આપણી બધી જ સમસ્યાઓનું મૂળ અજ્ઞાનતા છે. ભણેલો અને પીએચ.ડી. થયેલો માણસ પણ અજ્ઞાની હોઈ શકે છે. અજ્ઞાનતા એટલે સમજણનો અભાવ. દુ:ખનું કારણ પણ અજ્ઞાનતા છે. અજ્ઞાનતાને દૂર કરવા શિક્ષણ મહત્ત્વનો ભાગ ભજવે છે. શિક્ષણ પાયાની જરૂરિયાત છે. મારે મન શિક્ષણનું બહુ મોટું મહત્ત્વ છે. આમ તો સારું છે કે લોકો પરદેશ જાય છે. આપણું બુદ્ધિધન બહાર જાય છે, એમ કહેવાય છે. પણ ત્યાં જઈને પણ તેમના હ્રદયમાં ભારત ધબકતું હોય છે. આપણા આઝાદીના લડવૈયાઓ વિદેશમાં ભણ્યા હતા અને દેશની સેવા કરી હતી.

જગદીશ બારોટ
એવું કહેવાય છે કે ગુજરાતીઓને ચોપડી નહીં, પણ ચોપડામાં વધુ રસ હોય છે. ભણવામાં રસ નથી, વેપારમાં વધારે રસ છે. આપણે શિક્ષણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અમેરિકા સમૃદ્ધિમાં / તાકાતમાં આગળ છે, તેનું કારણ શું છે? શિક્ષણ ! અમેરિકા / કેનેડામાં 80% ચર્ચ બંધ છે. 20% ચર્ચ ચાલુ છે તે રવિવારે માત્ર બે કલાક માટે ખૂલે છે. માત્ર વૃદ્ધ લોકો જાય છે. સેવાના કાર્યો કરે છે, ભજન કરતા નથી ! અમેરિકા વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં આગળ છે, તેનું કારણ છે શિક્ષણ.
ભારત અને અમેરિકા / કેનેડાના શિક્ષણ વચ્ચે શું તફાવત છે? ભારતમાં શિક્ષણ પાછળ બજેટના 6% ખર્ચ કરવો તેવી નીતિ નક્કી થઈ છે. પરંતુ 6%ની જગ્યાએ માત્ર 0.6% ખર્ચ કરવામાં આવે છે. અમેરિકામાં મારી દીકરીનો દીકરો 9માં ધોરણમાં ભણે છે, એક વખત હું તેની સ્કૂલ જોવા ગયો. સરકાર એક વિદ્યાર્થી દીઠ 1,200 ડોલરનો ખર્ચ કરે છે. માત્ર 6,000ની વસ્તી છે તેવા ગામમાં શાળા ભવ્ય છે. શાળામાં બહુ મોટા મેદાનો છે. બધી સગવડો છે.
શા માટે આપણા યુવાનો વિદેશ જાય છે? સારું શિક્ષણ મેળવવા. સારી જિંદગી જીવવા. સારી જોબ માટે. આપણે ગૌરવ લઈએ છીએ, અમારી ગીતાએ દુનિયાને કર્મયોગનો સંદેશો આપ્યો. પરંતુ સૌથી વધુ કામચોરી આ દેશમાં થાય છે. કામમાં વેઠ કાઢવી / ગાપચી મારવી એ સામાન્ય છે. વેઠ શબ્દ અમેરિકા / કેનેડામાં નથી. આપણે ત્યાં સરકારી કર્મચારીઓ CL-કેઝ્યુઅલ લીવ રીપોર્ટ મૂકીને ગાપચી મારે છે. ઉપરી અધિકારી તપાસ કરે તો રીપોર્ટ આપવાનો, નહિતર ફાડી નાખવાનો ! ગાપચી પણ અંબાજી યાત્રા માટે મારે છે ! આ કામચોરી માટે આપણી દશા ખરાબ છે. વિદેશમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવી વ્યવસ્થા છે, આપણે ત્યાં ગોખણપટ્ટી છે. પરીક્ષા પાસ કરી એટલે પતી ગ્યું !
મારે બે દોહિત્ર છે. મોટો દોહિત્ર 12 સાયન્સમાં, આખા ઓન્ટારિયો રાજ્યમાં 1થી 10માં આવ્યો, 95% સાથે. મેં એને પૂછ્યું કે ‘હવે આગળ શું કરીશ?’ મને કહે કે ‘દાદાજી હું કોમર્સ લઈશ.’ ત્યાં બાળકોને કોઈ ફોર્સ કરતા નથી. તેણે કોમર્સ લીધું. 24 વર્ષની ઉંમરે તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ગયો. તે હાલ 25માં વર્ષે કંપનીમાં સીનિયર મેનેજર છે. હવે તે થોડા સમયમાં નોકરી છોડી પોતાની ફર્મ ઊભી કરવાનું આયોજન કરે છે. વિદેશમાં કોઈ માબાપ પોતાના બાળકને ફરજ નથી પાડતા કે ડોક્ટર થવાનું છે કે એન્જિનિયર થવાનું છે. ડોક્ટર / એન્જિનિયર કેમ બનાવવા છે? વધારે માલ મલીદા મળે એટલે ! નાનો દોહિત્ર 14 વર્ષનો છે. 10માં ધોરણમાં આવ્યો. મેં એને પૂછ્યું કે ‘ભવિષ્યમાં તું શું થવા ઈચ્છે છે?’ તે કહે : ‘દાદાજી હું મરીન બાયોલોજિસ્ટ થવા માગું છું.’ અહીં 9માં ધોરણમાં ભણતા બાળકને પૂછજો, મરીન બાયોલોજી એટલે શું? એને ખબર નહીં હોય ! આ ત્યાંના બાળકોની સ્વતંત્રતા છે. આ કારણે પણ આપણા વિદ્યાર્થીઓ અમેરિકા જતા હોય છે. ત્યાં 12 ધોરણ સુધી કોઈ ફી નહીં / કોઈ ખર્ચ નહીં / કોઈ ચોપડી લેવાની નહીં / પેન્સિલ નહીં લેવાની / યુનિફોર્મ નહીં. ત્યાંના બાળમંદિરમાં ફાઈવસ્ટાર સગવડો હોય છે. એટલી બાળકોની કાળજી લે છે. એટલી જ સ્વચ્છતાની કાળજી લેવાય છે. કોલેજમાં ફી છે. લગભગ 60% વિદ્યાર્થીઓને સ્કોલરશિપ / ફ્રીશિપ / લોન મળે છે. જેથી તે ભણી શકે. મેં 63 વર્ષે સેફ્ટી એન્જિનિયરિંગ કર્યું. ત્યારે મને કોલેજે પૂછેલ કે તમારે ફ્રીશિપ જોઈએ છે? હું ત્યારે કમાતો ન હતો. મેં ફોર્મ ભર્યું. મેં ત્યારે 2,200 ડોલર ભરેલાં. વરસ પૂરું થયું એટલે કોલેજે મને 2,600 ડોલરનો ચેક આપ્યો. મેં કહ્યું કે ‘મેં તો 2,200 ડોલર આપ્યા હતા, 2,600 નહીં.’ મને જવાબ મળ્યો કે ‘200 ડોલર બસ પાસના છે અને 200 ડોલર અન્ય ખર્ચના છે !’ હું તો ત્યાંનો નાગરિક પણ ન હતો છતાં આ સવલત મને મળી હતી.
ત્યાં એક સારી બાબત એ છે કે કોલેજમાં ભણવાની સાથે 16 વરસ પછી જોબ પણ મળે, એમાં એનો ખર્ચો નીકળી જાય. જોબની વ્યવસ્થા પણ કોલેજ કરી આપે. ઉત્તમ શિક્ષણ અમેરિકા / કેનેડામાં મળે છે. દુનિયાની 10 શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં અમેરિકાની 6 છે અને ઇંગ્લેન્ડની 4 છે. ભારતની 1થી 350માં એક પણ યુનિવર્સિટી નથી ! આપણે વિશ્વગુરુનો ડોળ કરીએ છીએ ! કોઈ ડંકો વાગતો નથી ! ત્યાં બેસ્ટ શિક્ષણ મળે છે, ક્રિએટિવ થીંકિંગ મળે છે. ત્યાં વાર્ષિક પરીક્ષા હોતી નથી, બાળકોનું દર પંદર દિવસે એસેસમેન્ટ થાય. એટલે ગોખણપટ્ટી પણ નહીં. એક વખત, અમારે ત્યાં એક સંપ્રદાયના પ્રચારક આવ્યા. તેણે મારા ચાર વર્ષના દોહિત્રને પૂછ્યું કે ‘રાવણની પત્નીનું નામ શું હતું?’ મેં કહ્યું કે ‘એ રહેવા દો. કેનેડાની કોઈ પરીક્ષામાં રાવણની પત્નીનું નામ નહીં પૂછાય. પરંતુ ધર્મ અને રાજકારણ સિવાય કોઈ પણ વિષયના પ્રશ્નો પૂછો તે જવાબ આપશે.’ પ્રચારકે ચાર પ્રશ્નો પૂછ્યા, તેના જવાબો બરાબર આપ્યા. મેં કેનેડાની કોલેજમાં 11 વરસ સુધી ભણાવ્યું. મેં કદી કોઈ છોકરાંને છોકરીની ગંદી હરકત કરતો જોયો નથી. ત્યાં સમૃદ્ધિ છે તેથી દૂષણો પણ છે. પરંતુ મેં રોડ પર લથડિયાં ખાતો કે કોઈના ગજવામાં હાથ નાખતો કોઈને નથી જોયો. એ લોકો શિસ્તમાં માને છે, રીસ્પેક્ટમાં માને છે. મારા ક્લાસમાં કોઈ છોકરી કે છોકરો લેઈટ આવ્યો નથી. એક વખત પરીક્ષામાં, મને એક છોકરીએ પૂછી લીધું કે ‘સર, આ ચેપ્ટર તમે ચલાવ્યું ત્યારે હું બીમાર હતી. મને આ પ્રશ્ન સમજાતો નથી.’ એટલે મેં એને ચેપ્ટરની સમજણ આપી, જેમાં પ્રશ્નનો જવાબ વણી લીધો હતો. પરંતુ એ છોકરીએ જવાબ લખ્યો જ નહીં ! મેં એને પૂછ્યું કે ‘તેં જવાબ કેમ લખ્યો નહીં?’ ત્યારે એ છોકરીએ કહ્યું કે ‘સર, મને આપે સમજ કરી. પણ તે પહેલાં મને જવાબ આવડતો ન હતો એટલે મેં લખ્યો નથી !’ આ ઓનેસ્ટિ છે !
