બાઇબલમાં કહેવાયું છે કે, કેવળ એક પાપી પોતાના દોષ માટે પશ્ચાત્તાપ કરે તો પણ, સ્વર્ગમાં આનંદ-આનંદ વ્યાપી રહેશે. વિ.હિ.પ.ને કદાચ આ લાગુ નહિ પડે, પરંતુ આનંદના સમાચાર એવા છે કે વિહિપે પશ્ચાત્તાપ કરવા માંડ્યો છે. એને છેવટે ભાન લાધ્યું છે કે, જો દલિતો સનાતન ધર્મ છોડીને અન્ય સમતાવાદી ધર્મોમાં જતા રહેતા હોય તો, તેની પાછળનું એક માત્ર કારણ હિંદુધર્મમાં રહેલી અસ્પૃશ્યતા છે. જે ઘરમાં પાછા આવવાનું આમંત્રણ આપવામાં આવે છે, તેમાં તેને માણસ તરીકે ના ગણતા હોય તો ‘ઘરવાપસી’ની કોઈને જરૂર પડે ખરી?
ઘણા બધા દલિતોએ હિંદુધર્મ છોડી દીધો છે તેની કોઈને નવાઈ ના લાગવી જોઈએ. નવાઈ તો એની લાગવી જોઈએ કે હજી સુધી આટલા બધા દલિતો હિંદુ ધર્મને કેમ વળગી રહ્યા છે? હિંદુ રાષ્ટ્રવાદીઓમાં એક બાબતે હજી ગોટાળો પ્રવર્તે છે. આપણને વારંવાર એવું કહેવામાં આવે છે કે, હિંદુધર્મ તો ઘણો સહિષ્ણુ હોઈ સેક્યુલર વિચારસરણી તેની નસેનસમાં વહે છે. એટલે તો હિંદુ ભારત અને સેક્યુલર ભારત વચ્ચે કશીયે ભેદરેખા દોરી ન શકાય.પરંતુ, વાસ્તવમાં હિંદુધર્મની ઉક્ત સહિષ્ણુતા તો એક મોટો ભ્રમ છે; સત્યથી ઘણી વેગળી છે.
હા, હિંદુધર્મ કદાચ સહિષ્ણુ હશે પણ હિંદુ સમાજ તો અસહિષ્ણુ અને અસમતાવાદી છે. ભલેને અદ્વૈતનું આપણે ગૌરવ લેતા હોઈએ પરંતુ, એક તરફ શૂદ્રો તથા અતિ શૂદ્રો પ્રત્યે ધિક્કાર અને બીજી તરફ બ્રહ્મ (ઈશ્વર) હરેક જીવમાં વસે છે, એવી આપણી ધાર્મિક માન્યતા; ઉભય વચ્ચે કેમનો મેળ ખાય તે સમજાતું નથી! હિંદુ સમાજ તેના બહુ મોટા સમૂહ સાથે ક્રૂર વર્તન કરે છે. ભગવદ્દગીતાનું વલણ પણ એવું છે. એમાં પણ આ પૂર્વગ્રહ દ્રષ્ટિગોચર થાય છે. દા.ત., સવર્ણોમાં વસતા ગુણો અને અવર્ણોમાં રહેલા ગુણોનો ઉલ્લેખ અને બંને વચ્ચે સરખામણી. આપણા વિદ્વત્તાસભર, ઉત્કૃષ્ટ કોટિના વેદો તથા ઉપનિષદો દ્વારા પીરસવામાં આવતી આધ્યાત્મિકતા કે જેનાં વખાણ કરતાં આપણે થાકતા નથી, તેમાં પણ દલિતો અને ખાસ તો દલિત મહિલાઓ પ્રત્યેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, તેનું બયાન સૂગ ઉપજાવે તેવું છે. એમની સાથેનો વ્યવહાર સદા ય ઘૃણાજનક રહ્યો છે. દલિત મહિલાઓને આપણે હંમેશ ઉપભોગની ચીજો જ ગણી છે; ગરિમાવંત મનુષ્યો નહિ. શૂદ્રો પ્રતિ પણ એવો જ વ્યવહાર રહ્યો છે. ભારતમાં ખુદ દેશવાસીઓનો બહુ મોટો હિસ્સો હંમેશ માટે ઉપેક્ષિત રહ્યો છે; તેમની ભારે અવગણના કરી છે. તેમને બંધુ-ભગિની ગણ્યાં નથી.
