નીલપર ખાતે ચિરંતન ગાંધીવિદ્યા કેન્દ્ર દ્વારા આયોજિત ત્રિદિવસીય યુવા શિબિરમાં ભાગ લઈ અમે કોલેજ પહોંચ્યા. કૉલેજમાં વિવિધ ડેઝની ઉજવણી ચાલી રહી હતી. આજે ગ્રુપ ડે હતો ને બધા મિત્રો એની તૈયારીઓમાં લાગેલાં હતાં. આગળના બે દિવસના ડેકોરેશનનાં કારણે થોડો કચરો આસપાસ ઊડી રહ્યો હતો. હું ફ્રી હતો એટલે મેં એ કચરો ઉપાડવાનું શરૂ કર્યું. તૈયારી કરતા એક બે મિત્રો મારી સાથે મને કે કમને જોડાયા. ત્યાં તો મિત્ર ઓમનું ધ્યાન ગયું. તે તરત અમારી સાથે જોડાઈ ગયા. શિબિરમાં સાથે આવેલાં નંદની અને પ્રિયંકાએ આ કામ થતું જોયું તો તેઓ પણ જોડાઈ ગયાં.
મારા મનમાં કાયમ એટલું સ્પષ્ટ હોય છે કે આવા કામ સંદર્ભે કોઈને સૂચના ન આપવી, સ્વયં કરવા લાગવું, કોઈને મન થાય ને જોડાય તો ભલે નહિતર હરિ હરિ … આપણે તો એનો આનંદ જ લેવા કરતા હોઈએ છીએ. ધીરે ધીરે માનસી, આજ્ઞા, માહિનૂર, ક્રિષ્ના આદિ પણ જોડાતાં ગયાં. વિદ્યાર્થી ભાઈઓ જ્યાં સમૂહમાં બેઠેલા ત્યાં કચરો વિણતી વખતે ખાસ ધ્યાન રાખ્યું કે કોઈ સાથે આંખ ન મળે.. આંખ મળે તો એમને શરમ આવે ને તેઓ કમને પણ જોડાય. અમે એવું ન્હોતા ઇચ્છતા. કાર્યક્રમ માટે સરસ તૈયાર થઈને આવેલા વિદ્યાર્થી મિત્રો ત્યાંથી ચુપચાપ સરકી ગયા. પણ શિબિરમાં જોડાયેલા મિત્રોએ તો ત્યાં શ્રમદાન કરેલું, શ્રમનું મૂલ્ય સમજ્યા હતા ને જાહેરમાં કામ કરવાનો તેમનો છોછ દૂર થઈ ગયેલો. ત્રણ દિવસની શિબિરનો આ જાદુ જોઈ હું હરખાઈ રહ્યો હતો. બાજુની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પણ અમને બધાને કુતૂહલની નજરે જોઈ રહ્યાં હતાં. એમણે બારીમાંથી ફેંકેલો કચરો અમારા બાળકો હોંશે હોંશે વીણી રહ્યાં હતાં. હજુ તેઓ કચરો નાખશે જ એ અમે જાણતા હતા, પણ મુન્નાભાઈની ગાંધીગીરીથી અમે રોજ એ ઉપાડી લઈશું, ક્યારેક તો એમને કચરો ફેંકતા સંકોચ થશે ! ને ન થાય તો ય શું ? અમારા સફાઈમાં મદદ કરનાર બહેન સોનાબહેન પણ આ બધું જોઈ સ્તબ્ધ થઈ ગયેલાં.
આખા પરિસરમાં ફરી ફરીને નાનામાં નાની ચબરખી પણ વિદ્યાર્થીઓએ ઉપાડી લીધી. ક્યાં ય પણ કચરાનું નામ-નિશાન ન રહ્યું ને એમ કરતાં બહુ વાર પણ ન લાગી. વાનરસેના જે કામ હાથમાં લે પછી મૂકે ખરી ? કૉલેજના પ્રવેશદ્વાર પાસે સફાઈ કરતા યુવાનોને સામેની દુકાનોમાં બેઠેલા લોકો ને રસ્તે જતાં લોકો આશ્ચર્યભરી નજરે જોઈ રહ્યાં હતાં. શરમ તો ખરાબ કે ખોટું કામ કરવામાં આવે, આ તો સફાઈનું કામ હતું, એમાં શી શરમ ?
કચરો વીણાઈ રહ્યો હતો ત્યારે બે મિત્રો હાર્દિક અને કલ્પેશ પૂછવા આવ્યા કે, ‘સાહેબ ! અમે કાંઈ મદદ કરીએ ? મેં કહ્યું, ‘મદદ કરવી જ હોય તો મેદાનમાં અહીં તહીં પડેલ નાના નાના પથ્થર વીણી લો ..’ બંને મિત્રોએ ખુશી ખુશી એ કામ કર્યું. કૉલેજનું પરિસર એટલું ચોખ્ખું-ચણાક થઈ ગયું કે અચાનક આવેલા મહેમાનોનું પણ એ તરફ ધ્યાન ગયું ને એમણે પણ રાજીપો વ્યક્ત કર્યો.
વધુ મજા એ વાતની આવી કે કોઈએ પ્રદર્શન માટે ફોટા ન પડાવ્યા, મેં શિબિરમાં જોડાયેલાં મિત્રો કેવું સરસ શ્રમકાર્ય કરે છે એ નકુલભાઈ અને જ્હોનભાઈને જણાવવા એક ફોટો પાડ્યો તે જ બસ ! બધું કામ પૂર્ણ કરી, હાથ-મોં ધોઈ અમે આનંદભેર કાર્યક્રમમાં ભળવા જતા હતા ત્યારે મેં સૌનો આભાર માન્યો, તો બધા એક સામટું બોલી ઉઠ્યા, ‘સાહેબ, એમાં આભાર શું હોય ? આપણે શિબિરમાં શીખ્યા હતા ને કે સમાજકાર્ય એ તો આપણો ધર્મ છે, આ તો આપણી જ કૉલેજ જ છે, એને સાફ રાખવી તો આપણો ધર્મ જ કહેવાય ને !!!’
કોલેજનું પરિસર ચોખ્ખું થયું એનો તો આનંદ હતો જ પણ એથીયે વધુ આનંદ હતો વિદ્યાર્થીઓનું અંતર ઊજળું થયું એનો !!!
e.mail : ramjanhasaniya@gmail.com
![]()



ઘરેથી કહી રાખ્યું હોય કે કોઈને વાંસો આવે તો વાળ ખોલી નાખવા. માએ કરેલી ભોઈમાની કેવી કેવી અદ્દભુત વાતો અત્યારે યાદ આવે છે. ખેર બાળકોને તો સૌથી વધુ રસ પ્રસાદમાં હોય. થાળ પણ અમે જ ગાઈએ ને પ્રસાદ પણ અમે જ વહેંચીએ. કોઈ ટેપ કે કેસેટ તો હોય નહીં , ગરબા અમારે જ ગાવાના. કેટલા ગરબા યાદ હતા એની યાદી બહુ લાંબી થાય. અમે બે ત્રણ જણ ગાઈએ ને બાકીના ઝીલાવે. ડોસીમાઓ સાથે બેઠા ગરબા ગાઈએ ને પછી વગર ઢોલે કેવળ તાળીઓના તાલે ગરબા પણ રમીએ. ‘અંબા અભય પદદાયિની રે ..’ મારો પ્રિયમાં પ્રિય ગરબો. બાલમંદિરના એક બહેન બહુ મધુર કંઠે ગરબા ગાતાં. એમની પાસેથી એ ગરબો સાંભળી સાંભળીને હું શીખેલો. એમાં ‘અંબા હિંડોળેથી ઉતર્યા રે, સિંહે થયા અસવાર ભીડભંજની, ‘હેમ હિંડોળે હિંચકે રે,’ ‘ભક્ત કરે છે પોકાર’, આ બધું આંખ સામે દેખાય. માતાજી જે રીતે ભક્તને ઉગારે એ સાંભળી, જોઈ આંખ ભીંની થાય. પીરાનપીરની વાર્તામાં પણ તેઓ વહાણ ઉગારી કિનારે લાવતા. માતાજી ને પીરાનપીર કોઈ જુદા તત્ત્વો છે એવું ક્યારે ય યાદે નહોતું આવતું, આજે ય નથી આવતું.