ત્યાં બાળકો કોઈ દિવસ જૂઠું ન બોલે. કદી મંદિરે જતા નથી, કદી ગીતાપાઠ કરતા નથી ! ભાગવત વાંચતાં નથી ! અહીં ગલીએ ગલીએ પારાયણો થાય છે. છતાં આપણે જૂઠું બોલીએ છીએ અને બહાદુરી સમજીએ છીએ કે મેં કેવો ઉલ્લુ બનાવ્યો ! કદી કોઈ બાળક જૂઠું ન બોલે. ત્યાં કોઈ સોગંદ ન ખાય. સોગંદ તો જૂઠ્ઠો માણસ ખાય ! સાચો માણસ સોગંદ ન ખાય. આ શિસ્ત છે ત્યાંની, એટલે એ લોકો દુનિયાની ટોચ પર છે. કોઈ દેશ તેની ભવ્ય સંસ્કૃતિથી મહાન નથી બનતો, ભવ્ય ઈમારતોથી મહાન નથી બનતો, ભવ્ય મંદિરથી મહાન નથી બનતો. દેશ મહાન બને છે માત્રને માત્ર શિક્ષણ અને શિસ્તબદ્ધ નાગરિકોથી ! અમેરિકા / કેનેડા / યુરોપના લોકો મહાન એટલે છે કે તે બહુ શિસ્તબદ્ધ છે. ન્યૂસન્સ વેલ્યુ નહીં, નહીં અને નહીં. એક વખત હું કોલેજમાં ભણાવવા જતો હતો અને બસમાં મારો મોબાઈલ સીટમાં ભૂલી ગયો. સાંજે પરત ફર્યો ત્યારે અનાયાસ સવાર વાળી બસ મળી. હું સવારે જે સીટમાં બેઠો હતો ત્યાં ગયો તો ત્યાં મોબાઈલ પડ્યો હતો ! કેટલાં ય લોકો આ સીટ પર બેઠાં હશે ! એક વખત શુક્રવારે, હું રેલવે સ્ટેશને મહેમાન લેવા ગયો. વરસાદની શક્યતા હતી તેથી છત્રી લીધી હતી. મહેમાન આવ્યા અને હું હરખમાંને હરખમાં છત્રી બાંકડા પર ભૂલી ગયો. સોમવારે વરસાદ આવ્યો ત્યારે છત્રી યાદ આવી. ચોથે દિવસે હું એ બાંકડા પર ગયો, છત્રી ત્યાં પડી હતી ! આટલી ઓનેસ્ટિ છે ત્યાં. એટલે તે લોકો મહાન છે. ટીલાંટપકાં કરવાથી મહાન નથી થવાતું !
કેનેડામાં વોર્ડ વાઈઝ સરકારી સમૃદ્ધ લાઈબ્રેરી છે. ત્યાં કોમ્પ્યુટર છે. વિદ્યાર્થીને એક સાથે 15 પુસ્તકો આપવામાં આવે છે. કોઈ પણ અખબારની પ્રિન્ટ આઉટ મળે. આપણે ત્યાં નવા મકાનો બને તો મંદિર કેટલું નજીક છે તેનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે. પણ કોઈ જગ્યાએ લાઈબ્રેરી નજીક છે તેવો ઉલ્લેખ જોવા નહીં મળે. આપણે ત્યાં વિદ્વાન પ્રોફેસર બાબુ સુથાર અને હેમંતકુમાર શાહના વ્યાખ્યાન માટે ફાળવેલ હોલ પણ કેન્સલ કરવામાં આવે છે. અમેરિકા / કેનેડામાં આવું કદી ન બને. ત્યાં તો સામેથી વિદ્વાનોને બોલાવે. હું ભણવા ગયો હતો અને મને પ્રાધ્યાપક બનાવી દીધો ! આવો ચમત્કાર ત્યાં બને !
[સૌજન્ય : જગદીશ બારોટ, પર્યાવરણ વૈજ્ઞાનિક, કેનેડા, 8 ડિસેમ્બર 2024, સુરત]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
 




