27 જુલાઈ 2025ના રોજ સવારે 6.30 વાગ્યે અમે આગળના મુકામે Omaha જવા રવાના થયાં. રસ્તામાં ધરતીનું સૌંદર્ય નિહાળવા અમે બપોરે 2.30 Lincoln City – લિંકન સિટી પહોંચ્યા. લિંકન શહેર નેબ્રાસ્કા રાજ્યની રાજધાની છે. જો કે નેબ્રાસ્કા રાજ્યનું સૌથી મોટું અને મુખ્ય શહેર તો ઓમાહા છે.
ઓમાહા, 1854માં, નેબ્રાસ્કા પ્રદેશની પ્રથમ રાજધાની હતી, પરંતુ 1867માં રાજધાની લિંકન શહેરમાં ખસેડવામાં આવી. લિંકન સિટીમાં વિધાનસભાની ઈમારત અને બહારથી જ જોઈ. ભવ્ય ઈમારત છે. આ ઈમારતનો ટાવર 400 ફૂટ (120 મીટર) ઊંચો છે, જે વીસ માઇલ (32 કિલોમીટર) દૂરથી જોઈ શકાય છે. આ ઈમારતમાં નેબ્રાસ્કાના ગવર્નર, નેબ્રાસ્કા સુપ્રીમ કોર્ટ, નેબ્રાસ્કા કોર્ટ ઓફ અપીલ્સ અને નેબ્રાસ્કા વિધાનસભા છે. આ ઈમારત તાજી બની હોય તેવું લાગે પણ તે 1922 થી 1932 દરમિયાન બનેલી છે. કેપિટોલમાં 15 માળ છે.
લિંકન સિટીનો અલપઝલપ આંટો મારી અમે બપોરે 3.30 વાગ્યે ઓમાહા પહોંચ્યા. ચા-પાણી કરી અમે ઓમાહા શહેરમાં લટાર મારવા નીકળ્યા. ઓમાહા મિઝોરી નદીના કિનારે વસેલું છે. રાજધાની ન હોવા છતાં, ઓમાહા વ્યવસાય, નાણાં અને પરિવહન માટેનું એક મુખ્ય કેન્દ્ર છે.
આ શહેરમાં વિવિધ જગ્યાએ કાંસ્ય શિલ્પો, ભીંતચિત્રો દ્વારા ઓમાહાના ઇતિહાસ, સંસ્કૃતિ અને સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ‘Omaha Public Art Displays’ શિલ્પકળાની દૃષ્ટિએ અદ્દભુત છે. કાંસ્યના આ શિલ્પોમાં ચાર અગ્રણી પરિવારો અને તેના ઢંકાયેલા વેગન છે જે ઓમાહાથી પશ્ચિમ તરફ સૂકી ખાડી પર રવાના થઈ રહ્યા છે તે રીતે દર્શાવેલ છે. મૂળનિવાસી મોર્મોન્સ સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો અને તેમને પશ્ચિમમાં ઉટાહ ખસેડવામાં આવ્યા હતા. તે ઘટનાને આ શિલ્પો જીવંત કરે છે. તેમની હિંમત અને ભાવનાને ઉજાગર કરે છે કારણ કે તેઓ અજાણી જગ્યાએ જાય છે અને તેમનાં સપનાં અને આકાંક્ષાઓ સિવાય તેમની સાથે બીજું કંઈ નથી. પશ્ચિમ તરફ મુસાફરી કરતા પરિવારો તેમની સાથે વ્યક્તિગત સંપત્તિ લાવ્યા ન હતા કેમ કે આવી વસ્તુઓ સ્થળાંતર સમયે સાથે લઈ જવી શક્ય નહોતી. મોટા ભાગના લોકો રસ્તા પર ચાલતા હતા, વેગનમાં પુરવઠો અને સાધનો હતાં. મહિલાઓ બાળકો સાથે ચાલતી હતી. 1800ના દાયકાના મધ્યમાં મોર્મોન્સ સમુદાયનું જીવન કેવું હશે, જ્યારે પરિવારો નવી જગ્યાએ નવા જીવનની તક માટે પોતે મૂળ સોતા ઉખડી જતા હતા. આ શિલ્પો એવી રીતે ગોઠવ્યા છે કે મુલાકાતીઓ ચાલતા ચાલતા મોર્મોન્સ સમુદાયના સ્થળાંતરની કલ્પના કરી શકે છે.
ઓમાહામાં વોરેન એડવર્ડ બફેટ (જન્મ 30 ઓગસ્ટ, 1930) રહે છે. તેમની ઉંમર 95 વરસની થઈ છે. તે સાદા ઘરમાં રહે છે અને સાદી કાર વાપરે છે. તે અમેરિકન રોકાણકાર અને દાનવીર છે. જે બર્કશાયર હેથવે નામની હોલ્ડિંગ કંપનીના ચેરમેન અને સી.ઈ.ઓ. છે. તેમની રોકાણ સફળતાનાં પરિણામે, બફેટ વિશ્વના સૌથી જાણીતા રોકાણકારોમાંના એક છે. ફોર્બ્સ અનુસાર, મે 2025 સુધીમાં, બફેટની અંદાજિત નેટવર્થ 160.2 બિલિયન ડોલર હતી, જે તેમને વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ બનાવે છે. તેમની ખાસિયત એ છે કે અદાણી / અંબાણી જેવો કોઈ દેખાડો કરતા નથી, બિલકુલ સાદું જીવન જીવે છે અને વધારે ડોનેશન આપે છે. તેમણે વિવિધ સખાવતી સંસ્થાઓને 60 બિલિયન (રૂપિયા 5,201,542,428,000)થી વધુનું દાન આપ્યું છે. ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
28 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર