડસ્ટોક તરીકે સમાવેશ થાય છે. તળાવમાંથી મેગ્નેશિયમ ધાતુ કાઢે છે, જેનો ઉપયોગ એલોય અને અન્ય ઔદ્યોગિક એપ્લિકેશનોમાં થાય છે. લિથિયમ મળે છે જે બેટરી ઉત્પાદનમાં વપરાય છે. Sulfate – potash કાઢે છે, જે એક મૂલ્યવાન ખાતર છે.
કચ્છના મીઠાના રણ પર આધારિત ઉદ્યોગ મુખ્યત્વે મીઠાનું ઉત્પાદન કરે છે. ચોમાસા દરમિયાન, કચ્છનું નાનું રણ ખારાં પાણીથી ભરાઈ જાય છે, જે પછી ઓક્ટોબરની આસપાસ ઓસરી જાય છે. અગરિયા તરીકે ઓળખાતા મીઠાના ખેડૂતો કૂવા ખોદે છે અને ખારાં ભૂગર્ભજળને છીછરા ચોરસ ખેતરોમાં પમ્પ કરે છે જ્યાં પાણી કુદરતી રીતે બાષ્પીભવન થાય છે, અને મીઠું મળે છે. દેશના કુલ મીઠાના લગભગ 74% ઉત્પાદન કચ્છમાં થાય છે. કચ્છ રણમાં સલ્ફેટ ઓફ પોટાશ(SOP)નું ઉત્પાદન થાય છે.
ટૂંકમાં, કુદરત પાસેથી માનવી ઘણું ઘણું મેળવે છે. કુદરતનો ઉપયોગ માત્ર માનવીએ કરવાનો નથી, કુદરત સમગ્ર જીવસૃષ્ટિ માટે છે, એટલી સમજ આપણે કેળવવી પડે !
24 જુલાઈ 2015
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર