ગુજરાતી ભાષામાં એક કહેવત છે : ‘સો નૂર આદમી, હજાર નૂર કપડાં’. આગળ વધીને કહી શકાય કે ‘લાખ નૂર નખરાં, કરોડ નૂર ભાષ’. એ અર્થમાં ‘ભાષ’ એટલે બોલવું, જે બોલાય છે તે ભાષા, ભાષા જ સંસ્કૃતિનિર્માણનું કાર્ય કરે છે. દરેક મનુષ્યનાં વિચાર અને તેની અભિવ્યક્તિઓ તેના ગૌરવપૂર્ણ વ્યક્તિત્વને પ્રગટ કરે છે.
અંગ્રેજ રાજ્યની સ્થાપના બાદ પ્રથમ વાર ભારતમાં શિક્ષણ સર્વજન સુલભ બન્યું છે, તેમ જ સ્વતંત્ર ભારતમાં ભાષાવાર રાજ્ય રચનાના સિદ્ધાંત દ્વારા બંધારણમાં ગુજરાતી ભાષાને પાંચમા ક્રમે બંધારણીય દરજ્જો આપીને ગુજરાતી સમાજને આગવું ગૌરવ બક્ષ્યું છે, તે માતૃભાષાના મહિમાને અનન્યતા બક્ષી છે. ગુજરાતી ભાષક સમાજ વિશ્વના અનેક દેશોનાં મહાનગરો અને ઉપનગરોમાં એક સાહસિક અને ઉદ્યમી પ્રજા તરીકે કાયમી વસવાટ કરીને ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ – પોતાની સંસ્કૃતિ નિર્માણ કરી છે, તો ગુજરાતી ભાષા અને સાહિત્યના ક્ષેત્રનું ઐતિહાસિક વિહંગાવલોકન કરીએ, તો જ્ઞાનસર્વજ્ઞ મહામુનિ હેમચંદ્રાચાર્યજીના દુહાઓમાં જૂની ગુજરાતીનું બીજારોપણ પ્રારંભ જોઈ શકાય છે. ત્યાર બાદ અનેક જૈન મહામુનિઓએ અનેક પ્રશિષ્ટ કૃતિઓનું સર્જન કર્યું છે. વળી, નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષા દ્વારા અધ્યાત્મનું આભ આંબી દીધું છે, મીરાંબાઈએ નારીજીવનનું આગવું ભાવજગત રચ્યું છે, તેમની પ્રેમનગરીમાં કદાચ, વિશ્વ સાહિત્યમાં નોંધપાત્ર છે. તેમ જ વીર નર્મદથી માંડીને સુરેશ જોશી સુધીના અનેક સર્જકોએ તેમ જ દલિત-શોષિત – બહુજન સમાજના સાહિત્ય સર્જકોએ તથા નારીજગત ક્ષેત્રે આગવો સ્વતંત્ર અવાજ નારીવાદી સાહિત્યે ગુજરાતી ભાષા અને સાહિત્યને અનન્યતા બક્ષી છે.
બીજી તરફ, ગુજરાત પ્રદેશમાં મૉન્ટેસોરી, પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીનું માધ્યમ પણ ગુજરાતી ભાષા છે, પરંતુ, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સમાજ પર પશ્ચિમી જગતના ભૌતિકવાદનું મૂલ્ય વિનાશક – આક્રમણ થયું છે. આજે ૨૧મી સદીમાં ગુજરાતી સમાજ ખરેખર, પોતાની પ્રજ્ઞાબુદ્ધિ ગુમાવીને જન્મદાતા માતાપિતાને પોતાના જીવનમાં અંતિમ વિસામા સમા ઘરમાંથી ધક્કા મારીને ઘરડાંઘરોમાં મોકલતો થયો છે, તેવી જ રીતે અંગ્રેજી ભાષા તરફથી આંધળી દોટને કારણે અંગ્રેજી પ્રભુત્વવાળી ‘ગુજરેજી’ (ગુજરાતી + અંગ્રેજી) તથા ‘હિંગ્લિશ’ (હિન્દી + ઇંગ્લિશ) બોલતો થયો છે. કદાચ, ૨૧મી સદીના અન્ત ભાગ ૫૦૦ વર્ષ પૂર્વેની – પ્રેમાનંદપૂર્વેની ગુજરાતી ભાષાની ‘શુંશા પૈસા ચાર’ સ્થિતિ આધુનિક ગુજરાતી સમાજ નિર્માણ કરી રહ્યો છે. ખાસ, વિજ્ઞાન, વાણિજ્ય પ્રવાહોના પ્રભાવના ષડ્યંત્રને નામે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાંથી વિનિયન પ્રવાહોના વર્ગો બંધ કરી રહ્યો છે. રાજ્ય સરકારમાં બેઠેલા કહેવાતા નેતાઓ અને પ્રધાનો ‘ગ્રાન્ટ ઇન એઇડ’ની સંસ્થાઓમાંથી મુક્ત થવા માટે સતત સેલ્ફ- ફાઇનાન્સની સંસ્થાઓ ખોલીને શિક્ષણ મૂડીવાદીઓની દાસી બની રહે તેવાં ષડ્યંત્રો કરી રહ્યાં છે. વિશ્વના અનેક દેશોમાંથી વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણને દેશવટો અપાઈ રહ્યો છે, ત્યારે ફરી સરકારીકરણ તરફનો ઝોક વધી રહ્યો છે, ત્યારે ૨૧મી સદીના અંત ભાગે છેલ્લો ગુજરાતી ભાષક ન બની રહે તે જોવાની જવાબદારી સમગ્ર છ કરોડ ગુજરાતી સમાજની છે. ખાસ, માતૃભાષામાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ અપાય તથા ઉચ્ચ શિક્ષણના હેતુઓ સ્પષ્ટ કરવા અનિવાર્ય છે. તે નીચે પ્રમાણે છે :
૧. પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ માતૃભાષામાં જ અપાતું હોઈ બાળકનાં શ્રવણ, વાંચન, લેખન બોલવાનાં કૌશલ વિકસે છે, માતૃભાષામાં ઉચ્ચ શિક્ષણ અને પ્રશિક્ષણનો પ્રમુખ હેતુ ભાષામાં ભાષાકીય દૃષ્ટિએ યુવાનો સ્પષ્ટ વાંચન, લેખન તથા અભિવ્યક્તિકલાને શીખે, જાણે અને માનવજીવનની ભાષા – અભિવ્યક્તિની અવનવી તરાહોને સમજે, મનુષ્યનાં મન-હૃદયની ભાષાની સાત મહેલ જેવી ઊંચાઈઓ તથા સમુદ્ર જેવી ગહનતાને પામે તેમ જ શબ્દના વાચ્યાર્થ, વ્યંગ્યાર્થ, લક્ષણાર્થ, બોધાર્થ તથા નેથાર્થને જાણે તેમ જ અનુસરે તથા મૂલ્યનિષ્ઠાને અનુસરે, તે રીતે પણ સાહિત્યનો મર્મ સમજે. માનવજીવનનાં રહસ્યોને પણ પામે.
૨. ભાષા અને સાહિત્યનો વિદ્યાર્થી સ્નાતક કક્ષાએ પ્રથમ સિમેસ્ટરથી છઠ્ઠા સિમેસ્ટેર સુધી તથા અનુસ્નાતક કક્ષાએ પ્રથમ સિમેસ્ટરથી ચોથા સિમેસ્ટર સુધી કલા અને સાહિત્યપદાર્થ વિશે વ્યક્તિગત રીતે સ્વતંત્ર રીતે ચિંતન-મનન કરતો થાય, સવિશેષ સાહિત્યકલાની સમજણ દ્વારા પોતાનામાં પૃથક્કરણ અને સંયોજનશક્તિનું કૌશલ ખીલવે, તેમ જ પોતાની સર્જનાત્મક અભિવ્યક્તિ ખીલવે, તેમ જ ઉત્તમ લેખનકલા તરફ – લેખનકાર્ય તરફ પ્રેરાય, તે પણ માતૃભાષામાં શિક્ષણનો એક નોંધપાત્ર હેતુ છે.
૩. ગુજરાતી ભાષા સાહિત્યનો ખરેખર અભ્યાસુ વિદ્યાર્થી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન તથા જૈનેતર સાહિત્યની ઉત્તમ ૧૦ જેટલી કૃતિઓનો શબ્દશઃ અભ્યાસ કરે, તેમ જ જૈન તથા હિન્દુ સાહિત્યની ઉત્કૃષ્ટ કૃતિઓના અધ્યયન દ્વારા ગુજરાતી ભાષાની આધ્યાત્મિક ઊંચાઈ, મૂલ્યોની ગહનતા, મધ્યકાલીન ગુજરાતી સંસ્કૃતિ અને પ્રજામાનસને પામે, ઇસ્લામધર્મના સૂફીવાદના ભારતીય સંસ્કૃતિ પર પડેલા પ્રભાવને જાણે-સમજે, તેમ જ સમન્વયાત્મક ભારતીય સંસ્કૃતિની આદર્શ પ્રેરણાને પામે – અનુસરે. ખાસ, જૈન સાહિત્યની ઉત્તમ પ્રભાવક કૃતિઓનું પ્રકરણ ઉમેરાય તેમ જ પ્રાચીન / મધ્યકાલીન સાહિત્યના સંશોધન-સંપાદનની ભૂમિકારૂપ સમજણ અપાય તે જરૂરી છે.
૪. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારક યુગમાં કવિશ્વર દલપતરામ તથા વીર નર્મદની ભારતીયપણાનાં મૂલ્યોની ખોજ, પંડિતયુગમાં ગોવર્ધનરામ ત્રિપાઠીનો અર્વાચીન પૂર્વ-અર્વાચીન પશ્ચિમ તથા પ્રાચીન ભારતીય અને તેમાંનું વૈદિક/જૈન/ બૌદ્ધ દર્શનમાં શાશ્વત માનવીય મૂલ્યોનું દર્શન તથા પંડિતયુગ, ગાંધી યુગ અને અનુગાંધીયુગ પર ગૌતમ બુદ્ધની વિચારધારાનો પદ્ય-ગદ્યસાહિત્ય પર પ્રભાવ વિદ્યાર્થીઓ જાણે, પ્રમાણે, અનુભવે. સવિશેષ ભારતીય જીવનદર્શનના વિશ્વના પચાસ જેટલા દેશો પર પડેલા પ્રભાવથી સુમાહિતગાર થાય. કૃતિલક્ષી પરિચય પણ થાય.