હિંદુત્વ વિચારધારાનો પ્રચાર બહુધા બહુમતીએ અને તેમાંયે ખાસ તો બ્રાહ્મણોએ કર્યો છે. જેમને નીચલી જાતિઓ ગણવામાં આવે છે તેઓ હિંદુ માઇથોલૉજી અને ફિલસૂફી વિશે શું વિચારે છે તથા કેવી માન્યતા ધરાવે છે, તેની ક્યારે ય ચર્ચા કરવામાં આવી નથી. જ્યોતિબા ફુલે જેવા આધુનિક વિચારસરણી ધરાવતા ચિંતકે કડક શબ્દોમાં બ્રાહ્મણવાદી વિચારધારા વિરુદ્ધ લખ્યું છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે તો બ્રાહ્મણવાદી વિચારસરણીની ટીકા કરતાં લખાણો સતત લખ્યાં છે. એમનું ‘ક્રિટિક ઑફ ભગવદ્દગીતા’ વાંચો તો આ વિચારસરણી અછૂતો પ્રતિ કેવું વલણ ધરાવે છે ને તેમને કેવા માને છે, તેનો ખ્યાલ આવશે. બાબાસાહેબે તેમના સમગ્ર જીવન દરમિયાન એનો વિરોધ કર્યો ને છેવટે જ્યારે તે હિંદુઓને આ બાબતે સભાન કરવામાં સફળ ના જ થયા, ત્યારે તેમણે હિંદુધર્મનો ત્યાગ કર્યો અને સમતાવાદી બૌદ્ધધર્મ અપનાવ્યો.
ગાંધીજીએ તો હિંદુઓને ‘અસ્પૃશ્યતા હિંદુધર્મનું કલંક છે’ એવું કહ્યું તથા તેની ભ્રષ્ટતા કેટલી ભયંકર છે, તે હિંદુઓને ગળે ઉતારવા ભગીરથ પ્રયાસો પણ કર્યા હતા. ડૉ. આંબેડકર અસ્પૃશ્યોને થતા અન્યાય સામેની લડતના એક ભાગ રૂપે અસ્પૃશ્યોને માટે અલગ મતાધિકારની માગણી કરતા હતા. ગાંધીજીને લાગ્યું કે આને લીધે તો હિંદુઓમાં સવર્ણ-અવર્ણ જેવા ભાગલા પડી જશે તથા સ્વાતંત્ર્યલડતમાં દલિતો ટેકો નહિ આપે એટલે, તેમણે એનો વિરોધ કર્યો તથા યરવડા જેલમાં આમરણ ઉપવાસ પર બેઠા. પરિણામે ડૉ. આંબેડકર પણ સવર્ણ હિંદુઓ પર અસ્પૃશ્યતાનિવારણ માટેનું દબાણ લાવવામાં સફળ ના થયા. હિંદુઓએ દલિતોના વિકાસ અર્થે ‘હરિજન સેવકસંઘ’ની સ્થાપના તો કરી પણ એના ઉદ્દેશોની પરિપૂર્તિ માટે જવલ્લેજ સક્રિયતા દાખવી. આઝાદી મળ્યે હવે ૬૭ વર્ષો થાય છે. તેમ છતાં, દલિતો તથા આદિવાસીઓ માટેની અનામત જોગવાઈ હજી ચાલુ રાખવી પડી છે, જેનો પોતાને સવર્ણ ગણતા હિંદુઓને નથી કશો સંકોચ થતો કે નથી કશી શરમ !
હિંદુસમાજના સદ્દનસીબે મુસ્લિમ શાસકો પણ ભારતમાં તેમના છ સૈકા જેટલા દીર્ઘ શાસન દરમિયાન જાતિપ્રથાને સ્પર્શ્યા નહિ, અડક્યા નહિ ને તેને જૈસે થે રાખી. હા, તેમણે અસ્પૃશ્યોનું ધર્માંતર તો કર્યું પણ હિંદુ સમાજને તો તેમણે યથાવત જ રાખ્યો અને બ્રિટિશરોએ તો ધર્માંતર કરતાં પણ વધારે ખરાબ કામ કર્યું. તેમણે નાતજાત કે એવા બીજા કોઈ પણ ભેદ રાખ્યા વિના ભારતમાં સૌને માટે આધુનિક શિક્ષણ મેળવવાની તકો ને સુવિધાઓ ઊભી કરી આપી. તેમનો આવો અભિગમ તો હિંદુસમાજમાં એક બહુ ક્રાંતિકારી પગલું બની ગયું. કારણ હિંદુસમાજમાં આજ લગી માત્ર ઉપલી બે જાતિઓને જ ભણવાનો હક હતો; બાકીને નહિ. જો બ્રિટિશરો આવું પગલું ભરીને આધુનિક શિક્ષણ અને તેની સાથે આધુનિક વિચારસરણી ના લાવ્યા હોત, તો શ્યામજી કૃષ્ણવર્મા સંસ્કૃત વિદ્વાન ના બની શક્યા હોત અને મોહનદાસ કરમચંદ ગાંધી બૅરિસ્ટર પણ ના બન્યા હોત. હકીકતે તો ક્રિશ્ચિયાનિટીએ નહિ, પણ બ્રિટિશરોએ જે આધુનિક શિક્ષણ આણ્યું તેણે, હિંદુસમાજ સામે મોટો પડકાર ફેંક્યો છે.
દક્ષિણ ભારતમાં પ્રસ્તુત આધુનિક શિક્ષણે આણેલ ક્રાંતિની ભારે અસર થઈ છે. ‘જસ્ટિસ પાર્ટીએ પક્ષે’ બ્રાહ્મણ વિરોધી ઝુંબેશ ઉપાડી તેણે અને ત્યાર બાદ પેરિયારની દ્રાવિડ ઝુંબેશે દક્ષિણ ભારતને ઉત્તર ભારત કરતાં સાવ જુદું સ્વરૂપ બક્ષ્યું છે; તેની કાયાપલટ કરી નાખી છે. ફક્ત ઉત્તર ભારત એનું એ જ રહી ગયું છે. હિંદુત્વ-ઝુંબેશનો અડ્ડો BIMARU રાજ્યોમાં જ છે. વળી, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતમાં વધારે ઊંચો છે.
જાતિ (જ્ઞાતિ) પ્રથા હિંદુ સમાજને અલગ-અલગ ટુકડાઓમાં વિભાજિત કરી નાખે છે. વિ.હિ.પ. ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનાં સ્વપ્ન જોઈ રહી છે. પરંતુ, એક વરવું સત્ય વિસારે ના જ પડાય અને સતત ધ્યાનમાં રાખવું પડે કે હિંદુ હોવું એટલે વિભાજિત હોવું, ટુકડા હોવું; એક અખંડ રાષ્ટ્ર નહિ. અને માત્ર ને માત્ર અખંડ ભારત, રાષ્ટ્રને વિ.હિ.પ.થી બચાવી લેશે એમાં લગીરે શંકા નથી.
અનુવાદ ઃ ફાધર વિલિયમ
(મૂળ લેખ ‘બીઇંગ અ હિંદુ’, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, તા. ૨૯-૩-૨૦૧૫)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2015; પૃ. 07