૫. આધુનિકતાવાદ તથા સાહિત્યિક વિચારધારાઓના કૃતિલક્ષી પ્રભાવથી વિદ્યાર્થીઓ સુમાહિતગાર થાય. પૂર્વ-પશ્ચિમની ઉત્તમ કૃતિઓના તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે, તેમ જ વિદ્યાર્થી પાસે કરાવવામાં આવે.
૬. ગુજરાતી દલિત સાહિત્યમાં વિશેષ કવિતા, નવલિકા, નવલકથા, નાટક – એકાંકીની કૃતિઓને અભ્યાસક્રમમાં મૂકવામાં આવે, તેમ જ સવર્ણ-અવર્ણ હિન્દુ સમાજ વચ્ચે માનવીય મૂલ્યો દ્વારા સહૃદયતાથી જોડાય, તે જરૂરી છે, જેથી જ્ઞાતિ / જાતિ / વર્ણ / ધર્મવિહીન માનવતા આધારિત ભારતીય સમાજનું નિર્માણ થાય, જે કલા અને સાહિત્ય જ સંવેદનશીલતાથી મનુષ્ય-મનુષ્યને જોડી શકાશે.
૭. વીસમી સદીના અંત ભાગે નારીવાદી સાહિત્યનાં વલણોમાં ઉત્તમ કાવ્યકૃતિઓ, વાર્તાસંગ્રહો અને નવલકથાઓને સ્નાતક / અનુસ્નાતક કક્ષાએ મૂકાય, જેથી સમાનતા-સમતાયુક્ત સમાજના નિર્માણમાં નારીનો એક વ્યક્તિ તરીકે સ્વીકાર થાય.
વળી, સ્નાતક, અનુસ્નાતક, સંશોધન ક્ષેત્રે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, અર્વાચીન ગુજરાતી સાહિત્ય, આધુનિક ગુજરાતી સાહિત્ય, ગુજરાતી દલિત સાહિત્ય, ગુજરાતી નારીવાદી સાહિત્ય, ભારતીય અન્ય પ્રાદેશિક ભાષાની અર્વાચીન સાહિત્ય તથા એશિયાખંડના દેશોનો સાહિત્યની ઉત્તમ કૃતિઓ તથા પશ્ચિમી ગ્રીક, રોમન, વિયેટનામ, અમેરિકા, ઇગ્લૅંન્ડ, જાપાન તથા અન્ય ઉત્તમ સાહિત્યની ઇનામી કૃતિઓ, બ્લૅક લિટરેચર, નિગ્રો લિટરેચર જેવી વૈશ્વિક સાહિત્યની ઉત્તમ કૃતિઓને ગુજરાતી અભ્યાસક્રમમાં પ્રાધાન્ય મળે. જે, ખરેખર વૈશ્વિકીકરણની સાચી ભૂમિકા નિર્માણ કરશે. સાહિત્ય અને માનવવિદ્યાશાખાનો ચિંતનપ્રધાન – મૂલ્યસભર વિદ્યાર્થી જ ભાવિ માનવતાપ્રધાન સમાજરચનાની પાયાની ઈંટ બનશે; તેમ જ માતૃભાષામાં શિક્ષણ તેવા બહુઆયામી વ્યક્તિત્વવાળા વિદ્યાર્થીઓ સાચા અર્થમાં તૈયાર કરશે. શુદ્ધ અને સત્ય પર આધારિત તર્કયુક્ત ઉત્તમ વિચારપ્રધાન વ્યક્તિત્વો જ ભારત રાષ્ટ્રનું નિર્માણ કરશે, તેમ જ રાષ્ટ્રભાષા તરીકે હિન્દી તથા અર્વાચીન – આધુનિક જ્ઞાન – માહિતીની ભાષા તરીકે અંગ્રેજી – તેમ ત્રણેય ભાષા લખી વાંચી, બોલી શકે, તેટલી ક્ષમતા દરેક વિદ્યાર્થીએ પોતાનામાં આત્મવિશ્વાસ સાથે દૃઢ કરવી પડશે. તે માટે અધ્યાપકે પણ વિદ્યાર્થીનિર્માણ માટે વધુ ને વધુ જ્ઞાનસજ્જ થવું જ પડશે.
આવો! જનની, જન્મભૂમિ જેટલો જ મહિમા આપણને નવો જન્મ આપતી આપણી માતૃભાષા ગુજરાતીનો કરીએ, શું છ કરોડ ગુજરાતીઓ આ સરકારના કર્ણદ્વાર સુધી ગુજરાતી ભાષાના ગૌરવની વાત પહોંચાડશે ?
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 144 – વર્ષ 13 – નવેમ્બર 2019; પૃ. 18-20